(અકિલામાં છપાયેલ લેખ પરથી વાચકોના લાભાર્થે અહીં સંકલન પ્રસ્તુત છે. – સં.)

આજે સમગ્ર વિશ્વમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓથી ખેતી થાય છે. આને લીધે ડાયાબિટિસ, કેન્સર, બીપી જેવા રોગો નાનપણથી લાગુ પડે છે અને આવા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લાં ૫૦ વર્ષથી આ ખેતી થાય છે. ધરતીનું અને પાણીનું સંતુલન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે.

હવે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ અભિગમ કેટલાક વિકાસશીલ ખેડૂતોએ અપનાવ્યો છે. તેઓ સેન્દ્રિય ખાતરના ઉપયોગથી સારા, પોષક, સ્વાદિષ્ટ અને સુપાચ્ય તેમજ સુદીર્ઘકાળ સુધી આરોગ્યને જાળવી રાખે એવા પાકો લેવાની આ પદ્ધતિ સૌરાષ્ટ્રના ૧૫૦૦૦ જેટલા ખેડૂતોએ અપનાવી છે. આ કાર્યમાં ભરતભાઈ પરસાણા નિ:સ્વાર્થભાવે પોતાની સેવાઓ આપે છે.

જમીનનું યોગ્ય રીતે વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવીને આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ચિંધેલ ખેતીની રીત પ્રમાણે ગાય જેવા પશુઓના ગૌમૂત્ર, છાણ; અળસિયા ઉત્પાદન કેન્દ્ર અને અળસિયાનું ખાતર; વૃક્ષોનાં પાંદડાં અને ગાયભેંસના છાણમૂત્રવાળા કોહવાયેલા કચરાનું છાણ ઉમેરીને થતું ગળતિયું ખાતર; મારા ફળિયાનું પાણી મારા ફળિયામાં, મારા ખેતરનું પાણી મારા ખેતરમાં; જેવી યોજનાથી અને માટીના ધોવાણને અટકાવીને એના કણેકણને બચાવી લેવાની પ્રવૃત્તિ દ્વારા જો આપણે આપણી આ પુરાણી કૃષિ પદ્ધતિએ ચાલીએ તો ખેડૂતોને મબલખ પાક પણ મળે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તદુપરાંત ઊંચી ગુણવત્તાવાળા અનાજ, ફળફૂલ, શાકભાજીના ઊંચા ભાવ પણ મળી શકે. અનાજ, કઠોળ, તેલ, શાકભાજી, ફળફૂલમાં આપણે સ્વાદિષ્ટતા સાથે પૌષ્ટિકતાની શુદ્ધતા અને સાત્ત્વિકતા પણ જાળવી શકીએ.

વળી, સેન્દ્રિય ખાતરની ખેતીથી ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલનનો ઉદ્યોગ પણ વિકસી શકે. પ્રાચીનકાળથી આપણો સમાજ પશુપાલન પર પણ પોતાનો નિભાવ કરતો. આ પશુપાલન ખેતીને માટે એક પૂરક અને પોષક ઉદ્યોગ બની શકે. ગીર-ઓલાદની ગાયોની માગ અત્યારે આપણા દેશમાં અને વિશ્વમાં વધતી જાય છે. આ ગાય શ્રેષ્ઠ ગાય ગણાય છે. બ્રાજિલ જેવા દેશમાં ૩૫ લાખ જેટલી ગીરની ગાય છે. ગીરની ગાયનું સંવર્ધન અને સંરક્ષણ ગામે ગામ કરીએ તો પશુપાલન દ્વારા દૂધ, ઘીની નદીઓ વહાવી શકીએ. ગીરની ગાયના દૂધનો અને ઘીનો ભાવ પણ ઘણો ઊંચો મળે છે. ઓર્ગેનિક પદ્ધતિએ પકવેલ અનાજ અને ગોળના ભાવ પણ ઘણાં ઊંચા આવે છે. ખેડૂતોને આવા પશુપાલનના ઉદ્યોગ તેમજ ઓર્ગેનિક ખેતી દ્વારા ધનવાન બનવાનો ઉદ્યમ હાથમાં આવે તેવું છે. ઓર્ગેનિક ખેતી કરતાં પહેલાં જમીનની ચકાસણી અને ખૂટતાં તત્ત્વોની પૂરતી પણ આપણે કરવી પડે છે. વળી, પાકમાં આવતા રોગ-જીવાતને કાબૂમાં લેવા આપણે લીમડા જેવાં વૃક્ષોનાં પાંદડાંનો ઉપયોગ કરી શકીએ છીએ. વધુ વૃક્ષો વવાય એ પણ આજના યુગની એક મહત્ત્વની આવશ્યકતા છે. એને લીધે ગ્લોબલ વોર્મિંગને આપણે રોકી શકીશું.

દર વર્ષે ૭,૮૦,૦૦૦ કરોડનું રાસાયણિક ખાતર આયાત થાય છે અને ૨,૧૪,૦૦૦ કરોડ સબસીડી આપે છે. આવા ખોટા ખર્ચા પણ ઓર્ગેનિક કૃષિ તરફ વળવાથી બંધ થાય છે. ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે ઓર્ગેનિક ખાતરની ખેતી થઈ રહી છે અને એના ઉત્તમ ફળ ખેડૂતો અને ગ્રાહકોને મળે છે.

જો ખેડૂતો આ ખેતી તરફ વળે તો પોતાનું, કૃષિનું, પર્યાવરણનું ભલું તો કરશે જ પણ સાથે ને સાથે સામાન્ય લોકોને કેટલાય રોગોમાંથી મુક્ત કરીને સો વર્ષનું સુખાકારીવાળું આયુષ્ય બક્ષી શકશે. ચાલો, આપણે આ અભિગત અપનાવીએ અને સૌનું કલ્યાણ કરીએ.

(સંપર્ક : શ્રી ભરતભાઈ પરસાણા; પ્રશાંત કાસ્ટીંગ પ્રા.લિ., ક્રિષ્ના પાર્ક પાછળ, રાજકોટ – ફોન : ૦૨૮૧-૬૫૯૩૪૪૫ / ૯૭૨૪૩૦૬૫૬૫.)

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.