કથામૃત (ઓક્ટોબર ૧૬, ૧૮૮૨)
કથામૃતના આ પ્રકરણમાં કેટલાક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ ભક્તિભાવભર્યા ભજનગાનમાં ડૂબી ગયા છે. શ્રીઠાકુર સાથે નરેન્દ્રનાથનો સંગાથ હજુ હમણાં જ શરૂ થયો છે. એટલે બ્રાહ્મોસમાજ સાથે એમના ભૂતકાળના સંબંધને લીધે તેમણે મોટે ભાગે બ્રાહ્મોભજન-ગીત ગાયાં. એ ભલે બ્રાહ્મોસમાજનાં ભજનગીત હોય પણ તેમાં હંમેશાં ઈશ્વરના નિરાકાર સ્વરૂપની વાત આવતી નથી. ‘ચિદાકાશે થયો પૂર્ણપ્રેમચંદ્રોદય રે, ઉછળિયો પ્રેમસિંધુ શો આનંદમય રે’ એ શબ્દોથી શરૂ થતી પંક્તિવાળા ગીતના અંતે ભક્તો શ્રીમાનાં ચરણકમળમાં ભાવલીન બનીને ગાવા અને નાચવા માંડ્યા. શ્રીઠાકુરની આસપાસ ભક્તોને આવી રીતે નૃત્ય કરતા અને ભજન ગાતા જોઈને, તેનાથી પ્રેરાઈને બ્રાહ્મોસમાજના ત્રૈલોક્ય સાંન્યાલે એક ગીતની રચના કરી એ વાત જાણીતી છે.
બ્રાહ્મોસમાજમાં પરિવર્તન
શ્રીરામકૃષ્ણના વિચારોએ ધીમે ધીમે બ્રાહ્મોસમાજના સાધકોના મનમાં પ્રભાવ પાડ્યો. આ પહેલાં પણ બ્રાહ્મોસમાજના સાધકો ભજન ગાતા એ વાત નિ:શંક છે પણ દિવ્યભાવમાં પૂર્ણપણે ડૂબી જઈને આવી રીતે સંકીર્તન કરવાં એ એમની રીત ન હતી. શ્રીઠાકુરના સંપર્કમાં આવતાં જ ઈશ્વરને માતૃભાવે ભજવાનો આનંદ માણવાનો ભાવ કેશવચંદ્ર સેને કેળવ્યો હતો. પશ્ચિમમાં કેશવચંદ્ર સેન એક મહાન ધાર્મિક વક્તા તરીકે જાણીતા બન્યા હતા. પરંતુ પછીથી પ્રો. મેક્સમૂલરે એમનામાં એક પરિવર્તન આવતું નિહાળ્યું. એમના ગંભીર ગહન તત્ત્વજ્ઞાનનું સ્થાન જગન્માતા પ્રત્યેના પૂજ્યભાવ, પ્રેમ અને ભક્તિભાવથી તરબોળ ભાવનાએ લીધું. કેશવચંદ્ર સેનના જીવનમાં આવેલ આ અણધાર્યા અને અત્યંત મહત્ત્વના પરિવર્તનના કારણની શોધના કરતાં પ્રો. મેક્સમૂલરને ‘દક્ષિણેશ્વરના પરમહંસ’ સાંપડ્યા. ત્યાર પછી તેઓ રામકૃષ્ણ વિશે જાણવા આતૂર બન્યા. એમણે કેટલીક માહિતી એકઠી કરીને ‘ધ નાઈન્ટીન્થ સેન્ચ્યુરી’ નામના એક સામયિકમાં રામકૃષ્ણ વિશે ‘એ રિયલ મહાત્મન્- સાચા મહાત્મા’ એ નામનો એક લેખ લખ્યો. ત્યાર પછી તેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા અને સ્વામીજીએ આપેલી કેટલીક હકીકતોના આધારે એમણે રામકૃષ્ણ પર એક નાનું પુસ્તક લખ્યું. અમને જાણવા મળે છે કે પ્રો. મેક્સમૂલરને શ્રીરામકૃષ્ણ પ્રત્યે ઘણો આદર અને પૂજ્યભાવ હતો. તેઓ જે દિવસે સ્વામી વિવેકાનંદને મળ્યા એ દિવસને મહાન દિવસ ગણતા. તેમણે કહ્યું છે : ‘શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્યને મળવું એ દરરોજની વાત નથી, એ દુર્લભ છે.’
