स होवाच पितरं तत कस्मै मां दास्यसीति ।
द्वितीयं तृतीयं तँ होवाच
मृत्यवे त्वा ददामीति ॥ ४॥
सः ह उवाच, તે (નચિકેતા) કહેવા લાગ્યો; पितरम्, (એના) પિતાને; तत् (तात), હે પિતાજી; माम्, મને; कस्मै, કોને; ददासि, આપશો; द्वितियम्, બીજી વખત (જ્યારે પહેલી વખત પિતાએ ઉત્તર ન આપ્યો ત્યારે); तृतीयम्, ત્રીજી વખત; तम् ह उवाच, તેને કહ્યું (એના પિતાએ એને કહ્યું) ; त्वा (त्वाम्), તને; मृत्यवे, મૃત્યુને (યમરાજને); ददामि, હું આપીશ.
નચિકેતાએ તેના પિતાને કહ્યું: ‘તમે મને કોને આપશો?’ આ રીતે એણે બે વખત, અને ત્રણ વખત પૂછ્યું. (કારણ કે એના પિતા કશો જવાબ આપતા ન હતા.) છેવટે એના પિતાએ કહ્યું: ‘હું તને મૃત્યુને યમરાજને આપીશ.’ (૪)
નચિકેતાએ આવો પ્રશ્ન પૂછ્યો. કારણ કે એનામાં ‘શ્રદ્ધા’ હતી, આસ્થા હતી. એણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું અને શાસ્ત્રો શું કહે છે, એનો મર્મ એ સારી રીતે સમજતો હતો. એટલા માટે એને પ્રતીતિ થઈ હતી કે એના પિતા નકામી ગાયો દાનમાં આપીને ખોટું કામ કરી રહ્યા છે. દાનની મૂળ વિભાવનાનો એ ભંગ જ હતો. અને એ એને માટે હાનિકારક પણ હતો. એક પુત્ર તરીકે નચિકેતાએ વિચાર્યું કે પિતાને આ માટે ચેતવવા એ એની ફરજ છે ‘મને કોને આપશો’ – એવો પ્રશ્ન કરીને પિતાનો કોઈ તિરસ્કાર કરવાનો એનો ઈરાદો ન હતો. એ પણ પિતાની એક મિલ્કત જ હતો અને એ રીતે એનું પણ કોઈને દાન અપાવું જોઈએ. એટલા માટે નચિકેતાએ એના પિતાને આ પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત આ પ્રશ્ન સૌ પ્રથમ ખરેખર તો પિતાનો વિરોધ કરવાની એક નિશાનીરૂપ હતો. સ્વાભાવિક રીતે જ એના પિતાને આ પ્રશ્ન ઉદ્ધતાઈભર્યો લાગ્યો. અને એનો જવાબ પણ એણે તુચ્છકારભર્યો જ આપ્યો : ‘યમરાજને.’ પિતા એટલો બધો ધૂંવાંફૂવાં થઈ ગયો હતો કે કદાચ નચિકેતા મરી ગયો હોત તો પણ એ સ્વસ્થ રહી શક્યો હોત.
बहूनामेमि प्रथमो बहूनामेमि मध्यमः ।
किँ स्विद्यमस्य कर्तव्यं यन्मयाऽद्य करिष्यति ॥५॥
बहूनाम एमि प्रथमः હું ઘણામાં પહેલો છું (એટલે કે બાળકો અને વિદ્યાર્થીઓની અપેક્ષિત કક્ષામાં); बहूनाम एमि मध्यमः (એમાંથી કદાચ ઓછો ઊતરું તો) ઘણામાં હું બીજો આવું છું; यमस्य किन् स्वित् कर्तव्यम्, યમને મારી કઈ સેવાની જરૂર હશે; यत् मया अद्य करिष्यति, કે જે મારા વડે આજે તે પૂરી કરશે.
