(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં જયરામવાટીની પાસેના જ ગામ વદનગંજમાં 7મા ધોરણમાં ભણતા હતા. ત્યારથી જ તેઓ જયરામવાટીમાં શ્રીમાની પાસે આવતા અને તેમની સેવા કરીને ધન્ય બન્યા હતા. મહારાજજીની આ સ્મૃતિકથાનું એક આગવું મહત્ત્વ છે. – સં.)
હું માની સાથે બેસીને શાકભાજી સમારતો, ચૂલામાં અગ્નિ પેટાવી દેતો, લોટ બાંધીને રોટલી કે પૂરી વણી દેતો, પાન બનાવતો; ફૂલ, તુલસી, બિલ્વપત્ર, દૂર્વા ચૂંટી દેતો અને ચંદન ઘસી દઈને પૂજા માટે પુષ્પપાત્ર સજાવી દેતો. જો ફળ હોય તો કાપી દેતો. ત્યારે તો જયરામવાટીના બજારમાં ફળમૂળ મળતાં નહીં. ફળમાં માત્ર કોળું તથા મૂળમાં ફક્ત બટાકા મળતાં. ગામમાં એક જ નાની દુકાન હતી. દુકાન એટલી નાની હતી કે એક વાર મને પાશેર ખસખસ ખરીદવા માટે મોકલ્યો હતો. તે માગતાં જ દુકાનદારે કહ્યું, “તને જો પાશેર આપી દઉં તો બીજાને શું વેચીશ? મારી દુકાનમાં માત્ર પાશેર જ છે.”
હવે તો મોટી મોટી ઘણી દુકાનો થઈ ગઈ છે. મા મને એક સાથે બે પાન ખાવા આપતાં અને એમની સાથે રહેતી છોકરીઓને કહેતાં, “રામમયને પાન ખાતો જોઈને ખૂબ આનંદ થાય. કાળો વર્ણ અને બે હોઠ એકદમ લાલ—મને થાય જાણે કે કોલસામાં ચિનગારી લાગી છે!” મારું પૂર્વાશ્રમનું નામ રામમય હતું.
અન્ય એક દિવસ પુણ્યપુકુરના ઉત્તર કિનારાના બગીચામાં હું અને જ્ઞાન મહારાજ કેળાના રોપા રોપતા હતા. સવારથી જ કામ શરૂ કર્યું હતું. કામ કરતાં કરતાં ભોજનનો સમય વીતી જવા લાગ્યો, તેથી મા તળાવના કિનારે આવીને ભોજન માટે અમને બન્નેને પોકારવા લાગ્યાં. અમે ‘આવીએ છીએ’ કહ્યું. થોડી વાર પછી મા ફરીથી અમને વ્યાકુળતાપૂર્વક બોલાવવા લાગ્યાં. કહ્યું, “જમી પરવારીને કામ પૂરું કરજો.” હું અધિર થઈ ગયો, પરંતુ જ્ઞાન-દાએ જવા ન દીધો. ત્રીજી વાર માએ જ્ઞાન-દાને છોડીને મને જ પોકારતાં હું કોદાળી ફેંકી દોડ્યો ગયો. જ્ઞાન-દા કહેવા લાગ્યા, “હવે માત્ર થોડું જ બાકી છે, એક સાથે જઈશું,” એમ કહેવા છતાં પણ મેં સાંભળ્યું નહીં.
મા ખૂબ ખુશ થયાં અને કહ્યું, “જ્ઞાન છે બાંગાલ, એ લોકો ભયાનક જિદ્દી. કોઈની વાત સાંભળે નહીં, તું હાથ-મોં ધોઈને જમવા બેસી જા.” (બાંગાલ અર્થાત્ પૂર્વ બંગાળી. આઝાદી પહેલાં પૂર્વ અને પશ્ચિમ બંગાળ ભેગા જ હતા છતાં પણ પૂર્વબંગાળમાં રહેણીકરણી, ખાણીપીણી, ભાષા અને સંસ્કારોમાં કેટલીક નોંધનીય વિશેષતાઓ જોવા મળતી.)
