(ગતાંકથી આગળ…)
યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન
શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ અવસ્થામાં સાધક બાળકની જેમ આમ તેમ ફર્યા કરે છે – કોઈ પણ કારણ વગર. ક્યારેક એકાદ પતંગિયાને પકડવા લાગે છે.’ આમ તો આ એક ઉપમા માત્ર છે. કહેવાનો અર્થ એ છે કે ‘બાળક કોઈ હેતુ પુર:સર કોઈ કામ કરતો હોતો નથી.’ ભાગવતમાં આનું વિશિષ્ટ ઉદાહરણ શુકદેવ છે. તે ઈશ્વર દ્વારા સંચાલિત યંત્રની જેમ ચાલે છે. શ્રીરામકૃષ્ણની એક વાત છે : ‘આ વખતે હું એક ‘‘બાઉલ’’ના પરિવેશમાં જઈશ.’ જઈ રહ્યા છે તો જઈ જ રહ્યા છે, ખાઈ રહ્યા છે તો ખાઈ જ રહ્યા છે, હૃદયમાં જરા પણ અભિમાન કે અહંકાર છે જ નહીં. સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથના યંત્ર (રમકડાં)ની જેમ વ્યવહાર કરી રહ્યા છે. શુકદેવ ચાલતા હોય છે ત્યારે જાણે કે પોતે ચાલી રહ્યા નથી, પરંતુ ભગવાનની ઇચ્છાનુસાર ચાલી રહ્યા હોય એવું લાગે છે. જ્યારે ઉપદેશ આપતા હોય છે ત્યારે પ્રભુની પ્રેરણા દ્વારા આપી રહ્યા હોય તેવું લાગે છે. ભાગવતમાં વર્ણન આવે છે : પરીક્ષિત મૃત્યુની નજીક છે, સાત દિવસ બાકી છે, યજ્ઞ ચાલુ છે, અવિરતપણે ભગવતચર્ચા ચાલી રહી છે, શુકદેવજી આવી રહ્યા છે, છોકરાંઓ તેમને પાગલ સમજીને પાછળ પડ્યાં છે, તેમના ઉપર ધૂળ ઉડાડી રહ્યાં છે. છતાંપણ તે તરફ તેમનું જરાયે ધ્યાન નથી. આ રીતે પ્રભુપ્રેરિત થઈને તેઓ પરીક્ષિતની સભામાં ઉપસ્થિત થાય છે. સમગ્ર ઋષિ-મુનિગણ બે હાથ જોડીને ઊભા રહ્યા છે. યજ્ઞકુંડની અગ્નિ-જ્્વાળા ઊંચે ઊઠી રહી છે. છોકરાંઓની ટોળી શાંત થઈ ગઈ છે. શુકદેવને પોતાના વેશ-પહેરવેશ તરફ કશું ધ્યાન નથી. શરીરની બાબતમાં પણ બેધ્યાન બનીને, પ્રભુપ્રેરિત થઈને શુકદેવ બધું કરી રહ્યા છે, સ્વેચ્છાએ કંઈ પણ નહીં.
સંપૂર્ણપણે જેને પોતાની જાતને પ્રભુનાં ચરણોમાં સમર્પિત કરી દેવી છે – એના માટે જ આ સંભવિત છે કે જેણે પોતાના અહંકારને પૂર્ણપણે દૂર કરી દીધેલ છે. ભગવાનની પ્રાપ્તિ કર્યા વિના, માત્ર કઠોર પરિશ્રમ દ્વારા જબરદસ્તીથી આ અવસ્થા પ્રાપ્ત થતી નથી.
સાધના કરનારને શાસ્ત્રએ નિર્દેશ આપેલ છે કે ‘તેના’ ઉપર જ આધાર રાખો.
આ ‘સાધના’ની વાત છે. સાધના કરતાં કરતાં એ જ્યારે સ્વાભાવિક કાર્ય બની જાય છે ત્યારે બીજું કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી.
