જગમોહનલાલને નામે રાજાનો પત્ર
આબુરોડમાં પોતાના બે ગુરુભાઈઓને વિદાય આપીને સ્વામીજી જગમોહનલાલ સાથે જયપુર તથા રેવાડી થઈને ૨૧ એપ્રિલ, ૧૮૯૩ના રોજ ખેતડી પહોંચ્યા. રેવાડીમાં રાજાનો એક પત્ર એમની પ્રતિક્ષા કરતો હતો. પોતાના સુદીર્ઘ મદ્રાસપ્રવાસ દરમિયાન મુનશીજીએ રાજા સાહેબને નામે કેટલાય પત્રો મોકલ્યા હતા. એમાંથી અત્યારે એકેય પત્ર મળતો નથી. સદ્ભાગ્યે રાજાએ મુનશીજીને લખેલા એક પત્રની હસ્તલિખિત પ્રત અમને મળી છે. એના પરથી એવું લાગે છે કે એપ્રિલના પ્રારંભમાં મદ્રાસથી નીકળતાં પહેલાં મુનશીજીએ એક પત્ર લખીને રાજાને બધી વસ્તુસ્થિતિ બતાવી હતી. આ પત્ર સંભવત: એનો જ ઉત્તર છે. આ પત્ર પરથી એવું જણાય છે કે સ્વામીજીની યુરોપ અમેરિકા યાત્રાના ધનસંગ્રહનું કાર્ય મદ્રાસમાં ત્યારે પણ ચાલતું હતું અને પૂરું યાત્રાભાડું ભેગું ન કરી શકે તો અફઘાનિસ્તાનના રસ્તે પગે ચાલીને જવા તેઓ તૈયાર હતા. આ પત્ર અહીં પ્રસ્તુત કરીએ છીએ.
૧૧-૪-૧૮૯૩
પ્રિય જગમોહન,
આજે સવારે આપનો સવિસ્તૃત પત્ર મળ્યો. એ પત્ર વાંચીને મેં જે કંઈ તારણ કાઢ્યું છે તે આવું છે.
(૧) જેને સારા માણસ ન ગણી શકાય એવી વ્યક્તિના વચન પર સ્વામીજી નિર્ભર રહ્યા. (૨) રામનદના રાજા પોતાનું વચન પાળવા માટે ખચકાય છે. (૩) જ્યારે આપણા રાજ્યના લોકો વિશે, તેમજ આપણા પવિત્ર સ્વામીજી વિશે, એમના ભવિષ્યના દૃષ્ટિકોણ વિશે આપ વિચારો છો. એટલે અમે લોકો કદાચ ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા આપવા રાજી નહિ થઈ શકીએ એવી શંકા આપને થાય છે. (૪) સ્વામીજીનો ભક્તગણ એમની યાત્રા માટે ધન એકત્ર કરે છે. (૫) સ્વામીજી કદાચ અફઘાનિસ્તાનના રસ્તે પગે ચાલીને જશે; વગેરે જે કંઈ આપે લખ્યું છે એના પરથી એવું જણાય છે કે આવી રીતે ફંડ દ્વારા ત્યાં ધન એકત્ર કરવાના કાર્યની સફળતામાં આપને પૂરો વિશ્વાસ નથી. (૬) સ્વામીજી ખરેખર યુરોપ જવા ઉત્સુક છે. (૭) આપને સ્વામીજીને અહીંયા લૂ કે ગરમહવા લાગે એવી આશંકા છે. (૮) તમે પોતે પણ ઘણી કઠિન પરિસ્થિતિમાં છો.
