(વર્ષોથી કેળવણી ક્ષેત્રમાં પડેલા માલવિયા બી.એડ્. કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશીની પ્રૌઢ કલમે લખાયેલી આ શોધયાત્રા કેળવણીરસિકો, અધ્યાપકોને જરૂ૨ ગમશે અને પ્રે૨ક નીવડશે એવી આશા રાખીએ છીએ.)
આચાર્ય ક્ષિતિમોહન સેનના નામથી શિક્ષણ જગતના મિત્રો ભાગ્યે જ અપરિચિત હશે. રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી, ઉપરાંત તેઓનું નામ એક મહાન શિક્ષણશાસ્ત્રી તરીકે પણ જાણીતું છે. બાબુ ક્ષિતિમોહન સેનને સૌ “હિંદનું જંગમ જ્ઞાનતીર્થ” માનતા. એમનાં પ્રવચનોમાં, “૨વીન્દ્રનાથનાં બંગાળી કાવ્યો”નો ઉલ્લેખ આવતો, ‘બાઉલ’ સંતોની વાતો આવતી, વેદોના મંત્રોનું ઉચ્ચારણ થતું, ‘કુમાર સંભવ’ના કોઈ શ્લોકનું આવર્તન થતું, ઉપનિષદનાં સૂત્રો આવતાં, કબીર, દાદૂ વગેરે ભક્તસંતોની વાણીનો ઉલ્લેખ થતો, અને કોઈ વાર પેટ પકડીને હસાવતા ટૂચકાઓ પણ આવતા. જીવનનો મર્મ જાણી ચૂકેલ, સંતપ્રકૃતિનો એક મર્મી ઑલિયો જ જોઈ લો!
‘શિક્ષણસાધના’ નામના એમના, સંપાદિત પ્રવચનોના પુસ્તકમાં એમણે એક સુંદર દૃષ્ટાંત કથા મૂકી છે. આપણે સૌએ એ વાત સમજવા જેવી છે. “એક વૃદ્ધ પુરુષ જાત્રા કરતો કરતો થાક્યોપાક્યો કોઈ એક દ્વાર પાસે જઈ પહોંચ્યો. આજુબાજુ કોઈ આશ્રયસ્થાનને અભાવે એક રાત એ જ સ્થાનમાં પસાર કરવાનું વિચાર્યું. રાત્રિનો અંધકાર જામતો હતો. મંદિરમાં પણ અંધારું હતું. તેણે જેવો મંદિરમાં પ્રવેશ કર્યો કે તેને ઠેકઠેકાણે પગમાં, માથામાં, એમ બધે વાગવા લાગ્યું. એટલામાં એક દસ-બાર વર્ષની કન્યા ત્યાં ફાનસ લઈ આવી પહોંચી. પેલા યાત્રિકે પૂછ્યું, “આ શું છે? મને આ બધું શું અથડાય છે?” કન્યા હસતી હસતી બોલી, “મંદિરના દેવતાને આપના આગમનની ખબર હતી તેથી આપના માટે આસન રાખ્યું છે, સૂવા માટે પથારી પાથરી છે, હાથપગ ધોવા જળપાત્ર ભર્યાં છે, ખાણાંપીણાં તૈયાર રાખ્યાં છે, પહેરવા ઓઢવાને વસ્ત્રોની આ પેટી છે. દિવસે આ બધું તૈયાર રાખેલું જેથી રાતને સમયે આપ આવો ત્યારે આપનો થાક દૂર થાય, ભૂખ તરસ મટે અને નિરાંતે આરામ કરી શકો. પણ આપે મંદિરમાં દીવા વગર પ્રવેશ કર્યો, તેથી જ આપને માટે સુખનાં જે સાધનો તૈયાર રાખ્યાં હતાં તે જ આપને આઘાત આપનારાં બન્યાં.” માત્ર પ્રદીપને અભાવે જે સામગ્રી અનુકૂળતા માટે હતી તે પ્રતિકૂળ નીવડી!
આપણો દેશ આઝાદ થયો. શિક્ષણ ક્ષેત્રે જબરો વિસ્ફોટ થયો. નવાં નવાં વિશ્વવિદ્યાલયો ઊભાં થયાં, અનેક મહાવિદ્યાલયો અસ્તિત્વમાં આવ્યાં, શાળાઓ અને ઉચ્ચતર મહાશાળાઓ શરૂ થઈ, પ્રાથમિક શાળાઓ અને બાલમંદિરો ચાલુ થયાં. બાલક્રિડાંગણો અને અંગ્રેજી માધ્યમની શાળાઓનો પણ કોઈ પાર નહીં. શિક્ષણની જાણે કે ભૂખ ઉઘડી! પરિણામે ધાંધલ-ધમાલ, ધક્કા-મુક્કી, તોફાનો, મારામારી, હડતાલો, અશાંતિ અને અજંપો, જાણે કે આપણે સૌ પેલા યાત્રિકની માફક અંધારામાં જ અથડાવા લાગ્યાં!
પ્રદીપ વિના પ્રભુના મંદિરમાં પ્રવેશ કર્યો, પરિણામે અંધાધૂંધી સર્જાઈ.
માનવતાની મશાલ લીધા વિના માતૃમંદિરમાં પગ મૂક્યો, પરિણામે રાક્ષસવૃત્તિ જ ઊભી થઈ.
