सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः ।
एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ ११ ॥

यथा, જે રીતે;  सूर्य:, સૂર્ય; सर्वलोकस्य चक्षु:, બધાંનું એક માત્ર ચક્ષુ (આંખ) (હોવા છતાં); चाक्षुषै: बाह्यदोषैः, આંખના બહારના દોષોથી (અસરથી); न लिप्यते, દૂષિત થતો નથી; तथा, તે જ રીતે; सर्व-भूत -अन्त:-आत्मा, બધાં પ્રાણીઓમાં રહેલો અંતર આત્મા; लोक दुःखेन न लिप्यते, બીજાનાં દુ:ખોથી લિપ્ત થતો નથી; बाह्य, (કેમકે તે) બહાર છે.

જે રીતે બધાની એકમાત્ર આંખ સૂર્ય છે અને તે છતાં (લોકોની આંખમાં રહેલા દોષો અથવા તે તે પદાર્થમાં રહેલા) બાહ્ય (દોષોથી) દૂષિત થતો નથી, તે જ રીતે બધાનો અંતરાત્મા હોવા છતાં તેમનાં દુ:ખોથી દૂષિત થતો નથી; (કેમકે તે અંદર તથા) બહાર પણ રહેલો છે.

વિશ્વવ્યાપી આત્મા બધા પદાર્થોમાં રહેલો છે. આને લીધે કોઈ એમ માનવા પ્રેરાય કે આ પ્રાણીઓનું જે સારું કે ખરાબ થાય, તેની અસર આત્મા પર પણ પડે. તો વાત એમ નથી. આ વાત સમજાવવા માટે સૂર્યનું ઉદાહરણ આપવામાં આવે છે. બધાં માટે સૂર્ય એ પ્રકાશનો સામાન્ય સ્રોત છે. તે છતાં જો તેનો પ્રકાશ ગંદા પદાર્થ પર પડે તો તે પોતે ગંદો થતો નથી તે જ રીતે આ અંતરાત્મા જેની જેની અંદર રહે છે, તેનાં તેનાં સુખદુ:ખોથી પ્રભાવિત થતો નથી.  આ પ્રાણીઓ સુખી હોય કે દુ:ખી, પણ તેની અસર આત્મા પર થતી નથી. ‘બ્રાહ્મ’ શબ્દનો અર્થ અહીં ‘પર’ છે.

एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥ १२ ॥

एक: सर्व-भूत -अन्त:-आत्मा, બધાંનો અંતરાત્મા; एक: वशी, જો કે એકનો એક જ છે, તે છતાં તે બધાંને નિયંત્રણમાં રાખે છે;  यः एकं रूपं बहुधा करोति, એક સ્વરૂપને ઘણા આકાર આપે છે; यः धीरा, જે શાણા માણસો; तं आत्मस्थं अनुपश्यन्ति, પોતામાં રહેલો જુએ છે; तेषां शाश्वतं सुखम्‌, તેઓ શાશ્વત સુખ માણે છે; न इतरेषाम्, અન્ય લોકો નહીં.

પરમાત્મા એક જ છે, છતાં તે બધાંને નિયંત્રણમાં રાખે છે. બધાં પ્રાણીઓનો તે અંતરાત્મા છે, અને તે પોતાને અનેક રૂપે પ્રકટ કરે છે. જે શાણા માણસો પોતાની અંદર એ આત્માનું દર્શન કરે છે, તેઓ જ શાશ્વત સુખ માણે છે, અન્ય લોકો નહીં.

આ મંત્રમાં બ્રહ્મ અને જગત વચ્ચેના સંબંધની વાત કરવામાં આવી છે. બ્રહ્મ જ જગત સ્વરૂપે પોતાની જાતને પ્રકટ કરે છે, અને તેથી અસ્તિત્વ ધરાવતી પ્રત્યેક વસ્તુમાં રહેલું સારતત્ત્વ એ બ્રહ્મ છે. આ પ્રકટીકરણ એ સમુદ્રમાં ઊઠતા તરંગ જેવું છે. તરંગ સમુદ્રમાંથી ઊઠે છે, તેના પર રહે છે અને અંતે તેમાં જ સમાઈ જાય છે. સમુદ્ર વિના તરંગો હોઈ જ ન શકે. તે જ રીતે બ્રહ્મ વિના જગત હોઈ જ ન શકે.