સારુ, કેટલાક બીજા સમાચારોમાંથી આ જ સર્વાધિક મહત્ત્વપૂર્ણ સૂચનાઓ છે. હવે હું વધુ નહિ લખું પણ જેટલું આવશ્યક છે એટલું જ લખીશ. હું હાર્દિક રૂપે સ્વામીજીના યુરોપ જવાના વિચાર સાથે સહમત છું. એમનો ઉદ્દેશ્ય એટલો મહાન છે કે મારે આ વિશે ક્યારેય સ્વાર્થી બનવું ન જોઈએ પરંતુ જેમને પોતાના ગુરુ કહીને હું સૌભાગ્ય પામ્યો છું અને ગર્વ અનુભવું છું, જો જગત એમનાથી કોઈ લાભ અર્જિત કરી શકે તો મને સંતોષ અને પ્રસન્નતા થશે. એમને માટે રૂપિયા આપવામાં એકમાત્ર મુશ્કેલી એ જ છે કે જે આપે વિચારી છે. અર્થાત્ આપણા લોકો શું કહેશે? પરંતુ મારા મનમાં એક બીજો વિચાર આવે છે અને તે એ છે કે હુકમ ખર્ચમાંથી આવશ્યક ધન લેવું સરળ છે. પછી એ બધા લોકો ભલે ગમે તે વિચારે. આપણે તો આટલા રૂપિયા આટલી સુંદર યોજનામાં વપરાયા એ વિચારીને હંમેશાં આનંદ અનુભવીશું, પછી એ લોકો ભલે ઇચ્છે તે કહ્યા કરે. લોકોને જ્યારે ખ્યાલ આવશે કે આ ધન કેવળ ભોજન તથા યાત્રાખર્ચના હેતુ માટે છે તો પછી એમણે આવી વાતો શા માટે કરવી જોઈએ?
એ દિવસે હું અહીં સુધી જ લખી શક્યો હતો. શુક્રવારે મને આપના બે તાર મળ્યા અને ત્યાર પછી મને એ પત્ર પણ મળ્યો; જેમાં આપે મને રૂપિયા વિશે થોડું સ્પષ્ટ રૂપે બતાવ્યું છે. આપે ઘણા પત્ર રવાના કર્યા, પરંતુ તમારા આવવામાં વિલંબ વિશે મને હંમેશાં અંધારામાં રાખ્યો. હવે મારી સમજમાં આવે છે કે એનું એકમાત્ર કારણ ધન સિવાય બીજું કંઈ નથી. જો આપે આ વાત પહેલાં જ સમજાવી દીધી હોત તો મેં આજથી ઘણા સમય પહેલાં જ બધી વ્યવસ્થા કરી દીધી હોત. મારાં પત્ર સમયે નહિ પહોંચી શકે એમ માનીને આપને હું લખી શક્યો નહિ. એનું કારણ આપ પોતાના દરેક પત્રમાં મદ્રાસથી તરત જ પાછા ફરવાની વાત લખતા હતા. આપના દ્વારા આટલો સમય વ્યર્થ ગુમાવી દેવો એ અત્યંત અવિવેકપૂર્ણ કાર્ય રહ્યું. હવે મને પૂરો વિશ્વાસ છે કે સ્વામીજીને અહીં સારા પ્રમાણમાં ગરમી લાગશે. અહીં આવેલા અને થોડા જ સમયમાં આવનારા મહેમાનોની બધી વ્યવસ્થા જોવાને લીધે હું આજકાલ ઘણો બેધ્યાન બની ગયો છું. સીકરના રાવરાજા સાહેબ અહીં આ મહિનાની આઠ તારીખથી આવ્યા છે અને …ના રોજ અહીંથી નીકળશે. તેઓ પોતાના સેવકોના રૂપે ૧૧૦૦ માણસો લાવ્યા છે.
બાળક (રાજકુમાર જયસિંહ) પણ છેલ્લા દસ દિવસથી સાજામાંદા રહે છે. આ વાત પણ મનને નચિંત રહેવા દેતી નથી. એટલે દરરોજ વધતી જતી ગરમીની વચ્ચે, દેશના આટલા નાના નિર્જન પહાડી સ્થળે આટલી બધી વાતોનું ધ્યાન રાખવાનું છે. વારુ, મારે આવી વ્યર્થ બાબતો વધારે લખવી ન જોઈએ.
