द्वितीय प्रश्न બીજો અધ્યાય – ત્રીજી વલ્લી
ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः।
तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते।
तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन ।
एतद् वै तत् ॥ १॥
एष: अश्वत्थ:, આ વિશ્વ કે જે વટવૃક્ષ સમાન છે; ऊर्ध्वमूल: अवाक् शाख:, એનાં મૂળ ઊંચાં છે અને ડાળીઓ નીચેના ભાગે રહેલી છે; सनातनः, સદા રહેનારો – કાળની અસર વગરનો; तत् एव शुक्रम्, તે (મૂળ) જ વિશુદ્ધ છે; तत् ब्रह्म, તે બ્રહ્મ છે; तत् एव अमृतम् उच्यते, તે જ અમૃત- મરણરહિત – કહેવાય છે; तस्मिन्, તે (બ્રહ્મ)માં જ; सर्वे लोका: श्रिता:, બધા લોકો અવસ્થિત છે; कश्चन तत् उ न अत्येति, કશું જ – કોઈ જ – તેને અતિક્રમી શકતું નથી; एतत् वै तत्, ખરેખર આ જ તે (આત્મા) છે (કે જેને વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.)
આ વિશ્વ એક એવા વડના ઝાડ જેવું છે, કે જેનાં મૂળિયાં ખૂબ ઊંચે રહેલાં છે. (એટલે કે એનાં મૂળ પરમતત્ત્વ – બ્રહ્મ-માં રહેલાં છે); અને એની ડાળીઓ (એટલે કે સ્ત્રીઓ, પુરુષો, પ્રાણીઓ, જીવજંતુઓ અને વનસ્પતિ) નીચેના ભાગમાં ફેલાયેલ છે. (આ પરિવર્તનશીલ જગતમાં ફેલાયેલ છે.) એ કાલરહિત છે (એ અર્થમાં કે એ વારંવાર મોજાંની જેમ આવજા કર્યા જ કરે છે) આ વૃક્ષનું મૂળ બ્રહ્મ છે. એ શુદ્ધ છે. અને નિત્ય છે. (એમ ઋષિઓ કહે છે). આ પૃથ્વીના ગ્રહ સહિત બધા જ ગ્રહો – વિશ્વો એને આશરે રહેલાં છે. એનો કોઈ પાર કરી શકતું નથી. નચિકેતા જે વિશે પૂછી રહ્યો હતો તે બ્રહ્મ ખરેખર આ જ છે. (૧)
અહીં વિશ્વને વડના ઝાડની સાથે સરખાવવામાં આવ્યું છે. સામાન્ય વૃક્ષનાં મૂળિયાં તો નીચે હોય છે અને ડાળીઓ ઉપર હોય છે. પણ આ વૃક્ષને તો એનાં મૂળિયાં ઊંચે અને ડાળીઓ નીચે આવેલી છે! અને આમ છતાં પણ આપણે એનાં મૂળિયાં જોઈ શકતા નથી! એ મૂળ ક્યાં છે? એ મૂળ બ્રહ્મમાં નિહિત છે. પહેલાં બ્રહ્મ વ્યક્ત થયેલું ન હતું પણ પછીથી તેણે પોતાને આ વિશ્વરૂપે વ્યક્ત કર્યું. આ વૃક્ષની ડાળીઓ – એટલે કે સ્થાવર જંગમ વિશ્વ – જે કંઈ આપણે જોઈ જાણી શકીએ છીએ તે બધું જ – મૂળરૂપે બ્રહ્મમાં અધિષ્ઠિત છે.
વટવૃક્ષની પેઠે જ આ જગત પણ નાશવંત છે. એ ભલે પરિવર્તન પામ્યા જ કરે છે, છતાં પણ એની હસ્તી તો ક્યારેય મટી જતી નથી. ચક્રની પેઠે એ આવનજાવન કર્યા જ કરે છે. અને એ રીતે એ એક યા બીજા સ્વરૂપમાં ચાલુ જ રહેતું હોવાથી એને ‘સનાતન’ – હંમેશાં ટકી રહેનારું કહ્યું છે. કોઈ જ જાણતું નથી કે આ વૃક્ષ સૌથી પહેલું ક્યારે ઉત્પન્ન થયું છે અને ક્યારે એનો સંપૂર્ણ રીતે નાશ થઈ જશે.