સંકીર્તન પછી શ્રી‘મ’ નરેન્દ્ર સાથે તત્કાલીન યુવાપેઢીમાં નૈતિક અને નૈતિક મૂલ્યોનાં અધ:પતનની ચર્ચા કરે છે. જ્યારે ઠાકુરે આ સાંભળ્યું ત્યારે તેઓ થોડા ગંભીર બન્યા અને શ્રી ‘મ’ને ગંભીરભાવે કહ્યું: ‘આવી ચર્ચા સારી નથી. ઈશ્વર સિવાય બીજી કોઈ પણ વાતમાં પડવું એ ઇચ્છનીય નથી.’ બીજાના દોષની આપણે ચર્ચા કરીએ તો એનાથી આપણું કંઈ ભલું થવાનું નથી. એના કરતાં તો બીજાનાં સદ્ગુણોની ચર્ચા કરવી એ વધારે સારું છે. શાસ્ત્રો કહે છે : ‘એ અદ્વૈત પરબ્રહ્મને જાણો અને બીજી બધી વાત છોડી દો. એ અમરત્વનો સેતુ છે.’ મનને તો આપણે જેવું કેળવીએ તે પ્રમાણે કામ કરે છે. શ્રીઠાકુર કહેતા કે મન તો કપડાં રંગવાના કારખાનામાં રહેલા કાપડ જેવું છે. એને જેમાં બોળો તેવો રંગ તે ધારણ કરે છે. બીજાના દોષ જોવાનો પ્રયત્ન કરવા જતાં આપણે આપણા મનને દુષિત કરીએ છીએ. આપણે એમ વિચારીએ છીએ કે આ બધા દોષ નિર્બળતાઓથી આપણા મનને દૂર રાખવા આવી ચર્ચા કરીએ છીએ. પણ વાસ્તવિક રીતે એને બદલે આપણે અધ:પતન પામીએ છીએ. જ્યારે આપણે બીજાના દોષની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણું મન પણ એ કક્ષા જેટલું નીચે ઊતરે છે. શ્રીમા કહેતા: ‘દોષ બીજાના ન જોતા.’ બીજાના દોષ ન જોવાનો અર્થ એ નથી કે આપણે આપણી આંખો બંધ કરી દેવી. એનો અર્થ એ છે કે આપણે આપણી જાતને એવી રીતે કેળવવા જોઈએ કે આપણે બીજાના સદ્ગુણો જોતાં રહીએ પણ દુર્ગુણો નહિ.
