શ્રીરામચંદ્ર એક અવતાર

શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા નથી. તેઓ તો બ્રહ્મની, અદ્વૈત જ્ઞાનની અને પૂર્ણ આનંદની અનુભૂતિ ઇચ્છતા હતા. અહીં કેદાર ચેટર્જીએ કહ્યું: ‘જે ઋષિઓ રામને ઈશ્વરના અવતાર રૂપે ઓળખી ન શક્યા તેઓ મૂર્ખ હોવા જોઈએ.’ શ્રીઠાકુરે પ્રત્યુત્તર જરા ગંભીરતાથી દીધો: ‘આમ ન કહો તો સારું. લોકો તો પ્રભુને પોતાની રસરુચિ અને મિજાજ પ્રમાણે ભજે છે… ઋષિઓ તો ઉચ્ચતમ કક્ષાની આધ્યાત્મિક ઝંખનાવાળા હતા અને તેઓ જ્ઞાનના પથને અનુસર્યા. એટલે જ તેઓ બ્રહ્મની, અદ્વૈત જ્ઞાનની અને પૂર્ણ આનંદની અનુભૂતિ ઇચ્છતા હતા.’ પરંતુ ભક્તો તો ભક્તિના આનંદને માણવા સાકાર પ્રભુને ઝંખે છે. એક પુરાણમાં કહ્યું છે કે જ્યારે શ્રીરામ ત્યાં ઉપસ્થિત ભક્તજનોના હૃદયકમળમાં પ્રવેશ્યા કે તરત જ એ બધાં ખીલી ઊઠ્યાં. આ શબ્દોના ઉચ્ચારણ સાથે શ્રીઠાકુર ઊંડી ભાવસમાધિમાં સરી પડ્યા. ભક્તો પણ આ અદ્‌ભુત સમાધિ અવસ્થાને જોતાં બાહ્ય વિશ્વને ભૂલી ગયા.

ઘણા લાંબા સમય પછી શ્રીઠાકુર સામાન્ય ભાવ અવસ્થામાં આવ્યા. શ્રીરામ વિશે બોલતાં તેઓ સમાધિભાવમાં ઊતરી ગયા હતા અને રામનામના રટણ સાથે જ તેઓ બાહ્યભાનમાં આવ્યા. ધીમે ધીમે તેઓ દિવ્ય સમાધિભાવમાંથી નીચે આવ્યા. પછી એમણે ભક્તોને દિવ્ય અવતારના સિદ્ધાંત વિશે વાત કહી: ‘પ્રભુના અવતાર રૂપેના આગમનને સામાન્ય લોકો ઓળખી શકતા નથી. તેઓ રહસ્યમય રીતે આવે છે. એ અવતારને તો એમના કેવળ ગણ્યાગાંઠ્યા અનુયાયીઓ જ ઓળખીજાણી શકે. રામને પણ પૂર્ણ બ્રહ્મ અને માનવદેહે ઈશ્વરના પૂર્ણ અવતાર રૂપે બાર ઋષિઓએ ઓળખ્યા હતા.’ માત્ર ઈશ્વરપ્રેમમાં પૂર્ણ રૂપે ડૂબેલા મુમુક્ષુ જ એમના દિવ્યાનંદને અને અસલરૂપને માણીજાણી શકે. આ મૂળ રૂપ બધાં વૈવિધ્યોથી પર એવું નિરાકાર રૂપ તેમજ આ સાપેક્ષ જગતમાં પોતાની લીલા કરતું મૂર્ત રૂપ છે. આવા મુમુક્ષુ જ ઈશ્વરની લીલાને માણી શકે છે. તે વિજ્ઞાની અવસ્થામાં છે. શ્રીમદ્‌ ભાગવતમાં કહ્યું છે : ગોપીઓ જાણતી હતી કે શ્રી કૃષ્ણ અનંત, અદ્વૈત, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ સ્વરૂપ હતા. પરંતુ એમને તો કૃષ્ણનું મૂર્ત રૂપ જોઈતું હતું કે જેમાં કૃષ્ણને પોતાના એક સખા રૂપે માનીને લીલા કરી શકે.

શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧૧ માર્ચ, ૧૮૮૩

મનવાણીથી પર અનંત, અદ્વૈત, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ સ્વરૂપ એવા ઈશ્વર કેવી રીતે આપણી સમક્ષ માનવ રૂપે આવી શકે એ વાત આપણે ગળે ઊતરે તેમ નથી. કોનામાં આ અનંત એવા ઈશ્વરના વૈશ્વિક રૂપને ઓળખવા-જાણવાની શક્તિ કે હિંમત છે? એટલે જ તેઓ માનવદેહે અવતરે છે. જ્યારે તેઓ આ રૂપે આવે છે ત્યારે સામાન્ય માનવીઓ તેની નજદીક જઈ શકે છે, તેમને ભાવભક્તિથી ચાહી પણ શકે છે. જો આમ ન હોત તો મનવાણીથી પર એવા ઈશ્વરને પોતાની પ્રાકૃત દશાની કલ્પનાથી પણ લોકો એની ધારણા પણ કેમ કરી શકે?

ઝાંઝ-પખવાજ સાથે કીર્તનો ગાતા કેટલાક ભક્તજનો હમણાં જ કોન્નગરથી આવ્યા છે. શ્રીઠાકુર પણ દિવ્ય આનંદમાં મગ્ન બનીને એમના ગીત નૃત્યમાં જોડાઈ ગયા છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુની જેમ શ્રીઠાકુર પણ અવાંતરે આ ત્રણ દિવ્યભાવમાંથી પસાર થવા લાગ્યા: બાહ્ય જગતનું સમગ્ર જ્ઞાનભાન ભૂલીને ભીતરની ભાવસમાધિમાં ડૂબી જવું; ભક્તજનો સાથે દિવ્ય ભાવાવસ્થામાં પ્રેમભક્તિભાવે નૃત્ય કરવાં; જાગ્રતપણે ભક્તો સાથે મોટા અવાજે ભજનકીર્તન ગાવાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સમાધિ અવસ્થા દરમિયાન આ ત્રણેય ભાવાવસ્થાઓની અનુભૂતિ કરતા. આવું વર્ણન ‘ચૈતન્ય ચરિતામૃત’માં આવે છે. શ્રી ‘મ’એ શ્રી ચૈતન્ય જે ભાવાવસ્થાઓ સમાધિ ભાવમાં અનુભવતા હતા તેવી જ ભાવાવસ્થાઓ શ્રીઠાકુરમાં પણ જોઈ.

થોડીવાર પછી શ્રીરામકૃષ્ણે નવું પીતાંબર પહેર્યું. શ્રીઠાકુરની જન્મજયંતી પ્રસંગે હવે શ્રીઠાકુરને આવાં પીતાંબરમાં સજ્જ કરવા એવી પ્રણાલી પડી ગઈ. દિવ્યાનંદના ભાવ સાથે શ્રીઠાકુરની ઉજ્જવળ તેજકાંતિ ભક્તોનાં નેત્રોને મુગ્ધ કરી રહી હતી અને એટલે જ શ્રીઠાકુર પ્રત્યે એ લોકો એકનજરે જોઈ રહ્યા હતા. શ્રીઠાકુરે ભોજન લીધું અને ભક્તજનોએ પણ આનંદથી પ્રસાદ આરોગ્યો. ભોજન લીધા પછી એક નાની ખાટ પર શ્રીઠાકુરે થોડીવાર આરામ લીધો એમના ખંડની અંદર અને બહાર બંને બાજુએ ભક્તજનો હતા.

