एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते।
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥१२॥
एष: आत्मा, આ આત્મા; सर्वेषु भूतेषु, બધાં પ્રાણી-પદાર્થોમાં; गूढ: સંતાયેલો (હોવાથી); न प्रकाशते, જોઈ શકાતો નથી; सूक्ष्म-दार्शिभि: तु, પરંતુ ‘અંતરમાં સૂક્ષ્મ ખોજ કરતા દૃષ્ટાઓ વડે; …अग्रया सूक्ष्मया बुद्धया, ધારદાર અને ભેદક બુદ્ધિ દ્વારા; दृश्यते, દેખાય છે.
આ આત્મા બધાં જ પ્રાણીઓમાં સંતાઈને રહ્યો છે અને દેખાતો નથી. પરંતુ, પોતાની તીક્ષ્ણ અને સોંસરવી ઊતરી જાય એવી બુદ્ધિ દ્વારા ખોજ કરનારા દૃષ્ટા – ઋષિઓ વડે એ જોઈ શકાય છે. (૧૨)
વિશ્વાત્માની ઉપલબ્ધિ – પરમાત્મપ્રાપ્તિ – એ જીવનનું ઉચ્ચતમ લક્ષ્ય કહેવાયું છે. આત્મા તો આપણા દરેકની ભીતરમાં છે જ; પણ આપણે એને જોઈ શકતા નથી. આમ શા માટે? કારણ કે આપણે માત્ર સપાટી ઉપર જ જોઈ શકીએ છીએ. એની નીચે જોઈ શકતા નથી. આપણે જે કરીએ છીએ, તેના કર્તા તરીકે આપણે આપણાં શરીર, મન અને બુદ્ધિને જ લેખીએ છીએ; પણ આ બધાં તો ફક્ત ઉપકરણો જ છે – સાધનો જ છે. તેઓ જે કંઈ કરી રહ્યાં છે, તેને એવું કરાવતો એવો કોઈક ન દેખાય તેવો કર્તા છે. કઠપૂતળીઓના ખેલમાં તમે કઠપૂતળીઓને જ નાચતી હોય એમ જુઓ છો, પણ ખરેખર કંઈ કઠપૂતળીઓ નાચતી હોતી નથી. એનાં અંગો સાથે દોરીઓ બાંધેલી હોય છે અને બીજો કોઈક એ દોરીઓ ખેંચે છે. એટલે તમને એવી છાપ પડે છે કે કઠપૂતળીઓ નાચી રહી છે. આપણે માટે પણ એવું જ છે. આપણે આપણા અવયવોને નાચતા જોઈએ છીએ. પણ તેઓ કશું કરતા નથી. પણ ભીતર ન જોઈ શકાય તેવો આત્મા પોતાની ફક્ત હાજરીથી જ એ અવયવોને કામ કરતા કરી દે છે. એટલા જ માટે અવસાન સમયે આપણા બધા જ અવયવો એ જ આકાર-પ્રકારમાં ભલે રહે છે તો ખરા, પણ કશું કરી શકતા નથી. એનું કારણ એ છે કે ત્યારે આત્મા શરીરને છોડીને ચાલ્યો જાય છે. એ આત્માની ઉપસ્થિતિ અવયવોને કામ કરતા બનાવે છે. આ આત્મા લોહચુંબક જેવો છે કે તે ગમે ત્યાં જાય છે, ત્યાં પેલા લોઢાને પોતાની પાછળ જવા માટે ખેંચે છે. જેમનું મન પિછાણ માટે સક્ષમ હોય અને જેઓ એને માટે તલપાપડ થયા હોય, તેવા લોકોની આગળ જ આત્મા પોતાને પ્રકાશિત કરે છે. આવા લોકો વસ્તુના મર્મને પારખી શકે છે. કોઈ વસ્તુ દેખાવમાં કેવી લાગે છે, તેટલાથી આવા મનુષ્યો છેતરાતા નથી. તેઓ તો એ વસ્તુ, પોતાના લક્ષ તરફ જવામાં કેટલી મદદગાર નીવડી શકે છે, તેના ઉપરથી જ તે વસ્તુનું મૂલ્ય આંકે છે. એ જ આત્મજ્ઞાન છે. તેઓ એ જાણે છે કે સ્થૂળ ઈંદ્રિયભોગો તો અવરોધક જ છે અને એથી તેઓ એનો તો ત્યાગ જ કરી દે છે. તેમનાં મન તો એનાથી ઉચ્ચતર વસ્તુ ઉપર જ ઠરેલાં હોય છે. બીજી બધી વસ્તુઓ કરતાં તેઓ ‘પૂર્ણતા’ને પ્રધાન સ્થાન આપે છે. તેઓ તપસ્વીનું જીવન ગાળે છે અને પોતાના નૈતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે જરૂરી