ભગવદ્ ભજનમાં, ભગવત્ સ્મરણમાં તેમજ અધ્યાત્મમાર્ગમાં કૃપા શબ્દ પર બહુ ભાર મૂકી કહેવામાં આવે છે કે ભગવત્કૃપા તો જોઈએ જ. કૃપા વિના ભગવાનને પમાતા નથી.
કૃપા શબ્દને સમજવા અદ્વૈતનાં બે પાસાંનો વિચાર કરવો જોઈએ: અદ્વૈતનું એક પાસું છે પ્રેમ અને બીજું પાસું છે કૃપા. પ્રેમ અદ્વૈતનું સ્વરૂપ છે, તેવી રીતે કૃપા એ અદ્વૈતનું દર્શન છે. પ્રેમ દર્શનીય નથી; કૃપા દર્શનીય છે. પ્રેમ અદ્વૈતરૂપ બની જાય છે એટલે તેના અસ્તિત્વનું ક્યારેય અલગ દર્શન થતું નથી, જ્યારે કૃપામાં અદ્વૈતભાવે રહેવા છતાં કૃપા કરનારો અને કૃપાપાત્ર એ બંને ૫૨સ્પર દર્શનીય છે. અહીં દર્શન શબ્દનો અર્થ નિશ્ચય સમજવો જોઈએ.
ભક્ત પરમાત્મા સાથે અદ્વૈતપણું અનુભવે છે; ભક્ત પોતાના અસ્તિત્વને જુદું તા૨વતો નથી. તે પરમાત્માના કાર્ય માટે પોતાનું અવતરણ છે એમ સમજી ભક્તિભાવ સહિત ખંત અને કાળજીપૂર્વક પરમાત્માની તમામ ક્રિયાઓ કરે છે. તે કોઈ પણ ક્રિયા વિશે વિકલ્પ કરતો નથી. તે કશુંક પણ કરતી વેળા લોકદૃષ્ટિ કે શાસ્ત્રદૃષ્ટિ વચ્ચે લાવતો નથી. એટલે જ તે ૫રમાત્માનો કૃપાપાત્ર બને છે.
ભગવાનનો આવો ભક્ત પરમાત્મા પાસે કૃપાની યાચના કરતો નથી. તેને પૂરેપૂરી કાળજી હોય છે કે ૫૨માત્માના કાર્યમાં આળસ-પ્રમાદ ન થાય અને જાણ્યે-અજાણ્યે પરમાત્માનું ગૌણપણું ન આવી જાય. તેની આવી જાગૃતિને કારણે તેને પરમાત્માની કૃપાયાચના કરવાનો વિચાર આવતો નથી. તે સમજે છે કે પોતે પરમાત્માનો વારસદાર છે. વારસદારને ક્યારેય યાચના કરવાની હોય નહિ. તેણે તો તેને જે કર્તવ્ય બજાવવાનું હોય તેનો જ ખ્યાલ રાખવાનો હોય છે.
તો પછી કૃપા શબ્દનું પ્રયોજન શું, એવો પ્રશ્ન થાય. કૃપા શબ્દ એટલા માટે યોજવામાં આવે છે કે ભક્ત જીવોના સમૂહ વચ્ચે રહી પોતાનું અવતરણ ભગવત્કાર્ય માટે જ છે તે ભૂલી ન જાય. એટલે ભક્તે ૫૨માત્માની અખંડ સ્મૃતિ રાખવી જોઈએ, જેથી ૫૨માત્માની તેના ૫૨ અખંડ કૃપાદૃષ્ટિ રહે. વળી પરમાત્મા આવા ભક્તને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે.
