૧૬ ઓક્ટોબર, ૧૮૮૨
શ્રીઠાકુરની સાધનાનાં સંસ્મરણો
આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલ ત્યાગસમર્પણ માટેની તીવ્ર ઝંખના અને પ્રભુ માટેની હૃદયની ઊંડી તાલાવેલીની વાત કેટલાક ભક્તોને તેઓ ક્યારેક ક્યારેક કરતા. શ્રોતાઓના મનમાં એવો જ આરતભાવ જાગે એ માટે તેઓ આવી વાતો કરતા. આ વિચારો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પ્રસરતા રહેતા અને દરેક વ્યક્તિની ભીતર રહેલ આત્માને જાગ્રત કરવા માટે તેઓ પ્રયત્નશીલ બનતા. એટલે જ શ્રીઠાકુર પોતાની સાધનાનાં સંસ્મરણોની વાતો ભક્તો સમક્ષ કરતા. એ ભક્તોમાં રહેલ ત્યાગ-વૈરાગ્યની ભાવના અને પ્રભુ માટેની આરતને જાગૃત કરવા માટે શ્રીઠાકુર અસીમ પ્રયાસ કરતા. તેમણે ક્યારેય પ્રભુ સિવાય બીજી કશાની ચર્ચા કરી ન હતી. ક્યારેક એવી બીજી ચર્ચા ઊભી થાય તો પણ અંત તો પ્રભુની ચર્ચાથી જ થતો. ઉદાહરણ તરીકે શ્રીઠાકુર કોઈ નાટક કે સરકસ કે એવું બીજું કંઈ જોતા અને જ્યારે ઈશ્વરવિષયક ચર્ચાઓ થતી ત્યારે ભક્તોએ ઈશ્વર તરફ મન કેમ વાળવું એ માટેનો ઉપદેશ આપવા ઉદાહરણો ઉપર્યુક્ત બાબતોમાંથી પણ આપતા. એક વખત તેઓ એશિયાટિક સોસાયટીની મુલાકાતે ગયા અને ત્યાં માનવનું હાડપિંજર જોયું. ભક્તોના મનમાં ત્યાગવૈરાગ્યની ભાવના જગાડવા માટે તેમણે ભક્તોને આ દેહની અંતિમ અવદશાની વાત કરી અને સૌ ભક્તોને યાદ અપાવ્યું કે આ દેહકાંતિ થોડા જ દિવસોમાં ચાલી જવાની છે. આવી રીતે તેઓ લોકોને ઈશ્વર વિશે ચિંતન કરવા પ્રેરતા રહેતા.
આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે જ્યારે શ્રીઠાકુરે પોતાના વિશે ઉદ્ગારો કાઢ્યા છે ત્યારે એમણે પોતાને મહિમામંડિત કરવા કહ્યું નથી. એમને સાંભળનાર શ્રોતા એમના હૃદયમાં રહેલા આધ્યાત્મિક અગ્નિને કંઈક અંશે સમજી-જાણી શકે એ માટે એમણે ભક્તોને આમ કહ્યું હતું.
પોતાની ઈશ્વર માટેની તીવ્ર ઝંખના વિશે કહ્યું છે. ક્યારેક ક્યારેક તો તેઓ એટલા અધીર બનીને પોતાનો ચહેરો જમીન સાથે ઘસતા કે એમાંથી લોહી વહેતું અને તેઓ ગદ્ગદ્ સ્વરે કહેતા: ‘હે મા! હજી સુધી પણ તેં મને સાક્ષાત્ દર્શન ન આપ્યા!’ તેની આસપાસના લોકો માનતા કે તેઓ ગાંડાઘેલા થઈ ગયા છે કે તેના જઠરમાં કોઈ મોટું દરદ થતું લાગે છે અને તેથી તેઓ આમ ઝૂરે છે. જ્યાં સુધી લોકો આવું ભગવન્મય જીવન ન જુએ ત્યાં સુધી ઈશ્વર માટેની તીવ્ર ઝંખના અને ત્યાગવૈરાગ્યની વાસ્તવિક પરિસ્થિતિને લોકો કેમ સમજી જાણી શકે? પણ પછીના કાળમાં જ્યારે ભક્તો તેમની પાસે આવવા મંડ્યા ત્યારે આવાં ભાવપ્રદર્શન દૂર થયા અને તેઓ તો જાણે કે તરંગો વિનાના મહાસાગર જેવા પ્રશાંત બની ગયા. તેઓ તો મા જગજ્જનનીનું એક યંત્ર હતા. એ જગન્માતાએ તેમની સમક્ષ વિવિધ ભાવાવસ્થાઓ અને ભાવદર્શન રજૂ કરીને આ વિશ્વને વિવિધ પથ માટે ઉપદેશ આપવાનું શીખવ્યું હતું.