ધર્મની ધજાનું આરોપણ કર્યા વિના અધ્યાપન- અધ્યયન કાર્ય શરૂ થયું, પરિણામે સરસ્વતીનાં ધામોમાં જ અધર્મની બદબૂ ફેલાવા લાગી.
માત્ર આટલું જ સમજવાની – સમજાવવાની જરૂર હતી કે સરસ્વતીનાં ધામો એ વિદ્યામંદિરો છે, મંદિરમાં દીપ પ્રગટાવ્યા વગર પ્રવેશ કરવો એ પાપાચા૨ને નિમંત્રણ આપવા બરાબર છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે જીવનમાં ધર્મનું સ્થાન એકડા સમાન છે. એકડા પછીનાં બધાં જ મીંડાંઓ મૂલ્યવાન છે પણ એકડો તો પહેલાં જ આવે. આઝાદી પહેલાં ટાંચાં સાધનોવાળી શાળાઓ કે મહાશાળાઓમાં અધ્યાપન-અધ્યયન કાર્ય ઉત્તમ રીતે થતું કારણ કે એમાં ધર્મના દીપકો જલતા હતા, નીતિના દીવડાઓ જલતા હતા આઝાદી પછી શાળાઓ – મહાશાળાઓનાં મકાનો, સાધનો, પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ, અણુવિદ્યુત – સાધનો આ બધું હોવા છતાં અરાજકતા ને અજંપો, અશિસ્ત અને અંધાધુંધી, કારણ કે, “માત્ર પ્રદીપને અભાવે જે સામગ્રી અનુકૂળતા માટે હતી તે પ્રતિકૂળ નીવડી!” શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા ૧૯૯૧ના સપ્ટેમ્બર મહીનામાં એક ‘પરિસંવાદ’નું આયોજન થયેલું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાંથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને મહાવિદ્યાલયોમાંથી શિક્ષક ભાઈઓ-બહેનો તથા પ્રાધ્યાપક મિત્રોએ ભાગ લીધેલો. વિષય હતો ‘કેળવણીનું ભારતીયકરણ’. પરિસંવાદમાં જે મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા તે આપણી આંખો ઉઘાડી દે એવા હતા, સૌને વિચારતા કરી દે એવા હતા.
ભારતના આઈ. આઈ. ટી. સ્નાતકોમાંથી, લગભગ ૬૦ ટકા, પરિણામ બહાર પડે છે તે પહેલાં જ, ભારત છોડી વિદેશ ચાલ્યા જાય છે. આ દરેક વિદ્યાર્થી પાછળ સરકાર લગભગ ૧ લાખ રૂપિયા ખર્ચ કરે છે. દેશ પ્રત્યેની વિદ્યાર્થીઓની આ ભયંકર વિમુખતાથી રાષ્ટ્રનો બહોળો શક્તિસ્રોત પરદેશ તરફ ઘસડાઈ જાય છે.
શાળા અને કૉલેજોમાં રાજકારણના પ્રવેશથી તેમજ શિક્ષકોની ધન પ્રાપ્ત કરવા માટેની આંધળી દોટથી શાળાકીય શિક્ષણ માત્ર વેપારીવૃત્તિવાળું જ બની ગયું છે.
લાખો રૂપિયા શિક્ષકો પાછળ અને વહીવટ પાછળ ખર્ચાઈ રહ્યા હોવા છતાં પરિણામો સાવ હતાશાજનક અને કંગાલ આવે છે. ચોરીનું દૂષણ અને ભ્રષ્ટાચાર એ જાણે કે શિષ્ટાચાર બની ગયો છે.
મધ્યમ વર્ગના તેજસ્વી શિક્ષકો શાળાને દાન આપી શકતા નથી પરિણામે તદ્દન ચોથી કે પાંચમી કક્ષાના શિક્ષકોને નોકરીમાં રાખવામાં આવે છે જેઓ શાળાના શૈક્ષણિક સ્તરને નુકસાન પહોંચાડે છે.
શાળામાં નૈતિક તેમજ આધ્યાત્મિક શિક્ષણને અભાવે વિદ્યાર્થીઓ અનૈતિક ટેવો તેમજ નશીલા પદાર્થો તરફ ઢળે છે. અને છેવટે હતાશા કે આપઘાત તરફ ઢળે છે. દિલ્હી તો આવા નશાખોરોનું ધામ બની ગયું છે એમ ‘યુનો’ના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એક સરકારી રીપોર્ટ પ્રમાણે શાળાછાત્રાલયો કે કૉલેજની ‘હૉસ્ટેલ્સ’, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ કૉલેજમાં ન ભણતા વિદ્યાર્થીઓનાં પાગલખાનાં જેવાં બની ગયાં છે.
ભારત સરકારના શિક્ષણ ઉપરના એક અહેવાલમાં વૈજ્ઞાનિક અભિગમ અને લોકશાહી તેમજ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પદ્ધતિ આ જાતના નૈતિક કે આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપવા સમર્થ નીવડી નથી. સરકારના આ અહેવાલમાં સ્થિતિસ્થાપક મૂલ્યોની કોઈ પ્રક્રિયાની સમજ નથી આપી. સ્વામી વિવેકાનંદે આવી પ્રક્રિયાને વ્યાવહારિક વેદાંત એવું નામ આપ્યું છે. એ ધર્મ, જાતિ, જ્ઞાતિ જોયા વિના સૌને શિક્ષણ આપે છે.
