द्वीतीय: प्रश्न: બીજો અધ્યાય – ત્રીજી વલ્લી
इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् ।
पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति॥६॥
पृथक् उत्पद्यमानानाम्, અલગ અલગ ઉત્પન્ન થયેલી (પાંચ મહાભૂતોમાંથી અલગ અલગ નીપજેલી); इन्द्रियाणाम् पृथक् भावम्, આ ઈંદ્રિયોની આત્માથી ભિન્નતા – જુદાઈ; उदय-अस्तमयौ च यत्, (અને એટલા માટે તેમનો) ઉદ્ભવ અને અસ્ત (એટલે કે જાગ્રત અવસ્થામાં તેમનું ઉત્થાન અને સુષુપ્તિ અવસ્થામાં તેમનું અસ્ત થવું); (एतद्, આ); मत्वा, માનીને; न शोचति, જ્ઞાની માણસ શોક કરતો નથી; (કારણ કે તે જાણે છે કે આત્મા વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે અને ઈંદ્રિયોથી પૂર્ણ રીતે સ્વતંત્ર છે.
પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલી હોવાને કારણે ઈંદ્રિયોનું ઉપાદાન કારણ આત્મા કરતાં જુદું છે. જ્યારે વ્યક્તિ જાગ્રત હોય છે ત્યારે એ કાર્યશીલ થયેલી હોય છે અને જ્યારે વ્યક્તિ સુષુપ્તિ અવસ્થામાં હોય, ત્યારે એ નિષ્ક્રિય હોય છે. ખરો જ્ઞાની માણસ આ જાણે છે કે આ આત્મા ઈંદ્રિયોથી સ્વતંત્ર છે. અને એટલા માટે તે શોકની અસરથી મુક્ત હોય છે. (૬)
અજ્ઞાની મનુષ્ય એવું વિચારે છે કે ઈંદ્રિયો સહિત શરીર જ આત્મા છે. આ એક ભારે મોટી ભૂલ છે. શરીર અને એના અવયવો – ઈંદ્રિયો સાથે આત્માને કશી જ લેવાદેવા નથી. એ બધાં તો આત્માનાં કેવળ ઉપકરણો સિવાય બીજું કશું જ નથી. આત્મા કોઈક વાર એ ઉપકરણોનો ઉપયોગ કરે છે, બસ એટલું જ! આત્મા તો સર્વદા સ્વતંત્ર જ છે.
ઈંદ્રિયો પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાંથી જ અનુક્રમે શ્રવણેન્દ્રિય (કાન), સ્પર્શેન્દ્રિય (ચામડી), ચક્ષુરિન્દ્રિય (આંખો), સ્વાદેન્દ્રિય (જીભ) અને ઘ્ર્રાણેન્દ્રિય (નાક) – એવી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. પાંચ મહાભૂતોમાં લાગતી વળગતી ઈંદ્રિય તે તે મહાભૂતના સાત્વિક – સૂક્ષ્મ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપર્યુક્ત પાંચ ઈંદ્રિયોને ‘જ્ઞાનેન્દ્રિયો’ કહેવામાં આવે છે. પણ આ પાંચ મહાભૂતોનું એના રાજસિક-સ્થૂલતર-સ્વરૂપમાં પ્રતિનિધિત્વ કરનારી અન્ય ઈંદ્રિયો અનુક્રમમાં વાક્ (વાણી), હાથ (પાણિ), પગ (પાદ), મળત્યાગની ઈંદ્રિય (પાયૂ) અને જનનેન્દ્રિય (ઉપસ્થ) – એમ પાંચ છે. આ ઈંદ્રિયોને ‘કર્મેન્દ્રિયો’ કહેવામાં આવે છે. અને મન (અંત:કરણ) બધાં મહાભૂતોના ભેગા મળેલા સાત્વિક સ્વરૂપ – સૂક્ષ્મ સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય છે.
આ બધી – દસેય – ઈંદ્રિયો તો જડ જ છે. કારણ કે એ પંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ છે. અને આ જ કારણથી તે નાશવંત પણ છે. તેમને આદિ-જન્મ પણ છે અને અન્ત-નાશ પણ છે. વળી, જ્યારે વ્યક્તિ જાગતી હોય છે, ત્યારે એ ઈંદ્રિયો સક્રિય હોય છે અને વ્યક્તિ જ્યારે નિદ્રિત હોય છે ત્યારે એ બધી મૂઢ હોય છે.