પ્રભુનામનો પવિત્ર મહિમા

એ દિવસે એક વૈષ્ણવ ગોસ્વામી શ્રીરામકૃષ્ણને મળવા આવ્યા. તેમણે કહ્યું : ‘કળિયુગમાં પ્રભુનામ રટણના પવિત્ર મહિમા પર શાસ્ત્રો ભાર દે છે.’ શ્રીઠાકુરે તેમને કહ્યું : ‘હા,પ્રભુનામ રટણના પવિત્ર મહિમા વિશે કોઈ શંકા નથી. પણ ભક્તનો તીવ્ર ઝંખનાભર્યો પ્રેમભક્તિભાવ ન હોય તો માત્ર પ્રભુનામ કંઈ મેળવી શકે ખરું? ધારો કે કોઈ એક માણસ યાંત્રિક રીતે પ્રભુનામનું રટણ કરે છે, એ સમય દરમિયાન એનું મન કામિનીકાંચનમાં ડૂબેલું રહે તો શું તે કાંઈ મેળવી શકે ખરો?’ શ્રીઠાકુર દિવ્યનામને જરૂર કરતાં વધારે મહત્ત્વ ન આપતા. એની સાથે એ નામરટણાની પાછળ ક્યો આદર્શ છે તે ધ્યાનમાં રાખવો જોઈએ, એમ તેઓ માનતા. સામાન્ય રીતે ભક્તિભાવપૂર્વક હોય કે ન હોય તો પણ માત્ર પ્રભુનામનું રટણ પણ સારું તો છે જ. આના સમર્થનમાં અજામિલનું ઉદાહરણ અવારનવાર આપવામાં આવ્યું છે. અજામિલના પુત્રનું નામ નારાયણ હતું. જ્યારે અજામિલ મૃત્યુને આરે હતા ત્યારે તેમણે પોતાના પુત્રને બોલાવ્યો અને એ રીતે એમને મોક્ષ મળ્યો. પરંતુ પ્રભુનામમાં શ્રદ્ધા ઉદ્‌ભવે એટલે આવી વાર્તા કહેવામાં આવી છે. સત્ય તો એ છે કે પવિત્ર નામની રટણા વખતે કોઈપણ વ્યક્તિએ તેનો અર્થ શું છે એ વિશે પણ વિચારવું જોઈએ. શાસ્ત્રો આપણને કાંઈ યાંત્રિક રીતે પ્રભુનામ લેવાનું કહેતા નથી. શું પ્રભુના પથે ચાલનારાએ પોપટજીભે હરિનામ બોલવું જોઈએ? જ્યારે પોપટને બિલાડી પકડે છે ત્યારે દરરોજ રાધાકૃષ્ણ, રાધાકૃષ્ણ કહેનારો પોપટ ટેં ટેં કરે છે. એ વખતે એકવાર પણ તે રાધાકૃષ્ણ, રાધાકૃષ્ણ બોલતો નથી. પક્ષીની દૃષ્ટિએ રાધાકૃષ્ણ એ ધ્વનિ છે, એ કોઈ મંત્ર નથી. પક્ષીને એના મહત્ત્વની કે અર્થની ખબર નથી. દિવ્યનામનો મહિમા આપણને ત્યારે જ સમજાય છે કે જ્યારે આપણે બુદ્ધિપૂર્વક તે મંત્રનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એ મંત્ર પર ચિંતન-મનન કરવું જોઈએ તેના મહત્ત્વ અને અર્થને જાણવા-સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણું મન અહીંતહીં પોતાની મરજી મુજબ ભટકતું રહે અને આપણે મંત્રજાપ કરીએ તો તે મંત્રજાપ ખરેખર સાચો જપ છે ખરો? આપણે નામનું ચિંતન-મનન કરવું જોઈએ અને જે દેવનું એ નામ હોય તેનું પૂરા મનથી ચિંતવન કરવું જોઈએ. પ્રભુનામ સ્મરણના પવિત્ર મહિમા પરની કોઈની શ્રદ્ધાને હાનિ થાય એવું કંઈ શ્રીઠાકુર કહેવા માગતા ન હતા. અજામિલ વિશે એમણે આટલું જ કહ્યું: ‘કદાચ અજામિલે પોતાના પૂર્વજન્મમાં ઘણી આધ્યાત્મિક સાધનાઓ કરી હશે.’

