य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् ।
ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते ।
एतद्‌ वै तत्‌॥५॥

य:, જે મનુષ્ય; मध्वदम्‌, મધને પીતા (અર્થાત્‌, કર્મફળનો ઉપભોગ કરતા); इमम्‌ जीवम्‌ आत्मानम्‌, આ વ્યષ્ટિ (વ્યક્તિ) રૂપ આત્માને; भूतभव्यस्य ईशान्‌, ભૂતકાળ અને ભવિષ્યકાળના સ્વામી તરીકે; (અને સંદર્ભથી વર્તમાનકાળના સ્વામી તરીકે પણ); अन्तिकात्, ખૂબ સમીપ; वेद, જાણે છે; (स:, તે;) तत: न विजुगुप्सते, ત્યાર પછી (એટલે કે એવું જાણ્યા પછી) કશું જ છુપાવતો નથી; एतद्‌ वै तत्‌, ખરેખર આ જ તે (નચિકેતા જેને વિષે પૂછી રહ્યો હતો તે) આત્મચૈતન્ય છે.

જે કોઈ મનુષ્ય પોતાના આત્માને, એ કર્મફળો ભોગવતો હોવા છતાં પણ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના સ્વામી તરીકે માને છે અને એને પોતાના આત્માની નજીકનો જ માને છે – એટલે કે – એની સાથે પોતાના ઐક્યની અનુભૂતિ કરે છે – તેને કશાથી ડરવાનું- કશું છુપાવવાનું કોઈ પણ કારણ રહેતું નથી. જે આત્મા વિષે નચિકેતા પૂછી રહ્યો હતો તે ખરેખર આ જ છે (૫)

અહીં એવો વિચાર કરવામાં આવ્યો છે કે વ્યષ્ટિગત ચૈતન્ય – જીવ-, એ વૈશ્વિક આત્મા-સમષ્ટિ ચૈતન્ય – બ્રહ્મ કરતાં જુદો નથી. દેખીતી રીતે વ્યષ્ટિચૈતન્ય – જીવ જીવતરનાં જાળાંઓમાં ફેલાયેલો લાગે છે. આ જીવ કર્મ કરે છે અને કર્મફળો ભોગવે છે. ભલે એ કર્મફળો હંમેશાં મીઠાં ન પણ હોય. છતાં પણ એ કર્મોને વળગી જ રહે છે. કર્મો એને મધમીઠાં જ લાગે છે. આ રીતે એ કર્મમય જીવન જીવવા ઇચ્છે છે. આ અજ્ઞાન છે. પણ એ લાચાર છે. આ બધું આમ જ હોવા છતાં પણ જીવના મૂળ – સાચા – સ્વરૂપને બદલાવી શકતું નથી. સ્વસ્વરૂપે તો તે (જીવ), બ્રહ્મ જ છે – વિશ્વચૈતન્ય જ છે. અને બ્રહ્મ જ – સમષ્ટિચૈતન્ય જ – હંમેશાં રહે છે. જગત સાથેની એની આસક્તિ તો માત્ર કામચલાઉ ક્ષતિ – પ્રાસંગિક અવનતિ જ છે. એ ક્ષતિને – એ અવગતિને – ગમે તે ક્ષણે નિવારી શકાય તેમ છે. કીચડથી ખરડાયેલું હોવા છતાં સોનું તો સોનું જ રહેવાનું.

