શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
મધ્યકાલીન ભારતે એક રસપ્રદ વાતાવરણ અનુભવ્યું હતું. ભારતે પ્રથમ વખત હિન્દુ ધર્મ અને ઈસ્લામ ધર્મ વચ્ચેના મતભેદોને દૂર કરવાનો એક પ્રયત્ન અને ખરેખર સફળ પ્રયત્ન જોયો. આમ જોઈએ તો આ પ્રયાસ ભારતના બુદ્ધિશાળી વર્ગે આરંભ્યો ન હતો પણ તેની શરૂઆત તો જેને આપણે અજ્ઞાન, અભણ કહીએ છીએ તેવા ભારતના સામાન્ય જનસમૂહે કરી હતી.
આ પહેલાં હિન્દુત્વ અને ઈસ્લામ બન્નેના મતભેદો દૂર ન કરી શકાય તેમ કહેવાતું. જાણે કે તે બન્ને ધર્મો વિરુધ ધ્રુવ હોય તેવું હતું. મુસલમાનોની દૃષ્ટિએ હિન્દુ ધર્મ માત્ર મૂર્તિપૂજા કે સામૂહિક કે અંધશ્રદ્ધાનો ધર્મ છે, તેના આદર્શાે, તેની સાધના બધું વિસંગત છે; તેનાથી ઊલટું ઈસ્લામમાં બધું પવિત્ર અને પાવનકારી છે. ઈસ્લામ પ્રત્યેનો હિન્દુઓનો પ્રતિભાવ કંઈક જુદો છે. સામાન્ય રીતે હિન્દુઓ સહિષ્ણુ રહ્યા છે. ધર્મની દુનિયામાં બધા પ્રવાહોમાં તેમનો ઉપયોગ થયો છે. તેમના પોતાના ધર્મક્ષેત્રમાં તેમને દરેક જાતના આદર્શો અને સાધનાઓ જોયાં છે. તેમણે કોઈના પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર રાખ્યાં નથી. વળી તેમણે કોઈ પણ ધર્મ સંપ્રદાયને ઓછામાં ઓછા ગૂંગળાવ્યા છે. તેમની દૃષ્ટિએ દરેકે દરેક ધર્મ કે સંપ્રદાય આવકારવા યોગ્ય છે, જો તે નિષ્ઠાપૂર્વકના અને સત્ય માટેની અંતરની ઝંખનાના હોય. વળી તેઓ તે પણ જાણે છે કે બધાને પ્રકૃતિ અને રસરુચિ પ્રમાણે વિવિધતામાં માનવાની છૂટ હોવી જોઈએ. હિન્દુઓની દૃષ્ટિએ ધર્મ કોઈ એવો કોટ નથી કે જેથી કોઈ પણ માણસને તેની ચોક્કસ માન્યતાઓને રૂઢિગત વિચારોમાં બાંધી લેવાય. હિન્દુઓના ધર્મ વિશેના વિચાર અને આદર્શાેમાં આવી આશ્ચર્યકારક વિવિધતા જોવા મળે છે. વળી આ બધી બાહ્ય રીતે દેખાતી અનેકતા દ્વારા તેઓ સાચી એકતા શોધવાનો પ્રયત્ન કરે છે, એટલે તેઓ ઈસ્લામના વિરોધી હોય તેવું માની શકાય. વાસ્તવિક રીતે તેઓ કંઈક નવું જાણવા આતુર, જિજ્ઞાસુ અને રસ ધરાવતા હોય છે. અહીં ધર્મના આદર્શાે અને વિચારોની એક નવી પદ્ધતિ હતી અને હિન્દુઓ તેને પરખવા ઇચ્છતા હતા, તે લાભદાયી હોય તે જોવા ઇચ્છતા હતા. હજારો વર્ષથી આવા અસંખ્ય આદર્શાે અને વિચાર શ્રેણીઓને જેમણે જાણી – પરખી હતી તેમ સમય જતાં તેમણે ઈસ્લામને સ્વીકાર્યો – આત્મસાત્ કર્યો. મુસલમાનોની બાબતામાં આજે હિન્દુ ધર્મમાં એ એક સંપ્રદાય બની ગયો.