હું જમવા બેસું છું, એ સમયે નલિનીદીએ, “બગીચાની જગ્યા ગંદી છે,” કહીને મને સ્નાન કર્યા વિના જમવા બેસવાનો નિષેધ કર્યો અને બોલ્યાં, “છી! છી! સ્નાન કર્યા વિના જમવાનું કેવી રીતે ગમે?” માએ એમને ધમકાવીને કહ્યું, “તું ચૂપ કર. આ તો બાળક સંતાન છે. સદા શુદ્ધ. એ લોકો ભલેને કશું પણ કરે, એમને દોષ ન લાગે. તારું મન અશુદ્ધ છે, એટલે જ તું છૂત-અછૂત કરીને મરે છે.” માના કહેવાથી હું જમ્યો. મા અત્યંત ખુશ થયાં.
ત્યારે જયરામવાટીમાં ભણેલ-ગણેલ લોકો બહુ ઓછા હતા. બહેનોમાં માત્ર ૨-૪ જણાં જ બંગાળીમાં નામ લખી શકતાં. મા કહેતાં, “બાંડુજ્યેની ઘરે નવી વહુ આવી છે. એ કલકત્તાની છે. એને ઘડિયાળમાં ચાવી દેતાં આવડે છે.” માને લાગતું કે ઘડિયાળમાં ચાવી દેતાં આવડવું, તે ખૂબ બુદ્ધિચાતુર્યવાળું કામ છે. કારણ કે, એમણે બી.એ-એમ.એ. પાસ સ્ત્રીઓ જોઈ નહોતી તથા હાથમાં ઘડિયાળ પહેરતી સ્ત્રીઓ પણ જોઈ નહોતી.
માને ફાનસ સાફ કરતાં પણ આવડતું નહોતું. મને કહેતાં, “બેટા, તું જ કર. એમાં ઘણી યંત્ર-કરામત છે, હું નહીં કરી શકું.” આ બાજુ તો મા વર્ણપરિચયનો પહેલો ભાગ પૂરો કરી બીજા ભાગની પ્રથમ લાઇન ‘ઐક્ય, માણિક્ય, કુવાક્ય’ સુધી શીખતાં જ ભાણેજ હૃદયે એમના હાથમાંથી પુસ્તક છીનવી લઈને કહ્યું હતું, “છોકરીઓએ વધારે લખવા-વાંચવાનું શીખવું સારું નહીં. એથી ચરિત્ર બગડી જાય, ચોરીછૂપીથી છોકરાઓ સાથે પત્રવ્યવહાર કરે અને નાટક-નોવેલ વાંચે.” (બંગાળીમાં પ્રાથમિક શિક્ષણ વર્ણપરિચય માટે પ્રથમ ભાગ, બીજો ભાગ એવાં પુસ્તકો છે. આ પુસ્તકો બંગાળના પ્રખ્યાત શિક્ષણવિદ્ વિદ્યાસાગરે લખ્યાં હતાં.)
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અક્ષરજ્ઞાન ન હોવા છતાં માનું આધ્યાત્મિક વિષયોમાં પૂર્ણ જ્ઞાન હતું. હું ત્યારે છોકરડો હતો. ભક્તો તથા સાધુ-બ્રહ્મચારીઓ માને અનેક પ્રશ્નો કરતા. મને ડર લાગતો—મા તો ‘કુવાક્ય’ સુધી જ ભણ્યાં હતાં—તેઓ આ બધા પ્રશ્નોનો ઉત્તર આપી શકશે કે કેમ? એ લોકો બેલુર મઠ જઈને પૂજનીય સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી સારદાનંદ વગેરેને જઈને પ્રશ્ન કેમ નથી કરતા? તેઓએ કેટલા શાસ્ત્રપાઠ કર્યા છે. પરંતુ મા ક્યારેય કહેતાં નહીં કે, “આ બધા પ્રશ્નોનો ઉત્તર રાખાલને, તારકને કે શરત્ને જઈને પૂછો.” તેઓ બધાના પ્રશ્નો સાંભળતાં તથા એવો ઉત્તર આપતાં કે જેથી પ્રશ્નકર્તાના બધા સંશયોનું સમાધાન થઈ જતું. હું એ ઉંમરમાં તો પ્રશ્નોનો અર્થ પણ સમજતો નહીં તથા મા જે ઉત્તર આપતાં, તે પણ સમજતો નહીં. પરંતુ જોતો કે જેનો પ્રશ્ન હતો તેઓ ખુશ થઈને પાછા જાય છે.
