(બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

પ્રથમ અધ્યાય

પહેલી વલ્લી

ॐ उशन्‌ ह वै वाजश्रवसः सर्ववेदसं ददौ ।
तस्‍य ह नचिकेता नाम पुत्र आस ॥

वाजश्रवसः ह वै, પ્રાચીન ઋષિ વાજશ્રવાના વંશમાં; उशन्‌, સ્વર્ગમાં એ યજ્ઞથી મળતાં ભોગવવાની ઇચ્છા રાખતો; सर्व वेदसम्‌, જે બધું તેની માલિકીનું હતું; ददौ, તે આપી દીધું; એટલે કે તેણે ‘વિશ્વજિત્‌’ નામના યજ્ઞનું અનુષ્ઠાન કર્યું કે જેમાં એની પાસે જે કંઈપણ હોય તે દાનમાં આપી દેવાનું હોય છે); तस्‍य, તેને (ઋષિ વાજશ્રવસને); नचिकेताः नाम, નચિકેતા નામનો; पुत्रः પુત્ર; आस, હતો.

વાજશ્રવસ (કે જેને ઔદા્લક પણ કહેવામાં આવે છે, તે) પ્રાચીન ઋષિ વાજશ્રવાના વંશમાં જન્મેલ હતો. તેણે (વિશ્વજિત્‌ નામે જાણીતા) યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. (આ વાજશ્રવસ ધર્મકાર્યો અને દાનાદિમાં વિખ્યાત હતા.) એ યજ્ઞથી એ સ્વર્ગના ભરપૂર ભોગોને વળતરરૂપે પ્રાપ્ત કરવા ઇચ્છતો હતો. આ યજ્ઞનો નિયમ એવો હતો કે એની પાસે પોતાની માલિકીનું જે કંઈ પણ હતું, તે બધું તેણે દાનમાં આપી દેવાનું હતું. વાજશ્રવસને નચિકેતા નામનો એક યુવાન પુત્ર હતો. (૧)

એક વાજશ્રવસ નામના જૂના જમાનામાં ઋષિ થઈ ગયા. એણે એવું નામ એટલા માટે ધારણા કર્યું હતું કે વાજશ્રવા નામના મહાન ઋષિએ એના વંશની શરૂઆત કરી હતી. એ મહાન પૂર્વજે ખૂબ ખૂબ દાન કર્યાં હતા. એના વંશના આ વાજશ્રવસને ‘ઔદ્દાલક’ પણ કહેવામાં આવે છે. ‘ઔદ્દાલક’ એટલે ‘ઉદ્દાલક’નો પુત્ર.

આ વાજશ્રવસે વિશ્વજિત્‌ નામનો યજ્ઞ કર્યો એમાં એવો નિયમ છે કે એણે પોતાની પાસે જે હોય, તે બધાંનું દાન કરી દેવું. આવો યજ્ઞ તેણે કર્યો અને બદલામાં – એના વળતર તરીકે તેણે સ્વર્ગમાં ખૂબ ખૂબ ભોગોવિલાસો ભોગવવાની કામના કરી.

तं ह कुमारं सन्तं दक्षिणासु
नीयमानासु श्रद्धाविवेश सोऽमन्यत ॥२॥

दक्षिणासु, દક્ષિણાઓ- ભેટો; नीयमानासु, જ્યારે અપાઈ રહી હતી (યજ્ઞના એક ભાગ રૂપે જ્યારે દક્ષિણાઓ અપાઈ રહી હતી (અહીં એ દક્ષિણાઓ હલકી કોટિની હતી); तम्‌ कुमारम्‌ सन्तम्‌, તે પુત્ર નચિકેતા કુમારાવસ્થામાં હતો; श्रद्धा, શ્રદ્ધા; आविवेश, પ્રવેશી (એટલે કે તેના હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ- એના હૃદયમાં શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા ઊપજી); सः તે; अम्नयत, વિચાર કરવા લાગ્યો.

નચિકેતા એના પિતા વડે અપાતી દક્ષિણાઓને નિહાળવા લાગ્યો. એ કુમારાવસ્થામાં-યુવાવસ્થામાં હતો, છતાં એને શાસ્ત્રોમાં શ્રદ્ધા હતી. એની શ્રદ્ધાના પ્રકાશમાં એ વિચાર કરવા લાગ્યો. (૨)

નચિકેતા યુવાન હતો, પણ એ જાણતો હતો કે શાસ્ત્રોની આજ્ઞા શી છે. અને એને શાસ્ત્રોમાં શ્રદ્ધા હતી. એટલા માટે તેણે શ્રદ્ધાના બળથી પોતાના પિતા વડે અપાતી દક્ષિણાઓનું મૂલ્ય આંકવા માંડ્યું.