૧૯૮૬નો શિક્ષણ પંચનો અહેવાલ રાષ્ટ્રના સર્વ માન્ય આદર્શો અને ધ્યેયોની પ્રાપ્તિ માટે ધર્માભિમુખ બનવા માટે આગ્રહ સેવે છે તેમ છતાં એ સર્વમાન્ય ધ્યેયો શા છે, શિક્ષણમાં તેમનો વિનિયોગ કેમ કરવો એ સ્પષ્ટ નથી.
શિક્ષણપંચો:
આઝાદી બાદ શિક્ષણમાં આવશ્યક સુધારાઓ કરવા માટે તેમજ દેશની જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સરકારે જુદા જુદા સમયે અને વિવિધ તબક્કે શિક્ષણ પંચોની રચના કરી. દેશના અગ્રણી શિક્ષણ શાસ્ત્રીઓ, અનુભવી મહાનુભાવો, પરદેશના નિમંત્રિત મહેમાનો તેમજ અન્ય વિદ્વાનો સંશોધન અને અભ્યાસ દ્વારા શિક્ષણમાં સુધારાઓ લાવવા માટે ભલામણો કરે છે. આવાં પંચોમાં મુખ્ય પંચો નીચે પ્રમાણે છે:
ડૉ. મુદ્દાલિયાર શિક્ષણ પંચ-માધ્યમિક શિક્ષણ પંચ
ડૉ. રાધાકૃષ્ણન શિક્ષણ પંચ-વિશ્વવિદ્યાલય શિક્ષણપંચ
ડૉ. કોઠારી શિક્ષણ પંચ – રાષ્ટ્રીય શિક્ષણ પંચ
રાષ્ટ્રીય શિક્ષણપંચ એ સર્વાંગીણ શિક્ષણ પંચ ગણાય છે. ડૉ. કોઠારી જ્યારે આ પંચનો રીપોર્ટ, રાષ્ટ્રપતિને સોંપવા ગયા ત્યારે એ સમયના રાષ્ટ્રપતિએ, “અમલ કરો, અમલ કરો, અમલ કરો” એમ ત્રણ વાર ભારપૂર્વક કહેલું.
આ ઉપરાંત માતૃભાષા અને રાષ્ટ્રભાષા, મૂલ્યો અને સંસ્કૃતિ, રાષ્ટ્ર નિર્માણ જેવા વિષય ઉપરની સરકાર નિયુક્ત સમિતિઓ પણ એટલી જ. લાખો રૂપિયાનો ખર્ચ, પરિસંવાદો અને કાર્યશાળાઓ, ચર્ચા સભાઓ, પણ પરિણામ શૂન્ય. “ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર” જેવા તાલ થાય છે.
પંચોની સર્વસામાન્ય ભલામણો જોઈએ તો તે નીચે પ્રમાણે છે:
લોકશાહી સ્વરૂપની સરકાર વિશેની સમજ તેમજ એ સ્વરૂપનો સ્વીકાર અને તેનો વ્યાવહારિક અમલ.
સામાજિક કે આર્થિક રીતે પછાત જાતિઓનો ઉત્કર્ષ, સ્ત્રી જાગૃતિ – સ્ત્રીઓનો ઉત્કર્ષ.
રાષ્ટ્રભાષા અને માતૃભાષાનું શિક્ષણના માધ્યમ તરીકે સ્થાન.
આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ.
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય.
વૈજ્ઞાનિક અને ટૅકનિકલ અભિગમ.
રાષ્ટ્ર ભાવના અને આંતરરાષ્ટ્રીય સમજ માટેની કેળવણી.
સરકાર નિયુક્ત પંચો તો ભલામણો કરે, માર્ગદર્શક સિદ્ધાંતો બતાવી માર્ગદર્શન આપે પણ અમલ કરવા માટે તો શાળાઓ, મહાશાળાઓ કે વિશ્વવિદ્યાલયો જ જોઈએ અને અહીંથી જ ગાડી પાટા ઉપરથી ઊતરી જાય છે.
લોકશાહી એ માત્ર સરકારનું સ્વરૂપ નથી પણ જીવન જીવવાનો એક માર્ગ છે. આ વાત સમજવા માટે વિદ્યાર્થી મંડળો ઊભાં થયાં પણ એમાં સ્વચ્છંદતા આવી ગઈ. રાજકારણ ઘૂસી ગયું. પરિણામે કલહ, ગાળાગાળી, મારામારી. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ ભૂલી જવાયો.
સ્વતંત્રતા અને શેતાનપણામાં, શેતાનપણું ચડી ગયું.
સામાજિક-આર્થિક પછાત જાતિઓનો ઉત્કર્ષ સારા પ્રમાણમાં જોવા મળે, પરંતુ એમાં, પણ ‘મતબેંક’ની ગણના. પછાત કહેવાતી જાતિઓ એટલી બધી પરાવલંબી બની જાય કે એ લોકો ક્યારેય પણ ‘સ્વાશ્રય’ કે ‘સ્વાવલંબન’ની મજા જ ન માણી શકે.