શ્રી ‘મ’નું સ્વપ્ન
ફરી એકવાર શ્રીઠાકુરની આસપાસ ભક્તો ગાવા-નાચવા માંડ્યા. જ્યારે સંકીર્તન પૂરું થયું ત્યારે શ્રીઠાકુરે એક ભક્તને પૂછ્યું: ‘તમને ક્યારેય સ્વપ્ન આવે છે?’ એ ભક્ત વાસ્તવિક રૂપે શ્રી ‘મ’ પોતે જ હતા. તેના સ્વપ્નની વિગતો સાંભળીને શ્રીઠાકુરે કહ્યું: ‘અરે! આ વાત સાંભળીને તો હું રોમાંચ અનુભવું છું. જેમ બને તેમ જલદી ગુરુ પાસે દીક્ષા લઈ લો.’ શ્રીઠાકુરે શ્રી ‘મ’ને દીક્ષા લેવાનું અને આધ્યાત્મિક સાધના કરવાનું કહ્યું. કારણ કે એ સ્વપ્ન મનની કોઈ ચોક્કસ અવસ્થાનું સૂચન કરતું હતું. શ્રી ‘મ’ને પોતાના દ્વારા જ દીક્ષા મળે એવું સૂચન શ્રીઠાકુરે ન કર્યું. આપણે અવારનવાર સ્વપ્નને ઘણા અવાસ્તવિક ગણી લઈએ છીએ. શ્રીઠાકુરે આપણને સૂચવ્યું છે કે એમ કરવાની કોઈ આવશ્યકતા નથી. સ્વપ્ન એ સ્વપ્ન સેવનારના મનની ચોક્કસ અવસ્થા સૂચવે છે; એ સ્વપ્નસેવકે આ સંસારસાગરને ઓળંગવા માટેની ઝંખના પોતાના મનમાં વિકસાવી છે. શ્રી‘મ’ની ઝંખનાને સમજીને શ્રીઠાકુરે તેમને આવી સલાહ આપી: ‘જેમ બને તેમ જલદી ગુરુ પાસે દીક્ષા લઈ લો.’ શ્રીઠાકુરને રોમાંચ એટલા માટે થયો કે આ ભક્તના જીવનમાં સાધના દ્વારા આધ્યાત્મિક જગતમાં યાત્રા કરવા ઉપડી નીકળવાની ભવ્યપળ આવી ચૂકી હતી. ઔપચારિક દીક્ષાથી તેઓ પોતાની ચોક્કસપથની સાધના શરૂ કરી શકે તેમ હતા. સ્વપ્ન વિશેના આપણા ખ્યાલ વિચિત્ર છે. ક્યારેક આપણે આનંદ અનુભવીએ છીએ તો વળી ક્યારેક સ્વપ્નને સાચા માનીને આપણે દુ:ખી પણ થઈએ છીએ. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે શાસ્ત્રો સ્વપ્નો સાચાં છે એમ નથી કહેતા. સ્વપ્ન તો મનના પ્રક્ષેપ માત્ર જ છે. આપણા વિચારો સ્વપ્નનું રૂપ ધારણ કરે છે. સ્વપ્ન એ માત્ર સ્વપ્ન છે. આપણે એને જાગ્રત અવસ્થાની ઘટનાઓ જેવા ગણનીય ન માનવા જોઈએ. શિવજી, શ્રી કાલી, શ્રીઠાકુર અને શ્રીમા આપણી સમક્ષ આવે છે અને આપણી સાથે વાત કરે છે એવાં સ્વપ્નો આપણને અવારનવાર આવે છે.