હું આ પત્ર જે લોકો સવારીઓ સાથે રેવાડી જઈ રહ્યા છે, એમના હાથે મોકલું છું. ત્યાં આપ જવાના છો. ‘જો સ્વામીજીને વધુ ગરમી લાગતી હોય તો એમને અહીં આવવા માટે ઝાઝું દબાણ ન કરતા.’ એ વાત બતાવતો એક તાર મેં હમણાં જ તમને કર્યો છે. મને એ વાતનો ખેદ છે કે આ વખતે મારી પાસે સમય નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે ધનની જરાય પરવા ન કરતા. હું એની વ્યવસ્થા કરીશ અને એમાંથી ક્યારેય પીછેહઠ નહિ કરું. બીજી વાત એ છે કે જો અહીં આવવું સ્વામીજીને કષ્ટદાયી લાગે તો એમને અહીં રહેવાની જીદ ન કરતા. (‘રાજસ્થાન મેં સ્વામી વિવેકાનંદ’, પંડિત જાબરમલ શર્મા તથા શ્યામસુંદર શર્મા, ખંડ-૨, પૃ.૧૦૨ અને ૧૯૯; સ્વામી વિવેકાનંદ : એ ફરગોટન ચેપ્ટર ઓફ હીઝ લાઈફ, બીજી આવૃત્તિ, ૧૯૮૨, પૃ.૭૧-૭૩)
આપનો વિશ્વાસુ,
અજિતસિંહ
મુનશી જગમોહન, રેવાડી
રેવાડીના સરનામે લખેલ ઉપર્યુક્ત પત્ર પરથી અનુમાન કરી શકાય કે તે લોકો ૧૫ એપ્રિલની આસપાસ રેવાડી પહોંચ્યા અને ત્યાંથી થોડા દિવસનો પ્રવાસ કરીને ૨૧ એપ્રિલના રોજ ખેતડી પહોંચ્યા હશે. એ દિવસે ખેતડી આવવા માટે રેવાડી રેલવે સ્ટેશને ઊતરવું પડતું. પરંતુ અત્યારે તો મુંબઈનો પ્રસંગ ચાલે છે. રેવાડી થઈને ખેતડી યાત્રાનો પ્રસંગ હવે પછી આગળ આવશે.
પુત્રોત્સવનું આયોજન
એક મહિના પછી રાજાજી સપરિવાર આગ્રાથી ખેતડી પધાર્યા અને રાજકુમારના જન્મનો મહોત્સવ વિશેષ રૂપે ઉજવવાનું આયોજન કર્યું. શેખાવાટીમાં ક્યારેય આવો સમારોહ થયાનું જોવામાં આવ્યું ન હતું. રાજા અજિતસિંહજીએ એ સમયે જાણે કે પોતાનો ખજાનો જ ખુલ્લો મૂકી દીધો. આ સુઅવસરે સીકર, નવલગઢ, મંડાવા, બીસાઉ, સુરજગઢ, મલસીસર, અલસીસર વગેરે રજવાડાઓના લગભગ મોટા મુખ્ય મુખ્ય શેખાવત સરદારો પોતાનાં દળ-બળ સાથે પધાર્યા હતા. સ્વનામ ધન્ય સ્વામી વિવેકાનંદજી, મહારાજા કર્નલ સર પ્રતાપસિંહજી, નરસિંહગઢ (મધ્યભારત)ના મહારાજા મહતાબસિંહજી, રામપુરના નવાબ હમીદ અલી ખાઁ અને લુહારુના નવાબ અમીરુદ્દીનજી જેવા મહેમાનોએ ખેતડીમાં પદાર્પણ કરીને આ સ્મરણીય મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. વિદ્વાનો, સંગીતજ્ઞો, કવિઓ અને યાચકોનો પણ જમાવડો થયો હતો. બધાને યથાયોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વૃદ્ધ ચારણો દ્વારા એ સમયે બનાવેલા ગીત શેખાવટીમાં આજ સુધી ગવાય છે. આ અવસરે રાજા સાહેબે ઘણા કેદીઓને મુક્ત કરી દીધા હતા અને ખેડૂતોનું એક લાખથી ઉપરનું લેણું કે મહેસૂલ માફ કરી દીધાં હતાં. (આદર્શ નરેશ, જાબરમલ શર્મા, પૃ.૩૦૧-૦૩)