સ્ત્રી શિક્ષણને ક્ષેત્રે પણ અભૂતપૂર્વ વિસ્ફોટ જોવા મળે છે. સ્ત્રીઓનું સ્થાન માત્ર રસોડામાં કે ઘરની ચાર દીવાલો વચ્ચે જ નહિ પણ જીવનના હર એક ક્ષેત્રમાં તે પુરુષ સમોવડી બની શકે છે એ વાત આજે એક સત્ય હકીકત બની ચૂકી છે. પરતું એમાં પણ આજે બીજા છેડાની વાત આવી ઊભી રહી છે. એક ખતરનાક મુક્ત મિજાજનો અનુભવ તરુણીઓમાં અને યુવતીઓમાં જોવા મળે છે. પરિણામે ચારિત્ર્યબળ થોડું ઢીલું થતું જોવા મળે છે. સમાજ પતનાભિમુખ થતો હોય એવું લાગી રહ્યું છે. આજે સ્વામી વિવેકાનંદજીના બહેનો માટે ઉચ્ચારાયેલા શબ્દો એટલા જ સમયોચિત લાગી રહ્યા છે. “ધર્મને મધ્યબિંદુ રાખીને સ્ત્રી કેળવણીનો ફેલાવો કરવાનો છે. ભારત વર્ષમાં નારી સમાજે સીતાજીને પગલે ચાલી વિકાસ સાધવો જોઈએ. સીતાજી અપ્રતિમ છે, ભારતની ઉત્તમ નારીના પ્રતીક સમાન છે, કારણ કે સર્વાંગસંપૂર્ણ નારીના બધા ભારત વર્ષીય આદર્શો એક સીતાજીના જીવનમાંથી જ જન્મ્યા છે.”
દરેક આઝાદ રાષ્ટ્રને પોતાની રાષ્ટ્ર ભાષા હોવી જોઈએ તેમજ માતૃભાષા હોવી જોઈએ. બાળકનું શિક્ષણ માતૃભાષામાં થાય એટલું સરલ અને બોજા વિનાનું થાય. આ એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. દેશ અને દુનિયાના બધાજ શિક્ષણશાસ્ત્રીઓ આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત સ્વીકારે છે, તેમ છતાં આજે આપણા દેશમાં અંગ્રેજી ભાષાનું એટલું તો ઘેલું લાગ્યું છે કે અંગ્રેજી ન જાણનારા પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલી બેસી ગયા છે. ભાષા તરીકે અંગ્રેજીનો આદર કરવામાં આપણે જરા પણ પાછળ ન પડીએ. વિશ્વના પ્રાંગણમાં અંગ્રેજી ભાષા આપણને સહેલાઈથી પહોંચાડી દે છે. ઍની બૅસંટના મત મુજબ, “ભારતની ગુલામીનાં બીજાં ઘણાં કારણો હશે પરંતુ તેમાં એ લોકોને પોતાની ‘રાષ્ટ્રભાષા’ કે ‘માતૃભાષા’ નથી એ મુખ્ય ગણાય.” વિનોબાજી કહેતા કે ‘રાષ્ટ્રભાષા’ અને ‘માતૃભાષા’ એ વ્યક્તિની બે આંખો છે. રશિયન ભાષા શીખવી હોય તો લાલ ચશ્મા વાપરો. ચીની ભાષા શીખવી હોય તો પીળાં ચશ્મા વાપરો. અન્ય વિદેશી ભાષા ‘માતૃભાષા’ કે ‘રાષ્ટ્રભાષા’ને સ્થાને ક્યારેય ન જ આવી શકે. સ્વામીજી તો કહેતા, “જનસમૂહને એમની પ્રાદેશિક ભાષામાં શીખવો. સંસ્કૃત ભાષાનો અભ્યાસ પણ તેની જોડે ચાલવો જોઈએ કારણ સંસ્કૃત શબ્દોનો માત્ર ધ્વનિ પણ પ્રજાને પ્રતિષ્ઠા, ગૌ૨વ અને શક્તિ સમર્પે છે. મહાત્મા ગાંધીજી પણ બાળકો માટે ભાષાનું માધ્યમ તો ‘માતૃભાષા’ને જ માને છે. વિદેશી ભાષામાં શિક્ષણ આપવું એ બાળક ઉપર બિનજરૂરી બોજો છે એમ માને છે.
આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની વાતો તો માત્ર શોભાના ગાંઠિયા જેવી બની રહી છે. શિક્ષણક્ષેત્રે જેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે એ જોતાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની વાતો દંભ સિવાય બીજું કશું જ ન કહેવાય. ડૉ. રાધાકૃષ્ણન શિક્ષણ પંચમાં ભવિષ્ય વાણી ભાખવામાં આવી છે કે આપણી શિક્ષણ સંસ્થાઓમાં આધ્યાત્મિક મૂલ્યો નહીં સ્થપાય ત્યાં સુધી ભારતીય એન્જિનિયરિંગ, સાયંટિફિક ઍજ્યુકેશન આત્મઘાતક બનશે. પણ આ ચેતવણી બહેરા કાને અથડાઈ તેના પરિણામે આપણને એવા શિક્ષિત યુવાનો મળ્યા જેઓ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી સમજી ન શક્યા અને જેમણે અધિકારો પ્રાપ્ત કરવામાં જ જીવનનું ધ્યેય માન્યું. સ૨કા૨, એક વિદ્યાર્થી એન્જિનિયર બને, તેની પાછળ કેટલો ખર્ચ કરે છે, પરંતુ એ ખર્ચ જીવનલક્ષી કે સમાજલક્ષી ક્યારેય નથી બની શકતો.
