જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો!

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તપસ્યાનું જળ થાજો;
દીન દુખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો!

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝે૨ જગતનાં જી૨વી જીરવી અમૃત ઉપરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો!

વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજોઃ
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાઓ,
શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!

– કરસનદાસ માણેક
(પંચામૃત પ્રાર્થના પ્રસાદી – ૨)

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.