જીવનનું ધ્યેય એ છે કે જગત એ વાસ્તવિકતા નથી એમ જાણી લેવું. બ્રહ્મ એ વાસ્તવિકતા છે અને એ બ્રહ્મ એટલે દરેકનો પોતાનો આત્મા. એક વખત તમે આ જાણી લો, એટલે તમને કાયમનું સુખ.

તમારો આત્મા એ જ સર્વનો આત્મા છે. તમારો આત્મા એ જ પરમાત્મા છે, અને આ પરમાત્મા અથવા બ્રહ્મ બધાંનું નિયંત્રણ કરે છે. એ એક છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. એ આકાશ જેવો છે. પોતાની શક્તિથી તે જુદાં જુદાં નામો અને રૂપો ધારણ કરે છે અને ઘણાં હોય એમ દેખાય છે. ઘણાં બધાં દર્પણોથી ઘેરાયેલા માણસ જેવો એ છે. માણસ એક જ હોય છે, છતાં તેનાં પ્રતિબિંબો અનેક હોય છે. એક જ આત્માનું દર્શન કરવું એ જ્ઞાન છે. ઘણાંનું દર્શન કરવું એ અજ્ઞાન છે.

नित्यो नित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान् ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥ १३ ॥

य: अनित्यानां नित्य, જે અનિત્યોની વચ્ચે નિત્ય છે; चेतननां चेतन:, ચેતનોની વચ્ચે ચૈતન્ય છે; (य:) एक: (सन्‌), જો કે એક જ હોય છે (તે છતાં); बहूनां कामान्‌ विदधाति, ઘણાની કામનાઓને પૂરી કરે છે;  ये धीरा: तं आत्मस्‍थं अनुपश्यन्ति, જે શાણા માણસો તેનું પોતાની અંદર (પોતાના આત્મા તરીકે) દર્શન કરે છે; तेषां (एव) शाश्वती शान्तिः, માત્ર તેમને જ (મનની) કાયમી શાંતિ મળે છે; न इतरेषाम्, અન્ય લોકોને નહીં.

અનિત્ય વસ્તુઓની વચ્ચે તે નિત્ય છે, ચૈતન્યવાળાંની વચ્ચે તે ચૈતન્યસ્વરૂપ છે અને તે ઘણાંની કામનાઓને પૂરી કરે છે. જે શાણા માણસો તેને પોતાના આત્મા તરીકે જુએ છે, તેમને મનની કાયમી શાંતિ મળે છે, અન્ય લોકોને નહીં.

આ મંત્રમાં (પરમાત્મા અથવા બ્રહ્મ) અને જીવાત્મા વચ્ચેના સંબંધની સમજૂતી આપવામાં આવી છે.

બધા અનિત્ય પદાર્થોની વચ્ચે પરમાત્મા જ નિત્ય છે. આ અનિત્ય પદાર્થો શું છે? વૈયક્તિક જીવાત્માઓ. શું તેઓ નિત્ય નથી? વ્યક્તિગત રીતે તેઓ નિત્ય નથી, પણ જો તેઓ નિત્ય દેખાતા હોય તો તેનું કારણ પરમાત્મા છે. પરમાત્મા સાથે જ્યારે નામો અને રૂપો જોડાય છે, ત્યારે તેઓ વ્યક્તિગત જીવાત્માઓ બને છે. જીવાત્માઓનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એ જ રીતે, જો જગતમાં ચૈતન્યપૂર્ણ પદાર્થો હોય તો તેઓ પરમાત્માને લીધે જ ચૈતન્ય ધરાવે છે. પરમાત્મા પોતે જ ચૈતન્ય છે.