આપણે ત્યાં, જીવનના ચાર ધર્મો બતાવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીં પણ ‘ધર્મ’ અને ‘મોક્ષ’ વચ્ચે ‘અર્થ’ અને ‘કામ’નું સ્થાન છે. ધર્મના દીપક વિના જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અંધારું જ છે. વર્તમાન સમયનો હૂબહૂ ચિતાર કવિશ્રી જગદીશ જોષી પોતાના ‘છિન્નભિન્ન’ કાવ્યમાં સુંદર રીતે રજૂ કરે છે:
હું એકાગ્ર ચિત્તે વાંચું છું.
સામેની બારીનો રેડિયો મારા કાનમાં કંઈક ગર્જે છે.
ટ્યુબલાઈટનું સ્ટાર્ટર તમરાનું ટોળું થઈ કણસ્યા કરે છે,
ઘરનો નોકર દૂધવાળા જોડે અફવાઓની આપ લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો કુથલીનું ડાયલ ફેરવે છે.
ઓચિંતો ફ્યૂઝ જતાં લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે. મારો આખો માળો અંધારો ધબ.
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:
“કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ! અરે કોઈ ઈલેક્ટ્રિશિયનને તો બોલાવો!
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે, “અરે, ગિરિધર સાંભળે છે કે, પહેલાં મીણબત્તી તો લાવ…”
અને મારી ચાલીમાં, મારા માળામાં, મારા ઘરમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે.”
અને ચાલીમાં, માળામાં, ઘરમાં અને દેશમાં મીણબત્તીની જ્યારે શોધાશોધ ચાલે છે ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ કે અન્ય પ્રતિબદ્ધ શૈક્ષણિક સંસ્થાઓ મીણબત્તી લઈને આગળ આવે છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાંથી શૈક્ષણિક દૃષ્ટિએ ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ બહાર પડે છે અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના રંગે રંગાઈ મૂલ્યોની જાળવણી માટે સતત પ્રયત્નશીલ પણ રહે છે.
સાંસ્કૃતિક દૃષ્ટિએ ‘ભારત’ દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, અરવિંદ ઘોષ કે અન્ય ભારતીય મહાનુભાવો પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ આદર કરે છે અને ભૂતકાળના ભવ્ય વારસાને જાળવવા શિક્ષણે શું કરવું જોઈએ એ બાબત માર્ગ પણ ચીંધે છે.
છતાં ડૉ. રાધાકૃષ્ણન કહે છે એમ ‘We should not be the prisoners of the past, we should be the pilgrims of the future.’ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જે સુંદર રીતે જોડી શકે એનું નામ કેળવણી.
દુનિયાની સાથે કદમ મિલાવવા માટે ભારતે પણ વૈજ્ઞાનિક અને ટૅકનિકલ ક્ષેત્રે હનુમાન છલાંગ મારવી જ રહી. જૂના – પુરાણા અભ્યાસક્રમોને દૂર કરી વૈજ્ઞાનિક અને ટૅકનિકલ અભ્યાસક્રમો તરફ ઝોક વિશેષ દેવો પડશે. સમગ્ર દેશમાં સરકારી કે જાહેર સંસ્થાઓમાં ‘કૉમ્પ્યૂટર’નું ચલણ વધવા લાગ્યું છે, વીજાણુ સાધનો પણ બજારમાં આવવા લાગ્યાં છે, જનસંપર્કનાં સાધનો રેડિયો, ટી.વી. ઑડિયો વિઝ્યુઅલ કૅસૅટસનો ઉપયોગ પણ મોટાપાયે થઈ રહ્યો છે ત્યારે આપણા અભ્યાસક્રમોમાં ધરખમ ફેરફારો કરવા પડશે, અમુક અંશે આ બધા ફેરફારો થઈ રહ્યા છે એ નિર્વિવાદ છે, છતાં હજુ પણ જોઈએ એટલું ધ્યાન નથી આપી શકાતું એ પણ હકીકત છે. સાથોસાથ, “અસ્તિત્વનો ઉત્સવઃ ઈશાવાસ્યમ્” પુસ્તકમાં ડૉ. ગુણવંત શાહ, હવે પછીનો માનવ કેવો હશે તેની ખૂબ જ સુંદર છણાવટ કરે છેઃ “ખૂબ સૂક્ષ્મ અર્થમાં રોમાન્સ અને રહસ્યવાદનો સમન્વય એ અવિદ્યા અને વિદ્યા વચ્ચેનો સમન્વય છે. હવે પછીના નૂતન માનવને આપણે “ટૅક્નૉસ્પિરિચ્યુઅલ મૅન” કહી શકીએ. આ નૂતન માનવ એક એવો માનવ છે જેના પગ અવિદ્યાની, અનેકતાની, કર્મમયતાની, વિજ્ઞાનની, ટૅક્નૉલૉજીની અને સમૃદ્ધિની ધરતી પર છે તથા એનું ઉત્તમાંગ – મસ્તિષ્ક વિદ્યાના, એકતાના, અધ્યાત્મના અને ભીતરની પરિતૃપ્તિના આકાશમાં છે. (પાના નં. ૩૧૬) “કર્મની બે દિશા હોઈ શકે; એક કર્મયોગ ભણીની, બીજી વૈતરા ભણીની. નૂતન માનવ કર્મને આનંદપર્યવસાયી બનાવવા મથશે અને બોજનું તત્ત્વ ઘટાડવા પ્રયાસ કરશે.” (પાના નં. ૩૪૧) વિજ્ઞાન અને વિવેકનો સમન્વય ‘કેળવણી’ કરી શકશે તો વાહવાહ નહિતર ‘આહ-આહ’ એ જ માર્ગ બની રહેશે.