ગમે તેમ પણ આ વૃક્ષનું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ છે અને એ કદીય પરિવર્તન પામતું નથી કે એનું પરિવર્તન કોઈ કરી શકતું નથી. એ સદા-સર્વદા સમાન- કૂટસ્થ – જ રહે છે; એને કશું અસર કરી શકતું નથી, એ વિશુદ્ધ – અજર – અમર છે. વિશ્વના બધા જ પદાર્થો એ બ્રહ્મને આશ્રિત – બ્રહ્મમાં જ અધિષ્ઠિત – છે, અને એનાથી સ્વતંત્ર કોઈ વસ્તુ અસ્તિત્વ ધારણ કરી શકતીનથી.
यदिदं किश्च जगत् सर्वं प्राण एजति निःसृतम्।
महद्भयं वज्रमुद्यतं य एतद्विदुरमृतास्ते भवन्ति ॥ २ ॥
यत् इदम् किंच जगत्, આ જગતમાં જે કંઈ હસ્તી ધરાવે છે તે; सर्वम्, બધું; (प्राणेभ्य:, પ્રાણમાંથી – એટલે કે માયાથી સમ્બદ્ધ પ્રાણમાંથી); नि:सृतम्, ઉદ્ભવ્યું છે; प्राणे एजति, પ્રાણમાં જ-પ્રાણસ્વરૂપ પરમાત્મામાં જ – રહે છે અને ચેષ્ટા કરી શકે છે; (तत् ब्रह्म, તે બ્રહ્મ); उद्यतम् वजम्, ઉગામેલા વજ્રની પેઠે; महत् भयम्, મોટા ભયરૂપ છે; ये एतद् विदु:, જેઓ એ (બ્રહ્મ)ને જાણે છે; ते अमृता: भवन्ति, તેઓ અમર થઈ જાય છે.
આ જગતમાં જે કંઈ છે, તેં બધું પ્રાણમાંથી – એટલે કે પોતાની માયારૂપ શક્તિથી યુક્ત એવા બ્રહ્મમાંથી જ આવ્યું છે. વળી, એવા (પૂર્વોક્ત) પ્રાણમાં જ આ બધું રહે છે અને કાર્ય કરે છે. આ બ્રહ્મ ઉગામેલા વજ્ર જેવું છે. એ ખૂબ ભય ઉપજાવનારું છે. આ બ્રહ્મને જેઓ જાણે છે, તેઓ અમર બની જાય છે. (૨)
બ્રહ્મ બધાનું મૂળ છે, એ તો પહેલાં કહી જ દીધું છે. આ જગતમાં જે કંઈ છે, તે બધું બ્રહ્મમાંથી નીપજેલું છે, બ્રહ્મમાં જ રહે છે અને બ્રહ્મના જ તાબામાં છે. આ વિશ્વમાં આપણે કેટકેટલીય હલચલ નિહાળીએ છીએ. આ બધા કાર્યકલાપોને શક્તિ આપનાર કોણ છે? એ બ્રહ્મ જ છે. આ બ્રહ્મ બધાને કેવી રીતે પ્રેરે છે અને કેવી રીતે સંયમમાં રાખે છે, તે સમજાવવા માટે અહીં એક ઉપમા આપવામાં આવી છે. જાણે કે બ્રહ્મ કોઈ એક સખ્તાઈભર્યો શાસનકર્તા છે! અને જાણે કે એ પોતાની ધૂન પ્રમાણે બધાની પાસે કામ કરાવે છે! એ કોઈ વજ્ર ઉગામેલાં હાથવાળા મહારાજા જેવું છે! જો જરાક પણ બેદરકારી દાખવી તો ઘા પડ્યો જ સમજો! એ બધા માટે ભયંકર છે. પરંતુ જે લોકો આ બ્રહ્મને બધાના સર્જનહાર અને બધાને વશમાં રાખનાર પરમતત્ત્વ તરીકે જાણે છે, તેઓ અમરત્વની પ્રાપ્તિ કરે છે.