શ્રીઠાકુરે વધુમાં કહ્યું : ‘ઈશ્વર નામનું સ્મરણ-રટણ કરતી વખતે, કોઈપણ ભક્તે પ્રભુને પ્રાર્થવા જોઈએ કે જેથી તેમના પ્રત્યે પ્રેમભક્તિ ઉદ્‌ભવે. સાધના કરતી વખતે આપણે જ્યારે ધ્યાન કે પ્રભુનામનો જપ કરીએ ત્યારે આ વાત આપણે ખાસ મનમાં રાખવી જોઈએ. વળી આપણી સાધના દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવાનો આપણો દૃઢ નિર્ણય હોવો જોઈએ. પરંતુ આના માટે આપણા ચારિત્ર્યને ઘડવું અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ કેળવવો એ આવશ્યક છે. આપણા મનનું સમૂળું પરિવર્તન કરી નાખશે એવી ઊંડી શ્રદ્ધા ઈશ્વરના દિવ્ય નામસ્મરણમાં આપણને હોવી જોઈએ.

અંધશ્રદ્ધા

શ્રીરામકૃષ્ણે આપણી નિર્બળતાઓ તરફ પણ આંગળી ચીંધી છે. જો આપણામાં પૂર્ણ નિષ્ઠા અને તીવ્ર ઝંખના હોય તો કોઈપણ ધર્મ દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરી શકીએ. વૈષ્ણવો, શાક્તો, વેદાંતીઓ, બ્રાહ્મસમાજીઓ, મુસ્લિમો અને ખ્ર્રિસ્તીઓ – એ બધા ઈશ્વરની અનુભૂતિ કરી શકે. ‘મારો ધર્મ જ સાચો છે અને બીજા ધર્મો ખોટા છે.’ એમ કહેવું ધર્માંધતા કે મતાંધતા માત્ર છે. એ દિવસોમાં ઈશ્વર સાકાર છે કે નિરાકાર એ વિશે ઘણા ઝઘડા થતા રહેતા. બ્રાહ્મોધર્મની અસર હેઠળ ઘણા લોકો એમ માનતા કે ઈશ્વર ‘એક છે અને નિરાકાર છે, તેઓ બીજું કંઈ પણ ન થઈ શકે.’ ઈસ્લામ અને ખ્ર્રિસ્તી ધર્મે પણ પોતાનો પ્રભાવ પાડ્યો હતો. અને એટલે જ સાકાર ઈશ્વરનો આદર્શ ઘણી રીતે ટીકાને પાત્ર બનતો. એટલે જ શ્રીઠાકુરે કહ્યું છે : ‘જેણે ઈશ્વરને જોયા છે તે જ વાસ્તવિક રીતે અને સાચી રીતે જાણે છે કે ઈશ્વર સાકાર છે અને તે નિરાકાર પણ છે. એને બીજાં ઘણાં રૂપ છે. એનું વર્ણન ન થઈ શકે.’

તો પછી લોકો ઈશ્વર સાકાર ન હોઈ શકે એમ કેમ કહી શકે. શું કોઈને નિરાકારનો અનુભવ થાય છે ખરો? જો આવો અનુભવ ન થતો હોય તો ઈશ્વર એવો છે એમ તેઓ કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકે? વેદાંતીની દૃષ્ટિએ આપણે એ ન જાણી શકીએ કે ઈશ્વર કૃપા દયા જેવા ગુણો ધરાવે છે કે કેમ. તેઓ તો બધા ગુણોથી પર છે, એટલે આપણે એને ‘દયાળુ’ ન ગણી શકીએ. નિરાકારને વળી ગુણો ક્યાંથી હોય? જેને આકાર ન હોય એને ગુણો હોય એવી ધારણા આપણે કેવી રીતે કરી શકીએ? શું માનવની આ સીમિત બુદ્ધિથી ઈશ્વરના સાચા સ્વરૂપને જાણવો માણસ માટે ક્યારેય શક્ય છે ખરું?