‘વ્યવસાયલક્ષી કેળવણી તરફ જ્યારે સરકાર અને સમાજની નજર કેન્દ્રિત થઈ છે ત્યારે આપણે કેવો માનવ બનાવવા ઈચ્છીએ છીએ એ ખાસ જોવું પડશે. કેળવણીનું એક મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના વિકસાવવાનું છે અને એ ભાવનાનું વર્તુળ વિકસાવતાં વિકસાવતાં ‘વસુધૈવકુટુમ્બકમ્’ સુધી આપણે વિસ્તૃત કરવાનું છે. સવાલ એ છે કે કેટલી શિક્ષણ સંસ્થાઓ આ ભાવના વિકસાવી શકી છે? આઝાદી પહેલાં હસતે મુખે ફાંસીને માંચડે ચડતા યુવાનોમાં આ દેશપ્રેમની ભાવના ક્યાંથી આવી હશે? કોણે એ ભાવનાનું સીંચન કર્યું હશે? ભ્રષ્ટાચાર, હડતાલો અને શાળા – કૉલેજ બંધના એલાનથી દેશદાઝની ભાવના ઊભી થાય છે કે દેશદ્રોહની?
રાષ્ટ્રપ્રેમ એ માતૃપ્રેમ બરાબર છે. ‘જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે’ આ ભાવનાનું પાન ‘ગળથુથી’માંથી જ થવું જોઈએ. વળી ‘રાષ્ટ્રપ્રેમ’ અને ‘રાષ્ટ્રવાદ’ એમાં પણ ફે૨ છે. ‘My country, right or wrong” એ સાંકડા રાષ્ટ્રવાદની નિશાની છે. સાંકડો રાષ્ટ્રવાદ એ સાંકડા સંપ્રદાયવાદથી પણ ખતરનાક છે. આ બાબત વિદ્યાર્થીઓમાં સ્પષ્ટ થવી જોઈએ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિશ્વપ્રેમની ભાવનામાં પરિણમવી જોઈએ. રવીન્દ્રનાથ ટાગોરના ‘શાંતિ નિકેતનનું’ સૂત્ર છે: “યત્ર વિશ્વમ્ ભવતિ એક નીડમ્” સમગ્ર વિશ્વ એક માળો બની રહે એ ભાવના જો ઊભી થાય તો યુદ્ધની બિભીષિકા દૂર થાય; વિશ્વમાં પ્રેમ, સદ્ભાવ અને શાંતિની સ્થાપના થાય અને માનવજાત નિરાંતનો શ્વાસ લેતી થાય. પરંતુ આ પ્રકારની ભાવના ત્યારે જ વિકસિત થાય જ્યારે સ્વામીજીએ પ્રબોધેલી કેળવણીને આપણે શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચાડી શકીએ. “જે કેળવણી વડે ચારિત્ર્યનું નિર્માણ થાય, મનની શક્તિનો વિકાસ થાય, બુદ્ધિની ક્ષિતિજો વિસ્તરે અને માણસ પોતાના પગ ઉપર ઊભો રહી શકે એવી કેળવણીની આપણે જરૂર છે.”
કેળવણીના મનીષીઓ:
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર
મહર્ષિ અરવિંદ
વિશ્વભરના શિક્ષણચિંતકોની કેળવણીની વિચારધારાઓ એક યા બીજી રીતે ઉપરના ચાર ભારતીય મહાનુભાવોની કેળવણીની ફિલસૂફીમાં જોવા મળે છે. જીવનના અનુભવોના નીચોડરૂપે એ લોકોની કેળવણીની ફિલસૂફીનો ઉદ્ભવ થયો છે અને એટલે જ એમાં સત્યનો રણકા૨ છે, મૌલિક વિચારસરણી છે અને ચોક્કસ દિશાસૂચન છે.
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ તત્કાલીન કેળવણીને ‘દાળભાત’ની કેળવણી કહેતા. સ્વામી વિવેકાનંદ કહેતા, “વર્તમાન શિક્ષણ પ્રણાલી, બહુમાં બહુ તો, તમને ‘બાબુ’ બનાવશે, કોર્ટમાં ‘જજ’ બનાવશે પણ તેથી શું? જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ માટે સજ્જ થવામાં સહાય થતી નથી, ચારિત્ર્યની શક્તિને, લોકકલ્યાણની ભાવનાને અને સિંહના જેવી હિંમતને ખીલવતી નથી તેને શું આપણે કેળવણી કહીશું? ખરી કેળવણી તો તે છે કે જે માણસને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખવે.”
