तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् ।
अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥

दुर्दर्शम्, મુશ્કેલીથી જોવાય તેવું (કારણ કે તે ઘણું સૂક્ષ્મ છે); गूढम्, સૂક્ષ્મ; अनुप्रविष्टं, (દરેક પ્રાણીની ભીતર) ઊંડાણમાં રહેલું; गह्वरेष्ठं, (ઇંદ્રિયો જ્યાં પહોંચી ન શકે તેવા) ગહનતમ ઊંડાણમાં; गुहाहितम्, બુદ્ધિમાં સંતાયેલું (જાણે કે ગુફામાં છુપાયેલું); पुराणम्, કાલાતીત; तम्, તે; देवम्, (સ્વપ્રકાશિત આત્મા)નું ઉદ્‌ઘાટન કરનારને; अध्यात्म-योग-अधिगमेन, અધ્યાત્મ યોગની સાધના કરીને (જે યોગમાં તમે આત્માને પોતાનામાં જ રહેલો માનો છો તે અધ્યાત્મયોગ); मत्वा, (તે સ્વયંપ્રકાશિત આત્માનું) ધ્યાન કરીને; धीरः, શાણો મનુષ્ય; हर्षशोकौ, હર્ષ અને શોકને; जहाति, છોડી દે છે—પાર કરી જાય છે.

જોઈ શકવો મુશ્કેલ, દરેકની ભીતર ઊંડાણમાં રહેલો બુદ્ધિમાં છુપાયેલો અને ઈંદ્રિયોની પહોંચની બહાર રહેલો એવો આ આત્મા કાલાતીત – શાશ્વત છે. આવા આત્માને શાણો માણસ પોતાનામાં જ રહેલો જાણીને હર્ષ અને શોકને ઓળંગી જાય છે. (૧૨)

આત્મા સહેલાઈથી જોઈ શકાય તેવો નથી. ખરી રીતે તો તે ઈંદ્રિયજન્ય પ્રત્યક્ષ દ્વારા પામી શકાય તેવો છે જ નહિ. એનો સાક્ષાત્કાર કરવા માટે તો તમારે કેટલાંક વરસો સુધી આત્મસંયમ જેવી ખૂબ કઠિન સાધના કરવી પડે છે. કોઈ પદાર્થને જોઈ શકીએ તેવી રીતે કંઈ આ આત્માની અનુભૂતિ થતી નથી. તમે અને તમારા વડે જોવાતો વિષય એ બન્ને અલગ અલગ હોય છે. પણ આત્મા તો કંઈ તમારાથી અલગ નથી. એ તો તમારો અંતરતમ પદાર્થ છે. એટલે તમે કંઈ આત્માને જોતા નથી. કદાચ એમ કહેવાય કે એ આત્મા પોતે જ તમારી આગળ ઉદ્‌ઘાટિત થાય છે. તમે જેમ અરીસામાં પોતાને જુઓ છો, એના જેવું આ છે. જો અરીસો સ્વચ્છ હોય, તો તમે પોતાને સ્પષ્ટ રીતે જોઈ શકો છો – એવી જ રીતે તમારું મન સ્વચ્છ હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે તમારે બધાં ઈંદ્રિયજન્ય સુખોમાંથી સંપૂર્ણ રીતે તમારા મનને પાછું ખેંચી લેવું જોઈએ. માનો કે કોઈ તળાવને તળિયે એક સિક્કો પડ્યો હોય, જો એ તળાવનું પાણી સ્થિર હોય, તો જ તમે એ સિક્કો જોઈ શકો છો. એવી જ રીતે જો તમારું મન શાંત હશે, તો જ તમે આત્માને જોઈ શકશો. આત્મા તો ત્યાં છે જ પણ તમારું મન ખલેલવાળું હોવાને કારણે તમે આત્માને જોઈ શકતા નથી. તો આ મન શા માટે ખલેલવાળું છે? કામનાઓએ એને ખલેલ પહોંચાડી છે. જો તમે તમારા મનમાંથી બધી જ કામનાઓને કાઢી નાખો અને એને સતતપણે આત્મા તરફ વાળો, તો આત્મા પોતે જ એનો બદલો – પોતાનાં દર્શનનો – આપી દેશે. એને જ (ચિત્તશુદ્ધિ) એટલે કે મનની સંપૂર્ણતા – સજ્જતા – કહેવામાં આવે છે. જ્યારે તમને આવી ઉપલબ્ધિ થાય, ત્યારે તમને તમારી ભીતરમાં જ આત્માની અપરોક્ષ અનુભૂતિ થશે. આ એવી સાક્ષાત્‌ અનુભૂતિ છે કે જે તમને હર્ષ અને શોકની પેલી પાર લઈ જશે. ત્યારે તમને એવું સમત્વ પ્રાપ્ત થઈ જશે કે જ્યાં કોઈ ખલેલ કરનારું નહિ હોય.