એક વાર પાવનાથી એક ભાઈ અને તેમનાં પત્ની મા પાસે દીક્ષા લેવા આવ્યાં હતાં. મા વિના સંકોચે બધાને દીક્ષા આપતાં. તેમની પણ દીક્ષા થઈ. ભાઈનું નામ હતું કાલીપદ રાય. તેઓ શાળામાં શિક્ષક હતા. પત્નીની ઉંમર ઓછી હતી. મારી સામે ઘૂમટો તાણવાથી માએ કહ્યું, “વહુમા, તું રામમય સામે પણ લાજ કાઢે છે? એ તો મારી દીકરી છે.” (લેખક રામમય મહારાજની ઉંમર ઓછી હતી અને એમનું મન પણ પવિત્ર હતું. માટે મા આમ કહે છે.) ત્યારથી વહુમા ઘૂમટો તાણતાં નહીં. એક દિવસ જોયું કે એ બહેન એકસાથે ત્રણ રોટલી વણે છે! ત્યાર સુધીમાં તેઓ મારી સાથે ખૂબ ભળી ગયાં હતાં. હું તેમની પાસે બેસી ગયો અને કહ્યું, “દીદી, મને શિખવાડી દો.” એમણે બતાવ્યું કે પહેલાં પાટલા પર થોડો લોટ ભભરાવીને, તેના ઉપર એક ગોયણું મૂકી તેને થોડું દબાવીને તેના ઉપર લોટ ભભરાવી દઈ, બીજું એક ગોયણું મૂકી અને તે પણ દબાવીને ફરીથી લોટ ભભરાવી તેને થોડું દબાવીને અને છેવટે ત્રીજું ગોયણું રાખીને એને પણ દબાવીને પાટલા પર લોટ સારી રીતે છાંટીને વેલણથી વણતાં ત્રણેય રોટલી ગોળ ગોળ ફરતી વણાતી જાય. હાથથી ફેરવવાની જરૂર ન રહેતી. જ્યારે કિનારી અને મધ્યભાગ એકસમાન પાતળો થઈ જાય ત્યારે ઉપરની બે રોટલી લઈ લોટ ખંખેરી કાઢવાથી ત્રણેય રોટલી તૈયાર થઈ જાય.
સમજી તો ગયો પણ વણવા ગયો તો જોયું કે ત્રણે ગોયણાં ચોંટી જઈને એક જ રોટલી થઈ ગઈ. વચમાં લોટ ઓછો ભભરાયો હશે. બીજી વાર વધારે લોટ ભભરાવ્યો તો ત્રણ રોટલી અલગ અલગ થઈ તો ખરી પરંતુ ભારતના નકશાની જેમ વાંકીચૂંકી થઈ ગઈ, ગોળ ન થઈ. એ જ રોટલીનાં વારંવાર ગોયણાં કરતાં કરતાં છેવટે ખૂબ સરસ ત્રણ રોટલી થઈ.