ભક્તના જીવનમાં ગમે તે પ્રકારની આકસ્મિક ઘટનાઓ બને કે પરિવર્તનો આવે તો પણ તેનાં ગૌ૨વ અને ખુમારીમાં સહેજ પણ ફરક ન પડે. એટલે જ પરમાત્મા ભક્તને પ્રેરણાનું પાથેય સતત પૂરું પાડતા રહે છે. તેઓ આવા ભક્તને પોતાના સ્મૃતિરૂપ ગુણની ભેટ આપે છે. આ કારણે ભક્ત જગતની વચ્ચે રહી પોતે ધારણ કરેલાં નામરૂપનો પાઠ ભજવે છે અને અનાયાસે પરમાત્માનો કૃપાપાત્ર બને છે.
એક મનુષ્યના કૃપાપાત્ર બનવું હોય તો પોતાની જાતને ક્યાંય પણ વચ્ચે લાવ્યા વિના, જેના કૃપાપાત્ર બનવું હોય તેમનું મહત્ત્વ જળવાઈ રહે તેવો પ્રયત્ન કરતો જ રહેવો પડે છે; તો પરમાત્માની અખંડ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવા કેવો અને કેટલો પુરુષાર્થ કરવો જોઈએ તેનું ગણિત માંડી લેવું જોઈએ.
અલ્લાઉદીન ખીલજી વિશે એક લોકવાયકા છે કે તે મોઢેરા ગામના ભંગીનો પુત્ર હતો. મોઢેરામાં સૂર્યમંદિર છે. મુસ્લિમોએ તેના પર આક્રમણ કરી તેને નષ્ટ કર્યું હતું. એમ કહેવાય છે કે સૂર્યમંદિરના પૂજારી અને ભંગીની સ્ત્રી વચ્ચેના સંબંધથી જે સંતાન થયું તે અલ્લાઉદીન. દસેક વર્ષની ઉંમરે તે મુસ્લિમ થઈ ગયો હતો. તે ખૂબ ચપળ હતો. આળસ પ્રમાદ એટલે શું તેની તેને ખબર નહોતી. તે મોટો થઈ લશ્કરમાં જોડાયો અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાથી થોડાં વર્ષોમાં મોટો હોદ્દેદાર બની ગયો.
મુસ્લિમ બાદશાહનું તેના પર ધ્યાન ગયું. બાદશાહે તેને પોતાની પાસે બોલાવી લીધો અને તે બાદશાહનો ઢોલિયાચાકર બની ગયો. પછી બાદશાહે તેનું નામ અલ્લાઉદ્દીન પાડ્યું. તે બાદશાહની ચોવીસેય કલાક સેવા કરતો. બાદશાહે એક દિવસ પૂછ્યું: “હું જ્યારે પણ જાગું ત્યારે તું ઢોલિયા પાસે જ ઊભો હોય છે. તું સૂતો નથી?” અલ્લાઉદ્દીને કહ્યું: મારે ચોવીસેય કલાક ફ૨જ બજાવવાની હોય છે. બાદશાહ તેના પર આફરીન થઈ ગયો. બાદશાહે તેને પોતાનો વારસદાર બનાવ્યો.
આમ, જેણે કૃપાપાત્ર બનવું હોય તેણે જાતને સમર્પિત કરી દેવી જોઈએ. કૃપા માગવાની વસ્તુ નથી, પ્રાપ્ત કરવાની વસ્તુ છે. જે સાચું સામર્થ્ય બતાવે છે તે કૃપા પ્રાપ્ત કરી શકે છે. ભક્ત પોતાનાં નામરૂપને કેન્દ્રમાં રાખવાને બદલે ભગવાનને જ કેન્દ્રમાં રાખે છે. શરીરની સગવડો કે સુવિધાઓ શોધવી અને કૃપાપાત્ર બનવું એ બંને એક સાથે ન બને. કૃપાપાત્ર બનનાર ભક્ત પોતાને ભગવાનથી ક્યારેય અલગ ગણતો નથી એ રીતે પરમાત્માની સાથે અદ્વૈત સાધનાર ભક્ત જ કૃપાપાત્ર બની શકે છે.
Your Content Goes Here