एतच्छ्रुत्वा संपरिगृह्य मर्त्यः प्रवृह्य धर्म्यमणुमेतमाप्य ।
स मोदते मोदनीयं हि लब्ध्वा विवृतं सद्म नचिकेतसं मन्ये ॥ १३ ॥

मर्त्यः, (તે) મનુષ્ય; एतत्, આ (એટલે આ બ્રહ્મ); श्रुत्वा, સાંભળીને (ગુરુઓ પાસેથી શ્રવણ કરીને); धर्म्यम्, ધારણ કરનાર—ટકાવી રાખનાર (વિશ્વને ટકાવી રાખવાના સિદ્ધાંતો પરત્વે સાચુકલો, વફાદાર) अणुम्, સૂક્ષ્મ (આત્મા); प्रवृह्य, ભેદ પારખીને (સ્થૂળ ઇંદ્રિયવિષયોથી સૂક્ષ્મ આત્માને જુદો પાડીને); सम्परिगृह्य, એને બરાબર રીતે ગ્રહણ કરીને (આત્મા સાથે પોતાનું ઐક્ય જાણીને મનુષ્ય આ સ્થિતિ પામે છે); सः, તે; एतम्, આ; मोदनीयम्, આનંદના સ્રોતને (આત્માને); आप्य, પ્રાપ્ત કરીને; मोदते, આનંદ પામે છે; हि, નિશ્ચિતરૂપે; लब्ध्वा, (આ આત્મામાં) સ્થિર થઈને; नचिकेतसम्, નચિકેતા એવા તને; सद्म, (બ્રહ્મનું સ્થાન—રહસ્ય); विवृतम्, ખુલ્લું કરી આપ્યું છે.

મનુષ્યે આત્મા વિશે સમર્થ ગુરુ પાસેથી ઉપદેશ લેવો જોઈએ. પણ ફક્ત સાંભળી લેવું જ પૂરતું નથી. એણે એ આત્માને પ્રાપ્ત કરવો જોઈએ. એણે એ આત્મામાં દૃઢતાથી પોતાને સ્થિર પણ કરી દેવો જોઈએ. જો કે આત્મા ખૂબ સૂક્ષ્મ છે, ધર્મની પેઠે આ આત્મા પણ વિશ્વને ધારણ કરનાર- આધાર છે. મનુષ્યે ધર્મ તરફ સાચુકલા (વફાદાર) રહેવું જોઈએ. જ્યારે તે જાણી લે કે આ આત્મા તે પોતે જ છે, ત્યારે એને લાગે છે કે એને હવે બીજું કશું પણ મેળવવાનું રહેતું નથી. તે પરિતોષ પામી જાય છે. તે આનંદ અને ધન્યતા અનુભવે છે. અને આનંદનો સ્રોત તો એનો આત્મા જ છે. મને લાગે છે કે નચિકેતા હવે બ્રહ્મ સાથે એકાકાર થવા માટે યોગ્ય થયો છે. (૧૩)

