મહારાજ, આપ તો સાધુ મહાત્મા છો. કંઈક ઉપાય બતાવોને? મારી વહુનાં છોકરાં જીવતાં જ નથી. ચાર બાળકો થયાં, પણ જન્મીને થોડાક દિવસમાં જ મરી જાય છે. આથી દીકરોને વહુ બહુ જ દુ:ખી રહે છે. શું એવો કોઈ ઉપાય નથી કે બાળક જીવી જાય?’
પોતાના આંગણે ભિક્ષા માંગવા આવેલા તપસ્વી સાધુને જોઈને ભિક્ષા આપતાં ઘરની વૃદ્ધાએ ચિંતિત સ્વરે પૂછ્યું.
‘મા, ઉપાય તો છે જ. બાળક જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો બાળક જરૂર બચી જાય. ભગવાનને અર્પણ કરેલી વસ્તુ કદી અકાળે નષ્ટ ન થાય.’ મહાત્માજીએ વૃદ્ધાને સાંત્વના આપતાં કહ્યું.
આ સાંભળીને વૃદ્ધાએ આશ્વસ્ત થઈને ફરી પૂછ્યું : ‘બાબાજી, જો બાળક ભગવાનને અર્પણ કરી દઈએ તો તે સાચ્ચે જ જીવશે ને?’
‘અરે, ફક્ત જીવતું જ નહીં રહે, તે તો અમર બની જશે. એનાથી તો કુળ પવિત્ર થશે અને એને જન્મ આપનારી માતા ધન્ય બની જશે.’ અને પછી એ ઘરમાં બાળકનું આગમન થાય એવા આશીર્વાદ આપી સાધુ મહાત્મા તો જતા રહ્યા.
કોલકાતાથી ૫૬ માઈલ દૂર ચૂર્ણી નદીના કિનારે આડાંધાંટા નામના ગામમાં યુગલકિશોરનું એક મંદિર આવેલું છે. લોકોની એવી માન્યતા છે કે આ મંદિરમાં યુગલકિશોર કૃષ્ણ હાજરાહજૂર છે. તેની માનતા કરવાથી બધાંની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરના પ્રાંગણમાં આવેલા બકુલ વૃક્ષની ડાળે મનમાં ઇચ્છા કરીને એક દોરી બાંધી માનતા કરવાથી એ ઇચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. એવો ઘણા લોકોનો અનુભવ હોવાથી એ વૃદ્ધા સાસુ પોતાની પુત્રવધુ વ્રજબાલાને લઈને આ મંદિરે આવ્યાં. ત્યાં યુગલકિશોરની વિધિવત્ પૂજા કરી. પછી બ્રાહ્મણ પુરોહિતના કહેવા પ્રમાણે મનોમન કૃષ્ણની પ્રતિમા સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે ‘હે પ્રભુ, જો મારે ત્યાં પુત્ર જન્મશે તો હું એને સ્વામી વિવેકાનંદને અર્પણ કરીશ. અને જો પુત્રી જન્મશે તો હું ગૌરીમા (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસિની શિષ્યા કે જેમણે શારદેશ્વરી આશ્રમ સ્થાપ્યો હતો ને તેઓ વ્રજબાલાના બહેન હતાં) ને અર્પણ કરી દઈશ. મારું બાળક દેવસેવાનું પુષ્પ બનશે, એને હું સંસારી નહીં બનાવું. પણ તે જીવતું રહેવું જોઈએ અને દીર્ઘાયુષી બનવું જોઈએ.’ આ રીતે ભગવાન સમક્ષ નિવેદન કરી, બકુલ વૃક્ષની ડાળે દોરી બાંધી, હૃદયમાં ઉજ્જવળ આશા ભરીને સાસુ વહુ પાછાં આવી પૂર્વવત જીવનમાં વ્યસ્ત બની ગયાં.