વ્યષ્ટિચૈતન્ય – જીવ – અને સમષ્ટિચૈતન્ય – બ્રહ્મ – એ બંનેની એકતાનો અનુભવ કરવો – એટલે કે બધે જ ઠેકાણે અને બધું જ એક ચૈતન્ય જ છે – એવો સાક્ષાત્કાર કરવો – એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. એ એક જ તત્ત્વ બહુ રૂપે થયેલ છે – નામ અને રૂપને ભેદે વિવિધતાભર્યું થયું છે. બધા જ વિવિધ પદાર્થોમાં તમે જ્યારે આ એકતાનો અનુભવ કરો તો પછી તમારે કશાથી ડરવાપણું રહેતું નથી. ત્યાર પછી તમારે પોતાને છુપાવવાની કશી જરૂર રહેતી નથી. કારણ કે તમારે માટે પછી ‘બીજાપણું – તમારાથી અન્યપણું’ રહેતું નથી. આત્મા એક જ છે અને તે આત્મા તમે પોતે જ છો. ભયનો સવાલ તો ‘દ્વૈત’માં જ સર્જાય છે.

यः पूर्वं तपसो जातमद्‌द्भ्यः पूर्वमजायत।
गुहां प्रविश्य तिष्ठन्तं यो भूतेभिर्व्यपश्यत:
एतद्‌ वै तत्‌॥६॥

यः, જે; (મુમુક્ષુ); अदभ्य: पूर्वम्‌, જળની પહેલાં (એટલે કે જળ અને અન્ય પદાર્થોની પહેલાં); जायत, ઉત્પન્ન થયું હતું તેને; पूर्वं तपस: जातम्‌, જે સૌ પ્રથમ તપથી – ઊંડા ચિંતનથી આ પરિવર્તનશીલ જગતમાં પ્રથમ આવિર્ભૂત થયું હતું તેને; (એટલે કે બ્રહ્મચૈતન્યમાંથી હિરણ્યગર્ભરૂપે સર્વપ્રથમ અભિવ્યક્તિ પામ્યું હતું તેને);  गुहां प्रविश्य, દરેક પ્રાણીના હૃદયરૂપી ગુફામાં પ્રવેશ કરીને; भूतेभि: तिष्ठन्तं, પંચમહાભૂતો સાથે રહેલું છે, તેને; य: व्यपश्यत:, જે મુમુક્ષુ સ્પષ્ટરૂપે જ જુએ છે; (स: तत्‌ एव पश्यति, તે ખરેખર તેને જ જુએ છે;) ર્ર્ળ્ ળ ર્ર્ળ્, આ ખરેખર નચિકેતા જે વિષે પૂછી રહ્યો છે, તે જ છે).

તે મુમુક્ષુ સ્પષ્ટ રીતે એવા સત્ત્વને જોઈ શકે છે કે જે સત્ત્વ જળ તેમ જ બીજા પદાર્થોની પહેલાં જન્મ્યું હતું, જે સત્ત્વ ચૈતન્યમાંથી પ્રથમ અભિવ્યક્તિરૂપ હતું; જે સત્ત્વ સર્વપ્રાણીઓના હૃદયરૂપી ગુફામાં રહેલું છે; જે સત્ત્વ દરેક પ્રાણીનાં શરીર અને અંગોમાં (એટલે કે પંચતત્ત્વોની બધી જ રચનાઓમાં) અનુસ્યૂત છે; જે એમ જોઈ શકે છે, તે જ સાચી રીતે જુએ છે. આ જ તે આત્મા છે કે જેને વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.) (૬)

આ જગત બ્રહ્મના (વિશુદ્ધ ચૈતન્યના) આવિર્ભાવ સિવાય બીજું કશું જ નથી. એનો પ્રથમ આવિર્ભાવ હિરણ્યગર્ભ છે. અને એ બધાં જ પ્રાણીઓનો સરવાળો – સમષ્ટિરૂપ – છે. પાંચ મહાભૂતોની પણ પહેલાં એનો આવિર્ભાવ થયેલો હતો. એ બધાં પ્રાણીઓનો આત્મા છે. અને તે પ્રાણીના બધા જ ભાગોમાં – એના આખાયે શરીરમાં અને અવયવોમાં રહેલ છે.