માનવપ્રાણી જન્મમરણના ફેરામાં ફસાયેલો છે. કારણ કે તે પોતે ખરેખર કોણ છે, તેની એને જાણ નથી. એ એવું સમજે છે કે પોતે શરીર જ છે. અને પોતાની ઘણી કામનાઓને સંતોષવા એ શરીરનો જ ઉપયોગ કરે છે અને આ કામનાઓને કારણે એને વારંવાર જન્મ લેવો પડે છે. પરંતુ કેટલાક લોકો ઘણા વિચારવંત હોય છે. એવા લોકો ‘શ્રેયસ્‌’ અને ‘પ્રેયસ્‌’ વચ્ચેનો ફરક પારખી લે છે. બન્નેનો વિવેક કરી શકે છે. અને ‘શ્રેયસ્‌’ ઉપર પોતાની પસંદગી ઉતારે છે. ત્યાર પછી તેઓ ‘આત્મા’ વિશે સાંભળે છે કે ‘આત્મા એક જ છે અને તેમનું પોતાનું સાચું સ્વરૂપ પણ એ આત્મા જ છે.’ આવા લોકો સમર્થ ગુરુ પાસે રહે છે. એ ગુરુજનોએ પોતે આ સત્ય અનુભવ્યું હોય છે. આવા ગુરુઓની નીચે રહીને તેઓ લાંબા સમય સુધી આત્મસંયમ કેળવે છે. છેવટે તેઓ બધા પરિવર્તનશીલ પદાર્થોને છોડી દઈને કેવળ આત્મા ઉપર જ મનની એકાગ્રતા સાધે છે. એ એકમાત્ર જ સત્ય અને શાશ્વત છે. તેમને આમ સાક્ષાત્કાર થાય છે કે તેઓ પોતે જ આત્મસ્વરૂપ છે.

યમરાજના મત પ્રમાણે હવે નચિકેતા બધી કામનાઓથી મુક્ત થઈ ચૂક્યો છે અને એ પરમ અવસ્થાની પ્રાપ્તિને કિનારે જ ઊભો છે.

अन्यत्र धर्मादन्यत्राधर्मा-
दन्यत्रास्मात्कृताकृतात् ।
अन्यत्र भूताच्च भव्याच्चय-
त्तत्पश्यसि तद्वद ॥ १४ ॥

धर्मात् अन्यत्र, ધર્મની એટલે કે શાસ્ત્રોમાં વર્ણવાયેલાં યજ્ઞાદિ ધાર્મિક વિધિવિધાનોની પેલી પાર; अधर्मात् अन्यत्र, (જે) અધર્મનીયે પેલી પાર (એટલે કે શાસ્ત્રોમાં વર્ણવેલી ફરજોથી પણ ઉપરનું છે); अस्मात् कृत-अकृतात् अन्यत्र, આ દૃશ્ય કાર્ય અને કારણથી પણ જે ઉપરનું છે; भूतात् च भव्यात् च अन्यत्र, જે ભૂતકાળ (વર્તમાનકાળ) અને ભવિષ્યકાળથી પણ પર છે; (જે સર્વકાલાતીત છે); यत् तत्, તે જે કંઈ पश्यसि, તમે જુઓ છો; (એટલે કે જાણો છો); तत् वद, (કૃપા કરીને) તે કહો.

(નચિકેતાએ કહ્યું : ‘મારી પ્રશંસા કરવાની જરૂર નથી. તમે જો મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો, અને જો તમે મને એ જ્ઞાન મેળવવા માટે અધિકારી સમજતા હો, તો) શાસ્ત્રો આપણને જે કંઈ કરવાનું કે ન કરવાનું કહે છે, તેની પણ પેલી પારના તત્ત્વ વિશે તમે જે કંઈ કહી શકતા હો તે મને સમજાવો. જે તત્ત્વ કાર્ય પણ નથી અને કારણ પણ નથી. અને જે તત્ત્વ ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળથી પર – અતીત છે. (૧૪)

નચિકેતાનો પ્રશ્ન આત્મવિષયક છે. આ આત્મા કોઈ રીતે વર્ણવી શકાય તેવો નથી. એ સર્વની ભીતર પણ છે અને સર્વથી અતીત પણ છે. એ પોતે વિશ્વને પ્રકટ કરે છે, પણ વિશ્વ એને પ્રકટ કરી શકતું નથી. એ તો વિશ્વથી પર અને નિરપેક્ષ તત્ત્વ છે. વિધિનિષેધના કોઈ નિયમો એને બાંધી શકતા નથી; એ કારણ પણ નથી અને કાર્ય પણ નથી. વળી, એ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળથી પણ પર – કાલાતીત છે.

