तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः
नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥

ब्रह्मन्‌, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ એવા તમે; नमस्‍यः પ્રણામ કરવા યોગ્ય (એટલે કે સન્માન કરવા યોગ્ય); यत्‌ मे गृहे तिस्‍त्रः रात्री, કારણ કે તમે ત્રણ રાત સુધી મારે ઘેર (રહ્યા); अनश्नन्‌, ખાધા-પીધા વગર; अवात्‍सी, રહ્યા છો; तस्‍मात्‌, તેટલા માટે; ते, તમને; ब्रह्मन्‌, હે બ્રાહ્મણ; नमःअस्‍तु, મારા નમસ્કાર હો; मे स्‍वस्‍ति, મારો અભ્યુદય હો; प्रति, દરેક (એટલે કે દરેક રાત્રિ દીઠ); त्रीन्‌ वरान वृणीष्व, ત્રણ વરદાનો (એટલે કે તમે મારે ઘેર ગાળેલી ત્રણ રાત્રિઓમાં દરેક રાત્રિદીઠ એક એક વરદાન લેખે ત્રણ વરદાનો); માગી લો.

(નચિકેતાને સંબોધીને યમરાજે કહ્યું કે-) હે બ્રાહ્મણ, તમે મારા અતિથિ છો. અને વળી તમે બ્રાહ્મણ પણ છો. મારે તમને ખૂબ માનપૂર્વક જોવા જોઈએ. હું તમને નમસ્કાર કરું છું. કૃપા કરીને મને આશીર્વાદ આપો કે જેથી મારો અભ્યુદય થાય. હે બ્રાહ્મણ, તમે મારે ઘેર કશું ખાધાપીધા વગર ત્રણ રાત પસાર કરી છે. તો કૃપા કરીને મારા ઘરમાં જે ત્રણ રાત રોકાયા છો તે દરેક રાતના એકેક લેખે ત્રણ વરદાન તમે મારી પાસેથી માગી લો. (૯)

જ્યારે યમરાજના દરબારીઓએ તેને નચિકેતાની ઉપસ્થિતિ વિષે તેને જણાવ્યું ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ બેબાકળા થઈ ઊઠ્યા. એક તો અતિથિ અને વળી તે પણ પાછો બ્રાહ્મણ ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યે પેટે રહ્યો! એ તો ખરેખર એને માટે ઘણું જ ખરાબ કહેવાય. એણે તો નચિકેતા જ્યાં હતો ત્યાંથી જલદી શોધીને તે સમયના રીતરિવાજ મુજબ એણે નચિકેતાના પગ ધોયા. અને ત્યાર પછી એને બીજી રીતે સન્માનિત કર્યો- પણ એને એ લાગી આવ્યું કે આ બધું કંઈ પૂરતું નથી. પોતાને ઘેર નચિકેતા ત્રણ દિવસ સુધી ભૂખ્યો રહ્યો, તે હકીકતને ધ્યાનમાં લઈને તેણે કંઈક એથી વધારે કરવું જોઈએ. યજમાન તરીકેની પોતાની એ ખામી સુધારવા માટે એણે નચિકેતાને ત્રણ વરદાન આપવાનું નક્કી કર્યું. એટલે એણે નચિકેતાને કહ્યું કે હું તમને તમારી ઇચ્છા પ્રમાણેનાં ત્રણ વરદાનો આપવા રાજી છું. કારણ કે તમે ત્રણ રાત સુધી કશું ખાધાપીધા વગર મારે ઘેર રહ્યા છો.

शान्तसंकल्पः सुमना यथा स्याद्वीतमन्युर्गौतमो माऽभि मृत्यो ।
त्वत्प्रसृष्टं माऽभिवदेत्प्रतीत एतत् त्रयाणां प्रथमं वरं वृणे ॥१०॥

मृत्‍यो, હે મૃત્યુના દેવ; गौतम, ગૌતમ – મારા પિતા; शान्‍तसंकल्पः ચિન્તાથી મુક્ત; सुमना આનંદિત મનવાળા; मा अभि, મારા પ્રત્યે; वीतमन्‍युः ક્રોધરહિત- સારી રીતે અભિમુખ થયેલા; यथा स्‍यात्‌ प्रतीतः મને બરાબર ઓળખી લે; त्‍वत्‍प्रसृष्टम्‌, જ્યારે તમે મને પાછો મોકલો ત્યારે; मा अभि वदेत्‌, મારી સાથે સહજ રીતે વાતચીત કરે; एतत्‌ त्रयाणाम्‌, ત્રણમાંથી આ; प्रथमम्‌ वरम्‌, પ્રથમ વરદાન; वृणे, માગું છું.