કષ્ટોને સહન કરે છે. આત્મસંયમ એ એમનો મુદ્રાલેખ હોય છે. તેમણે પસંદ કરેલા માર્ગમાંથી તેમને દુનિયામાંની કોઈપણ વસ્તુ ડગાવી શકતી નથી. તેમની નિશ્ચયાત્મકતા લોખંડ જેવી હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પોતાના માટે શું સારું છે અને શું સારું નથી, તેનો નિર્ણય કરવાની શક્તિ આવા મનુષ્યો વિકસાવી શકે છે. નરસી વસ્તુમાંથી તેઓ સહજ પ્રેરણાને લીધે જ નાસી છૂટે છે. આવા માણસો આગળ આત્મા પ્રકાશિત થાય છે.
यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि।
ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥१३॥
प्राज्ञ:, જ્ઞાની માણસે; वाक् मनसी(मनिस) यच्छेत्, વાણીનો મનમાં વિલય કરવો (નિરોધ કરવો); तत् તે મનને; ज्ञाने आत्मनि यच्छेत्, પોતાના જ્ઞાનમય આત્મામાં (એટલે કે બુદ્ધિમાં) વિલય કરવો; ज्ञानम् महति आत्मनि नियच्छेत्, એ જ્ઞાનપ્રકાશિત બુદ્ધિને સમષ્ટિબુદ્ધિમાં – મહાન આત્મામાં – હિરણ્યગર્ભમાં – બ્રહ્મના સર્વપ્રથમ પ્રકટીકૃત રૂપમાં – વિલીન કરી દેવી; तत्, અને તેને, મહાન આત્માને; शान्ते आत्मनि यच्छेत्, શાન્ત આત્મામાં વિલીન કરી દેવો (કારણ કે એ નિરપેક્ષ છે).
પ્રાજ્ઞ પુરુષ પોતાના બધા અવયવોને મનમાં અવરોધી લે છે અને મનને જ્ઞાનમય બુદ્ધિમાં અવરોધી લે છે અને એ બુદ્ધિનો સમષ્ટિબુદ્ધિમાં – મહત્ તત્ત્વમાં – હિરણ્યગર્ભમાં વિલય કરે છે અને સમષ્ટિબુદ્ધિનો વિશુદ્ધ આત્મામાં વિલય કરે છે. (૧૩)
ધ્યાન રાખો કે અહીં ‘वाक्’ – વાણી શબ્દ બધા જ અવયવોનું સૂચન કરે છે. આત્મા તરફ પાછા ફરવા માટેના ઈંદ્રિયોના માર્ગની યૌગિક પ્રક્રિયાનું આ મંત્ર વર્ણન કરે છે એની છેલ્લી સીમા આત્મા છે. આત્મા સ્વામી છે અને ઈંદ્રિયો સેવકો છે. એટલે આત્મા પોતાની ઇચ્છા પ્રમાણે ઈંદ્રિયો પાસે કામ કરાવે છે. અહીં સંપૂર્ણ રીતે ક્રમિક સત્તા ધરાવનારાની હારમાળાની વ્યવસ્થા છે: આત્મા બુદ્ધિને કાબૂમાં રાખે છે, બુદ્ધિ મનને વશમાં રાખે છે, મન ઈંદ્રિયોને વશમાં રાખે છે. એમાં આત્મા જ સાચું અસ્તિત્વ ધરાવે છે – મૂળ છે. બાકીનાં બધાં એનાં વિશેષણો છે. એમાંનાં કેટલાંક વિશેષણો (ગુણો) સ્થૂળ છે અને કેટલાક વિશેષણો (ગુણો) સૂક્ષ્મ છે. પરંતુ તમારે તો એ બધાંયનો અસ્વીકાર જ કરી દેવો જોઈએ. તમારી આ અસ્વીકારની પ્રક્રિયા સ્થૂળથી શરૂ થઈને સૂક્ષ્મ તરફ જવી જોઈએ. એટલે કે કાર્યથી કારણ તરફ જવી જોઈએ. છેવટે તમે આત્મામાં એ બધાંનો અંત લાવી દો છો. કારણ કે આત્મા બધાંનું સર્વપ્રથમ કારણ છે. જ્યારે તમે આ કેન્દ્રે પહોંચી જશો, ત્યારે તમને લાગશે કે તમે આત્મા સાથે એકરૂપ થઈ ચૂક્યા છો. તમને એવી અનુભૂતિ થશે કે એક જ આત્મા બહાર અને ભીતર – બધે જ છે. તમે જ બધું છો. પછી તમે સંપૂર્ણ રીતે શાન્ત – વિશ્રાંત બની જાઓ છો પછી કશી આગળની ઝંખના જેવું કશું રહેતું નથી. તમે શાન્ત છો.