આવા સ્વરૂપના આત્માને સર્વત્ર નિહાળવાની ક્ષમતા હોવી, એ જ જીવનનો ઉદ્દેશ છે. નચિકેતા જેને વિશે પૂછી રહ્યો હતો તે આત્મા આ જ છે.

या प्राणेन संभवत्यदितिर्देवतामयी।
गुहां प्रविष्य तिष्ठन्ति या भूतेभिर्व्यजायत।
एतद्‌ वै तत्‌॥७॥

या प्राणेन संभवति अदितिर देवतामयी, गुह्म प्रविष्य तिष्ठन्ति, या भूतेभिर व्यजायत:

या देवतामयी अदिति, તે અદિતિ, કે જે બધા દેવોના આત્મારૂપ છે; (अदिति, એટલે ખાનાર – એટલે કે બધા વિષયોનો ઉપભોગ કરનાર – અનુભવ કરનાર એટલે કે હિરણ્યગર્ભ છે); प्राणेन संभवति, એ પોતાને પ્રાણરૂપે અભિવ્યક્ત કરે છે (એટલે કે વૈશ્વિક શક્તિરૂપે – હિરણ્યગર્ભને રૂપે આવિર્ભૂત કરે છે);  या भूतेभि: व्यजायत, જે પોતાને પાંચ મહાભૂતોના રૂપમાં આવિર્ભૂત કરે છે; गुहां प्रविष्य तिष्ठन्ति, બધાં પ્રાણીઓની હૃદયરૂપી ગુફામાં ઉપસ્થિત રહેલ છે; एतद्‌ वै तत्‌, આ તે જ છે (કે જે આત્મા વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.)

બધા જ દેવોની આત્મસ્વરૂપ અદિતિ પોતાને વૈશ્વિક શક્તિરૂપે પ્રકટ કરે છે. એ સર્વભોક્તા છે. અને તે પાંચ મહાભૂતોનું સ્વરૂપ પણ છે, દરેક પ્રાણીના હૃદયમાં તે વસે છે. જો કોઈ આધ્યાત્મિક સાધક પોતાને એના જ સ્વરૂપે ઓળખે, તો તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. ખરેખર આ તે જ (આત્મા) છે, (કે જેને વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.) (૭)

અહીં એવું સૂચન કરવામાં આવ્યું છે કે આધ્યાત્મિક સાધકે વૈશ્વિક શક્તિમાં – પ્રાણમાં – બ્રહ્મને નિહાળવાનું સામર્થ્ય કેળવવું જોઈએ. આ શક્તિ બધા દેવોમાં છે – ફક્ત દેવોમાં જ નહિ – બધાં પ્રાણીઓમાં પણ પડેલી છે જ. આ શક્તિનું નામ ‘અદિતિ’ છે. (એનો વ્યુત્પત્તિલભ્ય અર્થ ‘ખાનાર’ કે ‘ભોક્તા’ એવો થાય છે.) કારણ કે તે બધું જ ખાઈ જાય છે – ભોગવી નાખે છે – ભોગવીને નષ્ટ કરી નાખે છે.) તે વિનાશક છે.

પરંતુ, સ્થૂલ પદાર્થો શક્તિથી જુદા નથી. શક્તિ અને પદાર્થ – બન્ને સર્વદા સાથે રહે છે, તે બન્ને પરસ્પર સાથે કામ કરે છે અને એટલે જ તો પછી આ જગતમાં ઘટનાઓ બને છે. બધી વસ્તુઓના હૃદયમાં – કેન્દ્રમાં – આ શક્તિ પડેલી હોય છે. આ શક્તિને ‘હિરણ્યગર્ભ’ પણ કહેવાય છે. એ વૈશ્વિક સત્ત્વ છે.

જો કોઈ આધ્યાત્મિક સાધક પોતાને આ હિરણ્યગર્ભ સ્વરૂપે ઓળખી લે, તો એણે પોતાના જીવનનો ઉદ્દેશ સિદ્ધ કર્યો ગણાય. શક્તિ સ્વરૂપે આવિર્ભૂત આ હિરણ્યગર્ભ બ્રહ્મ કરતાં અલગ નથી.