એક દિવસ પુરુષ-ભક્તો વધારે હતા. સ્ત્રી-ભક્તો કોઈ હતાં નહીં. માએ ખૂબ વધારે લોટ બાંધવા આપ્યો. મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો. માએ નલિનીદીદીને કહ્યું, “નલિની, તું રોટલી શેક. હું અને રામમય રોટલી વણી દઈએ છીએ.” મા નાના આરસપહાણના પાટલા ઉપર અબનૂસ (સીસમ જેવું) લાકડાના નાના વેલણથી એક એક કરીને રોટલી વણતાં હતાં, જ્યારે હું મોટા લાકડાના પાટલા ઉપર મોટા વેલણથી એક સાથે ત્રણ-ત્રણ રોટલી વણવા લાગ્યો. ઝડપથી રોટલીઓ વણાવા લાગી. એ સમયે અચાનક નલિનીદીદી બોલી ઊઠ્યાં, “ફૈબા, તમારા કરતાં રામમયની રોટલી સરસ ફૂલે છે.” જેવાં બોલ્યાં કે એવાં જ મા અભિમાન કરીને પાટલો-વેલણ સરકાવી દઈને બેસી ગયાં અને બોલ્યાં, “હું રોટલી વણતાં વણતાં ઘરડી થઈ ગઈ અને રામમય નર્યો બાળક, ગળું દબાવતાં મોંમાંથી દૂધ નીકળે. એ વળી મારા કરતાં સારી રોટલી વણે છે! હું હવે નહીં વણું. ભલે એ જ વણે.” (નાનું બાળક દૂધ પીએ, એનું આખું શરીર દૂધથી જ ભરેલું હોય. એટલે બંગાળીમાં જો કોઈ બાળક જેવો છે એમ કહેવું હોય તો કહે કે ‘એનું ગળું દબાવશો તો દૂધ નીકળશે’.)
મા તો પાટલો-વેલણ સરકાવીને બેસી ગયાં! હું પણ પાટલો-વેલણ સરકાવીને ઊભો થઈ ગયો અને માને કહ્યું, “જો તમે નહીં વણો, તો પછી હું પણ નહીં વણું, હું આ ચાલ્યો.” માએ જોયું કે બન્ને એક સાથે વણીએ તો ઝડપથી કામ પૂરું થાય તથા ઠાકુરને ભોગ દેવાનું અને છોકરાઓને પ્રસાદ દેવાનું મોડું ન થાય. તેથી તેઓ પાછાં વણવા બેઠાં. હું નલિનીદીદી પર ખીજાણો, “અમે બેઉ એક સાથે વણીએ છીએ, તને કેવી રીતે સમજાયું કે કઈ રોટલી માની છે અને કઈ મારી? હું શું ક્યારેય મા કરતાં સારી રોટલી વણી શકું? તું શું કામ ખોટી ખોટી તુલના કરે છે!”
અત્યારે મારી ઉંમર ૮૮ વર્ષની છે. જ્યારે આ બધું વિચારું ત્યારે માએ આ જે અભિમાન કર્યું હતું તેનું કારણ શાસ્ત્રમાં શોધતાં જાણવા મળ્યું કે આમનો (અવતાર અને શક્તિનો) અભિનવ-વ્યવહાર હોય છે. (અભિનવ અર્થાત્ જે માનવ-મનને અગમ્ય હોય તે. તેઓ એટલા ઉચ્ચ આધ્યાત્મિક શિખરે વિરાજમાન હોય છે કે તેઓનાં વ્યવહાર તથા કાર્યપ્રણાલી દિવ્ય અને અદ્ભુત દેખાય.) ક્યારેક બાળસહજ, તો ક્યારેક વિદ્વાનોચિત મુક્તહસ્તે બધાને ઉપદેશ આપે, બધાના પ્રશ્નોનું સમાધાન કરી આપે. વળી પાછાં નટખટ વર્તન પણ કરે.