તો પછી સ્વપ્ન વિશે સાંભળીને શ્રીઠાકુરે આશ્ચર્ય કે રોમાંચ કેમ અનુભવ્યાં અને શ્રી ‘મ’ને ઔપચારિક રીતે દીક્ષા લેવાની સલાહ પણ કેમ આપી? સ્વપ્ન એ સૂચવે છે કે ભૂમિકા તૈયાર છે, નહિ તો આવા વિચારો એના મનમાં આવે જ નહિ. એટલે શ્રીઠાકુરને આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે શ્રી ‘મ’એ પદ્ધતિસરની સાધના કરવી જોઈએ એટલે જ એમણે કહ્યું: ‘દીક્ષા લઈ લો.’ શ્રીઠાકુરે વ્યક્તિગત રીતે કોઈને ભાગ્યે જ દીક્ષા આપી હતી. એમની વધુ નજીક રહેનારને પણ નહિ. પરંતુ તેઓ કોઈની જીભમાં મંત્ર આલેખતા તો ક્યારેક પોતે કરેલા સ્પર્શમાત્રથી બીજામાં આધ્યાત્મિક જ્ઞાન જગાડી દેતા. શાસ્ત્રોમાં આ પ્રકારની દીક્ષાને સાંભવી દીક્ષા કહે છે. શ્રીઠાકુર વિવિધ રીતે દીક્ષાઓ આપતા. પણ અહીં આવું કંઈ કરવાને બદલે એમણે કહ્યું: ‘જેમ બને તેમ જલદી ગુરુ પાસે દીક્ષા લઈ લો.’ એનો અર્થ એ થયો કે શ્રી ‘મ’ ઔપચારિક દીક્ષા લઈ લે એમ શ્રીઠાકુર ઇચ્છતા હતા કે જેથી તેઓ પદ્ધતિસરની આધ્યાત્મિક સાધના શરૂ કરી શકે. આપણે જેને દીક્ષા કે મંત્રપ્રાપ્તિની ચોક્કસદીક્ષા પ્રણાલી કહીએ છીએ તે જ એકમાત્ર દીક્ષા પ્રણાલી નથી. મહાપુરુષો પોતાની ઉચ્ચ આધ્યાત્મિક શક્તિથી ભક્તોના હૃદયમાં ઇચ્છામાત્રથી જ એ વિચારોનું સંક્રમણ કરી શકે છે. તેમને કોઈ શાબ્દિક દીક્ષા (શ્રુતિ દીક્ષા) ને અનુસરવાની જરૂર નથી.
શ્રીઠાકુર સ્વપ્નનો અર્થ શું એ નથી કહેતા. એટલે તેઓ એ સ્વપ્નને કેમ સમજી શક્યા એ વિશે આપણે ચોક્કસપણે કહી ન શકીએ. સ્વપ્નમાં ‘સમગ્ર વિશ્વ પાણીથી વીંટળાયેલ છે’ એવો એક સંદર્ભ આવે છે, એ દુન્યવી જીવનસાગરની વિક્ષુબ્ધતા પણ સૂચવતો હોય. ‘થોડી હોડીઓ નજરે પડી પણ એકાએક રાક્ષસી મોજાં આવ્યાં અને એ બધીને ડૂબાડી દીધી.’ એટલે કે નદી પાર કરવામાં ઉપયોગી થતી નાની હોડીઓ અહીં કામમાં ન આવી શકે. એક મોટું વહાણ એને માટે જરૂરી ગણાય. એવી જ રીતે ‘મહાન અને સઘન આધ્યાત્મિક શક્તિ સાથેના મહાપુરુષોની સહાય આવશ્યક છે.’ આપણે એ પણ જોયું કે ‘એક બ્રાહ્મણ એ પાણીના વિશાળ પટ પર ચાલી રહ્યો છે’ એટલે કે પાણીના વિશાળ પટને ઓળંગવો શક્ય છે કારણ કે પાણીની અંદર સેતુ છે. ‘તમે ક્યાં જાઓ છો?’ એ પ્રશ્નના ઉત્તરમાં બીજાએ કહ્યું: ‘ભવાનીપુર’. ભવાનીપુર એ પ્રભુનો માતૃભાવ, ‘શ્રીમા ભવાની’ એવું એમાંથી સૂચન મળે છે? એ શક્ય છે. ભક્તે કહ્યું: ‘હું તમારી સાથે આવીશ.’ અને પ્રત્યુત્તર આવ્યો: ‘હોડીમાંથી બહાર નીકળવા તમારે થોડો સમય લાગશે.’ ધ્યેય સુધી પહોંચવા માટે આપણે સાધના કરવી જોઈએ. પછી જ આપણે કંઈક પ્રાપ્તિની આશા રાખી શકીએ. અલબત્ત આપણે તો આપણા વિચાર મુજબ સ્વપ્નનું પૃથક્કરણ કરીએ છીએ.