અને ખરેખર યુગલકિશોરે એમની પ્રાર્થના સાંભળી અને યથાસમયે ૧૫ ઓક્ટોબર ૧૮૯૩ના રોજ વ્રજબાલાએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. યુગલકિશોરની કૃપાથી જન્મેલી આ બાળકીને તેના દાદી યુગલકિશોરી કહીને બોલાવતા. પણ કન્યા નવરાત્રિના નવમે દિવસે આવેલી હોવાથી અને માતૃપક્ષ શક્તિનો આરાધક હોવાથી તેને નામ આપ્યું દુર્ગા. એક મહિનાની બાળકીને લઈને માતા જ્યારે ગંગાસ્નાન કરાવવા કોલકાતા આવ્યાં ત્યારે શ્રીમા શારદાદેવી બાગબજારમાં રહેતાં હતાં. બાળકીને પગે લગાડવા માટે વ્રજબાલા તેને શ્રીમા શારદાદેવી પાસે લઈ આવ્યાં અને શ્રીમાને પ્રણામ કરીને એના ચરણોમાં બાળકીને ધરીને કહ્યું, ‘મા, લો આ તમારી દીકરી.’ શ્રીમાએ એને તેડીને ખૂબ વહાલ કર્યું. આશીર્વાદ આપ્યા. આમ જન્મ પહેલાં જ ભગવાનને અર્પિત થયેલું આ બાલપુષ્પ શ્રીમાના સ્પર્શથી વધુ પવિત્ર બની ગયું.
એક દિવસ બાળકી યુગાને સૂવડાવીને માતા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. થોડા સમય બાદ યુગા જાગી છે કે નહીં તે જોવા બહાર આવ્યાં, તો બહારનું દૃશ્ય જોઈને ચીસ પાડી ઊઠ્યાં કે દોડો દોડો, જલ્દી કોઈ આવો, મારી ખોકીના (દીકરી) માથા ઉપર નાગ બેઠો છે!’ તેની ચીસથી આજુબાજુના લોકો તત્કાળ આવી પહોંચ્યા, બધાંએ જોયું તો કાળો ફણીધર નાગ બાળકીના મસ્તક પર ફેણ ચઢાવીને ડોલી રહ્યો છે! વ્રજબાલા તો ભયથી થરથર ધ્રૂજવા લાગ્યાં. બધાં લોકો પણ ડરી ગયા. નાગને પકડે તો બાળકી પર જ પડે ને સ્વબચાવમાં દંશ દઈ દે, એ કલ્પના માત્રથી બધાં ફફડી રહ્યા. દાદીમા દુર્ગતિનાશિની મા દુર્ગાને વીનવવા લાગ્યાં. કોઈ ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યું. ત્યારે મા વ્રજબાલાને યાદ આવ્યા યુગલકિશોર. તે મનોમન પ્રાર્થના કરવા લાગ્યાં, ‘હે યુગલકિશોર, હજુ સુધી બાળકીને લઈને માનતા પૂરી કરવા હું આવી નથી. એટલે જ બાળકી ઉપર આ સંકટ આવ્યું. પણ હું આ જ સપ્તાહમાં તમારા મંદિરે બાળકીને લઈને આવીશ. તમે જ એના રક્ષક છો. રક્ષા કરો. રક્ષા કરો.’ જાણે કાળીનાગને યમુનાના ધરામાંથી દૂર ચાલ્યા જવાનો આદેશ આપનાર યુગલકિશોરે ફરીથી નાગને આ સ્થળ ચુપચાપ છોડીને ચાલ્યા જવાનો આદેશ આપ્યો ન હોય! એમ નાગ સડસડાટ ચાલ્યો ગયો. માએ દોડીને બાળકીને ઊંચકીને છાતી સરસી ચાંપી દીધી!
એ પછી બેત્રણ દિવસમાં જ આંડધાંટા પહોંચી ગયા. ત્યાં મંદિરમાં સઘળી પૂજાવિધિ કરી. માનતા ઉતારી. બાળકીને યુગલકિશોરના ચરણોમાં મૂકી માતાએ પ્રાર્થના કરી ‘હે કૃષ્ણ, આ દીકરી તમને સમર્પિત છે. તમે સદાય એનું રક્ષણ કરજો.’
