(લેખક લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક, પારંપરિક કળાઓના વિદ્વાન છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

એ જી એના ઘડનારાને પરખો,

એ જી તમે નૂરતે સુરતે નિરખો,

જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે, બોલે બોલાવે,

જિયાં જોઉં ત્યાં સરખો,

દેવળ દેવળ કરે હોંકારા, પારખ થઈને પરખો…

જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો…0

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ

મીટ્યો અંધાર અંતર કો,

ઈ અજવાળે અગમ સુઝે,

ભેદ જડ્યો ઉન ઘર કો…

જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો…0

પાંચ તત્ત્વ કા બનાયા ચરખા,

ખેલ ખરો હુન્નર કો,

પવન પૂતળી રમે પ્રેમ સેં, જ્ઞાની હોકર નીરખો

જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો…0

રવિરામ બોલ્યા પડદા ખોલ્યા,

મેં ગુલામ ઉન ઘર કો

ઈ ચરખાની આશ ન કરજો,

ચરખો નઈ રિયે સરખો….

જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો…0

એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયગાળા દરમ્યાન જીવ એકવીશ હજાર અને છસો શ્વાસ લેતો હોય, પ્રત્યેક શ્વાસે સ્મરણ થાય એ માટેનું આ છે વિજ્ઞાન-શાસ્ત્ર, સાતે ચક્રોના મંત્રજાપ ગણો.. થઈ જશે એકવીસ હજાર ને છસો.. અને એટલે જ સંત કવયિત્રી ગંગાસતીએ ગાયું છે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ! અચાનક અંધારાં થાશે રે, જોત રે જોતામાં દિવસો વહ્યા જાશે પાનબાઈ! એકવીશ હજાર ને છસોને કાળ ખાશે…’ ઉપરનાં ષટ્ચક્રો દ્વારા પચાસ વર્ણ ઉપરાંત બ્રહ્માંડ ચૈતન્યના ગુપ્ત “સોહમ્‌” મળી બાવન  અક્ષરની આ લીલા. પણ જે બાવનથી બહાર છે એને મળવા આ પિંડનાં છ ચક્ર ઉપરાંત બ્રહ્માંડનાં છ કંવલ તથા નિર્મલ ચૈતન્ય દેશનાં છ પદ્મ સુધી સાધકની સુરતાએ યાત્રા કરવી પડે. છ ચક્ર સુધીની યાત્રાને કહેવાય ‘ઉલટ’ અને પછીની યાત્રાને કહેવાય ‘પલટ’. એટલે જ રવિસાહેબ જેવા સંતકવિ આ શરીરને પવન-ચરખા તરીકે ઓળખાવે છે. પાંચ તત્ત્વ, ત્રણ ગુણ અને પચ્ચીસ પ્રકૃતિ દ્વારા જે પિંડનું સર્જન પરમાત્માએ કર્યું છે એની ઓળખાણ સંતો દ્વારા અનેક રીતે કરાવવામાં આવી છે.

સંતોએ વારંવાર સાધના અંગે માર્ગદર્શન આપતાં કહ્યું છે કે ઊંડો શ્વાસ લેવો, મૂલાધાર-સ્વાધિષ્ઠાનના વાયુને ખેંચી રાખી નાભિ-કમળથી પ્રાણને ઊંચો ચડાવવો, હૃદય-કમળ સુધી આવે અને ત્યાંથી મૂર્ધા સુધી જાય ત્યાં સુધીના પૂરક શ્વાસ સાથે પ્રણવ ‘ૐકાર’ કે ‘સોહમ્’નો નાદ મનમાં ગૂંજતો કરવો. ત્યાં શ્વાસ સ્થિર કરી-કંુભક કરી, પાછા વળતાં મલિન પ્રાણને ઉચ્છ્વાસ સાથે મનના સંકલ્પો-વિકલ્પો કે માયાના કચરા સાથે બહાર ફેંકતી વખતે ‘સોહમ્” ધ્વનિનું આવર્તન કરવું. જેથી બ્રહ્મ અગ્નિ પ્રગટ થશે. જે પિંડની તમામ અશુદ્ધિઓને બાળી નાખશે અને નિર્ગુણ-નિરાકાર-નિરંજન સાથે અતૂટ નાતો જોડી દેશે. બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની મન ઉપર શું અસર થાય છે તે તટસ્થપણે-દ્રષ્ટા બનીને જોતા રહેવાથી ધીરે-ધીરે બહારની છાપથી મુક્ત થતું જવાશે, અને ચિદાકાશમાં નિર્મળ-નિર્લેપ-નિશ્ચલ રહી શકાશે. એનાથી આશા-તૃષ્ણા, મોહ-માયા અને મમતા અદૃશ્ય થશે અને સહજ અવસ્થાની પ્રાપ્તિ થશે. તેને સંતો-ભક્તો–સાધકો મૂળ જ્ઞાન કહે છે, પરમતત્ત્વના સાક્ષાત્કારનો માર્ગ કહે છે, એ સાધનાના માર્ગદર્શન માટે જ આપણા સંત કવિઓએ સંતસાહિત્યનું સર્જન કર્યું છે.

અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો,

મન મસ્તાન મેં ફરું રે દીવાના;

અમરાપુરની રે આશા કરો તો,

છોડી દીયો તમે અભિમાના રામ !…

અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…0

કીતના લંબા, કીતના ચોડા?