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥१४॥
उत्तिष्ठत, ઊઠો; जाग्रत, જાગો; वरान् प्राप्य, જ્ઞાની પુરુષોને મળીને; निबोधत, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો; (આત્મજ્ઞાન પ્રાપ્ત કરો); क्षुरस्य निशिता धारा, અસ્ત્રાની તીક્ષ્ણ ધાર (ના જેવો); दुरत्यया, મુશ્કેલીથી પાર થઈ શકે તેવો; तत् पथ:, તે માર્ગ; कवय: दुर्गम् वदन्ति, જ્ઞાનીજનો એવો જ ચાલવો દુષ્કર એને કહે છે.
અરે લોકો, ઊઠો, જાગો, જ્ઞાનીજનોને મળો અને તેમની પાસેથી આત્મવિષયક જ્ઞાન મેળવો. વિદ્વાનો કહે છે કે આત્મજ્ઞાનના માર્ગ ઉપર ચાલવું એટલું બધું કઠિન છે કે જેટલું અસ્ત્રાની તીક્ષ્ણ ધાર પર ચાલવું કઠણ છે. (૧૪)
ઈંદ્રિયસુખોમાં ડૂબેલા મનુષ્યોને આ એક આહ્વાન છે. તેઓ ઈંદ્રિયસુખો કરતાં બીજા કશાને પણ વધારે સારું ગણતા નથી. એના ઉપર દયા ખાઈને ઉપનિષદ એ લોકોને ઊઠવાનું, જાગવાનું અને મોહ ખંખેરી નાખવાનું કહે છે. એ લોકોને માટે તો જે સ્થૂળ છે અને જે પ્રાપ્ત કરી શકાય તેવું છે, તે જ બધું છે. આ એક મોટી ભૂલ છે. એનાથી ઉચ્ચતર વસ્તુઓ છે જ. કદાચ એ સહેલાઈથી જોઈ જાણી શકાય તેવી નથી – એ વસ્તુઓ આપણને વધારે આનંદ આપે છે અને વધારે સ્થાયી આનંદ પણ એ આપે છે; ઉચ્ચતમની ઝંખના કરો, શ્રેષ્ઠની તમન્ના સેવો, સૌથી મહાનની કામના કરો. એવી વસ્તુની ઝંખના કરો કે જે ક્યારેય નાશ ન પામે. એવી વસ્તુ અસ્તિત્વમાં છે જ, પણ તમે એને જાણતા જ નથી. જે લોકો એ વસ્તુને જાણે છે, તેમની પાસે જાઓ અને તેમને પૂછો. જલદી કરો, સમય બગાડો નહિ. એવું માનશો નહિ કે જે તમારી પાસે અત્યારે છે (આનંદ આપવા માટે) એટલું જ છે. એ તો મોહ છે કે જે તમને અવરોધે છે. એ મોહને ખંખેરી નાખો.