ભાવમુખે શ્રીઠાકુર
બીજે દિવસે સવારે શ્રીઠાકુર બીજા ભક્તો કરતાં વહેલા ઊઠ્યા. નિર્દોષ બાળકની જેમ નિર્વસ્ત્ર. શ્રીઠાકુર આગળ પાછળ (નૃત્યની જેમ) જતા-આવતા હતા અને પોતાના મધુર કંઠે ગાતા હતા: ‘વેદ, પુરાણ, તંત્ર, ગીતા, ગાયત્રી, ભાગવત, ભક્ત, ભગવાન.’ ‘તાગી, તાગી, તાગી’ એમ ગીતાનું વારંવાર ઉચ્ચારણ કરવા લાગ્યા. અવારનવાર તેઓ કહેતા : ‘હે મા, તમે જ બ્રહ્મ છો. તમે જ શક્તિ છો, તમે જ પુરુષ છો અને તમે જ પ્રકૃતિ છો. તમે જ વિરાટ છો, તમે જ પૂર્ણ છો, તમે જ પોતાને સાપેક્ષ રૂપે પ્રગટ કરો છો. તમે જ પોતે ૨૪ તત્ત્વ છો.’ શ્રીઠાકુર એક ઈશ્વરનાં અનેક રૂપને નજરે નિહાળી રહ્યા હતા. એમની દૃષ્ટિએ ઈશ્વર માત્ર નિરાકાર નથી કે નથી માત્ર સાકાર. શ્રીઠાકુર આવી ચૈતન્યમય ભાવાવસ્થામાં લીન રહ્યા. એ અવસ્થામાં એમણે ઈશ્વરે સર્વકંઈ થતા નિહાળ્યા. આવા નિર્વિકલ્પ સમાધિભાવમાં સતત છ-છ માસ સુધી ઠાકુર રહ્યા પછી એમણે એક અવાજ સાંભળ્યો: ‘ભાવમુખે રહો’. ‘ધ ગ્રેટ માસ્ટર’ના લેખક ‘ભાવમુખ’ શબ્દને આ રીતે સમજાવે છે: ‘બધા ભાવનું મુખ એટલે કે સ્રોત, જે કંઈ અસ્તિત્વ ધરાવે છે એ ભાવ.ભૂ ધાતુ પરથી ભાવ શબ્દ આવ્યો છે. એ એવું સ્થાન છે કે જ્યાં સર્વકંઈ ઉદ્ભવે છે, તે દ્વૈત અને અદ્વૈત બંનેની મિલનભૂમિ છે. જો દીવાને ઓરડાના બારણાના ઉંબરે મૂકાય તો તેનો પ્રકાશ અંદર અને બહાર બંને બાજુએ પડે છે. એવી જ રીતે ભાવમુખ અવસ્થામાં સાધક બધા વિચારોથી પર એવા અનંત પૂર્ણની અનુભૂતિ કરે છે, સાથે ને સાથે સાપેક્ષ જગતના વિચારો અને જુદા જુદા રૂપોમાં પણ એ પૂર્ણનો આવિષ્કાર કરે છે. શાસ્ત્રોમાં એને દેહાલીદીપકન્યાય કહે છે.