પિતાનાં બાળકો અને શિષ્યોમાં હું સૌથી આગળ પડતો છું. જો આગળ પડતાઓમાંનો હું ન હોઉં, તો ઓછામાં ઓછો તેઓમાંનો બીજો શ્રેષ્ઠ તો અવશ્ય છું જ. (પણ કોઈ રીતે હું તેમાંનો સૌથી નીચો તો નથી જ). મને યમરાજ પાસે મોકલીને પિતાજી કઈ સેવા કરાવવાના છે? (૫)
પહેલાં તો નચિકેતા પિતાએ આપેલા જવાબથી આભો જ બની ગયો. પણ પછી એ જવાબે એને વિચાર કરતો કરી મૂક્યો. દેખીતી રીતે જ એના પિતા આક્રમક બની ગયા હતા. પણ શા માટે એમણે આટલું આક્રમક થવું જોઈએ? શું એણે (નચિકેતાએ) કશું ખોટું કર્યું હતું? અહીં નચિકેતાની શ્રદ્ધા- આત્મવિશ્વાસ દેખાય છે. એણે શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું હતું અને એ જાણતો હતો કે શાસ્ત્રે જેનો નિષેધ કર્યો હોય એવું કશું કામ તેણે કર્યું ન હતું. પુત્ર તરીકેનું અને શિષ્ય તરીકેનું એનું વર્તન સામાન્ય કરતાં ઘણી ઉચ્ચ કોટિનું હતું. કોઈપણ રીતે તે તેઓમાંના શ્રેષ્ઠ પૈકીનો એક હતો અને જો શ્રેષ્ઠ નહિ તો ઓછામાં ઓછો બીજા ક્રમનો શ્રેષ્ઠ તો અવશ્ય હતો. એથી નીચું એનું મૂલ્યાંકન કરી શકાય તેમ ન જ હતું. તો પછી એવું તે ક્યું કારણ હશે કે એના પિતાએ એના ઉપર આટલો ક્રોધ કર્યો હતો? શું એમની ભૂલ બતાવી એટલે તેઓ ગુસ્સે થયા હશે? પણ એના પિતા કોઈક ભૂલ કરે, અને તે પણ ભયંકર ભૂલ હોય અને ભવિષ્યમાં ખૂબ દુ:ખદાયક ફળ આપનારી હોય તો, એક કર્તવ્યનિષ્ઠ પુત્ર તરીકે બતાવી ન શકે?
નચિકેતાએ એ પણ વિચાર્યું કે એના પિતા એનું યમરાજને દાન કરી રહ્યા છે. કારણ કે યમને એની કંઈક જરૂર હશે. ગમે તે કારણ હોય. પણ એના પિતાની એવી જ ઇચ્છા છે, તો એણે યમરાજ પાસે જવું જોઈએ. આમ નચિકેતાએ યમરાજ પાસે જવાનો નિર્ણય કર્યો.
अनुपश्य यथा पूर्वे प्रतिपश्य तथाऽपरे ।
सस्यमिव मर्त्यः पच्यते सस्यमिवाजायते पुनः ॥६॥
पुर्वे, પૂર્વજો (એટલે કે તમારા પૂર્વજો); यथा, તેઓ કેવા હતા; अनुपश्य, ખ્યાલ રાખો – એને જાણો; तथाऽपरे, તેવી જ રીતે તમારા સમકાલીનોને પણ; प्रतिपश्य, સરખામણી કરો – એનું નિરીક્ષણ કરો; मर्त्यः મરણશીલ માનવ; सस्यम् इव पच्यते, ધાન્યની પેઠે વેરાઈ જાય છે (નાશ પામે છે); सस्यम् इव आजायते पुनः અને ધાન્યની પેઠે ફરી જન્મે છે.
તમારા પૂર્વજો (ભૂતકાળના મહાન આત્માઓ)નો ખ્યાલ રાખો; તેઓ કેવી રીતે જીવી ગયા તેનું ધ્યાન રાખો અને અત્યારે જીવી રહેલા માનવ આત્માઓનાં જીવનને પણ લક્ષમાં લો. ધાન્ય ઊગે છે અને નાશ પામે છે. માનવજીવોનું પણ આવું જ છે. (૬)
નચિકેતાના પિતાએ એને કહ્યું તો હતું : ‘હું તને યમરાજને આપું છું.’ પછી ભલે એનો ઈરાદો એવો હોય કે ન હોય. નચિકેતાએ તો એ વચનને સાચું જ માની લીધું અને એણે યમ લોકમાં જવાની તૈયારી કરી. નચિકેતાના પિતા દેખીતી રીતે જ આનાથી ઉદ્વિગ્ન થઈ ઊઠ્યા. અને પોતાના પુત્રને પાછો વાળવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પણ નચિકેતાએ દર્શાવ્યું કે પ્રાચીનકાળના અને અત્યારના બ્રાહ્મણો પોતાનાં વચનને વફાદાર રહેતા હતા. વળી, પોતાના પિતા સામે આવી દલીલો કરવામાં નચિકેતાની શ્રદ્ધાએ જ એને તરત આ મુદ્દો બતાવવા પ્રેર્યો હતો. તેણે પોતાના પિતાને એ પણ યાદ કરાવ્યું કે જગતના બધા પદાર્થો કેવા નાશવંત છે. નચિકેતા પણ કોઈ ને કોઈ દિવસ મરવાનો જ છે. ફક્ત સત્ય જ હંમેશા ફેલાઈ રહેવાનું છે. એટલે એના પિતાએ સત્યથી વિચલિત ન થવું જોઈએ. ‘હું નચિકેતાને યમરાજને આપું છું’- એમ કહીને પછી એણે એક બ્રાહ્મણ તરીકે પોતાના વચનમાંથી પાછા હટવું ન જોઈએ.