એ પછી વિજયાદશમીના દિવસે તો મા વ્રજબાલા પરલોક સિધાવી ગયાં. એક વર્ષની યુગા મામા-માસીના હાથમાં ઉછરવા લાગી. ગૌરીમા તેનાં મોટાં માસી થતાં હતાં. અને તેમને તેમની બહેનના સંકલ્પની જાણ હતી. તેથી તેમણે યુગાને પોતાની ગોદમાં લઈ લીધી અને પ્રભુના ચરણોમાં તેને અર્પણ કરવાની હોઈને તે રીતે તેને ઉછેરવા લાગ્યાં. તેને દૂધ અને ફળો ઉપર જ રાખી હતી. નાનકડી યુગા ખોળામાં બેઠી હોય અને તેઓ ચંડી-સપ્તશતી, ગીતા, દેવ-દેવીઓના સ્તોત્રો વગેરેનો મુખપાઠ કરતાં અને યુગા પણ આ સ્તોત્રોના શ્લોકો બોલવા લાગી! તે ગૌરીમાને વિવિધ દેવી દેવતાઓની પૂજા કરતાં જોયા જ કરતી તેથી તે પણ એ પ્રમાણે જ પૂજા કરતી થઈ ગઈ! એક દિવસ સવારે ગૌરીમા પૂજા કરી રહ્યાં હતાં. ત્યારે બહાર વૃક્ષો ઉપર પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. નાની યુગા પાસે બેસીને પૂજા જોઈ રહી હતી. પણ પક્ષીઓના ભારે કલબલાટમાં પૂજાના સ્તોત્રો બરાબર સંભળાતા નહોતા એટલે તે ધીમેથી ઊઠીને બહાર ગઈ અને પક્ષીઓને કહ્યું : ‘તમે જોતાં નથી, મારા માસીમા પૂજા કરે છે, તમે ચૂપ રહો. ગરબડ ન કરો.’ અને પક્ષીઓ પણ જાણે એનો આદેશ સ્વીકારતાં હોય, એમ ત્યાંથી ઊડી ગયાં! આમ પાંચ વર્ષની વય સુધીમાં તો યુગાનો ભગવદ્ ભાવ દૃઢ થવા લાગ્યો હતો. ઘણીવાર તો તે ભગવદ્ ભાવમાં એવી તલ્લીન થઈ જતી કે તેને સમય અને સ્થળનું પણ ભાન રહેતું નહીં. એક પૂર્ણિમાની રાત્રે પાંચ વર્ષની આ બાલિકા ઘરમાંથી બહાર નીકળીને ગંગાકિનારે આવી પહોંચી. ત્યાં બેસીને ગંગા પર પથરાયેલા ચંદ્રના શીતળ કિરણોને જોવા લાગી. આ ધવલ પ્રકાશ જોતાં જોતાં તે ધ્યાનમાં ડૂબી ગઈ. એમાં કેટલો સમય વીતી ગયો તેની પણ તેને ખબર ન પડી. આ બાજુ તેને પથારીમાં ન જોતાં ગૌરીમા તેને સર્વત્ર શોધી રહ્યાં પણ ક્યાંય ન મળતાં, ચોકીદાર મંગુરામને લઈને તેઓ ગંગાકિનારે આવ્યાં ને જોયું તો બાલિકા ધ્યાનમાં ડૂબેલી છે! પછી ગૌરીમાએ તેને હળવેકથી સ્પર્શ કર્યો ત્યારે તે ધ્યાનમાંથી બહાર આવી અને માસીમાને સામે ઊભેલાં જોઈને બોલી ઊઠી : ‘જુઓ જુઓ માસીમા, ગંગા ઉપર કેવાં સફેદ કિરણો લહેરાય છે!’ તેના મુખ ઉપરનો દિવ્ય આનંદ જોઈને ગૌરીમા પણ પ્રસન્ન થઈ ગયાં!
યુગાને પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં. હવે તે ખૂબ સુંદર લાગતી હતી. તેમાંય જ્યારે તેને વસ્ત્રાલંકારોથી સજાવી હોય ત્યારે તો તેનું રૂપ લાવણ્ય વિશેષ ખીલી ઊઠતું. ગૌરીમાએ વિચાર કર્યો કે હવે યુગાને ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ. એ માટે તેનાં લગ્ન ભગવાન જગન્નાથ સાથે કરી દેવાં જોઈએ. તેથી ગૌરીમાએ યુગાના દાદી અને પિતાની સમક્ષ આ વાત મૂકી ત્યારે સર્વપ્રથમ તો તેઓ ગુસ્સે થઈને બોલી ઊઠ્યા, ‘તમે આ કેવી વાહિયાત વાત કરો છો? જગન્નાથની મૂર્તિ સાથે મારી યુગાના લગ્ન? એવું કદી ન બને?’ અને પછી તો બધાં જ સગાવહાલાંઓનો પણ જોરદાર વિરોધ થયો. પણ ગૌરીમા પોતાની વાતમાં અડગ રહ્યાં અને બધાંને ધીમે ધીમે સમજાવવા લાગ્યાં કે આ બાલિકા તો જન્મ પહેલાંથી જ ભગવાનની વાગ્દત્તા છે. ભગવાનને માટે તો એનો જન્મ થયો છે. એનાં દાદી આ વાતના સાક્ષી છે. એ માટે ભગવાનની આ અમાનત આપણે ભગવાનને સોંપવી જ જોઈએ નહીંતર એનું અને આપણા સહુનું અકલ્યાણ થશે.’ પછી ધીમે ધીમે બધા સંમત થયા. ગૌરીમાએ યુગાના પિતાને કહ્યું : ‘તમારે જગન્નાથપુરી આવવું પડશે, અને યુગાનું કન્યાદાન પણ તમારે જ આપવાનું છે. આમ બધાંની સંમતિ મળતાં ગૌરીમાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી.