આ મંત્ર અને એની પહેલાંનો મંત્ર બ્રહ્મની પારમાર્થિકતા ઉપર ભાર મૂકે છે. આ પરિવર્તનશીલ જગતની પશ્ચાદ્ભૂમિમાં કંઈક શાશ્વત તત્ત્વ હોવું જોઈએ.
भयादस्याग्निस्तपति भयात्तपति सूर्यः।
भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः ॥ ३ ॥
भयात् अस्य अग्नि: तपति, આ (બ્રહ્મ)ના ભયથી અગ્નિ ઉષ્ણતા આપે છે; भयात् तपति सूर्यः, એના ભયથી જ સૂર્ય પ્રકાશ આપે છે; भयात् इन्द्र: च वायु: च पश्चम: मृत्यु: धावति, એનાથી ભય પામીને જ ઈંદ્ર, વાયુ (પવન) અને પાંચમું મૃત્યુ પોતપોતાનાં કાર્યો બજાવવા માટે ઝટપટ દોડાદોડ કરે છે.
એના (બ્રહ્મના) ભયને લીધે અગ્નિ ઉષ્ણતા આપે છે; એના ભયથી સૂર્ય પ્રકાશ આપે છે; એનાથી ભય પામેલ ઈંદ્ર, વાયુ અને પાંચમું મૃત્યુ પોતપોતાનાં કર્તવ્ય બજાવવા માટે ઉતાવળે દોડી રહ્યાં છે. (૩)
અગ્નિ, સૂર્ય, ઈંદ્ર (વર્ષાનો દેવ), વાયુ (પવનનો દેવ) અને યમ (મૃત્યુનો દેવ) – આ બધા ઘણા શક્તિશાળી દેવો છે; છતાં બ્રહ્મની સરખામણીમાં તેઓની કશી જ વિસાત નથી. તેઓ સંપૂર્ણ રીતે બ્રહ્મ ઉપર જ અવલંબિત છે. અહીં ‘બ્રહ્મ જ સર્વશક્તિમાન છે’ – એ વિચાર ફરીથી ભારપૂર્વક કહેવામાં આવ્યો છે.
इह चेदशकद्बोद्धुं प्राक्षरीरस्य विस्रसः।
ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते ॥ ४॥
चेत्, જો; इह, આ જગતમાં; शरीरस्य विस्रसः पाक्, શરીરનો ક્ષય થયા પહેલાં; (जीव:, કોઈપણ જીવ); बोद्धुम् अशकत्, આ બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે શક્તિમાન થયો હોય (- તો તે આ જ જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરે છે; નહિતર – જો તે બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ ન કરે તો -); तत:, તો પછી; सर्वेषु लोकेषु, આ લોકમાં અને બીજા લોકોમાં; शरीरत्वाय कल्पते, ફરી શરીર ધારણ કરવા માટે પાછો વળે છે.