જીવાત્માઓને ઘણી બધી કામનાઓ હોય છે અને તેઓ તેમને પૂરી કરવાની વ્યવસ્થા એક યા બીજી રીતે કરી લેતા હોય છે. પરંતુ આ બાબતમાં પણ તેમણે પરમાત્મા પર આધાર રાખવો પડે છે. બ્રહ્મ તરીકે પરમાત્મા તેમને માટે તેઓ જે ઇચ્છે તે મેળવી આપવાનું શક્ય બનાવે છે.

ઉપનિષદો વારંવાર ઘોષણા કરે છે કે માનવજીવનનું ધ્યેય ‘હું પોતે જ પરમાત્મા છું’, એ સત્યનો સાક્ષાત્કાર કરવાનું છે. ભાવાર્થ એ છે કે જીવાત્માએ પોતે પરમાત્મા છે એ વાતનો સાક્ષાત્કાર કરવાનો છે. જ્યાં સુધી આ સાક્ષાત્કાર થતો નથી, ત્યાં સુધી જીવાત્માને લાગ્યા કરે છે કે તે નિર્બળ અને લાચાર છે અને તેથી તે હંમેશાં દુ:ખનો અનુભવ કર્યા કરે છે. તેની અંદર કંઈક ખાલીખાલી લાગ્યા કરે છે. પરંતુ જ્યારે તેને દૃઢ પ્રતીતિ થઈ જાય છે પોતે પરમાત્મા છે, ત્યારે તેને એક પ્રકારની પૂર્ણતાની અનુભૂતિ થાય છે. પછી તે સુખની અનુભૂતિ કરે છે. તે શાશ્વત શાંતિ અને સુખનો અનુભવ કરે છે. આવું બીજા લોકોને થતું નથી.

तदेतदिति मन्यन्तेऽनिर्देश्यं परमं सुखम् ।
कथं नु तद्विजानीयां किमु भाति विभाति वा ॥ १४ ॥

(यत्‌,જે); परमं सुखम्, જેનું વર્ણન ન કરી શકાય તેવો પરમ આનંદ; तद्‌ एतत, તે આ છે; इति मन्यन्ते, (અર્થાત્ શાણા માણસો) આમ માને છે; तत्‌ कथं नु तद्विजानीयाम्‌, હું એને કઈ રીતે જાણીશ; किम उभाति विभाति वा કે તે પોતે જ પ્રકટ થાય છે, અથવા મન અને બુદ્ધિ દ્વારા વ્યક્ત થાય છે.

જ્યારે શાણા માણસો ઉલ્લેખ કરે છે કે ‘તે આ છે’- અર્થાત્ બ્રહ્મ એ પરમ આનંદ છે, ત્યારે તેઓ જેનું વર્ણન (કે વ્યાખ્યા) ન કરી શકાય તેવા બ્રહ્મ વિષે કહેતા હોય છે. આ બ્રહ્મને હું કઈ રીતે જાણી શકું કે એ પરમ આનંદ સ્વયં પ્રકટ થાય છે કે મન અને બુદ્ધિ દ્વારા તેને ગ્રહણ કરી લેવાનું હોય છે?

અગાઉના મંત્રોમાં શાશ્વત શાન્તિ અને સુખ- અર્થાત્ પરમ આનંદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પરમ આનંદની વ્યાખ્યા કરી શકાતી નથી. તમે તમારા પોતાના અંતરાત્મામાં એની અનુભૂતિ કરી શકો છો, પરંતુ અન્ય લોકોને તમે તેમાં સહભાગી બનાવી શકતા નથી, કે એ કેવું છે તેની સમજણ આપી શકતા નથી. શબ્દો માટે એ વધારે પડતું ઊંડું છે. તમે જ્યારે પરબ્રહ્મ, પરમાત્મા સાથેના સીધા સંપર્કમાં હો છો ત્યારે જ તમે તેની અનુભૂતિ કરી શકો છો. આત્મા એ આનંદનું ઉદ્ભવસ્થાન છે.