પણ કમભાગ્યે આવું બન્યું નહીં, કારણ કે ઈસ્લામે ભારતમાં રાજકીય શાસકની તલવારથી આક્રમણ કર્યું. તે એક સ્વચ્છ, નિર્મળ ધર્મ આંદલનરૂપે ન આવ્યો. તે તો ઓચિંતાના હિંસક આક્રમણરૂપે આવ્યો. તે શાસકીય સંગઠન કે એકતા અને હિન્દુઓની ધર્મ વિશેની સ્વતંત્રતા પર એક આક્રમકરૂપ હતું. અને લીધે હિન્દુઓને ઈસ્લામ પ્રત્યે શંકા સેવતા બનાવી દીધા અને રાજકીય રીતે પરાજિત બનેલ હિન્દુઓએ નિમ્નપણાની લાગણી અનુભવી અને ઈસ્લામનો સ્વીકાર કરવો પડ્યો. એનાથી એનો ગર્વ ભાંગ્યો. તેમને માટે આ અણગમતું હોવાથી એક ખિન્ન મનના ઉદાસીપણાનું વલણ તેમણે અપનાવ્યું. તેમની સાથે કોઈ અદલાબદલી થઈ શકે તેમ ન હતું અને ધર્માતરણને અટકાવવા તેમણે જ્ઞાતિજાતિના નિયમો વધારે સખત કર્યા અને ઈસ્લામ સ્વીકારે તો જ્ઞાતિજાતિના બહિષ્કારને વહન કરવો પડ્યો. આ એક હિન્દુઓના ઇતિહાસમાં પૂર્વે ન બન્યું હોય એવું દુ :ખદ પગલું હતું. એટલે હિન્દુ અને મુસલમાનો વચ્ચે એક અડચણ બંધન જવું આવ્યું. આમ છતાં પણ સામાજિક વ્યવહાર અને વિચાર-વિનિમયની બાબતમાં આ બન્ને જાતિઓ વચ્ચે અશકય જેવું કંઈ ન હતું. મોગલ દરબારમાં થતી તંદુરસ્ત ચર્ચામાં પોતપોતાના ધર્મના સિદ્ધાંતોની રજૂઆત કરવામાં ધર્મના પ્રતિનિધિઓમાં આ ભેદભાવ દેખાતો નહીં. ભારતીય પ્રણાલીઓ પ્રમાણે આવી ચર્ચાઓ હંમેશાં મૈત્રીપૂર્ણ અને સારા તંદુરસ્ત વિનોદવાણી બની રહેતી. આમ છતાં પણ આ બન્ને વચ્ચેની દીવાલ તો અકબંધ રહી અને એવા વિચારે સ્થાન લીધું કે હિન્દુ ધર્મ અને ઈસ્લામ ધર્મ મૂળભૂત રીતે જુદા જુદા છે અને પરસ્પર વિરોધી પણ છે એટલે એ બન્નેની વચ્ચે સમત્વ કે એકતા સાધવી એ અશક્ય વિચાર હતો.
આવા વિચિત્ર અને વિસંવાદી ધર્મની પશ્ચાત્ ભૂમિમાં તેમજ ધર્મના સંઘર્ષ અને એનક મૂંઝવણોની વચ્ચે હિન્દુ ધર્મ અને ઈસ્લામની વચ્ચે એક શેતુ રચવાનું કાર્ય કરવા એક જ્ઞાની સંત અવતર્યા. તેઓ એમાં અંશત : સફળ પણ થયા. આ સંત હતા સંત દાદુ. જન્મે મુસ્લિમ એવા દાદુના ગુરુ હતા હિન્દુ. આ જ હકીકતે ઈસ્લામ અને હિન્દુ ધર્મ એક બીજાની વધારે નજીક આવ્યા. તેમણે એવા ધર્મની સાધના કરી કે જેમાં અક્કડ કે કઠોર વલણ ન હતું. તે ઈસ્લામ પણ ન હતો અને હિન્દુ ધર્મ પણ ન હતો. એમાં બન્ને ધર્મોનું હાર્દ સમાયેલું હતું. વાસ્તવિક રીતે ધર્મનું સારભૂત તત્ત્વ હતું.