સદ્ગુરુઓની પાસે જાઓ અને તે તમને માર્ગદર્શન આપશે, તમને તેઓ આત્મ-સાક્ષાત્કારનો માર્ગ બતાવશે. એ માર્ગ ખૂબ કઠિન છે. અસ્ત્રાની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવો એ કઠિન માર્ગ છે. પણ એની પરવા કરશો નહિ. જો થોડા ઘણા માણસો પણ એ માર્ગે ગયા હોય અને એમણે એ ઉદ્દેશ હાંસલ કર્યો હોય, તો તમે પણ ચોક્કસ એમ કરી શકો છો. તમે એવા ગુરુઓને પૂછો એટલે તેઓ પોતાની સફળતાનું રહસ્ય તમને બતાવી દેશે. એનું રહસ્ય તાલાવેલી, સખ્ત પરિશ્રમ અને ખંત-નિષ્ઠા હોઈ શકે છે. એ માટે ગમે તે કિંમત ચૂકવવા માટે તૈયાર રહો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ એટલી સહેલી અને સરળ હોઈ પણ કેમ શકે? ઉપનિષદે એવું ક્યાંય પણ કહ્યું નથી કે એ સહેલું કામ છે. ઊલટું, એ તો વારંવાર એમ જ કહ્યા કરે છે કે એ ખૂબ જ કઠિન છે. ખરી રીતે તો કોઈપણ કઠિન વસ્તુ મેળવવા કરતાં પણ એ વધારે કઠિન વસ્તુ છે અને એ કઠિન છે એટલા જ માટે એ કોઈપણ વસ્તુ કરતાં ખૂબ મૂલ્યવાન અને ખૂબ પરિતોષજનક છે. આ આત્મજ્ઞાન ખૂબ જ કઠિન હોવા છતાં કોઈપણ મનુષ્યને એ પ્રાપ્ત કરવાનો અધિકાર છે – પણ એ માટે કોઈ સદ્ગુરુના માર્ગદર્શન તળે, ખૂબ ઉત્સાહ, કઠિન પરિશ્રમ અને ખંત આવશ્યક છે. વિશુદ્ધ રત્ન પ્રાપ્ત થતું હોય તો પછી કચરા જેવી તુચ્છ વસ્તુની તે કોણ પરવા કરે? એ તો માત્ર સાચી વસ્તુની પસંદગીનો અને એને મેળવવા માટે સખ્ત પરિશ્રમ કરવાનો જ સવાલ છે.
આ મંત્રમાં વર્ણવેલો મોહનો અર્થ ખોટી વસ્તુને સાચી તરીકે ગણવી – તે છે. દાખલા તરીકે મૃગજળને સાચા જળ તરીકે જોવું અથવા તો અંધારામાં દોરડીને સાપ તરીકે સમજવી તે છે. આ રીતે અજ્ઞાની માણસો ઘણા વિષયોને સમજવામાં ભૂલ કરે છે, મોહ-ભ્રમ સેવે છે. (જેમ કે યુવાની, સૌંદર્ય, ધનસંપત્તિ વગેરે) એવી બધી નાશવંત વસ્તુઓને એ અવિનાશી માની લે છે અને આ મોહને પરિણામે તેઓ દુ:ખી થયા કરે છે.
अशब्दमस्पर्शमरूपमव्ययं तथाऽरसं नित्यमगन्धवच्च यत्।
अनाद्यनन्तं महतः परं ध्रुवं निचाय्य तन्मृत्युमुखात् प्रमुच्यते ॥
यत्, જે આત્મા; अशब्दम्, અવાજ રહિત; अस्पर्शम्, સ્પર્શરહિત; अरूपम् આકારરહિત; अव्ययम्, ક્ષીણતારહિત; तथा:, એ જ રીતે; अरसम्, સ્વાદરહિત; नित्यम, અમર; अगन्धवत् ગંધરહિત; अनादि, આરંભ (જન્મ)-રહિત; अनन्तम्, અન્ત રહિત; महतः परम्, મહત્ (હિરણ્યગર્ભ) કરતાં ચડિયાતું; ध्रुवम् સાતત્યવાળો; तम्, તેને; निचाय्य, જાણીને; (વ્યષ્ટિચેતન-જીવ); मृत्युमुखात्, મૃત્યુના જડબામાંથી; प्रमुच्यते, મુક્ત થાય છે.