(નચિકેતાએ પ્રત્યુતરમાં કહ્યું કે -) હે મૃત્યુના દેવ, મને એ વરદાન આપો કે મારા પિતા ગૌતમ ચિન્તામુક્ત બને; અને તેઓ આનંદી મિજાજવાળા બની રહે; વળી તેઓ મારા તરફ હવે વધારે ક્રોધી બની ન રહે; વળી, હું તમારા સ્થાનમાંથી જ્યારે પાછો ત્યાં જાઉં, ત્યારે તેઓ મને એકદમ ઓળખી લે અને પહેલાંની પેઠે જ મને આવકારે. ત્રણ વરદાનોમાંથી હું આવું પ્રથમ વરદાન માગું છું. (૧૦)

આ નચિકેતાનો એના પિતા પ્રત્યેનો પ્રેમ અને સંબંધ દર્શાવે છે. એને બરાબર રીતે ખબર હતી કે એના પિતા એને યમરાજને ત્યાં મોકલવા માટે કદીય ઇચ્છતા ન હતા અને એના પિતાએ એવી મતલબનું જો કંઈ કહ્યું હોય, તો તેનું કારણ માત્ર એજ હતું કે નચિકેતાએ તેના તરફ જે વર્તન કર્યું હતું તેને તેઓ અવિનય માનતા હતા અને એને લીધે તેઓ તેના ઉપર ગુસ્સે થયા હતા. અને એમણે જે કંઈ એને કહ્યું હતું તે માટે તેમને તરત છેવટ સુધી પસ્તાવો પણ થયો હતો. એમને એ ખોટું કર્યું એમ લાગ્યું હતું. તેમને નચિકેતાના ભાગ્ય માટે ચિન્તા પણ અવશ્ય થતી હશે. એટલા જ માટે નચિકેતાએ યમરાજ પાસેથી પહેલું વરદાન એ માગ્યું કે એના પિતા ચિન્તામુક્ત થઈ જાય. અને નચિકેતા વિશે કશી જ ચિન્તા ન કરે. નચિકેતાના મનમાં એ પણ નક્કી ન હતું કે, જ્યારે પોતે પાછો ઘેર જશે ત્યારે તેના પિતા તેને કેવી રીતે આવકારશે. કદાચ એ એને ઓળખે પણ નહિ. અને હંમેશની જેમ એને સારી રીતે બોલાવે પણ નહિ. નચિકેતા યમરાજ પાસેથી એ બાબતની ખાતરી મેળવવા ઇચ્છતો હતો. એટલે એણે પહેલા વરદાનમાં આવું માગ્યું.

यथा पुरस्ताद् भविता प्रतीत
औद्दालकिरारुणिर्मत्प्रसृष्टः ।
सुखं रात्रीः शयिता वीतमन्युस्त्वां
ददृशिवान् मृत्युमुखात् प्रमुक्तम् ॥११॥

औदालकिः (એટલે ઉદ્અઆલકનો વંશજ કે પુત્ર); आरुणिः આરુણિ (એટલે કે અરુણનો પુત્ર – તારા પિતા); पुरस्‍तात्‌, પહેલાંની જેમ (એટલે કે યમરાજના લોકમાં આવ્યા પહેલાં); यथा प्रतीतः જેવા લાગણીવાળા હતા; मत्प्रसृष्टः મારા દ્વારા અનુમતિ અપાયેલો; मृत्‍युमुखात्‌, મૃત્યુના મુખમાંથી; प्रमुक्तम्‌, છૂટકારો મેળવેલા; त्‍वाम्‌ ददृशिवान्‌, તે તને પાછો ફરેલો જોશે ત્યારે; वीतमन्युः ક્રોધથી મુક્ત થયેલા; भाविता, થશે; सुखम्‌ रात्रीः शयिता, રાત્રિમાં સુખેથી સૂઈ શકશે.

(યમરાજે જવાબ આપ્યો કે-) તમારા પિતા અરુણના પુત્ર ઔદાલદિ પહેલાં તમારા તરફ જેવા માયાળુ હતા અને અત્યારે જ્યારે તમે મારી અનુમતિથી પાછા ઘેર જશો, ત્યારે તમારા પ્રત્યે એવા જ માયાળુ અને ઉષ્માભર્યા બનશે. અને તમે પાછા ફરો ત્યાં સુધી રાત્રિમાં આરામથી સૂઈ શકશે. અને તમને જ્યારે મૃત્યુના મુખમાંથી ઘેર પાછા ફરેલા જોશે ત્યારે તેઓ ખિન્ન થશે નહિ. (૧૧)

નચિકેતાના મનમાં એ ડર હતો કે એના પિતા એને પહેલાંની પેઠે ચાહશે નહિ. એને મૃત્યુના મુખમાંથી ઘેર પાછો ફરેલો જોઈને તેઓ કદાચ ખુશી પણ નહિ થાય. નચિકેતાને એવી પણ ચિંતા થતી હતી કે એના પિતાને રાત્રે એનો જ વિચાર કરતાં કરતાં ઊંઘ પણ નહિ આવતી હોય. યમરાજે એને ખાતરી આપી કે તેણે આવી બાબતો વિશે ચિંતા કરવાની જરૂર નથી.