બધા ધર્મોના દૃષ્ટિકોણનું સંમિશ્રણ કરવાનું, તેમને સુસંવાદી બનાવવાનું આ એક મહાન અને મુખ્ય સાહસ કાર્ય હતું. બધા ધર્મોના આદર્શાે સમાન છે – ભલે એનાં રૂપ જુદાં જુદાં હોય આ વાત પર ભાર દઈને દાદુએ આ કાર્ય કર્યું. એમની ‘હિન્દુ’ અને ‘મુસલમાન’ એ કૃત્રિમ અને મનસ્વી ભેદભાવ હતા અને આ ભેદભાવને ઈશ્વરને માન્ય નથી. જ્યારે આવાં હિન્દુ અને મુસલમાન વચ્ચેનાં બંધનોને તોડી પાડવાનો આરોપ મુકાયો ત્યારે તેમનો જવાબ હતો કે આવાં બંધનો ટકી જ ન શકે, કારણ કે દરેક સ્થળે માનવ એ માનવ જ છે અને દરેક ધર્મમાં એક જ ઈશ્વર છે. એટલે માનવ માનવ વચ્ચે ખાઈ ઊભી કરવી એ બુદ્ધિવિહોણું છે. એનાથી ઈશ્વર તરફ માનવને આગળ વધવામાં કોઈ મદદ મળતી નથી અને એની ઉન્નતિને એ રોકે છે. એમની દૃષ્ટિએ ધર્મ એ ગહન રીતે વ્યક્તિગત વાત છે અને તે દરેક દરેક વ્યક્તિનાં રસરુચિ અને આવશ્યકતા પ્રમાણે ભિન્ન ભિન્ન હોય છે.
તેમણે પોતાનાં વ્યવહારવર્તન, પોતાના વ્યક્તિગત જીવનના દૃષ્ટાંતરૂપ ઉદાહરણો, પોતાના ઉપદેશથી હિન્દુ ધર્મ અને ઈસ્લામ વચ્ચે સુસંવાદિતા લાવી હતી. ધાર્મિક કલહો ત્યારે જ ઊભા થાય છે કે જ્યારે ધર્મનાં મૂળભૂત તત્ત્વો ભુલાય છે. દાદુએ ધર્મ ધર્મ વચ્ચેનાં આ મૂળભૂત તત્ત્વ પર વધારે ભાર દીધો અને તેને મૂર્તસ્વરૂપ આપ્યું. તે તત્ત્વો આ છે : માત્ર ઈશ્વર કે અલ્લાહ જ સત્ છે, બીજું કંઈ નહીં, તેમને પ્રાપ્ત કરવા આવશ્યક છે પ્રેમ અને હૃદયની ઝંખના. ધર્મ સંપ્રદાયો વચ્ચેના ઝઘડા મૂર્ખામી છે. આવા ઝઘડા કહેવાતા બુદ્ધિશાળીઓની એક પ્રકારની ચાલ છે. દાદુ આ બધાં સારભૂત તત્ત્વોનું ઉદાહરણ હતા. હૃદયની આતુરતાવાળી પ્રેમભક્તિની મદદથી સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક ભવ્યતા પ્રાપ્ત કરી શકાય છે તેનું દેખીતું ઉદાહરણ દાદુ હતા. ઈશ્વરને પામવા માટેનો એમનો અભિગમ કોઈ છેતરામણી રીતવાળી વિદ્વત્તા કે ઝઘડાખોર મેધાવી પણું ન હતું, પણ ઈશ્વર કે અલ્લાહને પામવા માટે તીવ્ર ઝંખનાવાળી શ્રદ્ધા અને સર્વવ્યાપી પ્રેમની જરૂર છે.
દાદુના કુળ વિશે ઘણી વાતો વહેતી થઈ હતી. એમાંથી કઈ સાચી અને કઈ ખોટી એ કઈ શકાય તેમ નથી. આમ છતાં પણ સોળમી સદીની ચાલીસીમાં એક મુસલમાન મોચી કુટુંબમાં એનો જન્મ થયો હતો. નાનપણમાં એ ભાવિમાં જે બન્યા એવું કોઈ ચિન્હ્ દેખાતું ન હતું. તે બીજાં બાળકો જેવો જ એક સામાન્ય બાળક હતો. અગિયાર વર્ષની ઉંમરે કબીર પંથના બુદ્ધન્ન (બુદ્ધાનંદ) નામના એક સંન્યાસી સાથે પોતાના ગામમાં એનો ભેટો થયો. એનાથી એનું જીવન પરિવર્તન થઈ ગયું. બુદ્ધન્ન આ બાળકની ભીતર રહેલી ભવ્ય શક્તિઓને ઓળખી ગયા અને તેના પર એનો જબરો પ્રભાવ પડ્યો. એટલે એને બીજા છોકરાઓથી અલગ તારવીને તેને અલગથી ઈશ્વરજ્ઞાન આપવા માંડ્યું.