ચેન્નઈ (મદ્રાસથી) પત્ર
સ્વામીજીના ખેતડી નિવાસ દરમિયાન એમના મદ્રાસના ભક્તોએ એમને થોડાક પત્રો લખ્યા હશે. એમાંથી એકેય પત્ર ઉપલબ્ધ નથી. માત્ર મુનશીજીના નામે લખેલો પત્ર મળે છે. (ખેતડી પેપર્સ, ૧૯૯૯)
એકાઉન્ટન્ટ જનરલનું કાર્યાલય,
પોર્ટ સેન્ટ જોર્જ (મદ્રાસ), ૧૩ એપ્રિલ,૧૮૯૩
પ્રિય જગમોહનજી,
પૂજ્યપાદ સ્વામીજી તથા પોતાના સેવકો સાથે આપ સુરક્ષિત રૂપે ખેતડી પહોંચી ગયા હશો એવી મને આશા છે. સ્વામીજીને મારા સાષ્ટાંગ પ્રણામ કહેશો. અમારા બધા મિત્રો સકુશળ છે. અમને બધાને સ્વામીજીનો અભાવ સાલે છે. પરંતુ એ વિચારીને અમને આનંદ થાય છે કે તેઓ વિશ્વભ્રમણની યાત્રા પછી અમારી વચ્ચે પાછા આવશે. અમારા બધા મિત્રોના સ્વામીજીને નમસ્કાર. આશા છે કે આપ બધા સ્વસ્થ હશો.
આપનો વિશ્વાસુ,
વી.રાઘવાચારિયાર
ત્રિવેન્દ્રમ્ના શ્રીસુંદરમ્ ઐયર સાથે સાદૃશ્ય સંબંધ રાખનારના રૂપે ચહેરાથી સ્વામીજી મને ઓળખે છે.
સ્વામીજીનું ખેતડીમાં સ્વાગત
સ્વામીજીના બાળબંધુ તથા શિષ્ય શ્રી પ્રિયનાથ સિંહાએ સંભવત: મુનશીજી જગમોહનલાલ પાસેથી સાંભળીને સ્વામીજીના ખેતડી પહોંચ્યાનું વિવરણ અહીં અમે આપીએ છીએ : ‘રાતના નવ વાગ્યા હતા. ખેતડીના રાજમહેલમાં ઘણી ધૂમધામ હતી. મહેલની ભીતર એક સુસજ્જિત તળાવમાં ફૂલફળ, મણિમુક્તાથી અલંકૃત એક નૌકામાં મહારાજા બેઠા હતા. ચારે તરફ સંગીતની સૂરલહરી ફેલાઈ ગઈ હતી. મંત્રીઓથી ઘેરાયેલા રાજપૂતાનાનો રાજગણ ઉપયુક્ત આસન પર વિરાજમાન હતો. ત્રણ-ચાર દિવસ પહેલાં ઉત્સવનો આરંભ થયો હતો. ઘણા રાજાઓ પોતપોતાના સ્થાને પાછા ફર્યા હતા. આમ છતાં અત્યારે પણ બધું અપૂર્વ શોભાથી શોભિત હતું અને આનંદનો સ્રોત વહી રહ્યો હતો. એ વખતે જગમોહનલાલ સ્વામીજીને લઈને ઉપસ્થિત થયા. મહારાજાએ એમને જોતાંવેંત જ વિલંબ કર્યા વિના આગળ આવીને બધાની સામે જ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. સ્વામીજીએ હાથ પકડીને એમને ઊભા કર્યા અને ઉપયુક્ત આસન પર બેસાડીને સ્વામીજી સાથે વિવિધ વિષયો પર વાતો કરવા લાગ્યા. રાજા સાહેબે ત્યાં ઉપસ્થિત અન્ય બધા લોકોને સ્વામીજીનો પરિચય કરાવ્યો અને અમેરિકા જઈને શિકાગોની ધર્મ પરિષદમાં સનાતન ધર્મનાં ગૂઢ તત્ત્વો સમજાવવા માટે એમના સંકલ્પ પર એમને હાર્દિક ધન્યવાદ આપવા લાગ્યા. (ઉદ્બોધન, બંગાળી પાક્ષિક, વર્ષ-૭, અંક-૧૪; ‘વિવેકજ્યોતિ’, ૧૯૯૩, અંક-૨, પૃ.૪૫-૪૬)
ત્યાર પછી ખેતડીના રાજકીય વાકિયાત રજિસ્ટરનું વિવરણ તિથિવાર આ પ્રમાણે પ્રસ્તુત છે.