જો કોઈ મનુષ્ય પોતાના મૃત્યુ પહેલાં બ્રહ્મજ્ઞાન મેળવવા શક્તિમાન થાય, તો તે આ જ જીવનમાં મોક્ષ મેળવે છે. નહિતર તો તે આ લોકમાં અને અન્ય લોકોમાં વારંવાર જન્મ લીધા જ કરે છે. (૪)
આ મંત્ર પ્રમાણે બ્રહ્મજ્ઞાન જ જીવનનું લક્ષ્ય છે. અને એ લક્ષ્યની પ્રાપ્તિ આ જ જીવનમાં થવી શક્ય છે. એટલા માટે આપણે સહુએ એની પ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
બ્રહ્મને જાણવાનું ફળ શું? ફળ એ છે કે તમારો આત્મા જ બ્રહ્મ છે, એવો તમે અનુભવ કરી શકો. વળી, ત્યારે તમને એવો અનુભવ પણ થાય છે કે તમારો પોતાનો આત્મા એ જ બધાનો આત્મા છે; અને એ બધે જ છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે બધા સાથે એકરૂપ છો; જીવનનું સાચું લક્ષ્ય પદાર્થોના ઐક્યની પ્રતીતિ જ છે. આ કોઈ માત્ર બૌદ્ધિક સમજૂતી જ નથી. એનો સીધો – અપરોક્ષ – વૈયક્તિક અનુભવ હોવો જોઈએ. અને આ અનુભવ એવો હોય છે કે જે તમારા સંપૂર્ણ વ્યક્તિત્વને બદલાવી નાખે છે. એનાથી તમે તદ્દન નવા જ માનવ બની જાઓ છો, તમે ‘વિશ્વમાનવ’ બની જાઓ છો. વંશ-ધર્મ-દેશ વગેરેનાં બંધનોને ત્યારે તમે ઓળંગી જાઓ છો. તમે ત્યારે બ્રહ્મરૂપ બની જાઓ છો.
यथाऽऽदर्शे तथाऽऽत्मनि यथा स्वप्ने तथा पितृलोके।
यथाऽप्सु परीव ददृशे तथा गन्धर्वलोके छायातपयोरिव ब्रह्मलोके ॥ ५ ॥
आदर्शे, અરીસામાં; यथा, જેવી રીતે (એટલે કે પ્રતિબિંબના રૂપમાં); तथा आत्मनि, એ જ રીતે તમારા સ્વચ્છ ‘મનમાં’ (તમે બ્રહ્મને જોઈ શકો છો); स्वप्ने यथा, જેવી રીતે સ્વપ્નમાં; तथा पितृलोके, એવી રીતે પિતૃલોકમાં – પૂર્વજોના લોકમાં; अप्सु यथा, પાણીમાં જેમ; तथा गंधर्वलोके, તેવી જ રીતે ગંધર્વોના લોકમાં; (ગંધર્વો મર્ત્યલોકના જીવો કરતાં વધુ ઊંચેરા છે, પણ દેવો અને દેવીઓ કરતાં નીચા છે અને તેઓ સારા સંગીતજ્ઞો છે.); परिदद्दशे, આત્મા દેખાય છે; ब्रह्मलोके, બ્રહ્માના લોકમાં; छायातपयो: इव, તડકા અને છાંયડાની પેઠે (વિભિન્નરૂપે) આ બ્રહ્મ દેખાય છે.
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં ચોખ્ખું પ્રતિબિંબ દેખાય છે, તેવી જ રીતે નિર્મળ મનમાં આત્મા દેખાય છે. પૂર્વજોના લોકમાં – પિતૃલોકમાં તમે તમારા આત્માને સ્વપ્નમાં જોવાતા પદાર્થોની પેઠે ધૂંધળો જુઓ છો. ગંધર્વોના લોકમાં તમે આત્માને જળમાં પડતા પ્રતિબિંબ જેવો – એટલે કે વળી ધૂંધળો જ જુઓ છો. જ્યારે તમે તમારા આત્માને બ્રહ્માના લોકમાં જઈને જુઓ છો, ત્યારે તડકા અને છાયાની પેઠે સ્પષ્ટતાથી જુઓ છો. (૫)