સ્વામીજીને મન, “મનુષ્યમાં પ્રથમથી જ રહેલી ‘પૂર્ણતા’નું પ્રકટીકરણ ‘એટલે કેળવણી.’ એટલે કે કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં આપણે જેટલી સહાય આપી શકીએ તેનાથી વિશેષ સહાય આપણે બાળકોને શીખવવાના કાર્યમાં આપી શકીએ નહિ. જ્ઞાન તો અંદર પડ્યું જ છે ફક્ત આવરણ હટાવવાનું કામ શિક્ષકે કરવાનું છે.
‘જીવનનું ઘડતર કરે,’ ‘મનુષ્યને મર્દ બનાવે,’ અને ચારિત્ર્યનો વિકાસ કરે એ પ્રકારની કેળવણી ઉપ૨ સ્વામીજીએ ભાર મૂક્યો.
જ્ઞાનપ્રાપ્તિની એક માત્ર પદ્ધતિ ‘એકાગ્રતા’ ઉપર સ્વામીજીએ ખાસ ભાર મૂક્યો, વિદ્વાન અધ્યાપક હોય કે મેધાવી વિદ્યાર્થી હોય એ બધાને માટે ‘એકાગ્રતા’ એ એક માત્ર પદ્ધતિ છે. તેમણે કહ્યું, “હું તો મનની એકાગ્રતાને જ કેળવણીનો સાર સમજું છું.”
કેળવણીની ફિલસૂફીની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી વિશેષ કરીને ‘આદર્શવાદી’ ફિલસૂફી છે. જેના મત મુજબ કેળવણીનું અંતિમ ધ્યેય તો ‘આત્મસાક્ષાત્કાર’ જ હોઈ શકે. તેઓ કહેતા, “આ ઈન્દ્રિયોની ગુલામીથી ભરેલા જગતને લાત મારો, અંતિમ સત્યનો સાક્ષાત્કાર, આધ્યાત્મિકતાની પ્રાપ્તિ જ આપણું એક માત્ર ધ્યેય હોવું જોઈએ.”
મહાત્મા ગાંધી
કેળવણીની વ્યાખ્યા મહાત્માજીએ આ પ્રમાણે આપી: “બાળક અને મનુષ્યના, શરીર, મન, તથા આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ તત્ત્વ છે એને બહાર લાવવું એનું નામ શિક્ષણ.”
મહાત્માજી પણ બાળકના મગજમાં માહિતીના ઢગલા ભરી દેવાની વિરુદ્ધ છે. તેઓએ કહ્યું, “હિન્દુસ્તાનની શાળાઓમાં જે પદ્ધતિ ચાલે છે તેને હું ‘કેળવણી’ નહિ કહું, એ તો બુદ્ધિનો વ્યભિચાર છે. બાળકોના મગજમાં જેમ તેમ હકીકતો ઠાંસવામાં આવે છે.” ગાંધીજીની કેળવણીની ફિલસૂફીના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે જણાવી શકાય.
– કેળવણીમાં સ્વાવલંબન
– ઉદ્યોગકેન્દ્રી શિક્ષણ
– એકીકૃત સમવાયી શિક્ષણ
– જીવન માટે અને જીવન દ્વારા શિક્ષણ
– માતૃભાષા દ્વારા શિક્ષણ
ગાંધીજી, એ સમયની કેળવણીના દોષો માત્ર બતાવીને બેસી જ નથી રહ્યા. એમણે શિક્ષણની એક નવી પ્રણાલી આપી ‘નઈ તાલીમ.’
નઈ તાલીમ અનેક નામોથી પરિચિત છે. નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, જીવનશિક્ષણ, પાયાની કેળવણી-બેઝીક ઍજ્યુકેશન અને રાષ્ટ્રીય શિક્ષણ ‘નઈ તાલીમ’ના મુખ્ય બે સિદ્ધાંતોએ વિશ્વમાં સૌ શિક્ષણશાસ્ત્રીઓનું ધ્યાન દોર્યું.
(૧) ઉદ્યોગકેન્દ્રી કેળવણી (૨) સમવાયી શિક્ષણ પદ્ધતિ – જ્ઞાન અખંડિત છે, એના ટુકડા ન થઈ શકે તથા કોઈ પણ જ્ઞાન કર્મમાંથી જ ઉત્પન્ન થતું હોય છે.
ઉદ્યોગકેન્દ્રી કેળવણી દ્વારા સ્વાવલંબી કેળવણીની વાત ગાંધીજીએ કરી. શિક્ષણ સંસ્થા સ્વાવલંબી બને, સંસ્થામાંથી નીકળતા વિદ્યાર્થીઓ ક્યારેય પરાવલંબી ન બને.
સંક્ષિપ્તમાં, ગાંધીજીની કેળવણીના આદર્શો આદર્શવાદી છે. કાર્ય પદ્ધતિની દૃષ્ટિએ એ ફિલસૂફી ‘પ્રયોજકવાદી’ છે અને ‘નઈ તાલીમ’ના અમુક સિદ્ધાંતોમાં તે ‘વાસ્તવવાદી’ છે, અને સ્થાનની દૃષ્ટિએ એ પ્રકૃતિવાદી છે.