તે આત્મા કે જે અવાજરહિત, સ્પર્શરહિત, આકારરહિત અને ગંધરહિત છે, તે કે જે અમર અને ક્ષીણતાના અભાવવાળો છે, વળી જેે આરંભ કે અંત વગરનો છે; જે હિરણ્યગર્ભ કરતાં પણ ચડિયાતો છે, જે સાતત્યયુક્ત છે – એવા આત્માને જાણીને મનુષ્ય મૃત્યુના જડબામાંથી છુટકારો મેળવે છે. (૧૫)
આત્મજ્ઞાન એ જ જીવનનો ઉદ્દેશ છે, પણ એ આત્મા કોના જેવો છે? એનું વર્ણન કરવું કઠિન છે. કારણ કે એને કોઈ ગુણ નથી – કોઈ વિશેષણ નથી – અને એ આપણે જે કંઈ જાણીએ છીએ, એના જેવો નથી. એટલા માટે એનું વર્ણન કરવા માટે કોઈ હકારાત્મક – વિધાનાત્મક – એવું કશું જ કહેવામાં આવ્યું નથી. ફક્ત નકારાત્મક – નિષેધાત્મક ભાષામાં બધું કહેવામાં આવ્યું છે. આકારરહિત, અવાજરહિત, સ્પર્શરહિત વગેરે – ખરી રીતે તો એ વાણી અને મનની ઉપરવટની વસ્તુ છે. આ આત્માને હિરણ્યગર્ભ (મહત્) કરતાં પણ ચડિયાતો કહેવામાં આવ્યો છે. કારણ કે આત્મા કારણ છે અને હિરણ્યગર્ભ એનું કાર્ય છે અને કાર્ય તો હંમેશાં પોતાના કારણ ઉપર આધાર રાખે જ છે. આમ, એટલા માટે હિરણ્યગર્ભ કરતાં આત્મા ચડિયાતો છે.
આત્મજ્ઞાનનો માર્ગ ઘણો કઠિન તો છે જ. પણ ઉપનિષદો અને પ્રાચીન ઋષિઓ એ બન્ને કહે છે કે એ પ્રાપ્ત કરી શકાય તેવો છે અને એને મેળવી લેવાથી મનુષ્ય જન્મમરણમાંથી મુક્ત થઈ જાય છે.
नाचिकेतमुपाख्यानं मृत्युप्रोक्तं सनातनम्।
उक्त्वा श्रुत्वा च मेधावी ब्रह्मलोके महीयते ॥
मृत्युप्रोक्तम्, મૃત્યુ વડે કહેવાયેલું; नाचिकेतम् નચિકેતા વિષયક; सनातनम् उपाख्यानम् અમર કથાવસ્તુ; उक्त्वा श्रुत्वा च, કહીને અને સાંભળીને; मेधावी, વિચારશીલ પુરુષ; ब्रह्मलोके, બ્રહ્મલોકમાં; महीयते, બ્રહ્મ સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે.
યમરાજ (મૃત્યુ)ના મુખમાંથી કહેવાયેલી અને નચિકેતા વડે સંભળાયેલી આ અમર કથાને જે કોઈ વિચારવંત પુરુષ સાંભળે કે કહે તો એ બ્રહ્મલોકમાં બ્રહ્મસ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે. (૧૬)
પ્રસ્તુત મંત્ર આગળના મંત્રોની પેઠે આત્મજ્ઞાનની પ્રશંસા કરે છે. વાસ્તવિક રીતે તો યમરાજ અને નચિકેતાની આ કથા આત્મજ્ઞાનના મહત્ત્વ ઉપર ભાર મૂકવા માટે જ અને એનો લાભ દર્શાવવા માટે જ સમાવિષ્ટ કરવામાં આવી છે. આ કથાને ‘અમર’ કહેવામાં આવી છે. કારણ કે એ અમર આત્માના સંબંધમાં કહેવામાં આવી છે, જાણે કે યમરાજ નચિકેતાને અનંત કાળથી આ કથા વર્ણવી ન રહ્યા હોય!
