તમને ગુરુ અને સિદ્ધ પુરુષની આણ છે, હે મારા જીવ, તમે સાચું બોલો. અને સાચું બોલી ન શકો તો પછી મૌન રહો.
‘અંબર વરસે ને અગાધ ગાજે’ – સહસ્રારમાંથી અમૃતની વર્ષા થાય છે. અનાહત નાદ ગાજી ઊઠે છે. દાદુર – તરબોળ થયેલી ઈન્દ્રિયો આનંદમગ્ન થઈ ગઈ છે. ‘કંઠ વિનાની કોયલ’ બહારના કોઈ સાધન અને સૂર વિના આત્માના પરમ આનંદનું ગાન કરી રહેલ છે.
‘ગુરુજીની રે’ણી’ – ગુરુની વાણી જ નહીં પણ તેની રહેણી – કરણીને જીવનમાં સાચી બતાવતો સત્યનો સૂર્ય પ્રકાશી ઊઠ્યો. મારા ગુરુવચનનું એક બિંદુ મેં જીવનમાં ઉતાર્યું તો તે સાક્ષાત્કાર બનીને મહામૂલ્યવાન બની ગયું.
‘વણ રે વાદળ’ – વાદળ વિના વરસાદ કહીએ એવી અમૃતમેઘ સમી આત્માનુભૂતિ થઈ. ભીતર જ્ઞાનનો સૂરજ ઊગ્યો. જીવનની વાડી પરમ આનંદના પાકથી લચી પડી. કોઈ ચતુર સુજાણ – જાગૃત માણસ જ આવો અમર – જીવનનો પાક લણી શકે છે.
‘બાવન અખર જો કોઈ બૂઝે’ – આ સંસારને જ જો કોઈ બરાબર સમજી જાય, તેનું ચંચળ અને નાશવંત સ્વરૂપ પામી જાય તો ભવાનીદાસ કહે છે કે તે એક અક્ષ૨માં, ઓમ્ માં, ૫રમાત્મામાં સ્થિર થઈ જાય. જે નામનો કદી નાશ નથી એ નામમાં તે એકરૂપ બની જાય.
ગોરખનાથ કહે છે:
‘એક આખર જપીલા ગોરખ,
આતીત અનુપમ જ્ઞાનં.’
‘એક અક્ષરનો જપ કરીને ગોરખે અનુપમ જ્ઞાનને જાણી લીધું.
Your Content Goes Here