કીતના હૈ બ્રહ્મકા અનુમાના

સોઈ સબદ કા ભેદ બતા દો,

ઓર છોડો કૂડા કૂડા જ્ઞાના રે…

અમ્મર પિયાલો …0

આભ સે ઊંચા હો પવન સે ઝીણા,

આગમ હૈ અપરંપારા રે

વધે ઘટે એને રાખે બરાબર,

કાયમ વરતે કીરતારા રે…

અમ્મર પિયાલો …0

પતીજ વિનાના નર પંડિત કે’વાણા,

મર ને વાંચે પોથી પાનાં રે

વરતી જેની વાળી વળે નહીં,

મર ને પંડિત નામ ઠેરાણા રે..

અમ્મર પિયાલો……0

ભેદ વિનાના હો ઘરોઘર ભટકે,

મુરખા લજાવે ઉજળા બાના રે

આપ ન સૂઝે ઈ તો પથરાને પૂજે,

ઓર ધરાવે કૂડા કૂડા ધ્યાના રે…

અમ્મર પિયાલો … 0

અબ નહીં આવું, મેં તો અબ નહીં જાવું,

અબ નહીં ધરું કૂડા ધ્યાનાં રે

કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે,

લિખ દિયા અમ્મર પરવાના રે…

અમ્મર પિયાલો … 0

શિષ્યને ગુરુ પાસેથી ત્રણ બાબતો અંગે સાચી શિખામણ મળે છે. લોકવ્યવહાર કેમ કરવો, પોતાના આત્માના કલ્યાણ અર્થે આંતર જગતમાં કેવી રહેણીનું આચરણ કરવું અને કરણીમાં–લોકહિતનાં કેવાં કેવાં કાર્યો કરવાં, કેવાં કાર્યોનો ત્યાગ કરવો એનો ભેદ ગુરુ જ શિષ્યને સમજાવે છે ત્યારે શિષ્યમાં કથની-કહેણીની શક્તિ જાગૃત થાય છે અને એથી જ ગુરુકૃપાનું સ્થાન આજ સુધી સાધનાના ક્ષેત્રમાં, ભક્તિના ક્ષેત્રમાં અને જ્ઞાનના ક્ષેત્રમાં અજોડ રહ્યું છે. સંતોની વાણીમાં જે વિભિન્ન સાધનાનું રહસ્યાત્મક રીતે વર્ણન થયું છે એમાં મુખ્ય ત્રણ સાધનાધારાઓ છે. ૧. કાયિક સાધના, ૨. માનસિક સાધના, ૩. સહજ સાધના. કાયિક સાધનાનો સંબંધ છે, માનવ-શરીર સાથે—પિંડ સાથે. શરીરના બંધારણનાં મુખ્ય-મૂળ પાંચ ઘટક તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુની ઓળખ મેળવવી, દસ ઇન્દ્રિયો—પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિયનાં કાર્યો અને એની મહત્તા જાણી લેવી. સાત ધાતુ, ત્રણ ગુણ, પંચ પ્રાણ, પચ્ચીસ પ્રકૃતિ, શરીરનાં નવ દ્વાર, ષટ્ચક્રો, અષ્ટધા પ્રકૃતિના ભેદને જાણી-પ્રમાણીને શરીરની પૂરેપૂરી ઓળખ મેળવી લેવા માટે જરૂરી છે કાયાશોધનની પ્રક્રિયા.

નરસિંહ મહેતા ગાતા હોય: શરીર શોધ્યા વિના સાર નૈ સાંપડે પંડિતા પાર પામે પોથે…”  કે અથર્વવેદમાં ઋષિઓ દ્વારા ગવાયું હોય—अष्टचक्रा नवद्वारा देवानां पूरयोध्या। तस्यां हिरण्मयः कोशः स्वर्गो ज्योतिषावृतः।। (આ અપરાજેય માનવમંદિરમાં આઠ ચક્રો છે અને નવ દ્વાર છે. આ માનવદેહમાં જ જ્યોતિર્મય લોકગામી જ્યોતિ દ્વારા ઢંકાયેલો હિરણ્યમય કોશ છે.)

पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतम्। तस्मिन्यद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः ॥ (આ દેહ જ તે પંથ છે જેનાં નવ દ્વાર છે, ત્રણ ગુણોથી તે ઢંકાયેલ છે. એમાં બિરાજી રહેલ આત્મમય દેવતાને જાણવા એટલે આત્મવિદ્ થવું.)

દાસી જીવણ કહે છે:નવ દરવાજા નવી રમત કા, દશમે મોલે દેખાય, આરે મહેલમાં મેરમ બોલે આપું ત્યાગે ઘર જાય, ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…”

આસન, પ્રાણાયામ, મુદ્રાઓ, નાડીશોધન વગેરે ક્રિયાયોગ દ્વારા આપણા સંતોએ પિંડનાં રહસ્યો ઉકેલ્યાં છે અને એ માર્ગે આગળ વધીને બ્રહ્માંડનાં રહસ્યોનો તાગ મેળવીને યાત્રા આદરી છે.

ગંગાસતીના એક ભજનમાં ગવાયું છે: સૂર્યમાં ખાવું ને ચન્દ્રમાં જળ પીવું, એમ કાયમ લેવું વ્રતમાન રે..’ કે સતી લોયણ લાખાને સંબોધતાં ગાતાં હોય: હે જી રે લાખા! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો રે, તમે મન રે પવનને બાંધો રે હાં, જી રે લાખા! નૂરતે નિરખો ને સુરતે પરખો રે, તમે સુરતા શૂન્યમાં સાધો રે હાંઊલટા પવન તમે સુલટમાં લાવો, ઇંગલાપિંગલા સુખમણા સાંધો, ચન્દ્રસૂરજને એક ઘરે લાવો, ત્રિવેણી મહેલમાં તપાસી જુઓ ને પછી જ્યોતિમાં જ્યોતિ મિલાવો…’

આ બધી વાણી પિંડમાં પરમાત્માની ઓળખ કરવાની કૂંચી બતાવે છે.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.