પ્રશ્ન એ છે કે : આપણે આ આનંદની અનુભૂતિ કઈ રીતે કરી શકીએ? આ આનંદ ક્યાંથી આવે છે? શું એ આપણી અંદર જ રહેલ હોય છે અને એક દિવસ એકાએક એ પ્રકટ થાય છે? અથવા આપણે સામાન્ય રીતે જેને જોઈ શકતા ન હોઈએ પણ એક દિવસ એકાએક એની નોંધ લેવા માંડતા હોઈએ એવા બીજા પદાર્થ જેવાં છે? જવાબ એ છે કે આ આનંદ એ આપણો પોતાનો આત્મા છે. એ તો હોઈ જ છે, પણ આપણને તેની જાણ હોતી નથી. વર્ષોની આધ્યાત્મિક સાધના પછી આપણને તેનું જ્ઞાન થાય છે.

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥ १५ ॥

तत्र सूर्य: न भाति, (બ્રહ્મની ઉપસ્થિતિમાં) સૂર્ય પ્રકાશતો નથી; न चन्द्रतारकम्‌, ચંદ્ર અને તારાઓ પણ; इमा: विद्युत: न भान्ति, આ વીજળીના ઝબકારા પણ થતા નથી; अयं अग्निः कुत:, તો આ અગ્નિ કેવી રીતે (પ્રકાશી શકે); तं भान्तं एक सर्वं अनुभाति , જ્યારે તે પ્રકાશે છે, ત્યારે અન્ય બધું તેને અનુસરીને પ્રકાશે છે; तस्य भासा सर्वमिदं विभाति, તેના પ્રકાશથી બધું પ્રકાશે છે.

બ્રહ્મની ઉપસ્થિતિમાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારા (પ્રકાશતા નથી) વીજળી પણ ઝબુકતી નથી, તો આ અગ્નિ તો ક્યાંથી (પ્રકાશી શકે?) જ્યારે બ્રહ્મ પ્રકાશે છે ત્યારે બીજી બધી વસ્તુઓ તેને અનુસરે છે. તેના પ્રકાશથી બધું પ્રકાશે છે.

આની પહેલાંના મંત્રમાં કહેવામાં આવ્યું હતું કે પ્રત્યેક પ્રાણીમાં બ્રહ્મ આનંદરૂપે અસ્તિત્વ ધરાવતું હોય છે. હવે ઉપનિષદ્ એમાં ઉમેરો કરે છે કે બ્રહ્મ પ્રકાશ (જ્યોતિસ્વરૂપ) પણ છે.

આપણે જોઈએ છીએ કે આપણને સૂર્ય, ચંદ્ર, તારા વગેરેમાંથી પ્રકાશ મળે છે, પરંતુ જ્યારે તેઓ બ્રહ્મની ઉપસ્થિતિમાં હોય છે, ત્યારે તેમનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. ભાવાર્થ એ છે કે તે તે પદાર્થોનો પ્રકાશ તેમનો પોતાનો હોતો નથી. તે પ્રકાશ તેમણે બ્રહ્મ પાસેથી મેળવેલો હોય છે. માત્ર બ્રહ્મ જ પ્રકાશનું ઉદ્ભવસ્થાન છે, અને તે પોતે સ્વયંજ્યોતિ છે.

માત્ર સૂર્ય, ચંદ્ર અને તારાઓ જ પોતાનો પ્રકાશ બ્રહ્મ પાસેથી મેળવે છે, એમ નથી, આપણી ઈંદ્રિયો પણ પોતાની શક્તિને પ્રકટ કરવા માટેનું બળ બ્રહ્મ પાસેથી (અંતરમાં રહેલા પરબ્રહ્મમાંથી) મેળવે છે. આમ આ ઈંદ્રિયો આત્માને પ્રકટ કરી શકતી નથી. જ્યારે મન શુદ્ધ હોય છે ત્યારે આત્મા પોતાને પ્રકટ કરે છે. શુદ્ધ એટલે શું? જ્યારે મન ‘હું’ અને ‘મારું’ની ભાવનામાંથી મુક્ત બને છે ત્યારે શુદ્ધ કહેવાય છે.

इति काठकोपिनषदि द्वितीयाध्याये द्वितीया वल्ली।

આમ કાઠકોપનિષદના બીજા અધ્યાયની બીજી વલ્લી પૂરી થઈ.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.