શ્રીમા શારદાદેવીને તેમણે આ વાત જણાવી તેમના આશીર્વાદ માગ્યા. શ્રીમાએ જ્યારે જાણ્યું કે પોતાની લાડકી દીકરીના ભગવાન જગન્નાથ સાથે લગ્ન થઈ રહ્યાં છે. એટલે એમણે તો યુગા માટે ખાસ કંગન બનાવડાવ્યાં અને તે પણ પોતાના માપનાં. પછી શ્રીમાએ યુગાના આ અલંકારો પહેલાં પોતે પહેરીને તેને પવિત્ર બનાવી દીધાં. પછી કંગનમાં વચ્ચે મખમલ જડાવી યુગાના માપના બનાવી મોકલ્યાં. સાથે એક સુંદર બનારસી સાડી પણ મોકલાવી અને પોતાના જમાઈબાબુ જગન્નાથજી માટે ખાસ વિશિષ્ટ શણગાર પણ મોકલાવ્યો!
કન્યાને લઈને બધા જગન્નાથપુરી આવ્યા પણ લગ્નમાં પુરીના બ્રાહ્મણો અને પંડાઓ તરફથી જોરદાર વિઘ્ન આવ્યું! તેઓએ ભારે વિરોધ કર્યો. ભગવાન જગન્નાથના એક માનુષી કન્યા સાથે લગ્ન? અસંભવ! પણ ગૌરીમા પોતાના સંકલ્પમાં દૃઢ હતાં! તેમણે તે વખતે પુરીમાં રહેતા ઓરિસ્સાના મહાવિદ્વાન પંડિત સદાશિવ મિશ્રને સઘળી પરિસ્થિતિ સમજાવી આ બાબતમાં સહાય કરવા વિનંતી કરી. પંડિત મિશ્રજીના સૂચન અને સહાયથી પુરીના બ્રાહ્મણો, પુરોહિતો અને પંડિતોની એક સભા બોલાવવામાં આવી. આ સભા સમક્ષ ગૌરીમાએ આ લગ્નની શાસ્ત્રોક્ત સમજૂતિ આપી. કહ્યું; ‘આપ બધા આ કન્યાને સામાન્ય બ્રાહ્મણ કન્યા સમજો નહીં. આ તો લક્ષ્મીનો અંશ લઈને ભગવાનને માટે જ જન્મેલી અને જન્મ પહેલાં જ ભગવાનને અર્પિત થયેલી દેવાંશી કન્યા છે. તે ભગવાનને માટે હોઈને તેનો ઉછેર પણ એ જ રીતે કરવામાં આવ્યો છે. આ કન્યાએ હજુ સુધી અન્નનો એક કણ પણ મોઢામાં મૂક્યો નથી. તે દૂધ અને ફળાહાર ઉપર જ રહી છે. સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી દેવસેવા અને ધર્મપ્રસારણનું જ કાર્ય એણે કરવાનું છે. આથી આપ બધા આ લગ્નને સંમતિ આપીને આાશીર્વાદ આપો.’
