(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમની નોંધો અગત્યની છે, કારણ કે આપણને ૧૩, નવેમ્બર, ૧૮૯૧; તુલસી વિવાહના દિવસે સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં હોવાનો પુરાવો મળે છે. – સં.)
આજરોજ પૂ. મેરી લૂઈ બર્ક (ગાર્ગી મા), નૌમિતાબહેન, શોભાબહેન અને હું પૂ. રેવાશંકર અનુપરામ આચાર્યને મળવા ગયાં. રેવાશંકર આચાર્ય ‘શતપથ માર્કંડ’ના અભ્યાસી છે. આ ગ્રંથમાં સાત હજાર છસો ચોવીસ મંત્રોનો સમાવેશ છે. અમે તેમના ઓરડામાં પ્રવેશ્યા અને શ્રદ્ધાપૂર્વક તેમને પ્રણામ કર્યા. અમારા સહુનો પરિચય આપ્યો અને અમે તેમની પાસે સ્વામીજીનાં સંસ્મરણો સાંભળવાની ઉત્કંઠાથી બેઠાં.
અમે પ્રશ્ન પૂછ્યો, “આપે સ્વામી વિવેકાનંદજીને જોયા હતા?”
જવાબ આવ્યો, “વિવેકાનંદજીને કેવળ જોયા જ ન હતા પરંતુ વાતચીત પણ થઈ હતી. ત્યારે મારી ઉંમર પંદરથી સોળ વર્ષની હતી અને હું સંસ્કૃત પાઠશાળામાં ભણતો હતો.
“પોરબંદર સ્ટેટના દીવાન શંકર પાંડુરંગ પંડિતના પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદજી મહેમાન હતા. ભોજેશ્વર બંગલામાં તેઓ રહેતા હતા ત્યારે સ્વામીજીએ અમારા શાસ્ત્રીજીને કહ્યું હતું કે તમારા વિદ્યાર્થીઓને મારી પાસે લઈ આવો. આ રીતે અમે શાસ્ત્રીજી સાથે સ્વામીજી પાસે ગયા.
“શંકર પાંડુરંગના બે પુત્રો—વામન અને માધવ મારા મિત્ર હતા. તેથી સ્વામીજી પાસે તેમની સાથે અવારનવાર જવાનું થતું. મસુરેકર એમની અટક હતી. એમની ઘરે હું પણ જતો અને પંડિતના પુત્રો ભોજેશ્વરમાં નાહવા જતા તેમની સાથે હું બંગલામાં જતો. સ્વામીજીને મેં ભોજેશ્વર બંગલાની કેબીનમાં જોયા હતા. સીડીની જમણી બાજુ બંગલાના અગ્નિકોણમાં ઉપરના ભાગમાં કેબીન છે.
ગોવિંદદાસજી એક રાજકુમાર જેવા ઠાઠવાળો વિદ્યાર્થી હતો. શીંગાળા મહંતનો પટ્ટશિષ્ય હતો. સોળ ગાઉ દૂર આવેલું એક ગામડું છે. જુનાગઢના દીવાન હરિદાસ બિહારીદાસની ભલામણ લઈને આવ્યા હતા. સ્વામીજીએ વિદ્યાર્થીઓને બોલાવ્યા. શીંગાળા મહંત અને ગોવિંદદાસ પર સ્વામીજીની પહેલી નજર પડી અને પૂછ્યું, ‘તમે શું ભણો છો?’
જવાબ : કાશીમાં ભણીને આવ્યો છું. સામવેદના છ મંત્રો ભણી આવ્યો છું.
સ્વામીજી : તમે ત્યાંથી પાછા કેમ ફર્યા? અભ્યાસ કેમ છોડ્યો?
જવાબ : કાશીમાં કારેલું (કોલેરા) થયું હતું.
હસાહસ થઈ પડી. સ્વામીજી ખડખડાટ હસ્યા ત્યારે તેના પડઘા પડતા હતા. આ વખતે હું ત્યાં હાજર હતો અને બધું સાંભળતો હતો.
સ્વામીજી : તમે શું ભણ્યા છો?
જવાબ : અત્યારે હું પંચતંત્ર અને ઇસપની નીતિકથા ભણું છું.
મેં બે શ્લોકો તેમાંથી બોલી બતાવ્યા.
સ્વામીજી હસ્યા અને પંડિતજીની સામે જોયું. પછી શિયાળની વાર્તા કરી. સમય થઈ ગયો તેથી પંડિતજી સાથે ફરવા ગયા. રણમાં જ્યાં નાળિયેરીનાં વૃક્ષો વાવ્યાં હતાં ત્યાં ફરવા જતા.