શ્રીશ્રીમાનો ઘરનો ખર્ચ પૂર્ણ થઈ જતો પરંતુ હાથ પર રૂપિયા રહેતા નહીં, કશું બચતું નહીં. એક દિવસની વાત છે. માએ બોક્સ ખોલીને જેટલા રૂપિયા હતા તે લઈ આવવાનું કહ્યું. મેં કહ્યું, “અગિયાર રૂપિયા છે.” એમણે બધા રૂપિયા મને આપીને કહ્યું, “એક રૂપિયાનું તેલ, એક રૂપિયાનો લોટ, બે રૂપિયાનું ઘી વગેરે ખરીદી લાવજે.” મેં કહ્યું, “ના મા, તમે જેમ કહો છો એમ લખી લઉં છું. હું પાંચ શેર, અઢી શેર એવી રીતે હિસાબ કરીને ખરીદીશ જેથી ભાવતાલ કરવાનું સહેલું પડે.” મા ખૂબ ખુશ થઈને કહેતાં, “હા દીકરા, તું ખૂબ બુદ્ધિમાન છોકરો છે, તારી ઇચ્છા પ્રમાણે હિસાબ કરીને ખરીદી લાવજે. હું તો, દીકરા, આટલો હિસાબ ન કરી શકું.” ક્યારેક ક્યારેક રૂપિયા ખૂટી જતાં કહેતાં, “આજે અંગ્રેજી મહિનાની કઈ તારીખ છે?” હું ૨૭ તારીખ છે, એમ કહું તો તેઓ કહેતાં, “(મહિનો પૂરો થવામાં) હવે કેટલા દિવસ બાકી છે?” મેં ચાર દિવસ બાકી છે તેમ કહ્યું. તેઓ કહેતાં, “તો હવે શું? થોડા દિવસ પછી ઇન્દુના રૂપિયા આવશે, માસ્ટરના પાંચ રૂપિયા આવશે ત્યારે વધારે ખરીદી કરીશું.” રાંચીના ઇન્દુબાબુ મહિનાની ૧ અથવા ૨ તારીખે નિશ્ચિતપણે માને ૧૫ રૂપિયા મોકલતા. માસ્ટર મહાશય પણ ૫ રૂપિયા મોકલતા. એ સમયે ગામડામાં એક મણ ધાનના બે રૂપિયા હતા. (માસ્ટર મહાશય એટલે શ્રી મ., કથામૃતના લેખક.)
‘ઉદ્બોધન’ ‘તત્ત્વમંજરી’ વગેરે સામયિકો આવવાથી મા પૂછતાં, “‘ઉદ્બોધન’માં શરતે લખેલો કોઈ લેખ છે?” હોય તો વાંચવાનું કહેતાં. એક વાર ‘તત્ત્વમંજરી’માં સંસ્કૃતમાં એક સ્તોત્ર પ્રકાશિત થયું હતું. મેં તે વાંચી સંભળાવતાં મા બોલ્યાં, “બંગાળી અનુવાદ કરીને કહે.” ‘દેશીકેન્દ્રમ્’ વગેરે શબ્દોનો અર્થ ન આવડતાં તથા ત્યાં શબ્દકોશ પણ ન હોવાથી મેં કહ્યું, “બધા શબ્દોનો અર્થ આવડતો નથી. શાળાએ જઈને પંડિત મહાશય (સંસ્કૃતના શિક્ષક) પાસે સમજીને તમને જણાવીશ.” માએ જીદ કરીને કહ્યું, “તને જેટલું આવડે તેટલું કહે.”
નાની નાની વાતોમાં પણ માની ચકોર નજર હતી. એક દિવસ હું જમવાના સમયે પતરાળા ઉપર પાણી છાંટી ખંખેરીને પાથરી રહ્યો હતો. તે સમયે માએ કહ્યું, “આહા! દીકરાઓ જમશે, સારી રીતે ધોઈને રાખ, નહીં તો ધૂળિયું જ રહેશે. મારામાં જ્યારે શક્તિ હતી ત્યારે એક એક પતરાળું ધોઈને, કપડાથી લૂંછીને રાખતી.” અન્ય એક દિવસે હું જ્યારે ભોજન માટે આસન પાથરી રહ્યો હતો ત્યારે મા પોતાના ઓરડાના વરંડામાંથી જોતાં જોતાં બોલ્યાં, “સીધાં નથી (એક લાઇનમાં નથી પથરાયાં).” મેં થોડાં સીધાં કર્યાં પછી પણ એમણે કહ્યું, “હજુ પણ નથી થયાં.” મારી ક્યાં ભૂલ થાય છે એ ન સમજી શકવાથી એમણે પોતે આવીને સરખી રીતે પાથરી દીધાં. ત્યારે જોયું કે બધાં આસનો વચ્ચે એક સમાન અંતર હતું અને આસનની આગળની કિનારી એક સીધી લાઇનમાં પથરાયેલી હતી.
Your Content Goes Here





