पराञ्चिखानि व्यतृणत् सव्यंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्।
कश्चिद्धीरः प्रत्यगात्मानमैषदावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥१॥
सव्यंभू:, પોતે જ પોતાની મેળે ઉત્પન્ન થયેલ ઈશ્વરને; खानि, જ્ઞાનેન્દ્રિયોને; परांचि व्यतृणत्, બહાર જ્વાવાળી બનાવી છે; (જાણે કે બહાર ફેંકાતી હોય તેવી બનાવી છે); तस्मात्, તેને કારણે; पराङ् पश्यति, (આ જીવ તે દ્વારા) બહારની વસ્તુઓને જુએ છે); अन्तरात्मन् न, (અને) પોતાના ભીતરના આત્માને – અંતરતમ સ્વરૂપને જોઈ શકતો નથી; कश्चित् धिरः કોઈક ધીર-શાણો મનુષ્ય; अमृतत्वम् इच्छन् અમરત્વને પામવા ઇચ્છતો; आवृत्तचक्षु:, બહારના વિષયોમાંથી પોતાની આંખોને (ઈંદ્રિયોને) ફેરવીને-પાછીવાળીને; प्रत्यग्-आत्मनम् एक्षत् ભીતરના આત્માને – પોતાના સાચા સ્વરૂપને નિહાળે છે.
પોતાની મેળે જ પોતે ઉત્પન્ન થયેલા ઈશ્વરે જ્ઞાનેન્દ્રિયોને એવી સ્વભાવસહજ ખામીવાળી બનાવી છે કે જેથી તેઓ પોતાના સ્વભાવથી જ બહાર જનારી થઈ છે. એટલા જ માટે બધાં પ્રાણીઓ બહારના પદાર્થોને જ જુએ – જાણે છે પણ પોતાની અંદરના પોતાના સ્વરૂપને જાણી શકતાં નથી. એવો ધીર-શાણો માણસ તો ક્યારેક જ મળી શકે છે કે જે અમરત્વને ઇચ્છતો હોય અને એ માટે પોતાની જ્ઞાનેન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી વાળી લેતો હોય અને એ રીતે પોતાની અંદરના આત્માને જાણવા ઇચ્છતો હોય. (૧)
આત્મા આપણી અંદર છે અને છતાં આપણે એને જોઈ શકતા નથી. એનું કારણ એ છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો બહાર વિચરનારી છે. એ બધું બહારનું જ જોઈ જાણી શકે છે, પણ અંદરનું કશું જોઈ – જાણી શકતી નથી. આપણા મન:શરીર સંકુલનો સાચો સ્વામી તો આત્મા જ છે અને તે તો ભીતર છુપાયેલો પડ્યો છે. અને વળી તે ખૂબ સૂક્ષ્મ પણ છે. આપણી ઈંદ્રિયો બહારની સ્થૂળ વસ્તુઓને તો જોઈ શકે છે, પણ આત્માને જાણી શકતી નથી. તે તો આપણા અંતરતમની હસ્તી છે. આ ભીતરના આત્માને પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ એ છે કે આપણે આપણી ઈંદ્રિયોને બહારના પદાર્થોમાંથી પાછી ખેંચી લઈએ અને એને ભીતર તરફ વાળીએ. આ પ્રક્રિયા, જાણે કોઈ નદીના સાગર તરફ ધસતા પ્રવાહને પાછો વાળીને પુન: એના ઉદ્ગમસ્થાન તરફ લઈ જવા જેવી ઘણી જ કઠિન કસોટી જેવી છે. છતાં પણ એ સાધ્ય થઈ શકે તેવી તો છે જ. આ એક અભ્યાસનો – સતત મંડ્યા રહેવાનો વિષય છે. આ સાધનામાં જેઓ સફળ થાય છે, તેઓ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે.
पराचः कामाननुयन्ति बालास्ते मृत्योर्यन्ति विततस्य पाशम्।
अथ धीरा अमृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते ॥२॥
बाला:, બાળકો; पराचः कामान् अनुयन्ति, બહારના ભોગવિલાસો તરફ દોડ્યા કરે છે; ते विततस्य मृत्यो: पाशम् यन्ति, તેઓ મૃત્યુના ફેલાયેલા ફાંસલામાં પકડાઈ જાય છે; अथ, એટલા માટે; धीरा:, ધીર-ડાહ્યા માણસો; ध्रुवम अमृतत्वम् विदित्वा, સાચું અમૃતત્વ શું છે, તે જાણીને; इह, આ જગતમાં; अध्रुवेषु, અલ્પજીવી પદાર્થોમાં (અલ્પજીવી પદાર્થો સાથેના આ જગતમાં); न प्रार्थयन्ते, (કશી પણ એવી) ઇચ્છા કરતા નથી.
