नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमैवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥ २३ ॥

अयम् आत्मा, આ આત્મા; प्रवचनेन, શાસ્ત્રોના પાંડિત્યથી; न लभ्यः, પ્રાપ્ત થવા યોગ્ય નથી; मेधया न, બુદ્ધિ (તર્ક)થી નહિ; न बहुना श्रुतेन, ખૂબ (એને વિશે) સાંભળવાથી નહિ; यम् एव, જે કોઈને; एष वृणुते, આ (આત્મા) સ્વીકારે; तेन लभ्यः, તેના વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે; तस्य, તેને; एषः, આ; आत्मा, આત્મા; स्वाम् तनुम्, પોતાના સ્વરૂપને; विवृणुते, ખુલ્લું કરી દે છે.

શાસ્ત્રોના પાંડિત્યથી અથવા બુદ્ધિની પ્રતિભાથી અથવા તો ઘણી જગ્યાએથી – ઘણી રીતે એને વિશે સાંભળવાથી આ આત્મા પકડી શકાતો નથી. કેવળ જેને તે પસંદ કરે છે તેના વડે જ એ મેળવી શકાય છે, તેની આગળ જ તે પોતાનું સ્વરૂપ ખુલ્લું કરી દે છે. (૨૩)

આત્મા તો અરૂપ છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે એને જાણવો શી રીતે? આ મંત્ર એનો જવાબ આપે છે. પુસ્તકો વાંચવાથી તમને આત્મા વિશેનો કશો ખ્યાલ આવી શકે નહિ. તમારી પાસે તીક્ષ્ણ બુદ્ધિ હોય અને તમે તર્કમાં પ્રવીણ હો, છતાં પણ તમે આત્માને સમજી શકો નહિ. વળી તમે ઘણા લોકો પાસેથી આત્મા વિશે સાંભળ્યું હોય, તો પણ તમાારે માટે એ એક રહસ્ય જ રહેવાનું. આત્માના અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકવાનો એ કોઈ રસ્તો નથી. આ બધી રીતો તો તમને વધુમાં વધુ આત્માનો પરોક્ષ – ખ્યાલ જ આપી શકે – પણ આત્માનો અપરોક્ષ અનુભવ તો ન જ કરાવી શકે. ‘આત્મા’ એ તમારાથી જુદો કોઈ બહારનો વિષય નથી. એ તો તમારી અંતરતમ હસ્તી છે. આ અંતરતમ અસ્તિત્વ તમારા ‘અહં’ને કારણે ઢંકાઈને તમારામાં પડ્યું છે. 

પરંતુ વર્ષોની વિવેકપૂર્ણ સાધના તેમજ સમર્થ ગુરુના ઉપદેશથી આ ‘અહં’ દૂર થઈ જાય છે. અને એ અંતરતમ અસ્તિત્વની આડે જે પડદો પથરાયેલો હતો, તે ત્યારે ખસી જાય છે. ત્યારે એ અસ્તિત્વ પોતાને પોતાની મેળે જ તમારા આત્મા તરીકે – એ રૂપે જ – ખુલ્લું કરી દે છે. એટલું જ નહિ, પણ તે પોતાને ‘સર્વાત્મા’ના સ્વરૂપે પણ ખુલ્લું કરી દે છે. ત્યારે તમે અનુભવો છો કે બધા પદાર્થો અને બધાં અસ્તિત્વો સાથે તમે એકાકાર જ છો. સર્વ કંઈ તમે જ છો. આવી અનુભૂતિ તમને જાણે કોઈકની સહાયથી થતી હોય એવું લાગે છે. એ વાત ચોક્કસ છે કે તમને કોઈ સહાય કરતું નથી. આત્મા હંમેશા તમારી ભીતર હતો. પણ હવે એ પોતે તમારી આગળ સ્વયં પ્રકટ થયો છે. એની સાચી ભવ્યતાને હવે તમે જુઓ છો. આ પ્રકટીકરણ એની મેળે જ થાય છે. જાણે કે ઓચિંતો ઝબકારો થાય છે.

नाविरतो दुश्चरितान्ना शान्तो नासमाहितः ।
नाशान्तमानसो वाऽपि प्रज्ञानेनैनमाप्नुयात् ॥ २४ ॥

दुश्चरितात् अविरतः, દુરાચારને ચાલુ જ રાખનાર; (आप्नुयात्), ન મેળવી શકે, (એટલે કે એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો નથી); अशान्तः न, એ જ રીતે ઇંદ્રિયસુખોમાં રમમાણ પણ નહિ; असमाहितः न, ચંચળ મનવાળો પણ નહિ; न वा अपि अशान्तमानसः, અથવા તો કર્મનું ફળ મેળવવા તલપાપડ મનુષ્ય પણ નહિ; प्रज्ञानेन, કેવળ જ્ઞાન વડે જ; एनम् आप्नुयात्, આ આત્મા પ્રાપ્ત થાય છે.