શ્રીઠાકુરે ઈશ્વરનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું નથી. એમણે તો જુદા જુદા પથે ચાલીને આધ્યાત્મિક ભાવોની અનુભૂતિ કરી હતી. અને આવી રીતે દરેકે દરેક પથમાં પૂર્ણતા એ પહોંચીને તેઓ આવા સર્વોચ્ચ અનુભૂતિપૂર્ણ કથન પર આવ્યા છે : ‘પૂર્ણ નિષ્ઠા અને ઈશ્વરની માટેની તીવ્ર ઝંખનાથી કોઈપણ માણસ બધા ધર્મપથો દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરી શકે.’ ઈશ્વરને બધા પથે (ચાલીને) મેળવી શકાય. તેમણે આ માટે કાચંડાનું ઉદાહરણ આપ્યું. જે વ્યક્તિ વૃક્ષ નીચે રહે છે એ જ કાચંડાના સાચા રંગને ઓળખી શકે; એને એ જુદા જુદા રંગમાં જુએ છે. કાચંડો વિવિધ રંગ ધારણ કરે છે અને ક્યારેક તો એને રંગ જ નથી હોતો. આને કહેવાય નિર્ગુણ. શ્રીઠાકુરે એક અંધ માણસ હાથીનું કેવી રીતે વર્ણન કરે છે તેનું પણ ઉદાહરણ આપ્યું હતું. એ આ અંધ માણસ સ્પર્શથી ધારણા કરે છે અને હાથીના જે ભાગને અડે એવો એને ગણે છે. ખરેખર તો એ બધાં પાસાં સાચાં છે. એમાંનું એક અંશત: સાચું ગણાય. જો આપણે આ અંશત: શબ્દ પર ભાર દઈએ તો આપણા બધા વાદવિવાદ, ઝઘડાનો અંત આવી જાય.

એ વાત સાચી છે કે ઈશ્વર માનવરૂપ ધારણ કરીને અવતારરૂપે આવે છે. ઈશ્વર પોતાની કૃપાથી ભક્તો સમક્ષ વિવિધ રૂપે આવે છે. એ વાત એટલી સાચી છે. અને વળી તેઓ અદ્વૈત, અનંત અને પૂર્ણાનંદરૂપ છે. તેઓ સગુણ છે અને નિર્ગુણ પણ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ મહાસાગરમાં કાતીલ ઠંડી બધાં સ્થળોના પાણીને થીજાવી દે છે. આ હિમશિલાઓ વિવિધ આકારખંડમાં મહાસાગર પર તરે છે. આ રીતે નિરાકાર બ્રહ્મને વિવિધ આકારોમાં રૂપોમાં જોઈ શકાય છે. આમ છતાં પણ જ્યારે જ્ઞાનનો સૂર્ય ઉદિત થાય છે ત્યારે હિમ પીગળે છે અને તે પહેલાંના જેવું પાણી બને છે. બ્રહ્મના મહાસાગરમાં ભક્તજનોની પ્રેમભક્તિની ઠંડીની અસરથી ઈશ્વર આકાર ધારણ કરે છે. અને વળી જ્ઞાનીઓ માટે તો તેઓ પૂર્ણ બ્રહ્મ જ રહે છે. પરંતુ ચોક્કસ ભક્તો માટે પ્રભુ શાશ્વતરૂપો ધારણ કરે છે. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં આમ કહી શકાય : ‘મહાસાગરમાં એવાંય સ્થળો છે કે જ્યાં હિમ જરાય પીગળતો નથી.’