શ્રીઠાકુર ભાવમુખ અવસ્થામાં રહ્યા એને લીધે એમના મનમાં અસંખ્ય આદર્શો અને વિચારો આવિષ્કાર પામ્યા. તેઓ કહે છે: ‘તમે જ બ્રહ્મ છો, તમે જ શક્તિ છો.’ વારુ, આ બંને કેવી રીતે સાચાં હોઈ શકે? આપણે જાણીએ છીએ કે બ્રહ્મ એ અચેતન છે અને શક્તિ ચેતન છે અને એટલે જ એક સાચું હોય તો બીજું ખોટું છે. આમ જો એક સત્ય અને બીજું અસત્ય હોય તો પછી તે બંને સમાંતર રીતે કેવી રીતે નિહાળી શકાય? એ તો દોરડીમાં થયેલા સાપના જ્ઞાન જેવું છે. આપણે જ્યારે સાપને જોઈએ છીએ ત્યારે દોરડીને જોતા નથી. હા, એ વાત સાચી કે આપણે બે પદાર્થ જોઈએ છીએ પણ એ એની ચોક્કસપળે નહિ. આપણે બંનેની સાથે ધારણા કરી શકતા નથી. વળી આ ઉપરાંત પણ એક બીજી અવસ્થા છે કે જ્યારે આપણે એ બંને એટલે કે સાપ અને દોરીને જોઈએ છીએ. શ્રીઠાકુર અવારનવાર કહે છે: ‘જેમ હું આ જગતને જોઉં છું એમ એમને (પ્રભુને) સર્વત્ર જોઉં છું.’ ‘તમે જ ચોવીસ તત્ત્વો છો.’ પરંતુ જે અવસ્થામાં ઈશ્વર સર્વકંઈ બને છે તે વેદાંતમાં તર્કાભાસ કે મિથ્યાતર્ક ગણાય છે. એક જ રહે છે દ્વૈતતા નહિ. આપણે વિશેષત: એ નોંધ લેવી જોઈએ કે પોતાની આધ્યાત્મિક સાધનાના જુદા જુદા સ્તરે સાધક દ્વૈત-અદ્વૈત કે વિશિષ્ટાદ્વૈત એવી અવસ્થામાં હોય છે.
આમાંથી પ્રશ્ન ઊભો થાય છે. શું આ બધી પ્રણાલીઓ એક સરખી પ્રમાણભૂત હોઈ શકે? એક અને એકસમાન સત્ય જો સાધક એવું ઇચ્છે તો તે રૂપ આકાર ધારણ કરી શકે અને અરૂપ પણ બની શકે. આપણી સિમિત બુદ્ધિ સાથે રાખીએ તો ઈશ્વર સર્વશક્તિમાન છે અને તેઓ સર્વકંઈ બન્યા છે એ વાત સમજવામાં નિષ્ફળ નીવડીએ છીએ. આ જ છે વિવિધ ચર્ચા અને તર્કદલીલોનું કારણ. એટલે જ જે બધી ધારણાઓથી પર છે એને ‘તે એક – અદ્વૈત છે’ એવા અદ્વૈતવાદીઓના વિધાનથી સમજાવી ન શકાય. ‘અદ્વૈત’ નામની સંજ્ઞા કે વ્યાખ્યા યથાર્થતા બતાવવા માટે વપરાયેલ નથી. તે નિષેધાત્મક કે અભાવાત્મક દૃષ્ટિકોણથી વપરાયેલો છે. એનો અર્થ એ થાય કે જેમાં દ્વૈત નથી. અદ્વૈત અવસ્થાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. આ અવસ્થા તો બધી વાણીથી પર છે અને મનથી પણ પર છે. શ્રીઠાકુર ભાવમુખે રહ્યા એટલે જ તેઓ અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, સાકાર અને નિરકાર, આ બધાની ધારણા કરી શકતા.
શ્રદ્ધાભક્તિની અનન્યતા
એ સમય દરમિયાન દક્ષિણેશ્વરના શ્રીમા કાલી અને શ્રીરાધાકાંતના મંદિરોમાં મંગળ-આરતીનો પ્રારંભ થયો. શંખધ્વનિ ને ઝાંઝ-ઝાલરના મધુર ધ્વનિથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. પ્રાત:કાળની મંગળ વેળાને બંધ બેસતું નોબત અને બીજાં સંગીતનાં વાદ્યોમાંથી મધુર ભક્તિભાવભર્યું સંગીત વહેવા લાગ્યું. પૂજ્ય મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી) પછીથી કહેતા: શ્રીઠાકુર એવા મધુર કંઠે દિવ્ય નામ સ્મરણગાન કરતાં કે તે ગાન પથ્થરને પીગળાવી દેતું.