અહીં ‘શ્રદ્ધા’ શબ્દ ઘણો મહત્ત્વનો છે. ‘શ્રદ્ધા’નો અર્થ ‘સત્યનિષ્ઠા’ એવો થાય છે. – સચ્ચાઈમાં વિશ્વાસ, શાસ્ત્રોમાં શ્રદ્ધા. ‘શ્રદ્ધા’નો બીજો અર્થ આત્મવિશ્વાસ પણ થાય છે. નચિકેતા એક વિલક્ષણ યુવાન પુરુષ હતો. એનામાં બીજા ઘણા સદ્‌ગુણો ઉપરાંત આવી શ્રદ્ધા પણ હતી. અને એટલા માટે એ પોતાના પિતા વડે કરાઈ રહેલું ખોટું કામ પારખવા માટે શક્તિમાન હતો. એના પિતા ‘વિશ્વજિત્‌’ નામનો યજ્ઞ કરી રહ્યા હતા. એ યજ્ઞ ઘણા કષ્ટસાધ્ય યજ્ઞો પૈકીનો એક છે. આ યજ્ઞનું એક ખાસ લક્ષણ એ છે કે યજ્ઞ કરનારે પોતાની પાસે જે હોય તે બધું દાનમાં આપી જ દેવું પડે છે. પણ એના પિતા શું કરી રહ્યા હતા? નચિકેતાને એના પિતા ઉપર પ્રેમ હતો એટલે એના પિતાના કાર્ય વિશે પ્રશ્ન પૂછ્યા વગર એનાથી રહેવાયું નહિ.

पीतोदका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रियाः ।
अनन्दा नाम ते लोकास्तान् स गच्छति ता ददत्‌ ॥३॥

पीतोदकाः જેણે પાણી પીવાનું પૂરું કરી લીધું છે, તેવી (પાણી પીવાની પણ તાકાત હોય એવી ઉંમર પણ જેમની વીતી ચૂકી છે એવી); जग्धतृणाः ઘાસ ખાવાનું જેમણે પૂરું કરી લીધું છે તેવી (ઘાસ ખાવાની તાકાત પણ ઘરડી ઉંમર થવાને લીધે જેમની હવે રહી નથી તેવી); दुग्धदोहाः જેનું બધું જ દૂધ દોહી લીધેલું છે તેવી (સાવ વસૂકી ગયેલી); निरिन्द्रियाः ઇન્દ્રિયો વગરની (વધારે પુષ્ટ ન થઈ તેવી ક્ષીણ ઇન્દ્રિયોવાળી); ताः આવી (દક્ષિણાઓ); ददतः, આપે છે; सः તે (દક્ષિણાઓ આપનાર); तान्‌ (लोकान्‌), એવા લોકને; गच्छन्‍ति, પામે છે; ते अनन्दाः नाम लोकाः કે જે લોક ‘અનન્દ નામે’ (આનંદરહિત નામે) જાણીતા છે.

તે ઘરડી ગાયો હતી. એમનામાં ખાવા-પીવાનીય કોઈ શક્તિ ન હતી; તેઓ કશું દૂધ આપી શકે નહિ એવી સદા માટે વસૂકી ગયેલી હતી, તેમનું એકેય અંગ કામ કરી શકે તેમ ન હતું. જે મનુષ્ય આવી ગાયો બીજાને દાનમાં આપે છે એ માણસ મરણ પછી આનંદરહિત લોકોમાં જાય છે. એ લોકનું નામ ‘અનન્દ લોક’ છે. (૩)

પોતાના પિતા જે કંઈ કરી રહ્યા હતા તે જોઈને નચિકેતાને આઘાત થયો. એ કંઈ દાનપુણ્ય ન કહેવાય. એ તો દાનપુણ્યની મશ્કરી જ કહેવાય. દાનપુણ્ય કોને

કહેવાય? આવશ્યકતા વાળા લોકોને સારી અને ઉપયોગી વસ્તુઓ આપવી, એનું નામ જ દાનપુણ્ય કહેવાય. દાન આપતી વખતે દાતાના મનમાં યજ્ઞની ભાવનાનું તત્ત્વ હોવું જોઈએ. દાનકાર્યમાં દાતા એક યજ્ઞ જ કરી રહ્યો હોય છે. કારણ કે પોતાને આવશ્યક હોય, તેવી વસ્તુઓનું એ બીજાને દાન કરી રહ્યો છે. પરંતુ, એને લાગ્યું કે એ બીજા માણસ માટે વસ્તુ કેવળ જતી કરે છે. દાનકર્મમાં તમે જે કંઈ વસ્તુ આપો છો, તેના કરતાં એ વસ્તુ આપવાની રીત – એનું વલણ – વધુ મહત્ત્વ ધરાવે છે. તમારે નમ્ર્રતાથી અને માનપૂર્વક દાન કરવું જોઈએ. અને સાથોસાથ તમારી પાસે જે વસ્તુ સારામાં સારી હોય તેનું જ દાન કરવું જોઈએ.

દાન એ ધર્મકાર્યનું અગત્યનું પાસું છે. દાન વગર કોઈ ધર્મકાર્ય પૂર્ણ થતું નથી. નચિકેતાના પિતા ખૂબ મહત્ત્વકાંક્ષી યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. એ વિશ્વજિત્‌ યજ્ઞ હતો અને એમાં એના અનુષ્ઠાતાએ પોતાની પાસે જે કંઈ હોય, તે બધું જ દાનમાં આપી દેવાનું હતું. પણ નચિકેતાના પિતા શું કરી રહ્યા હતા? એ તો ફક્ત નકામી વસ્તુઓનું જ દાન કરી રહ્યા હતા! એ વસ્તુઓ દેનાર માટે પણ નકામી હતી અને લેનાર માટે પણ નકામી હતી. આ શ્રદ્ધાવાન નચિકેતા, એના પિતાને આવા અયોગ્ય કાર્ય બદલ જે દંડ ભોગવવો પડશે એના વિચારમાત્રથી ખૂબ ભયભીત થઈ ગયો કે, એના પિતા મરણ પછી ‘અનન્દ’ નામના સુખહીન લોકમાં નિંદાપાત્ર જીવન જીવશે.

Total Views: 391

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.