अरण्योर्निहितो जातवेदा गर्भ इव सुभृतो गर्भिणीभि:।
दिवे दिव इड्यो जागृवद्भि: हविषमद्भि: मनुष्ययेभिरग्नि:।
एतद्‌ वै तत्‌॥८॥

गर्भिणीभि: सुभृत: गर्भ इव, પોતાના ગર્ભમાંના બાળકની ગર્ભિણી સ્ત્રીઓ દ્વારા જેવી કાળજીપૂર્વક સારસંભાળ રખાય છે; તેવી રીતે; अरण्यो: निहित:, અરણિના કાષ્ટના બે ટુકડાઓ વચ્ચે રહેલો; जातवेदा: अग्नि:, યજ્ઞસંબંધી અગ્નિ; (યજ્ઞના ભાગરૂપે જે કંઈ તેને ધરવામાં આવે, તે બધું ખાઈ જનાર તે અગ્નિ) કે હિરણ્યગર્ભ; जागृवद्भि: हविषमद्भि: मनुष्ययेभि:, જેઓ પોતાની ધાર્મિક ફરજો માટે સાવધાન હોય છે, જેઓ યજ્ઞમાં વપરાતાથી તેમજ બીજા પદાર્થોથી સજ્જ થયેલી છે – એવા લોકો વડે; दिवे दिवे, હરેક દિવસે; इड्य:, પૂજવાલાયક છે; (યોગીઓ અને કર્મઠ ગૃહસ્થીઓ બન્ને દ્વારા – યોગીઓ દ્વારા પોતાના હૃદયમાં અને કર્મઠ ગૃહસ્થો દ્વારા યજ્ઞક્રિયાઓમાં પૂજવા લાયક છે); एतद् वै तत्, આ (અગ્નિ) જ ખરેખર એ (નચિકેતા જેને વિષે પૂછી રહ્યો હતો તે બ્રહ્મ છે.

ગર્ભમાં રહેલા પોતાના બાળકની સારી રીતે સારસંભાળ લેતી ગર્ભિણી સ્ત્રીની પેઠે જેઓ પોતાની ધાર્મિક ફરજો પ્રત્યે સજાગ રહેતા હોય છે અને વળી જેઓ તેથી વધારે યજ્ઞોપયોગી અન્ય પદાર્થોથી સજ્જ થયેલા છે તેવા લોકો, જેવી રીતે યજ્ઞનો અગ્નિ પેટાવવામાં વપરાતા અરણીકાષ્ટના ટુકડાઓ વચ્ચે રહેલા યજ્ઞ માટેના અગ્નિનું જતન કરે છે, તેઓ તે અગ્નિને દરરોજ પૂજે છે. (તેમને આ અગ્નિ પૂજવા યોગ્ય છે. આ અગ્નિ સર્વજ્ઞ વિરાટ અગ્નિ છે. આ ખરેખર તે છે (તે બ્રહ્મ છે કે જે નચિકેતા પૂછી રહ્યો હતો.) (૮)

પ્રાચીન ભારતમાં ગૃહસ્થો પોતાના ઘરમાં યજ્ઞાગ્નિને જાળવી રાખતા. અને તેમાં દ્રવ્ય પદાર્થો હોમીને એને સદાયે પ્રજ્વલિત રાખતા. તેઓ આ અગ્નિની ખૂબ કાળજીપૂર્વક રક્ષા કરતા. જેમ કોઈ માતા પોતાના ગર્ભમાં રહેલા બાળકની ખૂબ યત્નપૂર્વક સારસંભાળ લે છે, તેવી રીતે તેઓ આ અગ્નિને જાળવતા. આ અગ્નિ બે અરણીકાષ્ટની ટુકડાઓને ઘસીને ઉત્પન્ન કરવામાં આવતો. એમાંથી જ્યારે અગ્નિ પ્રકટતો, ત્યારે તેઓ એક કાષ્ટ ટુકડાને બીજા ઉપર રાખી દેતા અને તેને જતનપૂર્વક રાખતા. એમને માટે આ અગ્નિ ‘વિરાટ’નું પ્રતીક ગણાતો.