वैश्वानरः प्रविशत्यतिथिर्ब्राह्मणो गृहान् ।
तस्यैताँ शान्तिं कुर्वन्ति हर वैवस्वतोदकम् ॥ ७॥
बाह्मणः अतिथि, જ્યારે કોઈ બ્રાહ્મણ અતિથિ તરીકે આવે છે; वैश्वानरः गृहान् प्रविशति, ત્યારે તે જાણ કે ઘરમાં અગ્નિ (વૈશ્વાનર) જ પ્રવેશે છે; तस्य एताम् शान्तिम् कुर्वन्ति, ત્યારે જો તેને નિયમ પ્રમાણે (શાસ્ત્રોક્ત નિયમાનુસાર) વસ્તુઓની ભેટ આપવામાં આવે તો તે પ્રસન્ન થાય છે; वैवस्वत, હે સૂર્યના પુત્ર (યમ); हर उदकम्, તેને માટે જળ લાવો.
જ્યારે કોઈ બ્રાહ્મણ અતિથિ તરીકે ઘરે આવે, ત્યારે તેને અગ્નિદેવ માફક સન્માનવો જોઈએ. અને એને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોક્ત વસ્તુઓની ભેટ આપવી જોઈએ. તેથી હે વૈવસ્વત, એમને માટે જળ લાવો. (૭)
પહેલાં તો નચિકેતાના પિતાએ કશો વિચાર કર્યા વગર જ યમને ઘરે જવાના નચિકેતાના નિર્ણયને માની લીધો. પણ પછીથી એણે કહ્યું કે એનો એવો કશો ઈરાદો ન જ હતો કે એનો પુત્ર યમને ઘરે જાય અને પોતે એને યમરાજને આપી દે. પણ નચિકેતાએ એવી દલીલ કરી કે એક વખત ભલે કશા પણ એવા ઈરાદા વગર એવું કહી દીધા પછી એક બ્રાહ્મણ તરીકે એના પિતાએ એ વચનમાંથી પાછાં પગલાં ભરવાં ન જ જોઈએ. અને છેવટે એના પિતાએ નચિકેતાને ઘરે જવા દેવો જ પડ્યો.
હવે એવું બન્યું કે જ્યારે નચિકેતા યમના ઘરમાં પ્રવેશ્યો, ત્યારે યમ પોતાના ઘરમાં ન હતા. ત્રણ દિવસ સુધી નચિકેતા કશું જ ખાધા-પીધા વગર યમને ઘેર રહ્યો. યમરાજ એ વખતે પોતાને ઘેર ન હતા. એટલા માટે એને એમ કરવું પડ્યું હશે. પછી જ્યારે યમ ઘેર આવ્યા ત્યારે તેમના દરબારીઓએ તેમને નચિકેતા વિશે કહ્યું. તેમણે યમરાજને એ યાદ અપાવ્યું કે બ્રાહ્મણ અતિથિ તો અગ્નિ જેવો છે- એટલે કે એને જો એમ લાગે કે એના આગમનને પૂરતું સન્માન આપવામાં નથી આવ્યું, તો તે એના યજમાનને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. સભાસદોએ યમરાજને સલાહ આપી કે, ‘જલદીથી જળ લાવી એના પગ ધુઓ.’ (યજમાનની બ્રાહ્મણ અતિથિ માટેના સન્માનની પ્રથમ રીત આ છે).