ગૌરીમાના અંતરમાંથી આવેલી આ સચ્ચાઈભરી વાણીએ જાદુ કર્યું. બધા પંડિતોએ સંમતિ સાથે યુગાને આશીર્વાદ પણ આપ્યા. જગન્નાથજીના વિશાળ મંદિરમાં આ અનોખો લગ્નસમારંભ યોજાયો. એક બાજુ પાંચ વર્ષની દેવાંશી કન્યા યુગા અને સામે પક્ષે વરરાજાના સ્વાંગમાં હતા સાક્ષાત્ ભગવાન જગન્નાથજી. બાલિકા વધૂને માથે હતો સોનાનો મુગટ, કપાળમાં કુમકુમ, દેહ પર અનેક પ્રકારના આભૂષણો, અળતાથી સુંદર લાગતા નાનાં નાનાં રક્ત ચરણો, અને અંગ પર શ્રીમા શારદાદેવીએ આપેલી પવિત્ર બનારસી સાડી અર્ધઘૂંઘટમાં ઢંકાયેલી જગન્નાથજીની આ વાગ્દ્તા એવી તો સુંદર લાગતી હતી કે જાણે સાક્ષાત્ લક્ષ્મીનું બાળ સ્વરૂપ ન હોય! યુગાને ધીમે ધીમે ગર્ભમંદિરમાં લઈ જવામાં આવી. ત્યાં તે શાંતભાવે સ્થિર દૃષ્ટિથી જગન્નાથજીના નેત્રોની સામે જોઈ રહી. જાણે પ્રભુ સાથે શુભદૃષ્ટિ થતાં આનંદની આભા તેના ચહેરા ઉપર છવાઈ ગઈ. ભગવાન જગન્નાથજી રત્નવેદી પર બિરાજમાન હતા. યુગાને રત્નવેદીની ચારે બાજુએ ભગવાન જગન્નાથજીની સાત પ્રદક્ષિણા કરાવી. પછી તેને જગન્નાથજીની ડાબી બાજુએ બેસાડવામાં આવી અને ભગવાનની પ્રસાદીની માળા તેને પહેરાવવામાં આવી. આ અનોખો લગ્નોત્સવ જોવા અનેક લોકો આવ્યા હતા. બધાંને આ દૈવી લગ્નમાં જાણે ભગવાનની સૂક્ષ્મ સંન્નિધિ વ્યાપેલી હોય એવી અનુભૂતિ થઈ. વરસો બાદ શિષ્યોએ દુર્ગામાને આ વિષે પૂછ્યું હતું : ‘મા, ત્યારે તો તમે ખૂબ નાનાં હતાં, પણ લગ્ન સમયે તમને યાદ રહી જાય એવો કોઈ વિશિષ્ટ અનુભવ થયો હતો ખરો?’
‘અરે, એ અનુભવની તે શી વાત કરું? આજે પણ જ્યારે હું એને યાદ કહું છું ત્યારે રોમાંચિત બની જાઉં છું. જ્યારે મને જગન્નાથજીના ખોળામાં ડાબી બાજુએ બેસાડવામાં આવી ત્યારે એમની ગોદ કેવી તો નરમ નરમ હતી. એ સ્પર્શ અને હુંફાળી ગોદ હું ક્યારેય ભૂલી શકી નથી.’ તેમણે જાણે એ અનુભૂતિ તાદૃશ થઈ રહી હોય એવા ભાવ સાથે જણાવ્યું હતું!
આમ જાણે યુગાને પોતાનો પ્રેમાળ સ્પર્શ આપીને જગન્નાથજીએ તેનો સ્વીકાર કર્યો છે, એની પ્રતીતિ કરાવી આપી. એ પછી યુગાએ જગન્નાથજીનો મહાપ્રસાદ લીધો અને જિંદગીમાં પહેલીવાર અન્નનો આહાર કર્યો. એ પછી બંગાળના રિવાજ પ્રમાણે ‘બહુભાત’ની વિધિ પણ ગૌરીમાએ સંપન્ન કરાવી. એક વિશિષ્ટ દિવસે વૃંદાવનના ગોવિંદજી મંદિરમાં તેમણે એક મણ દૂધની ખીર વિવિધ પકવાનો, ફરસાણ વગેરે ગોવિંદજીને ધરાવીને યુગાના હાથે ત્યાં ઉપસ્થિત સમગ્ર ભક્તસમૂહ અને સાધુસંતોને પીરસાવીને જમાડ્યા. આ રીતે બધી જ વિધિ સંપન્ન કરીને ગૌરીમા હવે ભગવાનને સમર્પિત બાલિકાને વિશિષ્ટ રીતે કેળવવા લાગ્યાં.