૨૧ એપ્રિલ, ૧૮૯૩, શુક્રવાર
શ્રી અન્નદાતાજી મહારાજ સરદાર લોકો સાથે તળાવની પૂર્વ તરફની સીડીઓ પર બેઠા છે. એમણે સરદારોને હોડીમાં બેસીને નૌકાવિહાર કરવા કહ્યું. એટલે એ લોકો હોડીમાં બેસીને વિહાર કરતા રહ્યા. હોડી લાકડાની પાટની બનાવી હતી. ત્યાર પછી મહારાજા પોતે પણ નાવમાં બેઠા અને સરદારોને નૌકાવિહાર કરાવતા રહ્યા. નૌકામાં સ્ત્રીઓનો નાચ પણ ચાલુ હતો. હોડીમાં આતશબાજી થતી રહી.
મુનશી જગમોહનલાલજી સ્વામી વિવેકાનંદજીને તેડવા ગયા હતા. તેઓ એમને લઈને આવ્યા. નાવમાં જ સૂચના મળી, એટલે એમને ત્યાં જ લાવ્યા. મુનશીજીએ બે રૂપિયા અને શ્રીજી મહારાજે ૨૫ રૂપિયા સ્વામીજીને ભેટ આપ્યા. એમને પણ નાવમાં બેસાડી દીધા. દસ વાગ્યે નાવમાંથી ઊતરીને તળાવની બહાર આવ્યા. ત્યારબાદ સરદારોએ વિદાય લીધી. રાજાજી પોતે, બૈરીસાલજી, નવલગઢના કુંવર નારાયણસિંહજી, સ્વામીજી અને જગમોહનલાલજી હાથી પર સવારી કરીને બગીચામાં પધાર્યા અને ત્યાં જ હાથી પરથી નીચે ઊતર્યા. બૈરીસાલજી અને નારાયણસિંહજી વિદાય લઈને એમના નિવાસસ્થાને ગયા. રાજાજી પોતે અને સ્વામીજી છબિનિવાસની સામે (દીવાનખાનાની છત પર) બેઠા. વાતો થતી રહી. અગિયાર વાગે ભોજન લીધું. સ્વામીજીએ પણ ત્યાં જ ભોજન કર્યું અને બાર વાગ્યે આરામ કરવા ગયા.
૨૨ એપ્રિલ, ૧૮૯૩, શનિવાર
દસ વાગ્યે શ્રીહજુર આસમાની મહલમાં સ્વામીજીની પાસે પધાર્યા. બાર વાગ્યે ભોજન લીધું અને સ્વામીજી સાથે વાતો ચાલતી રહી. (ખેતડીમાં આ વખતે સ્વામીજી આસમાની મહેલમાં ઊતર્યા હતા. આ મહેલ કયો છે, એનું હજુ સુધી નિર્ધારણ થઈ શક્યું નથી.)