અપક્વ બુદ્ધિવાળા લોકો બહારના ભોગવિલાસો તરફ દોડ્યા કરે છે. અને તેઓ ચો-તરફ ફેલાયેલા મૃત્યુના ફાંસલામાં અનિવાર્ય રીતે સપડાઈ જાય છે. પરંતુ, સમજદાર માણસો સાચું અમરત્વ ક્યાં છે, તે જાણે છે. એટલા માટે તેઓ આ જગતની બધી વસ્તુઓનો ત્યાગ કરી દે છે. કારણ કે તેઓ આ વસ્તુઓને અલ્પજીવી માને છે. (૨)
એ તો સાચું છે કે આ જગતમાં ઘણાં પ્રલોભનો છે. અને આપણી જ્ઞાનેન્દ્રિયો પણ સ્વાભાવિક રીતે જ તે તરફ ખેંચાય છે. છતાં પણ જો આપણે જ્ઞાનેન્દ્રિયો ઉપર સંયમ ન રાખીએ, તો આપણે ખોવાઈ જ જવાના. જ્યાં સુધી એમાંથી ભાગી છૂટવાનો બીજો કોઈ રસ્તો જોવા નહિ મળે, ત્યાં સુધી તો એક લાલચ બીજી લાલચ તરફ જ દોરી જવાની. જો કોઈ ‘મૃત્યુ’ જેવી વસ્તુ હોય, તો તે આ જ છે. જાણે કે મૃત્યુએ જ એ જાળ આપણી ઉપર પાથરી દીધી હોય, અને આપણે એના તાણાવાણામાં ફસાઈ જઈએ છીએ. ટૂંકી વિચારદૃષ્ટિવાળા લોકોનું આવું જ ભાગ્ય હોય છે. એ બાળકો જેવા જ છે. તેઓ જે કંઈ કરે છે તેના અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામોનો તેઓ વિચાર જ કરતા હોતા નથી; અને ફક્ત પોતાના મનમાં તરત ઊગેલી વૃત્તિ પ્રમાણે કશો વિચાર કર્યા વગર કામ કરવા મંડી પડે છે. તેઓ અવશ્ય જ દુ:ખ પ્રાપ્ત કરે છે.
પરંતુ, કેટલાક એવા પણ લોકો હોય છે કે જેઓ વિચાર અને સારાસાર વિવેકથી યુક્ત હોય છે. પોતાની સમગ્રતા સાથે આ જગત જે કંઈ આપણને આપી શકે તેમ છે, તે બધું જ અલ્પજીવી અને ક્ષણભંગુર છે, એટલા માટે તેઓ આ દુનિયામાંહેનું કશું જ ઇચ્છતા નથી. અને આ લોકથી આગળ એવાં સ્વર્ગલોકની પણ કશી ખેવના રાખતા નથી. તેઓ જાણે છે કે ફક્ત આત્મા જ ‘પરમાર્થ સત્’ છે અને એટલા માટે તેઓ ફક્ત એને જ જાણવા ઇચ્છે છે. જ્યારે તેઓ આત્માને જાણી લે છે, ત્યારે તેમને ખબર પડી જાય છે કે તેઓ પોતે જ એ આત્મા છે આ કેવળ આત્મા જ તેમને શાન્તિ અને આનંદ આપી શકે છે કારણ કે શાન્તિ અને આનંદ તો અંદરની વસ્તુ છે, આત્મામાંહેની વસ્તુ છે. એ બહારની વસ્તુ છે જ નહિ.
येन रूपं रसं गन्धं शब्दान्स्पर्शांश्च मैथुनान्।
एतेनैव विजानाति किमत्र परिशिष्यते। एतद्वै तत् ॥३॥
येन एतेन एव, તે આ આત્મા વડે; रूपम् रसम् गन्धम् शब्दाम् स्पर्शान् च मैथुनान् विजानाति, મનુષ્ય રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ અને જાતીય આનંદને જાણે છે; किम अत्र परिशिष्यते, (તો પછી આ આત્મા ન જાણતો હોય એવું બીજું) શું બાકી રહી જાય છે; एतद् वै तत्, આ ખરેખર તે (નચિકેતાએ પૂછેલ આત્મા) છે.