વાસ્તવિક રીતે તેના ગુરુએ શું કહ્યું તેને ખબર નથી. દાદુએ તે વિશે કંઈ વાતેય નથી કરી. બુદ્ધન તેને ફરીથી મળ્યા તે પહેલાંનાં સાત વર્ષ તેણે કેવી રીતે ગાળ્યાં તેનો પણ ખ્યાલ નથી. આમ જોઈએ તો તે શક્ય છે તે તેણે માત્ર પોતાના કુટુંબપરિવાર ચલાવવાનું પહેલાંની માફક કાર્ય કર્યું. પરંતુ તેના અંતરની દુનિયામાં ડોકિયું કરીએ તો આટલી ધારણા કરી શકાય કે બુદ્ધન્ને જે અધ્યાત્મનું બીજ તેના હૃદયમાં વાવ્યું હતું તે ધીમે ધીમે અંકુરિત થતું ગયું અને જેનાથી બુદ્ધન્ન જ્ઞાત હતા તેવા તેની ભીતર રહેલા સ્રોતમાંથી તે પોષક તત્ત્વો મેળવતો રહ્યો. જ્યારે બુદ્ધન્ન ફરીથી આવ્યા ત્યારે દાદુ તે પોતાના જાગૃત ચેતનાવાળા મનમાં આધ્યાત્મિક જીવનમાં સાચી ડૂબકી મારવાનું નક્કી કરી લીધું હતું. બુદ્ધન્ન પણ આ સુખદ ઉન્નતિની જાણે કે રાહ જોઈ રહ્યા હતા. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે ઈશ્વરને પામવા વિશે સંપૂર્ણ સૂચનો આપ્યાં અને પોતાની માન્યતા પ્રમાણે તપોમય આધ્યાત્મિક જીવનનાં રહસ્યો પણ તેને સમજાવી દીધાં. આ સમયે દાદુનો પ્રતિભાવ કેવો હતો, તે આપણે જાણીએ છીએ : બુદ્ધન્નના ચાલ્યા ગયા પછી હવે દાદુને ખ્યાલ આવ્યો કે પ્રામાણિકતાથી ૫ાઈ પાઈ રળીને જે ક્ષુદ્ર જીવન જીવતો હતો, આટલા લાંબા સમયથી જે કારીગરરૂપે જીવન જીવતો હતો અને જેનાથી તે સંતુષ્ટ હતો એ જીવન તે જીવી શકે તેમ નથી. જેમ ભગવાન બુદ્ધને પ્રારંભમાં ભીતરનો અંતરનાદ આવ્યો હતો તેમ તેમણે પણ આવો સતત આવતો અંતરનાદ અનુભવ્યો. તેને લીધે તેમને પોતાનાં સાધનો ફેંકી દેવા, કુટુંબ સાથેનાં બધાં બંધનો તોડી નાખવા અને આ વિશાળ જગતમાં સત્યની શોધના માટે નીકળી પડવા પ્રેર્યા. નિરંતર પરિવ્રજ્યા કરીને તેમણે અનેક પવિત્ર સ્થાનોની મુલાકાત લીધી. એ બધાં સ્થળે તેમણે ભિન્ન ભિન્ન સંપ્રદાયના સંતો, સાધુઓનો સંપર્ક સાધ્યો અને તેમની રીતિનીતિ જાણી. રસ્તામાં જે કોઈ આધ્યાત્મિકતાનો સ્રોત સાંપડે તેમાંથી અધ્યાત્મજળ પીવા માટે ઝંખતા એક સાધક જેવા તેઓ બની ગયા.
તેઓ હિન્દુઓને અને મુસલમાનોને ઘરે સમાન ભાવે આવકારતા. શાક્તો પણ આવતા અને વૈષ્ણવો પણ આવતા. બૌદ્ધો અને જૈનોને પણ આવકાર મળતો. દાદુ દરેક હવામાનમાં ઊછરી શકે એવા પ્રબળ છોડ જેવા બની ગયા. આમ છતાં પણ તેઓ કોઈ એક ચોક્કસ ધર્મસંપ્રદાયના બની ન રહ્યા. તેમને આવી માનવસર્જિત સંસ્થાના ઉપયોગની જરૂર ન હતી. કોઈ નિશ્ચિત માન્યતા કે રીતિનીતિમાં બંધાઈ જવાનું તેમને પસંદ ન હતું. તેઓ ખરેખર સાચી વૈશ્વિક ભાવનાવાળા હતા એટલે તે સર્વનો સ્વીકાર કરતા અને કોઈનીયે અવગણતા ન કરતા. આમ છતાં પણ તેઓ એક જ ઈશ્વરમાં માનતા અને કોઈપણ વ્યક્તિના આત્માની અંતિમ એકતા થાય તેમ ઇચ્છતા. આ દૃષ્ટિએ તે વેદાંતી સમા હતા.