૨૬ એપ્રિલ, ૧૮૯૩, બુધવાર
હાથી, ઘોડા હાજર હતા. તેથી એક હાથી પર શ્રીહજુર તથા નવાબ સાહેબ સવાર થયા. બીજા પર ઝમીરુદ્દીન ખાઁજી તથા રિધજી બેઠા. ત્રીજા હાથી પર જગમોહનલાલજી તથા સ્વામી વિવેકાનંદજી બેઠા.
૨૭ એપ્રિલ, ૧૮૯૩, ગુરુવાર
રાતના નવ વાગ્યે છબિનિવાસની સામે બેઠા. સ્વામીજી સાથે વાતો ચાલતી હતી. અગિયાર વાગ્યે ભોજન લીધું.
૫ મે, ૧૮૯૩, શુક્રવાર
સ્વામી વિવેકાનંદ સાથે વાતો થતી રહી. અગિયાર વાગ્યે ભોજન લીધું. ત્યાર પછી આરામ કરવા ગયા.
૭ મે, ૧૮૯૩, રવિવાર
અગિયાર વાગ્યે ભોજન લીધું પછી બેઠા. હજુરની સાથે રહેનાર અને કર્મચારી વૃંદ આવ્યા. રાજના કામકાજની વાતો થતી રહી. બે વાગ્યે લોકો ચાલ્યા ગયા અને સ્વામીજી સાથે વાતો ચાલતી રહી.
૯ મે, ૧૮૯૩, મંગળવાર
મહારાજ સ્વામી વિવેકાનંદજીને ડ્યોઢી (રાણી મહલ – આજે ત્યાં રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ સ્મૃતિ મંદિરનો એક ભાગ છે.)માં કુમારની પાસે લઈ ગયા. થોડીવાર પછી તેઓ પાછા ફર્યા અને બેઠા અને સ્વામીજી સાથે વાતો ચાલતી રહી. (રાજકુમાર જયસિંહ, ૧૮૯૩ થી ૧૯૧૦ના જીવનની મુખ્ય ઘટનાઓ આ પ્રમાણે છે. જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૮૯૩; રાજગાદી-૩૦ જાન્યુઆરી, ૧૯૦૧; મૃત્યુ ૩૦ માર્ચ, ૧૯૧૦ – ‘આદર્શનરેશ’, પંડિત જાબરમલ શર્મા, પૃ.૩૦૧, ૩૩૫; તથા ‘યુગદિશારી વિવેકાનંદ’ બંગાળી ગ્રંથ, ઉદ્બોધન, કોલકાતા, પૃ.૩૩૪)
૧૦ મે, ૧૮૯૩, બુધવાર
વહેલી સવારે ઊઠ્યા. સ્વામી વિવેકાનંદજી આજ જવાના છે. એમની પાસે ગયા. ત્યાંથી સ્વામીજીને સાથે લઈને બગીચામાં ગયા. એમને પાલખીમાં બેસાડ્યા અને મુનશી જગમોહનલાલજીને મુંબઈ સાથે જવાનો આદેશ દીધો.
અલવરથી આવેલા ભક્ત
સ્વામીજી ફરી પાછા ખેતડી આવે છે (સંભવત: સ્વામીજીના જ પત્રથી) એવી સૂચના મેળવીને અલવરથી પણ એમના કેટલાક ભક્ત કે શિષ્ય એમને મળવા ત્યાં ઉપસ્થિત થયા, સ્વામીજીના એક પત્રમાંથી એવો સંકેત મળે છે. ૧૮૯૪માં શિકાગોથી અલવરના લાલા ગોવિંદ સહાયને લખેલા પત્રમાં સ્વામીજી આમ લખે છે: ‘એક વર્ષથી પણ અધિક કાળ પૂર્વે તમારા વિશે છેલ્લીવાર ખેતડીમાં સાંભળ્યું હતું. (આ પત્રાંશ સ્વામીજીની ગ્રંથાવલીમાં નથી. એના ફોટોગ્રાફ માટે ‘રાજસ્થાન મેં સ્વામી વિવેકાનંદ’ ભાગ-૨, પૃ.૧૮૭ જુઓ.)
Your Content Goes Here