યુગાના ભગવાન જગન્નાથ સાથેના વિવાહના સમાચાર જ્યારે સ્વામી વિવેકાનંદને મળ્યા ત્યારે તેઓ ખૂબ આનંદિત થયા. યુગા ખૂબ નાની હતી. ત્યારથી સ્વામી વિવેકાનંદના સંપર્કમાં હતી. તેઓ તેને રમાડતા, લાડ કરાવતા અને તેમણે તો તેનું વહાલભર્યું નામ ‘બચ્ચી’ પાડ્યું હતું. તેઓ તેને પોતાના ખભા ઉપર બેસાડીને ફેરવતા. એક વખત આ રીતે તેને ખભા પર બેસાડેલી જોઈને ગૌરીમાએ કહ્યું, ‘અરે નરેન, તું એને નીચે ઉતાર. જોને તેના પગ તારી છાતીને અડકે છે, તેથી બચ્ચી દોષમાં પડશે, તેનું અકલ્યાણ થશે.’ આ સાંભળીને હસતાં હસતાં સ્વામી વિવેકાનંદે કહ્યું; ‘અરે, ગૌરીમા, આ બચ્ચીનું કોઈ અકલ્યાણ થવાનું નથી. જોજોને, એક દિવસ આ ચરણોમાં સેંકડો લોકો નમન કરશે.’ ગૌરીમા આશ્ચર્યથી નરેન ના સામે જોઈ રહ્યાં પછી મનોમન બોલ્યાં, ‘નરેન કહે છે, તો તો જરૂર એમ થશે.’
સ્વામી વિવેકાનંદે જ્યારે બેલુડ મઠમાં પ્રથમ વખત દુર્ગાપૂજાનું અનુષ્ઠાન કર્યું, ત્યારે શ્રીમાશારદાદેવી ત્યાં હાજર રહ્યાં હતાં. સ્વામીજીએ સાત વર્ષની ‘બચ્ચી’ની કુમારી પૂજા કરી તે વખતે ‘બચ્ચી’ દેવીના ભાવમાં એવી તો એકરૂપ બની ગઈ હતી કે જાણે સાક્ષાત્ દેવી કન્યાકુમારી ન હોય! આ જોઈને સ્વામીજી પોતે પણ ભાવમગ્ન બની ગયા હતા. જ્યારે તેમણે દેવીકુમારીના કપાળ ઉપર રક્તચંદન લગાવ્યું, ત્યારે તેઓ એકદમ બોલી ઊઠ્યા કે આથી દેવીના ત્રીજા નેત્રને કંઈ તકલીફ તો નહીં થઈ હોય ને?
સ્વામીજી ‘બચ્ચી’ના શુદ્ધભાવને અને તેનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓને ઓળખી ગયા હતા અને એથી જ તેઓ તેના ઉપર વિશેષ ધ્યાન આપતા હતા. એક વખત તેમણે તેના દાદીને કહ્યું હતું કે ‘બચ્ચી’ને હું વિલાયત મોકલીશ ને ત્યાં તે ખૂબ અંગ્રેજી ભણશે અને પછી અહીં ઘણું કામ કરશે.’ આ માટે જ તેમણે સ્વામી શારદાનંદજી પાસે થોડા હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. પણ તેના દાદીએ કહ્યું કે અંગ્રેજી ભણવા માટે વિલાયત જવાની જરૂર નથી, એ તો અહીં રહીનેય ભણી શકાય છે. આમ સ્વામીજી તેને ઈંગ્લેન્ડ મોકલી શક્યા નહીં. પણ તે પાછળથી અંગ્રેજી ભણી ખરી. સ્વામીજી જ્યારે બીજીવાર ઈંગ્લેન્ડથી આવ્યા ત્યારે તેના માટે સુંદર ‘ડ્રેસ’ લાવ્યા હતા. જે ડ્રેસ આજે પણ શારદેશ્વરી આશ્રમમાં સચવાયેલો છે!