કેદારે કહ્યું કે શ્રીમદ્‌ ભાગવતમાં વાસુદેવે પોતાના ત્રણ અપરાધોની શ્રીપ્રભુ પાસે ક્ષમાની યાચના કરી ‘હે પ્રભુ તમે નિરાકાર છો, છતાં પણ ધ્યાનમાં મેં આપની સાકારરૂપે ધારણા કરી છે. તમે વાણીથી પર છો, છતાં પણ મેં આપનાં સ્તોત્રગાનો કર્યાં છે. તમે સર્વવ્યાપી છો, છતાંય મેં પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા કરી છે.’ પોતાના આ બધા અપરાધ માટે પ્રભુ પાસે તેમણે ક્ષમાની યાચના કરી હતી.

શ્રીઠાકુરે ઉમેર્યું : ‘હા, પ્રભુ સાકાર પણ છે અને તે નિરાકાર પણ છે. વળી તેઓ સાકાર અને નિરાકાર બંનેથી પર પણ છે. કોઈ એને સીમિત ન બનાવી શકે.’ જ્યાં નિરાકાર છે એટલે કે આકાર નથી ત્યાં મન અને વાણી શાંત રહે છે. જે મનવાણીથી પર છે એવા પ્રભુનું વર્ણન સાધક પોતાના ખાતર કરે છે. પોતે હજુ પણ અપૂર્ણ છે એમ યાદ રાખીને અનંત, પૂર્ણ, વાણી, વિચારથી પર અને સર્વવ્યાપી એવા પ્રભુનું સાધકે ધ્યાન ધરવું જોઈએ. જે આવી રીતે ધ્યાન ધરે છે તે ક્યારેય ભૂલ કરતો નથી.

શ્રીરામકૃષ્ણ કથામૃત (માર્ચ-૩, ૧૮૮૩)

રાખાલના પિતાજી શ્રીરામકૃષ્ણને મળવા આવ્યા હતા. શ્રીઠાકુર એની પ્રશંસા કરતાં કહે છે, ‘અરે હમણાં હમણાં રાખાલનો સ્વભાવ કેવો મીઠો મજાનો રહે છે! અને એમ શા માટે ન હોવું જોઈએ? જો સુરણ કે બટેટું સારું હોય તો તેમાંથી નીકળતો છોડ પણ સારો રહેશે.’

શ્રીમ અને ગિરીન્દ્ર,‘ઈશ્વરનું શાશ્વત-અનંત સ્વરૂપ’ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ઈશ્વરનું આ શાશ્વત-અનંત સ્વરૂપ એ જ પ્રભુભક્તોએ સૌથી વધુ માણવા જેવા આદર્શમાંનો એક છે. પ્રભુ પોતાના ભક્તો માટે અનંતરૂપ ધારણ કરે છે. ભક્તોને લાગેવળગે છે ત્યાં સુધી એ એમનું અંતિમ સોપાન છે અને એટલે જ ઈશ્વરના નિરાકાર રૂપને પામવા ભક્તોએ કે સાધકોએ આ પગથિયાને ચાતરવાનું નથી. દરેક વ્યક્તિ પોતપોતાની વ્યક્તિગત રુચિ અને ક્ષમતાને આધારે પરમાનંદના ધ્યેય સુધી પહોંચી શકે.