પણ યોગીઓ આ અગ્નિનું પોતાના હૃદયમાં પૂજન કરે છે. તેમને માટે ભીતરનો અગ્નિ જ ‘વિરાટ’ સ્વરૂપ છે. અને તેઓ એવું જ ધ્યાન ધરે છે.

આ વિરાટ જ એ બ્રહ્મ છે કે જેને વિષે નચિકેતા પૂછી રહ્યો હતો.

यतश्चोदेति सूर्योस्तं यत्र च गच्छति।
तं देवा: सर्वेऽर्पितास्तदु नात्येति कश्चन।
एतद्‌ वै तत्‌॥९॥

यत: च सूर्य उदेति, અને જેમાંથી સૂર્ય ઊગે છે; यत्र च अस्तम् गच्छति, અને જ્યાં – જેમાં આથમી જાય છે; सर्वे देवा: तम्‌ अर्पिता: , બધા દેવો તેનો (બ્રહ્મનો) આધાર લઈને રહ્યા છે; कश्चन तद्‌ उ न अत्येति, એનાથી કોઈ જ સ્વતંત્ર થઈ શકતું નથી; एतद्‌ वै तत्‌, આ ખરેખર તે (બ્રહ્મ) છે (જેને વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.)

જ્યાંથી સૂર્ય ઊગે છે અને જ્યાં આથમી જાય છે; જેના ઉપર (જે બ્રહ્મ ઉપર) બધા જ દેવો આધારિત છે; જેનાથી બીજા કોઈ સ્વતંત્ર નથી; તે આ (બ્રહ્મ) તે જ છે (કે જે વિશે નચિકેતા પૂછી રહ્યો હતો) (૯)

 આ પરિવર્તનશીલ જગત બ્રહ્મ ઉપર જ અવલમ્બિત છે. અહીં ‘બ્રહ્મ’, એ ‘અનભિવ્યક્ત બ્રહ્મ’ નથી. અહીં ઉપનિષદ, ‘હિરણ્યગર્ભ’; ‘પ્રાણ’ અથવા ‘વિરાટ’ તરીકે ઓળખાતા સર્વપ્રથમ આવિર્ભૂત એવા બ્રહ્મના સંદર્ભમાં વાત કરે છે. એ કહે છે કે આ જગતમાં બધું જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ સ્થિતિ પામે છે અને છેવટે બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. એ બતાવવા માટે અહીં સૂર્યનું ઉદાહરણ આપવામાં આવ્યું છે; સૂર્ય પોતાની શક્તિથી આપણને પ્રભાવિત કરે છે. પરંતુ એવો સૂર્ય પણ બ્રહ્મ ઉપર આધાર રાખે છે. ગમે તેટલું મોટું કે ગમે તેટલું નાનું હોય તે બધું જ બ્રહ્મ ઉપર અવલમ્બિત છે. બીજું ઉદાહરણ સાગર અને એનાં મોજાંઓનું છે. અને હજુ એથી વધારે એક ઉદાહરણ રથના આરાઓ અને એની ધરીનું છે. સાગરનાં મોજાંઓ સાગરથી સ્વતંત્ર હોતાં નથી; અને એ રીતે આરાઓ પણ રથનાભિ – ધરી – થી સ્વતંત્ર હોતા નથી. તદુપરાંત, શરીર અને ઈંદ્રિયોનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, ઈંદ્રિયો પણ શરીરના આધાર વગર પોતાનું કામ કરી શકતી નથી.

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.