નરેન્દ્ર અને બીજા ભક્તો શ્રીઠાકુર પાસે આવ્યા. એ વખતે શ્રીઠાકુર પોતાના ઓરડાની વાયવ્યે આવેલી ઓસરીમાં ઊભા હતા. પંચવટીમાં નાનક સંપ્રદાયના કેટલાક સંન્યાસીઓના આગમન વિશે નરેન્દ્રે કહ્યું. શ્રીઠાકુરે એનો કોઈ પ્રતિભાવ ન આપ્યો. એને બદલે તેમણે કહ્યું: ‘તમે બધા આ સાદળી પર એકીસાથે બેઠેલા હો એ જોવું મને ગમશે.’ શ્રીઠાકુરે શું જોયું? તેઓ સ્પષ્ટ રીતે દેખાતા દિવ્ય આનંદ સાથે પોતાની અદ્ભુત આધ્યાત્મિક સંપત્તિના ભાવિ વારસોને તેઓ નિહાળી રહ્યા હતા. પછી એમણે આધ્યાત્મિક સાધના વિશે કહ્યું: ‘ભક્તિ, ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ એ બધી આધ્યાત્મિક સાધનાનું સારતત્ત્વ છે. આ દિવ્યપ્રેમથી કોઈ પણ સાધકને ત્યાગ અને વિવેકવૈરાગ્ય સ્વાભાવિક રીતે જ સાંપડે છે.’ આધ્યાત્મિક સાધનાના અભ્યાસ સમયે કોઈ પણ સાધક જપ, ધ્યાન, ઈંદ્રિયનિગ્રહ વગેરે જેવી બાબતો પર ભાર મૂકે છે. પરંતુ શ્રીઠાકુર કહે છે કે આ બધી આધ્યાત્મિક સાધનાના અભ્યાસોમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ શ્રેષ્ઠ છે. જો કોઈ પણ સાધક ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ વિકસાવે તો પછી એને ત્યાગ અને વિવેક-વૈરાગ્યની પ્રાપ્તિ માટે ઝઝૂમવું પડતું નથી. એ તો આપોઆપ મળી રહે છે. પછી એ સાધકને ઈંદ્રિયભોગના પદાર્થોનું કોઈ આકર્ષણ રહેશે નહિ. ત્યાગ અને નિષ્કામ-નિર્મોહભાવ તો સ્વાભાવિક રીતે આવી મળે છે.
નિષ્કામ નિર્મોહ કે ઈશ્વરપ્રેમમાંથી કયો ભાવ પ્રથમ આવે એવો પ્રશ્ન સાધનામાં પ્રવૃત્ત થતાં સાધકના મનમાં ઊભો થાય છે. આપણે આ વસ્તુ મનમાં સ્પષ્ટ રાખવી જોઈએ કે નિર્મોહ, વિવેકવૈરાગ્ય, જપ, તપશ્ચર્યા, પ્રાણાયામ વગેરે બધાં (ઈશ્વરપ્રાપ્તિનાં) સાધનો છે, સાધ્ય નહિ. જો આપણે આ બધાં દ્વારા ઈશ્વરપ્રેમ પ્રાપ્ત કરી શકીએ તો એ બધાં ઉપયોગી છે, નહિ તો એ નિરર્થક છે. આમ હોવા છતાં પણ આ સાધનો મહત્ત્વવિહોણાં નથી. તેમનું પણ સાધ્ય સુધી પહોંચવા જેટલું મૂલ્ય છે ખરું. શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પ્રભુને શરણે જાય છે તે પ્રભુપ્રેમ અને પરમસત્યની અનુભૂતિ માટેની તીવ્ર ઇચ્છા સિવાય બીજા બધા માટે નિર્મોહ અને નિષ્કામવૃત્તિ વિકસાવે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