દાદુએ આવી વિશાળ દૃષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરી તે કહેવું મુશ્કેલ છે. તેમના ગુરુ જે આધ્યાત્મિક વિચારસરણીના હતા એવા કબીરની વિચારસરણીનો પ્રભાવ બીજા કોઈના કરતાં તેમના પર વધારે હતો. આમ છતાં પણ એ બધા દૃષ્ટિકોણની ઉદારતા અને વિશાળતામાં તેમજ સર્વગ્રાહિતામાં દાદુ જેટલા સ્પષ્ટ ન હતા. પોતાની વિસ્તૃત યાત્રા અને સૂક્ષ્મ નિરિક્ષણ સાથે દાદુની પોતાની આધ્યાત્મિક સત્ય વિશેની અંત : પ્રેરણાના મિશ્રણવાળી આ નવી વિસ્તૃત અને વ્યાપક વિચારસરણી હતી. તેમણે હિન્દુ ધર્મ અને ઈસ્લામની વચ્ચે સુસંવાદિતા સ્થાપી સાથે ને સાથે એ સમયના બીજા ધર્મ સંપ્રદાયોની વચ્ચે આ સંવાદિતા લાવી દીધી. આ બધું તેમણે માત્ર સમીપતાની પ્રક્રિયા કે જેને વધારે ભવ્ય કહેવાય એવી રીતે કર્યું કે અનુભવ્યું નથી. તેમણે તો બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં રહેલાં સામાન્ય સત્યોને ઓળખીને અને તેની મૂળભૂત રચનાગત અને બધાની વચ્ચે સ્વાભાવિક રીતે રહેલી સંવાદિતા પર ભાર મૂકીને કર્યું છે. ગમે તે કાળે આવું કાર્ય કરવું તે મહાન બાબત છે અને દાદુએ આ અદ્ભુત કાર્ય સોળમી સદીના પૂર્વભાગમાં કર્યું છે.
પોતાના દીર્ઘકાળના પ્રવાસના અંતે આપણને જોવા મળે છે કે દાદુ રાજપૂતાનામાં કોઈ સ્થળે સ્થિર થયા. કોઈ એક સમયે તેમણે લગ્ન કર્યાં અને તેઓ અહીં પત્ની અને સંતાનો સાથે શાંતિથી જીવન જીવ્યા. તેમનું આ જીવન સંપૂર્ણ શાંતિવાળું ન રહ્યું કારણ કે દાદુની કીર્તિ દૂરસુદૂર સુધી ફેલાઈ ગઈ અને લોકોનાં ટેળે ટોળાં ઉમટવા લાગ્યાં. તેઓ બધાને સમાન આદરથી આવકારતા અને બધાની શંકાનું નિવારણ કરતા. તેમાંથી કેટલાક તો તેમની કસોટી કરવા કે તેમની હાંસી ઉડાડવા આવતા. દાદુએ આવી બાબતો પર ધ્યાન ન આપ્યું અને તેઓ પોતાના કાર્યમાં અટળ રહ્યા પરિણામે એવા લોકો પણ સારી છાપ લઈને ચાલ્યા જતા. વળી કેટલાક તો તેમને લલચાવવા કે ધાકધમકી આપવા આવતા. પણ દાદુએ તો જરાય મચક આપ્યા વિના સાચા સાધકોને માર્ગદર્શન આપતા અને સત્યનો ઉપદેશ આપતા રહ્યા. તેમનાં ચરણે મુસલમાનો પણ આવતા અને હિન્દુઓ પણ આવતા. ઘણા લોકો તેમના અનુયાયીઓ પણ બન્યા. તેમને મળવા આવનારમાં સામાન્ય માણસથી માંડીને રાજા-બાદશાહો પણ હતા અને પછીથી મહાન અકબર પણ તેમને મળવા ગયા હતા. અકબર સાથેની તેમની મુલાકાતની વાત કેવી રસપ્રદ છે ! તે વાર્તામાં આ બન્ને મહાન આત્માઓના વ્યક્તિગત ચારિત્ર્યની ગુણવત્તા વ્યક્ત થાય છે. અહીં તેની કેટલીક નોંધ આપવી યોગ્ય ગણાય. (ક્રમશ 🙂
Your Content Goes Here