‘તેના’ દ્વારા યંત્રવત્ કામ કરવું, ફક્ત અવતારી પુરુષ અથવા જે ઈશ્વરતત્ત્વમાં પ્રતિષ્ઠિત છે – તેના માટે સંભવ છે. શાસ્ત્ર કહે છે : ‘જ્ઞાનીમાં અહંકાર રહેવાનું કોઈ કારણ જ નથી, છતાં પણ પૂર્વજન્મનાં કર્મોનો લેશમાત્ર અંશ રહી જાય છે. તેના દ્વારા પ્રેરિત થઈને તેઓ ‘‘કર્મ’’ કરે છે.’ પરંતુ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ – જેનાં તમામ કર્મો નાશ થઈ ગયાં છે, તેને કયું કર્મ ‘પરિચાલિત’ કરે ? જ્યાં પ્રારબ્ધ નથી, જ્યાં પોતે જ પોતાની જાત ચલાવતો નથી તેને કર્મ પણ ચલાવી શકતું નથી. તેને ઈશ્વરેચ્છા જ ચલાવે છે. તેવા (ઈશ્વરેચ્છા) જ લોકોનું કલ્યાણ થશે. ઈશ્વરે તેમને લોક કલ્યાણના યંત્રરૂપે રાખ્યા છે.
આપણે સૌએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે સાધારણ માણસનું નિરભિમાનપણું અને જે ઈશ્વરના પ્રતિનિધિના રૂપે આવે છે, તેમનું નિરભિમાનપણું-બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. તેમાંથી એક જણ સાધના દ્વારા અહંકારને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને બીજો ઈશ્વર દ્વારા નિયંત્રિત સંપૂર્ણપણે અહંકાર શૂન્ય બનીને કર્મ કરે છે.
દાસ્ય ભાવ
શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ડાૅક્ટરના મનનો ભાવ શું હોય છે તે તમે સમજો છો ? તે છે ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કે ‘હે પ્રભુ, હું હંમેશાં સત્કર્મો કરતો રહું, અસત્ કર્મથી હું બચતો રહું’ મારી પણ એ જ અવસ્થા હતી. એનું નામ દાસ ભાવ.’
ઈશ્વરને પ્રભુ અને પોતાને તેનો દાસ – આ દૃષ્ટિથી જોજો અને દાસ્યભાવથી પ્રાર્થના કરજો – ‘તમારા આ દાસને શુભ પંથે અને કલ્યાણના પંથે ચલાવજો.’ આનું નામ દાસ્ય ભાવ.
‘દાસ્ય ભાવ’ ભગવાનને પામવાનો એક ઉપાય છે. શ્રીરામકૃષ્ણ જગતગુરુ છે. તેમના દ્વારા સઘળા ભાવ વ્યક્ત થયેલા છે. તેમણે શાન્ત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને મધુર – આમ બધા ભાવોની સાધના કરી છે. જગદમ્બા તેમને (રામકૃષ્ણને) સર્વાગસંપૂર્ણ યંત્ર બનાવીને જગતનું કલ્યાણ કરશે – ધર્મોના વિવિધ માર્ગાેના ‘પથિકો’નું પથ-દર્શન કરશે. તેથી તેમનામાં (રામકૃષ્ણમાં) બધા ભાવોનો પૂર્ણ વિકાસ થયેલ છે. એવું નથી કે બધા ભાવોને એક પછી એક પાર કરવા જ. કોઈ પણ એક રસ્તો (ભાવ) પકડીને ભક્ત ભગવાનનું આસ્વાદન અને પૂર્ણ અનુભૂતિ કરી શકે છે. પોતાનાં રસ-રુચિ પ્રમાણે સાધક ભિન્ન ભિન્ન ભાવો દ્વારા તેમનું (ઈશ્વરનું) આસ્વાદન કરવા ઇચ્છે છે. શ્રીરામકૃષ્ણની તો જાણે કે કદી ન સંતોષાય તેવી ભૂખ હતી, તેથી તેમણે બધા ભાવોની સાધના કરીને તેમના સ્વાદો ચાખ્યા હતા. (ક્રમશ:)
Your Content Goes Here