યુગા જ્યારે તેના દાદીમા પાસે રહેવા જતી ત્યારે તેના દાદીમા એને પોતાના રચેલા ભજનો અને અન્ય સ્તોત્રો શીખવતાં. પુરાણોની વાર્તાઓ કહેતાં. તેની અંદર રહેલા ધર્મના સંસ્કારોને દૃઢ કરતાં. એક દિવસ તેના દાદીમાએ ભગવાનની વાત કરતાં કરતાં તેને કહ્યું, ‘જો ભક્તિ હોય તો ભગવાન મળે જ.’ સાત વર્ષની બાળકીને એમ કે ભક્તિ કોઈ વસ્તુ છે અને તે ક્યાંયથી મળતી હશે, એટલે તેણે પૂછ્યું; ‘દાદીમા, ભક્તિ ક્યાંથી મળે?’ ‘પરમહંસદેવના પત્ની છે ને, તેની પાસેથી ભક્તિ મળશે.’ અને યુગાના મનમાં દૃઢપણે અંકિત થઈ ગયું કે એકવાર ભક્તિ મળી જશે, પછી તો ભગવાન મળશે જ ને! એટલે તે બોલી ઊઠી : ‘દાદીમા, મને તમે મા પાસે લઈ જાઓને. હું ત્યાંથી ભક્તિ લઈ આવીશ.’
અને બાલિકાની હઠને લઈને દાદીમા તેને બોઝપાડા લેનમાં જ્યાં શ્રીમા શારદાદેવી રહેતાં હતાં, ત્યાં લઈ ગયાં. તે સમયે શ્રીમા, શ્રીરામકૃષ્ણદેવની પૂજા કરીને બહાર જ નીકળતાં હતાં. યુગા દોડતી શ્રીમા પાસે પહોંચી ગઈ. તેમના ચરણોમાં પ્રણામ કરીને એ ચરણોને વળગી પડી ને બોલી, ‘મા, તમારી પાસે ભક્તિ છે ને, એ મને આપો. મારે એ જોઈએ છે,’ આ સાંભળીને શ્રીમા હસી પડ્યા ને બોલ્યાં : ‘અરે, સાંભળો, સાંભળો, આ નાની બચ્ચી શું કહે છે? કહે છે કે મારી પાસે ભક્તિ છે. આ તને કોણે કહ્યું?’ ‘મારાં દાદીમાએ કહ્યું કે તમારી પાસે ભક્તિ છે.’ આમ કહીને યુગા વધારે જોશથી માના ચરણોને વળગી પડી! આ દૃશ્ય જોવા માટે બધા સ્વામીજીઓ પણ ત્યાં એકત્ર થઈ ગયા! એકબાજુ શ્રીમાના ચરણોને જોરથી વળગી પડેલી સુંદર કન્યા અને તેના ઉપર કરુણાભરી દૃષ્ટિ ઢાળી રહેલાં શ્રીમા! કેવું સુભગ દૃશ્ય! બધા કુતૂહલથી જોઈ રહ્યા કે હવે શું થશે? સાચ્ચે જ શ્રીમા તેને ભક્તિ આપશે? તો કેવી રીતે આપશે? આટલી નાની બાળકીને શ્રીમા ભક્તિ વિષે શું કહેશે?’ પણ બધાંની આતુરતામાં વિશેષ ઉમેરો થયો, જ્યારે શ્રીમાએ કહ્યું; ‘તું મને છોડ. હું તારા માટે ભક્તિ લઈ આવું.’ અને યુગાએ પકડ ઢીલી કરી. શ્રીમા અંદરના ઓરડામાં ગયાં અને અંદરથી પ્રસાદની જલેબી લઈ આવ્યાં. યુગાને હાથમાં આપીને કહ્યું; ‘લે આ ભક્તિ છે.’ ત્યાં હાજર રહેલા બધા તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે ‘શ્રીમાએ બચ્ચી પર કેવી મહાન કૃપા કરી કે જલેબીના રૂપમાં ભક્તિ આપી દીધી! ‘ખરેખર બચ્ચી તું ખૂબ જ ભાગ્યશાળી છો, પણ જોજે તું એકલી આટલી બધી ભક્તિ ન લઈ જતી, અમને ય થોડો હિસ્સો આપજે.’ આમ ત્યાં હાજર રહેલા સર્વને યુગાએ જલેબીના પ્રસાદનો એકેક ટુકડો આપ્યો અને એ રીતે ભક્તિની લ્હાણી કરી દીધી! પણ સરળહૃદયી બાલિકાને મનમાં ખાતરી થઈ ગઈ કે શ્રીમા પાસેથી ભક્તિ મળતાં હવે જરૂર ભગવાન મળશે. તે બાળકીનું ભવિષ્યનું જીવન જોતાં ખ્યાલ આવે છે કે શ્રીમાએ તેને સાચે જ ભક્તિ આપેલ.