અહીં મનુષ્ય તરીકેના જન્મનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. માનવ તરીકે જન્મ પામવો એ મોટામાં મોટું સદ્ભાગ્ય છે, કારણ કે ઉચ્ચતમ આત્મ સાક્ષાત્કાર તો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તમે માનવ બનીને – માનવ તરીકે – તમારી વિશુદ્ધ બુદ્ધિની સહાયથી એ રીતે તમે જ્યારે એની પ્રાપ્તિ કરો છો, ત્યારે સ્વચ્છ અરીસામાં પડતું તમારું પ્રતિબિંબ તમે જોઈ રહ્યા હો, એવી રીતે એ સ્પષ્ટ અને પ્રતીતિકર બની જાય છે. પણ આવી વિશુદ્ધ બુદ્ધિ તો આધ્યાત્મિક સાધનાના લાંબા સમયગાળા પછી જ પ્રાપ્ત થઈ શકે છે. આ આધ્યાત્મિક સાધનાની બીજી આનુષંગિક બાબતોમાં પહેલાં તો તમારે તપ:પૂત જીવન જીવવું જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કામનાઓ અને ભોગોમાંથી પોતાને દૂર રાખવા જોઈએ. સાથોસાથ તમારે પોતામાં વિવેકશક્તિ વિકસાવવી જોઈએ, તમારા આત્મવિકાસને આગળ વધારવામાં મદદરૂપ થાય એવી જ વસ્તુઓની પસંદગી કરવી જોઈએ. અને એમાં પણ તમને માર્ગદર્શન આપે એવા કોઈ ગુરુ મળી જાય તો તો એ ઘણું લાભદાયક નીવડશે. શાસ્ત્રોનું અધ્યયન પણ સહાયકારક તો છે જ, પરંતુ, આ બધામાં સૌથી મહત્ત્વનું તો તમારા મનનું શુદ્ધ હોવું, એ જ છે. બધી જ કામનાઓથી અને અહંકારથી મુક્ત એવું મન જ અતિમહત્ત્વનું છે. વિશુદ્ધ મન તો વિશુદ્ધ દર્પણ જેવું છે. આત્મજ્ઞાન તો તમારી ભીતર પડેલું જ છે. તમારું મન સ્વચ્છ થશે તો એ આપોઆપ જ પ્રકાશી ઊઠશે. આ શક્ય છે કારણ કે આત્મા તો સ્વયંપ્રકાશ છે.
મૃત્યુ પછી પણ તમને તમારા પિતૃલોકમાં આત્મસાક્ષાત્કાર થઈ તો શકે છે, પણ એ પિતૃલોકમાં તમને થતો સાક્ષાત્કાર સ્વપ્નમાં દેખાતા પદાર્થો જેવો ધૂંધળો હોય છે. એમાં બધું જ અસ્પષ્ટ અને સેળભેળિયું હોય છે. એવી જ રીતે મૃત્યુ પછી જો તમે ગંધર્વ લોકમાં જાઓ, તો ત્યાં પણ એ જ રીતે અનુભવ થશે. ગંધર્વલોકમાં થતી આત્માનુભૂતિ પિતૃલોકની આત્માનુભૂતિ કરતાં વધારે સારી હોય છે ખરી, પણ છતાંયે એ પૂર્ણ રીતે સ્પષ્ટ નથી હોતી. એ સાક્ષાત્કાર તમે પાણીમાં પ્રતિબિંબ જોતા હો, એના જેવો છે. પણ જો તમે બ્રહ્મલોકમાં – બ્રહ્માના લોકમાં – જાઓ એટલે કે ઈશ્વરના લોકમાં જાઓ, તો ત્યાં થતો એ સાક્ષાત્કાર ખૂબ સારો હશે. ત્યાં તમે તમારા આત્માને, જેવી રીતે તમે છાયા અને પ્રકાશને અલગ કરીને જુઓ છો, તેવી જ રીતે અલગ પાડીને જોઈ શકો છો. જો કે એ લોકમાં જવું, એ કંઈ સહેલી વાત નથી. તમારે જ્ઞાન અને કર્મને જોડવાં પડશે. અને તે બંનેને ઉચ્ચતર સ્તરે વેગ આપવો પડશે. પણ મનુષ્ય તરીકે મળેલા જન્મનો તમે શા માટે પૂરેપૂરો સદુપયોગ કરતા નથી? અને આ જન્મમાં આત્માની ઓળખ મેળવવા માટે મળેલી આ તકનો લાભ તમે શા માટે લેતા નથી? મરણ આવવાની રાહ શા માટે જોઈ રહ્યા છો?
Your Content Goes Here




