માસ્ટર – શું ઈશ્વરનાં દર્શન થઈ શકે?

શ્રીરામકૃષ્ણ – હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.

માસ્ટર – કેવી અવસ્થામાં એમનાં દર્શન થાય ?

શ્રીરામકૃષ્ણ – ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રી પુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારું કોણ રડે છે ? જેમ તેમ નહિ પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ. એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યું :

‘બોલાવને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના !

કેમ મા શ્યામા આવે ના, કેમ મા કાલી આવે ના !

મન ખરેખર આતુર હો, તો જાસૂદ – બિલ્વપત્ર લો !

ભક્તિ – ચંદન લગાવીને, (માને) પગે પુષ્પાંજલિ દો !’

‘ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતાની પછી જ ઈશ્વર દર્શન.

ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ. આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેના જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

‘વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે. તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય મળે.

‘આતુર બનીને ઈશ્વરને બોલાવવો જોઈએ. બિલાડીનું બચ્ચું માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કરીને તેની માને બોલાવી જાણે. મા તેને જ્યાં રાખે ત્યાં રહે, ક્યારેક રસોડામાં, તો ક્યારેક જમીન ઉપર, તો ક્યારેક પથારી ઉપર રાખે. બચ્ચાંને દુ :ખ થાય તો તે કેવળ ‘મ્યાઉં મ્યાઉં’ કરી માને બોલાવે, બીજું કંઈ જાણે નહીં. મા ગમે ત્યાં હોય, પણ તે ‘મ્યાઉં મ્યાઉં’ શબ્દ સાંભળીને આવી પહોંચે. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૧, પા. ૨૩)

Total Views: 412

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.