પરંતુ, યમ અને નચિકેતાની આ કથામાંથી કંઈ બધાને જ લાભ પ્રાપ્ત થાય એવું નથી. જે મનુષ્ય ગંભીરતા અને નિષ્ઠાયુક્ત મનવાળો હોય, અને જે સારાનરસા વચ્ચેનો વિવેક કરવા માટે શક્તિમાન હોય, એવો મનુષ્ય જ્યારે કોઈ આત્મસાક્ષાત્કારી ગુરુ પાસેથી આ રહસ્ય સાંભળે તો એને જ લાભ મળી શકે. આવો મનુષ્ય પછી રૂપાન્તરણ પામી જાય છે અને બ્રહ્મનું સ્થાન પામે છે.
य इमं परमं गुह्यं श्रावयेद् ब्रह्मसंसदि।
प्रयतः श्राद्धकाले वा तदानन्त्याय कल्पते।
तदानन्त्याय कल्पते इति ॥१७॥
य:, જે; प्रयतः, તપશ્ચર્યા કરીને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરેલો; परमम् गुह्यम् इमम्, આ ખૂબ જ રહસ્યમય કથાને; श्रावयेत्, સંભળાવે; ब्रह्मसंसदि, બ્રાહ્મણોની સભામાં; वा, અથવા; श्राद्धकाले, મૃત સ્વજનને કૃતજ્ઞતા અને માનના ચિહ્ન તરીકે સગાંસંબંધીઓ જ્યારે ભેટ આપે છે, તે વખતે; तत् તે (આ); आनन्त्याय कल्पते, તેની સાથે સંકળાયેલા બધાને (એટલે કે સમજાવનાર – કહેનાર અને સાંભળનારને) અનંત ફળ આપે છે.
જેનું મન વિશુદ્ધ છે એવો કોઈ મનુષ્ય જો બ્રાહ્મણોની (બ્રહ્મજ્ઞો – જિજ્ઞાસુઓની) સભામાં આ નચિકેતા અને યમરાજની કથા કહે, અથવા અવસાન પામેલા સ્વજન પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા બતાવવાના પ્રતીક તરીકે એનાં સગાંસંબંધીઓ તરફથી દાન વગેરે અપાતાં હોય તે વખતે સાંભળવામાં આવે તો એને સમજાવનાર – કહેનાર અને સાંભળનાર બન્નેને તે અવશ્ય અનંત ફળ આપે છે. (૧૭)
આ ફળ અવશ્ય જ મળે છે એવું બતાવવા માટે જ અહીં અંતિમ શબ્દોની પુનરુક્તિ કરવામાં આવી છે. આત્માનું સ્વરૂપ એ ઘણો કઠિન વિષય છે. એ કઠિન પણ છે અને રહસ્યમય પણ છે. આમ ગમે ત્યાં એને વિશે વાતો કરી શકાય તેમ નથી. આત્મસંયમવાળા મનુષ્યો આગળ જ મનુષ્યે એ વિશે વાત કરવી જોઈએ. જો એવું ન થાય તો એ લોકોના મનમાં ગૂંચવાડો ઊભો કરી શકે છે.
નચિકેતા અને યમરાજની આ કથા, આત્માના ઉપદેશના પાયા ઉપર રચાયેલી છે. યમરાજે નચિકેતાને જે ઉપદેશ આપ્યો છે, તેનું જો તમે રટણ કરશો તો તે તમારું અવશ્ય ખૂબ કલ્યાણ કરશે. એટલું જ નહિ, પણ એ જે સાંભળશે એનું પણ ખૂબ કલ્યાણ કરશે. પણ વક્તા અને શ્રોતા બન્ને સંયત મનવાળા હોવા જોઈએ. આત્મસંયમથી મનુષ્યોનાં મન વિશુદ્ધ થાય છે અને એવાં નિર્મળ ચિત્ત વડે એવા મનુષ્યો આત્માના સૂક્ષ્મ સ્વરૂપને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે.
इति काठकोपनिषदि प्रथमाध्याये तृतीया वल्ली॥
આમ કઠઉપનિષદમાં પહેલા અધ્યાયમાં ત્રીજી વલ્લી પૂરી થઈ.
Your Content Goes Here