દુરાચારી ગુનાખોર મનુષ્ય આ આત્માને પામી શકતો નથી. ચંચળ મનના માનવીનું નસીબ પણ એના જેવું જ છે. કારણ કે ઈંદ્રિયસુખોની લાલસાની નબળાઈને લીધે એ પોતાના મનને વશમાં રાખી શકતો નથી. અથવા તો જે પોતાનાં કર્મોનાં ફળના – વળતર – તરફ જ તાકી રહેનાર મનુષ્ય છે, તે પણ આત્માનો સાક્ષાત્કાર કરી શકતો નથી. આત્મ સાક્ષાત્કાર કેવળ એક જ્ઞાનને માર્ગે જ થાય છે. (૨૪)

એવા ક્યા ગુણો છે કે જે મનુષ્યને આત્મસાક્ષાત્કારનો અધિકારી બનાવે? સૌથી પહેલાં તો તમારે દુરાચરણથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. તમારે ક્યાં દુરાચરણથી દૂર રહેવું જોઈએ, તે તમને શાસ્ત્રો બતાવે જ છે. તમારે શાસ્ત્રાજ્ઞાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. મનનું વલણ તો સ્વાભાવિક રીતે જ ઈંદ્રિયસુખો તરફ ઢળેલું છે પણ તમારે તો તમારામાં જ રહીને – તમારા પોતાના તરફ જ વળીને મનને આત્મા તરફ વાળવું જોઈએ.

ઈંદ્રિયસુખો તો અસ્થાયી છે તમે જે આનંદ આત્માના ધ્યાનચિંતનથી મેળવો છો એ તો ખરેખર ગહન અને સ્થાયી છે. જો તમે એક વખત એ આનંદ માણો તો ઈંદ્રિયસુખો તમને આકર્ષી શકશે નહિ. એટલે ઈંદ્રિયસંયમ આધ્યાત્મિક પ્રગતિની ચાવી છે. ગમે તે રીતે પણ તમારે તમારા સ્વામી બનવું જોઈએ. તમે જેમ જેમ આધ્યાત્મિક પ્રગતિ કરતા જશો, તેમ તેમ તમને ફેરફાર માલૂમ પડતો જશે. આધ્યાત્મિક પ્રગતિ પોતે જ પોતાનું વળતર છે.

જ્યારે તમે પવિત્ર જીવન જીવતા હો, ત્યારે તમારું મન સંપૂર્ણ રીતે તમારા કાબૂમાં હોય છે. પછી ઈંદ્રિયસુખો તમને આકર્ષશે નહિ. અને તમે વધારે આત્મચિંતન કરો છો. અને જગતનો વિચાર ઓછો કરો તો આત્મજ્ઞાન આપમેળે આવી જાય છે.

यस्य ब्रह्म च क्षत्रं च उभे भवत ओदनः ।
मृत्युर्यस्योपसेचनं क इत्था वेद यत्र सः ॥ २५ ॥

यस्य ब्रह्म च क्षत्रं च, બ્રાહ્મણો અને ક્ષત્રિયો; यस्य ओदनः भवतः, જે (આત્મા) ને ખાદ્ય અન્ન બને છે; मृत्युः यस्य, જેને માટે મૃત્યુ; उपसेचनम्, અથાણું—શાકભાજી વગેરે; सः यत्र, તે જ્યાં છે; इत्था, આ રીતે (પૂર્વોક્ત પૂર્ણ પરિતુષ્ટ પુરુષની જેમ); कः, (સામાન્ય મર્ત્ય જન); वेद, જાણી શકે.

લોકોમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો શ્રેષ્ઠ છે. છતાં તેઓ પણ આત્માના ખાદ્યાન્ન (ભાત) સમાન છે. મૃત્યુ બધાને ટપી જાય તેવું છે, છતાં એ મૃત્યુ પણ આત્મા માટે અથાણાં કે શાકભાજી જેવું છે. આત્મા ‘શ્રેષ્ઠ’ છે. સામાન્ય મર્યાદિત મર્ત્ય જીવ આત્માની મહત્તાને સ્થાપી શકતો નથી, એટલે આત્મસંયમ સિવાય એ માટે બીજો કોઈ જ માર્ગ નથી. (૨૫)

આત્મા શ્રેષ્ઠ છે. એની સર્વોત્તમતા બતાવવા માટે આ મંત્ર એમ ભારપૂર્વક કહે છે કે જેમ ખોરાક ખાનારના શરીરમાં ખોરાક એકરસ થઈ જાય છે, તેમ આ આત્મામાં પણ બધું એકરસ થઈ જાય છે.

આ આત્મા અનન્ય છે. એ આપણી ઈંદ્રિયોની પહોંચની બહારનો છે. એના પ્રત્યક્ષીકરણનો કોઈ રસ્તો નથી. અને એના સ્વરૂપની વ્યાખ્યા કરવી શક્ય નથી. એ એક અને અદ્વિતીય છે. એ અનંત – અસીમ છે, એ નિર્ગુણ – નિર્વિશેષ છે.

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.