सर्वे वेदा यत्पदमामनन्ति
तपांसि सर्वाणि च यद्वदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत् ॥ १५ ॥

सर्वे वेदाः, બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत्, જે; पदम्, ઉદ્દેશને; आमनन्ति, વખાણે છે; सर्वाणि, સર્વે; तपांसि, તપશ્ચર્યાઓ પણ (લોકો વડે આચરતાં તપો પણ); यत्, જેને; वदन्ति, લક્ષ્ય તરીકે કહે છે; यत् इच्छन्तः, જેને (પ્રાપ્ત કરવા) ઇચ્છનારાઓ; ब्रह्मचर्यम् चरन्ति, આત્મસંયમની સાધના કરે છે (ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરે છે); तत् पदम्, તને તે લક્ષ્ય; संग्रहेण, ટૂંકમાં; ब्रवीमि, હું સમજાવીશ; ओम् इति एतत्, એ (લક્ષ્ય) ‘ઓમ’ છે.

(યમરાજે કહ્યું કે-) જે લક્ષ્યને ઉપનિષદો પરમોચ્ચ લક્ષ્ય તરીકે વખાણે છે અને જેને કેવળ તપશ્ચર્યા જ ઉદ્‌ઘાટિત કરી શકે છે અને જે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે સજ્જ થયેલા લોકો વડે જ મેળવી શકાય તેવું છે, તે લક્ષ્યને ટૂંકમાં હું તને સમજાવીશ. એ તત્ત્વ તે ‘ઓમ’ છે. (૧૫)

‘ઓમ’ (ૐ) – એ શબ્દ બ્રહ્મ તરીકે પણ અને ‘પ્રણવ’ તરીકે પણ ઉલ્લેખાયેલ છે. હિન્દુઓ માટે એ ઘણો જ પવિત્ર શબ્દ છે. એ ઘણો પવિત્ર મનાય છે એનું કારણ એ છે કે એ બ્રહ્મની સૌથી નજીક છે.

બ્રહ્મનું વર્ણન કરવાનો તો કોઈ ઉપાય જ નથી. કારણ કે બ્રહ્મ તો વાણી અને મન (વિચાર)ની પહોંચની બહારનું છે. એટલે કેવળ પ્રતીક મારફત જ બ્રહ્મની કલ્પના કરી શકાય તેમ છે. જો બ્રહ્મ પોતાને એક ‘નાદ’ તરીકે પ્રકટ કરે, તો તે નાદ ‘ઓમ્‌’ છે. એ બ્રહ્મનું સૌથી વધારે યોગ્ય રીતે સ્વીકારી શકાય – ધારણ કરી શકાય – તેવું પ્રતીક છે. જો કે મૂળ વસ્તુ અને એનું પ્રતીક – એ બંને કંઈ એક તો હોતાં નથી, પરંતુ તે બંનેની વચ્ચે કોઈક ને કોઈક સામાન્ય સંબંધ તો હોવો જ જોઈએ. જેવી રીતે બ્રહ્મમાં બધાં જ અસ્તિત્વો સમાયેલાં છે એવી જ રીતે નાદ સંબંધી બધું જ ‘ઓમ્‌’માં સમાયેલું છે. ‘ઓમ્‌’ વિભક્ત તેમજ અવિભક્ત નાદોને પોતાનામાં સમાવે છે. એના ‘અ, ઉ, મ’માંનો દરેક અક્ષર અસ્તિત્વના વિશિષ્ટ ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ખાસ પાસાં છે. અને એ ‘મ’ની પેલી પાર ‘તુરીય’ નામે નિરપેક્ષ અસ્તિત્વ છે. આ ‘ઓમ્‌’ સગુણ અને નિર્ગુણ – બંને બ્રહ્મનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે પુરુષવિધ અને અપુરુષવિધ – બંને બ્રહ્મ દર્શાવે છે.