આ એક આત્મા છે કે જેના દ્વારા મનુષ્ય રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ અને જાતીય સુખને જાણે છે – ભોગવે છે. તો પછી હવે તે એનું શું બાકી રહી જાય છે કે જેને આ આત્મા ન જાણતો હોય? (એટલે કે આ આત્મા તો સર્વજ્ઞ છે), ખરેખર આ તે જ આત્મા છે (કે જેને વિષે નચિકેતા પૂછી રહ્યો હતો.) (૩)
મનુષ્યો એવું માને છે કે જ્ઞાનેન્દ્રિયો સ્વતંત્ર છે; પણ એમ નથી આખુંયે મન:શરીર સંકુલ આત્માના આધિપત્યમાં છે. આપણી ઈંદ્રિયો આ આત્માને કારણે જ પોતાનાં કાર્યો કરે છે. ઈંદ્રિયોને કામ કરતી કરવા માટે આ આત્માની કેવળ ઉપસ્થિતિ જ પૂરતી થઈ રહે છે. જ્યારે માણસ મરી જાય છે, ત્યારે એની ઈંદ્રિયો તો અકબંધ ભલે રહી હોય, પણ તે કશું કામ કરતી નથી. કારણ કે તેમણે કામ કરવા માટેની શક્તિ આત્મા પાસેથી લીધેલી હોય છે. એ આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એ સર્વજ્ઞ છે. આ આત્મા જ સર્વનો વિષયી – કર્તા – છે અને બાકીનું બધું જ વિષયરૂપ છે. જ્ઞાનેન્દ્રિયોની કામ કરવાની ક્ષમતા, આપણને આપણી આસપાસ રહેલી વસ્તુઓને જાણવા માટે સભાન બનાવે છે. પણ કોઈ વિષય પોતે એકલો કોઈપણ બીજા વિષયને જોઈ-જાણી શકતો નથી. વિષયો તો બધા જડ પ્રકૃતિરૂપ – સુષુપ્ત છે અને જ્ઞાનેન્દ્રિયો પણ એવી જ જડ- સુષુપ્ત છે. જડ-મૂર્છિત પ્રકૃતિ કશું જોઈ કે અનુભવી શકતી નથી. પણ જ્યારે એ ચૈતન્ય- આત્મા સાથે જોડાય છે ત્યારે એવો ખ્યાલ ઉત્પન્ન કરે છે કે જાણે એ પોતે જ જોઈ રહી છે અને પોતે જ અનુભવી રહી છે. દાખલા તરીકે એક ધગધગતો લોઢાનો ગોળો તમારી ચામડીને બાળી શકે છે ખરો, પણ એ ગોળો પોતે કંઈ તમને બાળતો નથી. એની અંદર રહેલો અગ્નિ જ તમને બાળી શકતો હોય છે.
આ આત્મા જ, ભૌતિક-જડ જગતમાં જે કંઈ થાય છે; તે બધાની પૃષ્ઠભૂમિમાં રહેલો છે. સાચી વાત તો એ છે કે આ જગત આખું એ આત્માનું પ્રકટીકરણ છે. નચિકેતાની ખોજનો વિષય જે હતો, તે આત્મા આ છે.
स्वप्नान्तं जागरितान्तं चोभौ येनानुपश्यति।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥४॥
स्वप्नान्तम्, સ્વપ્નમાં અનુભવેલી બાબતો; जागरितान्तम्, જાગ્રત અવસ્થામાં અનુભવેલી બાબતો; उभौ, આ બન્ને; येन अनुपश्यति, જેની શક્તિ વડે મનુષ્ય જોવા માટે શક્તિમાન બને છે; महान्तम् विभुम् आत्मानम्, (તે) મહાન સર્વવ્યાપક આત્માને; मत्वा, અનુભવીને; (પોતાના આત્મા સાથે એની એકતા અનુભવીને); धीर: न शोचति, (એવો) જ્ઞાનવાન મનુષ્ય શોક કરતો નથી (તે શોકની પેલી પાર પહોંચી જાય છે.)