એ બરાબર રીતે સમજી જ લેવું જોઈએ કે આત્મા ઈંદ્રિયોથી સ્વતંત્ર જ છે. આત્મા તો શુદ્ધચૈતન્યસ્વરૂપ છે અને ઈંદ્રિયો જડ છે. આત્માની ઇચ્છા હોય તો જ અને ત્યારે જ તેઓ કાર્ય કરી શકે છે. જ્યારે મરણ આવી ચડે અને તેથી જો આત્મા શરીર છોડી દે તો શરીરમાં ઈંદ્રિયો ભલે અકબંધ રહી હોેય, છતાં પણ તે કાર્ય કરી શકતી નથી. આ દર્શાવે છે કે આત્મા વગર ઈંદ્રિયાવયવો લાચાર જ બની રહે છે.
ઈંદ્રિયોની પેઠે આત્માને આદિ પણ નથી અને અંત પણ નથી. એ તો સદાયે એકસમાન જ રહે છે. અજ્ઞાની મનુષ્ય જ એવું માને છે કે મનોશરીરનું સંકુલ જ આત્મા છે. પણ મનોશરીરનું સંકુલ તો સુખ અને દુ:ખનો વિષય બને છે. અને મનુષ્ય પોતાને મનોશરીરના સંકુલ રૂપે જ ઓળખે છે. એટલા માટેે એ પણ સુખ અને દુ:ખનો વિષય બને છે. પણ જ્ઞાની મનુષ્ય જાણે છે કે તે આત્મા છે. શાશ્વત, સદા સમાન ચૈતન્ય છે અને સુખદુ:ખાદિથી અતીત-પેલી પારનો છે. તેથી તેને કોઈ પણ દુ:ખ અસર પહોંચાડી શકતું નથી.
इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तमम्।
सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम्॥
इन्द्रियेभ्यः मन: परम्, ઈંદ્રિયો (અને તેના વિષયો) કરતાં મન ચડિયાતું છે; मनसः सत्त्वम् उत्तमम्, મન કરતાં બુદ્ધિ ચડિયાતી છે; सत्त्वात् महान् आत्मा अधि, બુદ્ધિથી ચડિયાતો મહાન આત્મા- એટલે કે હિરણ્યગર્ભ વધારે ચડિયાતો છે; (આ હિરણ્યગર્ભ બ્રહ્મનું પ્રથમ આવિષ્કરણ છે અને તે સમષ્ટિ બુદ્ધિસ્વરૂપ છે); अव्यक्तम् महत: उत्तमम्, આ મહત્ આત્મા – હિરણ્યગર્ભ – કરતાં અવ્યક્ત – પ્રકૃતિ – માયા વધારે ચડિયાતું તત્ત્વ છે.
ઈંદ્રિયો કરતાં મન ચડિયાતું છે, મન કરતાં બુદ્ધિ ચડિયાતી છે, બુદ્ધિ કરતાં મહાન આત્મા – મહત્ તત્ત્વ – હિરણ્યગર્ભ ઉચ્ચતર છે; અને આ ‘મહાન આત્મા’ કરતાં ‘અવ્યક્ત’ વધારે ઊંચું તત્ત્વ છે. (૭)
અહીં મનને ઈંદ્રિયો કરતાં ચડિયાતું એ અર્થમાં કહેવામાં આવ્યું છે કે મન ઈંદ્રિયો કરતાં વધારે સૂક્ષ્મ છે. જો કે એ બન્ને સ્થૂળ ભૂતોની જ નીપજ છે. બુદ્ધિ મન કરતાં ચડિયાતી છે કારણ કે એ તો વળી મન કરતાંય વધારે સૂક્ષ્મ છે. તદુપરાંત, નિશ્ચયાત્મકતા એનું લક્ષણ છે. સારાનરસા વચ્ચે નિર્ણય કરવા માટે એ ક્ષમતા ધરાવે છે. ગમે તેમ પણ મનમાં આવી શક્તિ હોતી નથી. મન તો સંકલ્પવિકલ્પો કર્યા કરે છે અને હાલકડોલક પરિસ્થિતિમાં અટવાઈ જાય છે. ‘મહાન આત્મા’ એટલે કે હિરણ્યગર્ભ બ્રહ્મનો પ્રથમ આવિષ્કાર છે. આત્માનું પ્રથમ પ્રાકટ્ય છે. અને બધાના વ્યક્તિગત આત્મસ્વરૂપે એ દેખાય છે. માયા કે પ્રકૃતિ તરીકે ઓળખાતું જે અવ્યક્ત તત્ત્વ છે, તે તત્ત્વ હિરણ્યગર્ભ કરતાં પણ ચડિયાતું છે. કારણ કે એ વધારે સૂક્ષ્મ છે.