‘ઓમ્‌’ બ્રહ્મ તરીકે સ્થાપિત હોવાને કારણે તમે ‘ઓમ્‌’ દ્વારા બ્રહ્મનું ધ્યાનચિંતન કરો છો. જ્યારે તમે એવું કરો છો, ત્યારે ‘ઓમ્‌’ તમારે માટે ખાલી પ્રતીક જ રહેતું નથી. પણ એ પોતે બ્રહ્મરૂપ જ બની રહે છે. અને તમે એવી ભાવના રાખવા માટે પ્રયત્ન કરો છો કે તમારો આત્મા અને બ્રહ્મ એક જ છે. જો તમારે માટે ‘ઓમ્‌’ ખાલી પ્રતીક જ હોય, તો એવા પ્રતીકની ઉપાસનાથી તો તમે કેવળ મૂર્તિને જ ઉપાસી રહ્યા છો.

एतद्ध्येवाक्षरं ब्रह्म
एतद्ध्येवाक्षरं परम् ।
एतद्ध्येवाक्षरं ज्ञात्वा
यो यदिच्छति तस्य तत् ॥ १६ ॥

एतेत्, આ; हि, અવશ્ય; एव, તે; अक्षरम्, ‘ઓમ્‌’ અક્ષર (શબ્દાર્થ અવિનાશી); ब्रह्म, બ્રહ્મ (સગુણ બ્રહ્મ); एतेत्, આ; एव, તે; हि, જ; अक्षरम्, ઓમ્‌; परम्, પરમતત્ત્વ—નિર્ગુણ બ્રહ્મ; एतत्, આ; एव, તે; हि, જ; अक्षरम्, ‘ઓમ્‌’ને; ज्ञात्वा, જાણીને; यः, જે (મનુષ્ય); यत्, જે કંઈપણ; इच्छति, ઇચ્છા કરતો હોય; तस्य, તેને; तत्, તે (આવી મળે છે).

(‘ઓમ્‌’ અને એની ઉપાસનાની પ્રશંસા કરતાં યમરાજ કહે છે કે-) આ ‘અક્ષરમ્‌’ ઓમ્‌ સગુણ બ્રહ્મ છે. આ ‘અક્ષરમ્‌’ (ઓમ્‌) નિર્ગુણ બ્રહ્મ પણ છે. આ ‘ઓમ્‌’ ને જે જાણે છે, તે મનુષ્ય જે કંઈ ઇચ્છે, તે તેને પ્રાપ્ત થાય છે. (૧૬)

બ્રહ્મ બે પ્રકારનું હોઈ શકે; એક સગુણ અને બીજું નિર્ગુણ. સગુણ-ગુણવાળું બ્રહ્મ દરેક પ્રાણી અને દરેક પદાર્થમાં રહેલી અંતરતમ સત્તા (અસ્તિત્વ) છે. તે સર્જન કરે છે, પાલન કરે છે અને નાશ કરે છે. આવા બ્રહ્મને ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટનાં અન્ય નામોથી પણ ઓળખાવાય છે અને તે નામો બ્રહ્મની કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ અવસ્થાઓને અનુક્રમે લાગુ પડે છે. બ્રહ્મ તો એક અને અદ્વિતીય જ છે. એના ગુણો કે વિશિષ્ટતાઓથી મૂળ બ્રહ્મમાં કશો ફેર પડતો નથી. એ ગુણો તો કેવળ ઉપરથી આરોપિત માત્ર થયેલા છે. એ ગુણો એવા છોકરા જેવા છે કે જે એકવાર મોઢા પર એક જાતનું મહોરું પહેરે અને બીજી વખત બીજું મહોરું પહેરતો હોય. એ મહોરાં એને જુદા જુદા પ્રકારનો ભલે બતાવતાં હોય, પણ તે છોકરો તો હંમેશાં એક સરખો જ રહે છે.

‘ઓમ્‌’ એ સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ – બન્ને માટે સ્થાપિત છે. એટલે ‘ઓમ્‌’ ને જાણવો એ બ્રહ્મને જાણ્યા બરાબર છે.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.