ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે,
કામ સકળને લે આટોપી નાહક મોડું થાશે.
રસવર તારી કરે પ્રતીક્ષા, સાજ સજીને જાવું,
સુધા સમાધિમાં સૌ ભૂલી સુધબુધ, સકલ સમાવું,
અવસર અનુપમ આ અલબેલી! છટકી કેમ જવાશે?
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે.
અંગે અંગો મળશે, અધરે અધર હશે રસલીન,
ઈડા પિંગળા સ્વર પર બજશે વિકળ બ્હાવરું બીન,
રોમ રોમ ગલગલિયાં, ભીતર આરપાર અકળાશે.
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે.
પરમ સ્પર્શથી થશે વેગળા પવન પારવાં છાયલ!
શ્વસન સ્પંદને રણઝણ ગાશે અદ્ભુત સ્વરનાં પાયલ
પ્યાસ ચિરંતન આંખ મીંચશે હાશ કારી હળવાશે.
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે.
મૌન વિસ્તર્યાં એકાંતોની પળ કૈં વિફળ કરાશે?
ઊઠ સુહાગન! લજ્જા વસને એકાકાર થવાશે?
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે.
થશે ફૂટતાં કેસૂડાઓ પર્ણ ખરેલ પલાશે.

– લાભશંકર રાવળ ‘શાયર’

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.