स्वर्गे लोके न भयं किंचनास्ति न तत्र त्वं न जरया बिभेति।
उभे तीर्त्वाऽशनायापिपासे शोकातिगो मोदते अहीं स्‍वर्गलोके ॥१२॥

स्‍वर्गलोके, સ્વર્ગ લોકમાં; किंचन भयम्‌ न अस्‍ति, કશો ભય નથી; तत्र, ત્યાં (સ્વર્ગ લોકમાં); त्‍वम्‌, તમે હે મૃત્યુના દેવ; न च जरया बिभेति, વળી ઘડપણનો પણ કશો ભય નથી; उभे अशनाया पिपासे तीर्त्वा, ભૂખ અને તરસ બંનેને ઓળંગીને; शोकातिगः શોકને પાર કરીને; स्‍वर्गलोके, સ્વર્ગમાં; मोदते, પોતે આનંદ મેળવે છે.

(નચિકેતાએ કહ્યું કે-) સ્વર્ગલોકમાં તો કશાથી બીક રાખવાપણું હોતું નથી. હે મૃત્યુના દેવ, તમારો પણ ત્યાં કશો પ્રભાવ ચાલતો નથી. અને આ રીતે ત્યાં ઘડપણનો પણ કશો ભય હોતો નથી. ત્યાં ગયેલાને ભૂખ અને તરસ પણ પીડા આપતાં નથી. શોક તેમજ માનસિક તાણથી મુક્ત થયેલો જીવ ત્યાં સ્વર્ગમાં સુખી જીવન માણે છે. (૧૨)

નચિકેતા હવે પોતાનું બીજું વરદાન માગી રહ્યો છે. પહેલું વરદાન તો એના પિતાના મનની શાંતિ અને પોતાની સાથે એનું ઉષ્માભર્યા મિલન માટેનું હતું. હવે તે સ્વર્ગલોક વિશેની બાબત પૂછી રહ્યો છે. અથવા તો બ્રહ્મ-લોક વિશે પૂછી રહ્યો છે; કે જે લોકમાં મનુષ્ય સાપેક્ષ અમરતાને ભોગવે છે. નચિકેતા એ બધા વિશે જાણવા તો ઇચ્છે છે પરંતુ, આપણે આગળ ઉપર જોઈશું તેમ તે કંઈ એટલા પૂરતા જ્ઞાનથી જ સંતોષ મેળવતો નથી. એણે એ જોઈ-સમજી લીધું છે કે આ પરિવર્તનશીલ જગતમાં જીવન કેટલું ટૂંકું છે. અને એણે એ પણ પારખી લીધું છે કે અનેક રોગો, વેદનાઓ અને શોકની આગળ માનવ પ્રાણીઓ કેટલાં બધાં નિ:સહાય છે! માણસને થોડાક સમય પૂરતો કંઈક આનંદ મળી શકે, પણ પછી તરત જ દુ:ખ આવી પહોંચે છે. બધું જ પરિવર્તનશીલ છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આ દુ:ખો અને શોકને ઓળંગી જવાનું શક્ય છે ખરું કે? ઉપનિષદ કહે છે કે હા, એ શક્ય છે. તમે જો તમારી સાચી ઓળખ પ્રાપ્ત કરો – તમારા આત્માના સાચા સ્વરૂપને ઓળખી લો – તો ત્યારે તમે બધાં દુ:ખોથી મુક્ત થઈ જાઓ છો. ઉપનિષદ તમને તમારા આત્માનું જ્ઞાન આપે છે. અત્યારે તો તમે તમારા આત્માના સાચા સ્વરૂપથી અજાણ છો. આ ઉપનિષદ તમને એ આત્માની ઓળખ કરાવશે. નચિકેતાના અનુરોધથી યમરાજ એને આત્મજ્ઞાન કહેશે. તે દરમિયાન, વચ્ચે જ નચિકેતાએ એ પ્રશ્ન ઊભો કર્યો છે કે કોઈ મનુષ્ય બ્રહ્મ લોકને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? આ બ્રહ્મલોક એક એવો લોક છે કે જેમાં તમે મુક્તિને કિનારે તો ઊભા હો છો. પણ મુક્તિની ઉપલબ્ધિ તો કેવળ આત્મજ્ઞાન જ કરાવી શકે છે. એટલે તમારે એ મુક્તિથી જરાપણ ઓછું હોય, એનાથી પરિતોષ ન જ મેળવવો જોઈએ. એ બ્રહ્મલોક ભલે આકર્ષક હોય, પણ એ શાશ્વત નથી. અને એટલા માટે એ જીવનનું લક્ષ્ય હોઈ શકે નહિ.

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.