आशाप्रतीक्षे सङ्गतं सूनृतां चेष्टापूर्ते पुत्रपशूंश्च सर्वान् ।
एतदवृङ्क्ते पुरुषस्याल्पमेधसो यस्यानश्नन्वसति ब्राह्मणो गृहे ॥ ८ ॥
ब्राह्मण अनरनन्, ખાધા-પીધા વગરનો બ્રાહ્મણ અતિથિ; यस्य गृहे, જે કોઈને ઘરે; पुरुषस्य अल्पमेधसः મૂર્ખ- ઓછી બુદ્ધિવાળા પુરુષની; आशाप्रतीक्षे, આશા અને આકાંક્ષા-અપેક્ષા; सङ्गतं, સજ્જનોની સોબતનાં ફળો, सूनृताम्, સારી વાણીનાં ફળો; इष्टापुर्ते, યજ્ઞો તેમજ વાવ-કૂવા અને અન્ય વસ્તુઓની ભેટો આપવાનાં ફળો; पुत्रपशून्, પુત્રો અને ઢોરઢાંખર વગેરે; सर्वान्, બધું જ; एतत, આ (એટલે કે ભૂખ્યો રહેલો અતિથિ); वृङ्क्ते, નાશ કરે છે.
કોઈને ઘરેથી જો બ્રાહ્મણ જમ્યા વગરનો પાછો જાય, તો એવો મૂર્ખ માણસ (ગૃહસ્થ) પોતાની બધી આશા આકાંક્ષાઓને ધૂળ ભેગી થતી જુએ છે. સજ્જનોનો સંગ, સારી વાણી, યજ્ઞોનાં અનુષ્ઠાનો, અન્યના ભલા માટે વાવકૂવા વગેરે જળાશયો બંધાવવાં, તેમજ એનાં પોતાનાં ઢોરઢાંખર અને બાળકો વગેરે તેનું આ બધું જ નાશ પામે છે. (૮)
દરેક પરંપરામાં અતિથિ ખૂબ કાળજીપૂર્વક સાચવવાની આવશ્યકતા બનાવાઈ છે. ભારતમાં બ્રાહ્મણ અતિથિઓ વિશેષ સ્વાગત કરવા યોગ્ય મનાયા છે. કારણ કે માનવજાતિના વર્ગોમાં એ પ્રથમસ્થાન ધરાવે છે. નૈતિક ગુણોમાં એની સાથે કોઈની તુલના કરી શકાય તેમ નથી. અને તેઓ જનસમાજના શ્રેષ્ઠ માર્ગદર્શકો અને શિક્ષકો છે. દરેક ગૃહસ્થ પોતાને ઘેર કોઈ બ્રાહ્મણ અતિથિ તરીકે આવે; એને એક લહાવો ગણે છે. પણ જો કોઈ ગૃહસ્થ પોતાને ઘેર આવેલા એવા અતિથિના સત્કારમાં બેપરવાઈ દાખવે, તો તે મૂર્ખ છે. એવો માણસ જાણે કે આગ સાથે ખેલી રહ્યો હોય છે. આગ તો તેની પાસે જે કંઈ હોય, તે બધાંનો નાશ કરી શકે છે. એવી જ રીતે બ્રાહ્મણ અતિથિની ઉપેક્ષા કરનારનું બધું જ નાશ પામી જાય છે. પછી એ ગૃહસ્થ ભલે બીજી બધી રીતે સારો માણસ હોય. એણે ભલે ગમે તેટલાં જનકલ્યાણનાં કાર્યો પણ કર્યાં હોય અને એ સ્વાભાવિક પણ છે કે એને એનાં એવાં કાર્યોના ફળની આશા પણ હોય. પરંતુ, બ્રાહ્મણ અતિથિનો એવો અપરાધ એણે જો કર્યો હોય, તો એ ગૃહસ્થ કશું મેળવી શકતો નથી. એટલું જ નહિ, પણ તે પોતાનાં બાળબચ્ચાં સહિતની બધી જ સંપત્તિ ગુમાવી બેસે છે.
આ બધું યમરાજ નહોતા જાણતા એવું તો ન હતું. તો પણ એમના દરબારીઓએ અને હિતેચ્છુઓએ તેમને આ બધું યાદ અપાવ્યું. કારણ કે એક બ્રાહ્મણ અતિથિ તેમને આંગણે કશું ખાધાપીધા વગર ત્રણ દિવસથી વસી રહ્યો હતો અને એ ઘણી જ ગંભીર બાબત હતી. યમને જ ઘરે આ બની રહ્યું હતું. નચિકેતાએ ત્યાં ત્રણ દિવસો ભૂખ્યા પેટે વિતાવ્યા હતા.
Your Content Goes Here