તે દિવસે મહાષ્ટમીની પૂજા હોવાથી યુગા શ્રીમાના દર્શને ગઈ હતી. તેના દાદીમાએ શ્રીમા માટે એક નાનો ઘડો ભરીને દૂધ મોકલ્યું હતું અને રસ્તામાંથી તેણે શ્રીમાના ચરણોમાં ધરવા માટે એક કમળ પુષ્પ ખરીદ્યું. જ્યારે તે શ્રીમાના ઘરે આવી ત્યારે તો ત્યાં દર્શન માટે ભારે ભીડ હતી. એટલે તે દૂર ઊભી ઊભી વિચારી રહી કે, ‘અરેરે, આટલી ભીડમાં શ્રીમા પાસે કેવી રીતે જવાશે? અને આ દૂધ ને ફુલ પણ એમને નહીં ધરી શકાય.’ એ નિરાશ થઈને ઊભી હતી ત્યાં આટલી ભીડમાં દૂર ઊભેલી બચ્ચીના હૃદયની વાત શ્રીમાએ જાણી લીધી ને બોલી ઊઠ્યા; ‘ઓ બચ્ચી, તું આવી છો. બહુ સારું થયું, તું અહીં મારી પાસે આવી જા.’ અને એ નિરાશ ચહેરા ઉપર આનંદથી ભરતી છલકાવા લાગી! દૂધનો ઘડો અને કમલપુષ્પ લઈને તે શ્રીમા પાસે આવી પહોંચી. શ્રીમાએ દૂધનો ઘડો શ્રીરામકૃષ્ણદેવની પૂજાના આસન પાસે મૂકાવ્યો ને પછી બોલ્યાં; જો આજે તો પૂર્ણઘટસ્થાપના થઈ ગઈ! આજે તો મહાષ્ટમીનો શુભ દિવસ છે, હું તને મંત્રદીક્ષા આપીશ.’ ત્યારે ‘બચ્ચી આઠ વર્ષની જ હતી. તેથી મંત્રદીક્ષા એટલે શું તેની તેને કંઈ ખબર નહોતી. પણ શ્રીમાએ તેને આટલી બધી ભીડમાંથી બોલાવી, તેનો દૂધનો પ્રસાદ સ્વીકાર્યો એટલે તે ખૂબ જ ખુશ હતી, અને હવે શ્રીમા તેને મંત્ર આપશે – એટલું તે જાણી શકી. પછી શ્રીમા તેને પૂજાઘરમાં લઈ ગયાં મંત્ર આપ્યો. શ્રીમાના આદેશ પ્રમાણે તેણે શ્રીમાના ચરણોમાં પ્રણામ કરી કમલપુષ્પ તેમના ચરણોમાં ધર્યું. શ્રીમાએ તેને મંત્ર જાપ કેવી રીતે કરવો તે શીખવ્યું, પ્રસાદ ખવડાવ્યો. તે આખો દિવસ તેણે શ્રીમા પાસે જ વીતાવ્યો અને સાંજે જ્યારે તે ઘરે જતી હતી ત્યારે શ્રીમાએ તેની ચિબુક પકડી વ્હાલ કરીને કહ્યું, ‘જલ્દી જલ્દી પાછી આવજે!’
દીક્ષા પછી તે શ્રીમા સાથે પુરીધામ ગઈહતી. ત્યારે શ્રીમા સાથે ગોલાપ મા, સ્વામી પ્રેમાનંદ અને બીજા ઘણાં ભક્તો ગયા હતા. એક દિવસ ભગવાન જગન્નાથના દર્શન કરતી વખતે શ્રીમાએ જગન્નાથજીને કહ્યું; ‘પ્રભુ, મારી દીકરીનો ભાર તમે લીધો છે, તો તમે જ તેનું રક્ષણ કરજો.’ અને એક દિવસ તેમણે યુગાને પણ ભગવાનની કૃપાની મહત્તા સમજાવતાં કહ્યું; ‘દીકરી, ભગવાન ખૂબ દયાળુ છે, જેઓ તેમના ચરણનો આશરો લે છે, તેમને પછી કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.’
(ક્રમશ:)
Your Content Goes Here




