પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ.244-46ના આધારે તેમાંની એક મુલાકાતનું વર્ણન અહીં આપવામાં આવ્યું છે.

તેઓના એક નિષ્ઠાવાન શિષ્યા મિસિસ હેન્સબ્રો વર્ણવે છે:

“એક દિવસે અમે અમારા ઘરની પાસે આવેલ કેટલાક પહાડોની મુલાકાતે ગયાં હતાં. મારી બહેન હેલન કેટલાંક રમણીય પ્રાકૃતિક દૃશ્યો તરફ સ્વામીજીનું ધ્યાન દોરી રહી હતી. (સ્વામીજી હેલનને હંમેશાં ‘ભત્રીજી હેલન’ કહીને બોલાવતા.) સ્વામીજીએ કહ્યું: ‘ભત્રીજી હેલન, મને પ્રાકૃતિક દૃશ્યો ન બતાવ. મેં હિમાલય જોયો છે! હું પ્રાકૃતિક દૃશ્યો જોવા માટે દશ ડગલાં પણ જઈશ નહીં. પણ એક મહાપુરુષને જોવા માટે હું હજાર માઈલ જવા તૈયાર છું!’”

આમ છતાં કેલિફોર્નિયાવાસીઓની પર્યટન-પ્રિયતા એટલી હતી કે તેઓની સાથે રહેતા હોવાથી સ્વામીજીએ કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેવી પડી હતી. આમાંનું એક સ્થળ હતું “લો પહાડ” (Mount Lowe).

શનિવાર, 13 જાન્યુઆરી, 1899ના રોજ સ્વામીજી મિસ મેક્લાઉડ, મિસ્ટર અને મિસિસ બોમગાર્ટ સાથે આ પહાડની મુલાકાતે ગયા હતા. પહાડની ઉપર જવા માટે રસ્સી વડે ખેંચાતી ગાડીની વ્યવસ્થા હતી. સ્વામીજી આ ગાડીમાં બેસીને પહાડ ઉપર ઊઠ્યા હતા. જ્યારે આ ગાડી અડધો માઈલ સીધું ચઢાણ ચડવાની તૈયારીમાં હતી ત્યારે સ્વામીજીનો આ ગાડીમાં ફોટો લેવાયો હતો.

અડધા માઈલના સીધા ચઢાણ બાદ પર્યટકોનો પ્રથમ મુકામ હતો “ઈકો શિખર” (Echo Summit). આ શિખર ઉપરથી બૂમ પાડતાં એનો પડઘો સંભળાતો. અહીં “ઈકો શિખર બંગલો” આવેલો હતો. સફેદ રંગના આ બંગલાની ઉપર એક ભવ્ય ગુંબજ હતો અને એની સામે 1893ના શિકાગો મહામેળામાંથી લાવેલ એક ઉજ્જ્વળ સર્ચલાઈટ લગાવવામાં આવી હતી. એક જગ્યાએ આ બંગલાનું વર્ણન કરવામાં આવ્યું છે: “દિવસના સમયે એક ભવ્ય સ્મારક અને રાતના સમયે એક ઉજ્જ્વળ ઝગમગાટ કરતો વૈદ્યુતિક હિરો કે જે માઈલો દૂરથી અને દરિયામાંથી પણ દૃશ્યમાન છે.” શનિવારે રાત્રે તેઓ આ બંગલામાં રોકાયા હતા.

આ શિખર ઉપર એક ટેલિસ્કોપ રાખવામાં આવ્યું હતું કે જેમાંથી પર્યટકો સુંદર પ્રાકૃતિક દૃશ્યો નિહાળી શકતા હતા. આપણે અનુમાન કરી શકીએ છીએ કે સ્વામીજી અને તેમના સાથીઓએ ટેલિસ્કોપમાંથી પહાડના પ્રદૂષણરહિત વાતાવરણમાં દૃષ્ટિગોચર સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલાઓ નિહાળ્યા હશે.

બીજે દિવસે રવિવારની સવારે સ્વામીજીએ મહેમાનો સમક્ષ એક પ્રવચન આપ્યું. પહાડમાં હવે પછીના ચઢાણ માટે તેઓ હવે એક નાનકડી ટ્રોલી-કારમાં સવાર થયા. આ ટ્રોલી-કાર પહાડ પર કંડારેલ પાતળી કેડીઓ ઉપર સેંકડો વળાંકો ઓળંગીને, અસ્થિર આધારના બનેલ સેતુ ઉપરથી ગહેરી કોતરો અને ખીણ પસાર કરીને, 3.5 માઈલનું ચઢાણ ચડી.આખા રસ્તા દરમિયાન પ્રાકૃતિક સૌંદર્યની ભરમાર હતી.

ટ્રોલી-કારની આ મુસાફરીના અંતે તેઓ “એલ્પાઈન સરાઈ” (Alpine Tavern) પહોંચ્યા. અલ્પ વિશ્રામ બાદ સ્વામીજીના સંગીઓ ઘોડા પર સવાર થઈ વધુ એક માઈલ કાપી “લો પહાડ”ના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા. પૃથ્વીની સપાટીથી આ શિખરની ઊંચાઈ 5,000 ફૂટ છે. સ્વામીજીએ તેઓની સાથે સર્વોચ્ચ શિખરની મુલાકાત લીધી હતી કે નહીં તે આપણે જાણતા નથી.

પણ આપણને એ ખબર છે કે રવિવારની સાંજ સુધીમાં સ્વામીજી પોતાના સંગીઓ સાથે ટ્રોલી-કારમાં સવાર થઈ સૂર્યાસ્તના સોનેરી કિરણોમાં પ્રકાશિત એ જ પ્રાકૃતિક સૌંદર્યમંડિત માર્ગ પાર કરી “ઈકો શિખર બંગલા”માં પાછા ફર્યા હતા.

Total Views: 590

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.