રાજા જનક અને કર્મ

શ્રીમ આ સમગ્ર દિવસની ઘટનાઓને બહુ સુંદર રીતે વર્ણવી છે. તે દિવસે બપોર પછી ભક્તો પંચવટીમાં ભજન ગાતા હતા. શ્રીઠાકુર એમનાં ગાન અને નૃત્યમાં જોડાયા. ગાન પૂરું થતાં શ્રીઠાકુર પોતાના ઓરડામાં આવ્યા અને બેઠા. તેમની આસપાસ ભક્તો બેઠા હતા. ગૃહસ્થ ભક્તોને સંબોધીને શ્રીઠાકુરે કહ્યું : ‘જો ગૃહસ્થ પણ પ્રભુનામ રટે તો, તેનાથી ઘણું (પુણ્ય) જમા થાય. રાજા જનક વિશે વિચાર કરો. કેટલી તો હિંમત હતી એમનામાં! … તેઓ બ્રહ્મનું પૂર્ણ જ્ઞાન જાણતા હતા અને સાથેને સાથે આ દુનિયાની-રાજ્યની ફરજોમાં પણ મગ્ન રહેતા.’ આ સંસાર કે દુનિયામાં અનાસક્ત ભાવે કેવી રીતે રહેવું એના જ્વલંત ઉદાહરણ રૂપે રાજા જનકનો ઉલ્લેખ થાય છે. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે રાજા જનક બ્રહ્મજ્ઞાનના એટલા બધા મહાન જ્ઞાતા હતા કે શુકદેવજીને બ્રહ્મજ્ઞાનનું પરમોચ્ચ જ્ઞાન મેળવવા એમની પાસે મોકલવામાં આવ્યા હતા. તેનો ગીતામાં પણ ઉલ્લેખ આવે છે. એક જ્ઞાનની અને બીજી કર્મનિષ્ઠાની એવી બે તલવારથી તેઓ સજ્જ હતા. ક્યારેક ક્યારેક આવો પ્રશ્ન પણ ઊભો થયો છે કે રાજા જનક ખરેખર આધ્યાત્મિક ઝંખના કરતા સાધક હતા કે ‘મુક્ત આત્મા’. આધ્યાત્મિક સાધક તરીકે તેઓ આ દુનિયામાં રહ્યા અને દુનિયા અને સંસારનાં કાર્યો કરતા રહ્યા. વળી, તેઓ ‘મુક્ત આત્મા’ હતા એટલે જ બ્રહ્મનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમજ રાજ-કારભારની ફરજો નિભાવી હતી. તેનાં કાર્યો તેના જ્ઞાનને આડે વિઘ્ન ન બનતાં. કાર્ય કરતાં કરતાં પણ તેઓ સંપૂર્ણપણે અનાસક્ત રહી શકતા. એક વખત તેમણે કહ્યું: ‘અરે, મિથિલા નગરી પણ અગ્નિમાં ખાક થઈ જાય તો પણ એમાં કંઈ મારું બળી જતું નથી.’ મિથિલા નગરી એમની પોતાની છે એવા વિચારથી તેઓ પર હતા. ‘હું’ અને ‘મારું’ અજ્ઞાનતાને જન્મ આપે છે. દેહનાં કાર્યમાં ભીતર રહેલો આત્મા સામેલ નથી હોતો. તો પછી શું જ્ઞાની પોતાની મરજી મુજબ ગમે તે રીતે વર્તી શકે ખરો? જે જ્ઞાનધીર હોય છે તે જાણે છે કે પોતે કશું કરતો નથી. ભલે દેહથી માનવ અસંખ્ય લોકોને હણી નાખે તો પણ તે (ભીતર રહેલો આત્મા) કોઈને હણતો નથી. વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં આ સિદ્ધાંત ખરેખર ભયાનક છે. એ જ કારણે શ્રીઠાકુર આપણને ખાતરી આપતાં કહે છે કે પારસમણિના સ્પર્શથી લોખંડની તલવાર સોનાની બની જાય તો એ તલવારથી કોઈપણ હિંસાનું કાર્ય શક્ય નહિ બને. એવી જ રીતે સાચો જ્ઞાની ક્યારેય દુષ્કૃત્ય કરતો નથી. જ્ઞાનના ગુણગાન ગાવા માટે શાસ્ત્રો એવો દાવો કરે છે કે જ્ઞાનની પવિત્રતા અને શુદ્ધિ એવાં છે કે જ્ઞાની માટે ક્યારેય કોઈ પણ દુષ્કૃત્ય કરવું અશક્ય બની જાય છે.

ત્યાર પછી શ્રીઠાકુરે કહ્યું: ‘સતતપણે સાધુસંગ જરૂરી છે. સાધુ પ્રભુ પ્રત્યે દોરી જાય છે.’ ત્યાર પછી ભક્તોએ વિદાય લીધી.

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.