ગાંધીજીએ ‘નઈ તાલીમ’ શિક્ષણ પ્રણાલીને સ્વાવલંબનના, સિદ્ધાંત માટે તો – પોતાને માટે ‘તેજાબી કસોટી’ કહી છે.
રવીન્દ્રનાથ ટાગોર
– પરંપરાગત શિક્ષણના વિરોધી
– બાળકેન્દ્રી શિક્ષણ પર ભાર
– અનૌપચારિક શિક્ષણના પક્ષપાતી
– પરીક્ષા પદ્ધતિ અને ગોખણપટ્ટીના વિરોધી
– શાળા એટલે લોટ દળવાની ચક્કી ⁄ મીલે વિદ્યાર્થીઓ દળાતા હોય છે. – મોઢું ફાડેલ મહાકાય રાક્ષસ. જેના મોઢામાં બાળકો કોળિયો બની જાય છે.
પ્રકૃતિની ગોદમાં, બંધનરહિત સ્થિતિમાં, મુક્ત પંખીની માફક જ્યાં વિહરવાનો આનંદ છે એવી જગ્યાએ ‘આશ્રમશાળા’ હોવી જોઈએ. એમણે ‘શાંતિનિકેતન’ની સ્થાપના કરી, જે સમય જતાં ‘વિશ્વભારતી’માં પરિણમી. ગાંધીજી તો કહેતા કે ‘શાંતિ નિકેતન’ એ જ ભારત છે.
રવીન્દ્રનાથ ટાગોર વિશેષ કરીને આદર્શવાદી અને પ્રકૃતિવાદી ફિલસૂફ હતા, કેળવણીકાર હતા.
પ્રકૃતિની ગોદમાં, પ્રકૃતિવાટે પરમની પ્રાપ્તિ એ એમની શિક્ષણની ફિલસૂફીનો મુખ્ય સિદ્ધાંત હતો.
લલિત કળા, એમની ફિલસૂફીમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત કરે છે.
આત્મશિસ્ત પર ભાર અને બાળકના સર્વાંગીણ વિકાસના હિમાયતી.
તેઓ કહેતા – કેળવણીની આપણી સંસ્થાઓ પશ્ચિમની સંસ્થાઓનું અંધ અને નિર્જીવ અનુકરણ જ છે.
સાદું જીવન તો સંપૂર્ણતાનું એક ચિહ્ન છે.
કેળવણીની વ્યાખ્યા ટાગોરના મત મુજબ આ પ્રમાણે છે:
“કેળવણી એટલે એ પરમસત્ય શોધવામાં મનને મદદરૂપ થવું, જે આપણને કાળના બંધનોમાંથી મુક્ત કરે. દ્રવ્યનો નહિ પણ આંતર પ્રકાશનો, શક્તિનો નહિ પણ પ્રેમનો ખજાનો અપાવે તથા સત્યને મૂળ સ્વરૂપે છતું કરે.”
મહર્ષિ અરવિંદ
– શિક્ષણ એક આજીવન પ્રક્રિયા
– માતા બાળકની શ્રેષ્ઠ અને પ્રથમ શિક્ષિકા,
– માબાપના ઉચ્ચ આદર્શો અને ઉચ્ચ જીવન વ્યવહાર
- શારીરિક શિક્ષાના વિરોધી
– અભયની કેળવણી
– સત્ત્વપ્રકૃતિની વૃદ્ધિ
– માનવ જીવનમાં સત્ત્વની વૃદ્ધિ એટલે પ્રકાશ, શાંતિ અને જ્ઞાનની વૃદ્ધિ.
– જ્ઞાનેન્દ્રિયોની તાલીમ
– રાષ્ટ્રીય શિક્ષણ
અને – આંતરરાષ્ટ્રીય સમજ માટેનું શિક્ષણ.
ટૂંકમાં – મહર્ષિ અરવિંદે,
– શારીરિક શિક્ષણ
– જીવનજોમનું શિક્ષણ
– માનસિક વિકાસનું શિક્ષણ
– આત્મિક – આધ્યાત્મિક વિકાસના શિક્ષણ પર ભાર મૂક્યો.
અરવિંદ કહેતા, “આજની કેળવણીની નિષ્ફળતાના કારણમાં, દિલની સચ્ચાઈનો અભાવ એ મુખ્ય છે.”
આચાર્ય ક્ષિતિમોહન સેનની એક પ્રસંગકથાથી આ લેખની શરૂઆત કરેલી જેનો અંત શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાથી કરું છું.
અંધારી રાત છે. એક માણસને જડદો – ચીલમ પીવાની ઈચ્છા થઈ. દીવાસળીની પેટી તો એની પાસે છે નહીં. હાથમાં ફાનસ લઈ થોડે દૂર એક ઝૂંપડું છે ત્યાં ગયો. ઝૂંપડાનું બારણું ખટખટાવ્યું. બારણું ખૂલ્યું. પેલા માણસે જલતા અંગારા માગ્યા અને અંદરનો માણસ હસી પડ્યો, બોલ્યો, “ભલા માણસ હાથમાં સળગતું ફાનસ છે ને અંગારા શોધવા નીકળ્યો છે!”
આપણી પાસે સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ તથા બીજા અનેક દીપકો હોવા છતાં, આપણે હજુ પણ અંધારામાં જ આથડીએ છીએ. આમાં દોષ કોનો?
Your Content Goes Here