પંડિતસાહેબ અને સ્વામીજી રણમાં ભાલો-સ્પીઅર લઈને ફરવા જતા. સ્વામીજી સાદી લાકડી રાખતા.
સ્વામીજીને મેં કિશોરાવસ્થામાં જોયા હતા અને તેમની વાતો હું ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતો. મારા તરફ તેમનો ખુશીભાવ હતો. શુદ્ધભાવે સ્મિત કરતા.
પ્રશ્ન : સ્વામીજીનાં સંસ્મરણો યાદ કરો છો ત્યારે આપને કેવું લાગે છે?
જવાબ : સ્વામી આત્મસ્થાનંદજી પાસેથી મેં બીજો ફોટો (સ્વામીજીનો) મેળવ્યો છે. મને ખૂબ આનંદ આવે છે. સૂતા-જાગતા ઘણી વખત સ્વામીજીનાં સંસ્મરણો તાજાં થાય છે. સ્વામીજી જ્યાં ફરતા ત્યાં જાહેર રસ્તામાંથી જોઈ શકાતું. અત્યારે ત્યાં મકાનો થઈ ગયાં છે.
કાર્તિક સુદ અગિયારસ—દેવદીવાળીના દિવસે એ જ વરસે તુલસીવિવાહના પ્રસંગે સ્વામીજીને જોયા હતા અને સાંભળ્યા પણ હતા. ભોજેશ્વર બંગલામાં ઉત્તર તરફ એક ખાનગી ફળિયું છે. તે દિવસે તે પ્રાંગણમાં સંધ્યાકાળ પછી તુરત જ પંડિતસાહેબનાં પત્નીએ તુલસીવિવાહનું આયોજન કર્યું હતું. તુલસી અને શાલિગ્રામનો વિવાહ કરાવવા ભોજેશ્વરના પૂજારી આવ્યા હતા. અમે બધા છોકરાઓ ત્યાં હાજર હતા. પૂજારીનો છોકરો, માધવ, વામન અને હું ત્યાં બેઠા હતા. શ્રીમતી પંડિત તુલસીપૂજા કરતાં હતાં. તેવામાં શંકર પાંડુરંગ પંડિત અને સ્વામીજી ઉત્તરનાં પગથિયાં ઊતરી તુલસીવિવાહના સ્થળે આવ્યા. તરત જ પૂજા અટકી.
સ્વામીજીએ પંડિતસાહેબનાં પત્નીને પૂછ્યું, ‘આ તમે શું કરો છો?’
જવાબ : આ શાલિગ્રામ છે અને આ તુલસીજી. તેમનો વિવાહ કરીએ છીએ.
સ્વામીજી : શાલિગ્રામ જડ છે, તુલસી વનસ્પતિ છે—બંનેનો વિવાહ કેવી રીતે થઈ શકે?
પછી સ્વામીજીએ કહ્યું, ‘જુઓ, આ શાલિગ્રામ છે, એ શંખની જેમ ગંડકી નદીનો જીવ છે, એમાં છિદ્ર છે. જેમાં શાલ નામનો જીવડો રહે છે. તેનો ખોરાક તુલસી છે અને એ જંતુ તુલસી ખાઈને જીવે છે, મદમસ્ત થાય છે ત્યારે સોનું પાકે છે! એટલે એ બંનેનું જોડાણ થયું અર્થાત્ વિવાહ થયો.’
પંડિત સાહેબે કહ્યું: ‘Yes.’
સ્વામીજીએ તુલસીવિવાહનું તથ્ય આપતાં કહ્યું કે આ સોના પર પવિત્ર બ્રાહ્મણો પોતાનું જીવનનિર્વાહ કરે છે અને વેદ ધર્મનું પાલન કરે છે, બીજાને શિક્ષણ આપે છે.
બાઈ સામે જોઈને સ્વામીજીએ પૂછ્યું, ‘કેમ, સમજ્યાં ને!’ બાઈએ હાથ જોડ્યા અને ‘હા’ કહીને અધૂરી પૂજા પૂરી કરી અને આરતી કરવા પંડિત સાહેબ અને સ્વામીજી ઉપર ચાલ્યા ગયા.
પંડિત સાહેબનાં પત્નીએ પૂજારીને ઉદારતાથી દાન-દક્ષિણા આપીને તુલસીવિવાહની સમાપ્તિ કરી હતી. સ્વામીજી હિંદીમાં બોલતા, કોઈક વખત બંગાળી શબ્દો આવતા, જે અમે સમજી ન શકતા. સંસ્કૃત શબ્દો વધારે આવતા.
Your Content Goes Here