સ્વપ્નાવસ્થામાં કે જાગ્રત અવસ્થામાં મનુષ્ય જે કંઈ અનુભવ કરે છે તે બધા જ અનુભવો આ મહાન સર્વવ્યાપક આત્માને કારણે જ શક્ય બને છે. કોઈ જ્ઞાનવાન પુરુષ એ મહાન આત્માની સાથે પોતાની એક્તાનો સાક્ષાત્કાર કરે છે અને ત્યાર પછી વધુ વખત એ શોકનો અનુભવ કરતો નથી. (૪)
આપણે બધા ત્રણ અવસ્થાઓનો અનુભવ કરતા હોઈએ છીએ. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ (ગાઢ નિદ્રાની) અવસ્થા. જાગ્રત અવસ્થામાં આપણાં મન અને શરીર – બન્ને સક્રિય હોય છે. ઈંદ્રિયો પોતાની છાપોને મન સુધી ખેંચી જાય છે અને મન એની પરીક્ષા કરે છે – મન જાણે એનો અધિપતિ હોય એમ એ તપાસે છે. મન ભલે એનો તરતનો દેખાતો ઉપરી-અધિકારી હોય, પણ એ કંઈ છેવટનો – સૌથી ઉપરનો- સ્વામી નથી. એ બધાંનો અંતિમ અધ્યક્ષ તો આત્મા જ છે. કારણ કે મન પોતાની સત્તા એ આત્મા પાસેથી જ લે છે. જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ, ત્યારે આપણું શરીર તો આરામ કરતું હોય છે, પણ મન સક્રિય હોય છે. આપણને સ્વપ્નો આવે છે. એમાં આપણે જાણે કે મુસાફરી કરી રહ્યા હોઈએ છીએ; લોકો સાથે હળતામળતા હોઈએ છીએ અને જાણે કે જાગ્રત અવસ્થામાં આપણે કરતા હોઈએ, તેવી જ સામાન્ય ક્રિયાઓ આપણે ત્યારે કરી રહ્યા હોઈએ છીએ. આ દર્શાવે છે કે શરીરથી મન સ્વતંત્ર છે. પણ એ મન આત્માને અધીન છે. જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ, ત્યારે આપણું મન સક્રિય હોતું નથી. આવું બને છે એનું કારણ એ છે કે તે વખતે આત્માએ જે શક્તિ એનું કામ કરવા માટે મનને સોંપી હતી, તે કામચલાઉ રીતે પાછી ખેંચી લીધી હોય છે. એટલે શરીર અને મન જ બન્ને એ વખતે દેખીતી રીતે મરેલાં જ થઈ જાય છે -જાણે કે આત્માએ તેમને નકામી પળોજણ સમજીને દૂર ફેંકી દીધાં ન હોય! થોડા વખત પછી, જ્યારે આપણે જાગીએ છીએ, ત્યારે આપણી આસપાસની વસ્તુઓને જાણવા-ઓળખવામાં અને દિવસનો ક્યો ભાગ છે તે પિછાણવામાં થોડો સમય લાગે છે. અને છતાં પણ આપણે એ વખતે ખૂબ તાજગી અનુભવતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે ગાઢ નિદ્રાની અવસ્થામાં આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પાછો ચાલ્યો ગયો હતો. ભલે એ સાવ થોડા સમય માટે જ સ્વરૂપસ્થિત થયો હોય! પણ આપણું અજ્ઞાન ફરી વખત આપણને જાગ્રત અવસ્થા તરફ ઘસડી જાય છે; અને વળી પાછા આપણે જીવનસંઘર્ષોનાં વમળોમાં અટવાઈ પડીએ છીએ.
પણ કેટલાક સૂક્ષ્મદૃષ્ટિવાળા વિવેકી જનો એવા હોય છે ખરા, કે જેઓ જુદી જુદી અવસ્થાઓમાં તેમણે કરેલા અનુભવોના અધિષ્ઠાનરૂપે આત્માને ઓળખી કાઢે છે. આવા અનુભવો ભલે આત્માને કારણે જ શક્ય બને છે, છતાં તે આત્મા ઉપર કશો પ્રભાવ પાડી શકતા નથી. આત્મા તો એ અનુભવોનો સાક્ષીમાત્ર બની રહે છે. આત્મા તો સિનેમાના પડદા જેવો છે. પડદા ઉપર ઘટનાઓની હારમાળા પ્રતિબિંબિત થાય છે, પણ પડદાને એની જરાપણ અસર થતી નથી. આવા વિવેકશીલ પુરુષો આ આત્મા સાથે પોતાના ઐક્યનો પણ સાક્ષાત્કાર કરે છે. તેમને જે કંઈ અનુભવો થાય છે, તેના તેઓ સાક્ષીમાત્ર જ બની રહે છે. અને એટલા જ માટે શોકને પાર કરવામાં તેઓ સમર્થ બની જાય છે.
Your Content Goes Here