પહેલાં એવું કહેવામાં આવ્યું છે કે ઈંદ્રિયો કરતાં આત્મા અલગ છે. એનો અર્થ એવો નથી થતો કે જ્યારે શરીરમાં ઈંદ્રિયોની હસ્તી હોય છે, ત્યારે આ આત્મા ક્યાંક એનાથી બહાર જ હોવો જોઈએ! કારણ કે આત્મા જો ક્યાંક એનાથી બહાર જ હોય, તો એને શોધવા માટે ક્યાંક બહાર જ શોધખોળ કરવી પડે. અને એવું કહેવાનો અહીં ઇરાદો નથી. અહીં કહેવાનો મતલબ આવો છે: આત્મા ઉચ્ચતમ છે, એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. આ આત્મા છે એટલા જ માટે શરીર અને મન એ બન્નેના અસ્તિત્વનો આભાસ દેખાય છે. જો દોરડીનું અસ્તિત્વ હોય તો જ એમાં સાપનો ભ્રમ થવો શક્ય બને છે. એવી જ રીતે આત્મા જ પારમાર્થિક સત્ છે અને શરીર તેમજ મન એ આત્મા ઉપર આરોપાયેલ જ છે છતાં તે જાણે વાસ્તવિક રૂપે જ હોય એમ દેખાય છે. પણ એની વાસ્તવિકતા તો ફક્ત એના દેખાવામાં – એના આભાસમાં – જ છે. ખરેખર તો આત્મા જ પારમાર્થિક રૂપે સત્ય છે અને શરીર તેમજ મન કરતાં એ અલગ જ છે.
अव्यक्तात्तु परः पुरुषो व्यापकोऽलिङ्ग एव च ।
यं ज्ञात्वा मुच्यते जन्तुरमृतत्वं च गच्छति ॥ ८ ॥
व्यापक: अलिङ्ग एव च पुरष:, એ સત્ તત્ત્વ ‘પુરુષ’ (કે જે દરેકેદરેકનું અંતરતમ અને સર્વસ્વ તત્ત્વ છે), જે સર્વવ્યાપક અને નિરાકાર છે તે; अव्यकतात् तु पर:, અવ્યક્ત (માયાવિશિષ્ટ બ્રહ્મ) કરતાં પણ ચડિયાતો છે; यम् ज्ञात्वा, જેને જાણીને; मुच्यते जन्तु:, દરેક પ્રાણી મુક્તિ પામે છે; अमृतत्वम् च गच्छति, અને અમરત્વને પણ પામે છે.
પુરુષ – વિશ્વાત્મા – બ્રહ્મ સર્વવ્યાપક અને નિરાકાર છે. (એટલે એને જાણવાનો કોઈ ઉપાય નથી). જો કોઈ એને જાણી લે, તો તે (જીવનમરણના આ ફેરામાંથી) મુક્ત થઈ જાય છે. અને (અહીં મર્ત્યલોકમાં જીવતો હોવા છતાં અમરત્વને પામે છે. (૮)
આ પુરુષ સર્વવ્યાપક છે. આ અવકાશ પોતે પણ એમાંથી જ જન્મે છે. અને એ નિરાકાર હોવાથી એને જાણવાનો કશો ઉપાય નથી. એ વાણી અને મનથી પેલી પારનો છે, એ ઈંદ્રિયાતીત છે. માયાવિશિષ્ટ બ્રહ્મ ‘અવ્યક્ત’ કહેવાય છે. પણ એનું પ્રકટીકરણ થતું હોતું નથી. અને જ્યારે એનું પ્રકટીકરણ થાય છે, ત્યારે તેને ‘હિરણ્યગર્ભ’ કહેવામાં આવે છે.
આપણી સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ થતી ગતિને જ ‘પ્રગતિ’ કહેવામાં આવે છે. સૌથી પહેલાં તો આપણને સ્થૂળ શરીર અને ઈંદ્રિયો જ વાસ્તવિક દેખાય છે. પણ જ્યારે આપણે એ જાણીએ છીએ કે શરીર અને ઈંદ્રિયોને કાબૂમાં રાખનાર તો મન છે, ત્યારે શરીર અને ઈંદ્રિયો કરતાં મનની ઉચ્ચતરતા કે સૂક્ષ્મતાની પ્રતીતિ થાય છે. પછી તો મનને પણ કાબૂમાં રાખતી બુદ્ધિ જણાય છે. અને એથી પણ આગળ બુદ્ધિને કાબૂમાં રાખનાર વ્યષ્ટિ ચૈતન્ય – જીવાત્મા છે. પછી વળી જીવાત્માથી પણ વધારે સૂક્ષ્મ સમષ્ટિ બુદ્ધિ – મહત્ તત્ત્વ – હિરણ્યગર્ભ છે, એ આત્માનું એટલે કે બ્રહ્મનું સર્વપ્રથમ આવિષ્કરણ છે. અને એ હિરણ્યગર્ભથી સૂક્ષ્મતર ‘અવ્યક્ત’ નામે ઓળખાતી ‘માયા’ કે ‘પ્રકૃતિ’ છે. અને સૌથી સૂક્ષ્મ તત્ત્વ ‘પુરુષ’ છે. એ ‘વિશ્વાત્મા’ કે ‘પરમાત્મા’ કહેવાય છે, એ જ અનન્ત પરબ્રહ્મતત્ત્વ છે.
આ પરબ્રહ્મની સાથે પોતાની એકતાને ઓળખવી એ જ જીવનનો ઉદ્દેશ છે. જ્યારે મનુષ્ય આવી અદ્વૈતાનુભૂતિ કરે છે, ત્યારે તે અહીં જીવિત હોય તો પણ – આ જ જીવનમાં મુક્ત થઈ જાય છે. (જીવન્મુક્તિ પામે છે).
न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम्।
हृदा मनीषा मनसाभिक्लृप्तो य एतद्विदुरमृतास्ते भवन्ति॥
अस्य रूपम्, આનો આકાર; संद्दशे न तिष्ठति, આંખની દૃષ્ટિના વિષયમાં આવતો નથી; (अत:, તેથી;) છ न कश्चन एनम् चक्षुषा पश्यति, કોઈપણ એને આંખથી જોઈ શકતું નથી; हृदा मनीषा, (વિશુદ્ધ) બુદ્ધિની મદદ પામેલા હૃદયમાં; मनसा, સતત ચિંતન કરવાથી; (स:, તે- એટલે કે બ્રહ્મ); अभिक्लृप्त:, પ્રકટ થાય છે; एतद् विदु: જેઓ આ જાણે છે; ते, તેઓ; अमृता: भवति, અમર થઈ જાય છે.
આ વિશ્વાત્મા – પુરુષ – દૃષ્ટિનો (જોવાનો) વિષય નથી. એટલે કોઈપણ એને પોતાની આંખથી (કે બીજી કોઈ જ્ઞાનેન્દ્રિયથી પણ) પ્રત્યક્ષ કરી શકતું નથી. પણ જ્યારે મન નિર્મળ થાય છે અને એમાં મનુષ્ય એનું સતત ચિંતન-મનન કર્યા કરે, તો એ પોતે જ પોતાને પ્રકાશિત કરે છે. આ રીતે એને બરાબર રીતે ઓળખી જનાર મનુષ્ય અમર બની જાય છે – મુક્ત થઈ જાય છે. (૯)
આગલા મંત્રમાં જે વિશ્વાત્માની વાત કરવામાં આવી છે, તે ઈંદ્રિયો દ્વારા પ્રત્યક્ષ કરી શકાતો નથી. કોઈપણ મનુષ્ય પોતાની કોઈપણ ઈંદ્રિય દ્વારા એને જોઈ કે અનુભવી શકતો નથી. પરંતુ, જો કોઈ મનુષ્ય પોતાના મનની ખૂબ એકાગ્રતાથી એનું ચિંતન-મનન કરે, અને એ મન પણ આવશ્યક રીતે નિર્મળ હોય, તો એવા મનુષ્યના હૃદયમાં એ વિશ્વાત્મા પોતે જ પોતાને પ્રકટ કરી દે છે.
બીજી બધી વસ્તુઓને અવરોધરૂપ માનીને એ મનુષ્યની બુદ્ધિ મનને આત્મા તરફ વાળે છે. ત્યારે મન એકાગ્રતા પામે છે. અને પછી આત્માને પ્રાપ્ત કરે છે. એ આત્મા તો સર્વદા એની ભીતર રહેલો જ છે. (છતાં એ પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે.)
એ પોતે જ પોતાનું પ્રકાશન કરે છે. આ પ્રકાશન ઈંદ્રિયોથી સ્વતંત્ર જ રહીને થાય છે. જ્યારે વાદળાં વિખરાઈ જાય છે, ત્યારે સૂર્ય આપોઆપ જ પ્રકાશી ઊઠે છે. આ પણ એવું જ છે. આપણી કામનાઓ આ વાદળાં જેવી છે. એ આપણા આત્માને ઢાંકી દે છે. વિવેક કેળવીને – બન્ને વચ્ચેના તફાવતની સમજણને કેળવીને – અને આત્માનું સતત ચિંતન-મનન કરવાથી આપણી એ કામનાઓ – એષણાઓ – ચાલી જાય છે. પછી મન સ્વચ્છ દર્પણ સમાન બની જાય છે. અને પછી તમે જેવી રીતે સ્વચ્છ અરીસામાં તમારું પ્રતિબિંબ જોતા હો, એવી જ રીતે એમાં આત્માને નિહાળી શકો છો.
Your Content Goes Here