આધ્યાત્મિક અનુભૂતિ માટેની પૂર્વતૈયારી
ઘણા લોકો મનમાં ગણગણતા: ‘આપણે હરિનામ તો અનેકવાર જપીએ છીએ પણ આપણને કેમ કંઈ થતું નથી?’ એ દેખીતું છે કે આપણને કંઈ થતું નથી. પરંતુ જ્યારે આપણે ઈશ્વરનું નામ જપીએ છીએ ત્યારે શું આપણે શ્રીઠાકુરે અનુભવેલ ઈશ્વરની તીવ્ર ઝંખનામાં તણાઈએ છીએ ખરા? કોઈ અભાવ અનુભવીએ છીએ ખરા? એમના જેવી હૃદયની આરત અનુભવીએ છીએ ખરા? જ્યાં સુધી આપણે શ્રીઠાકુર જેવી મરુભૂમિકા પર ન પહોંચીએ ત્યાં સુધી પ્રભુની કૃપા મેળવવી સરળ નથી. આધ્યાત્મિક જીવનમાં આવી તીવ્ર ઝંખના અને ત્યાગ વૈરાગ્ય અત્યંત આવશ્યક છે. અલબત્ત આપણને એવું જરૂર લાગશે કે આપણે આવી અવસ્થાની અનુભૂતિ ઇચ્છીએ છીએ પણ એ અનુભૂતિ આપણને થતી નથી. શ્રીઠાકુરનો આને માટે આ પ્રત્યુત્તર છે – આવી અનુભૂતિઓ માટે આપણે પ્રયત્ન કરતા નથી અને આપણી જાતને તૈયાર પણ કરતા નથી. સૌ પહેલાં તો એકાંતમાં ઈશ્વરનું ચિંતન કરીને, પવિત્ર લોકોનો સંગ કરીને અને આપણા જીવનને ઉચ્ચતર બાબતો તરફ દોરી જઈને આધ્યાત્મિક આધારશીલા રચી શકીએ છીએ. જ્યાં સુધી આપણે ખરી કમાણી ન કરીએ ત્યાં સુધી આપણને કંઈ મળતું નથી; મફતમાં મળેલું આપણે વધુ સમય જાળવી શકતા નથી. આ બધી બાબતો સાધનાથી જ સિદ્ધ થાય છે. કોઈ વળી એમ પણ કહેશે કે અમારી પાસે આધ્યાત્મિક અનુભવ નથી કારણ કે પ્રભુ એ આપતા નથી. પણ શું ખરેખર આપણે એ અનુભૂતિઓ મેળવવા ઝંખીએ છીએ ખરા? અને વળી જો પ્રભુ એ અનુભૂતિઓ આપણને આપે તો આપણે એમને ધારણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ ખરા?
મથુરબાબુએ શ્રીઠાકુરને વિનંતી કરી: ‘હે ઠાકુર, તમારે એવું કંઈક કરવું જોઈએ કે જેથી મને ભાવસમાધિ થાય.’ શ્રીઠાકુરે શરૂઆતમાં તો એને અવગણવાનો પ્રયત્ન કર્યો પણ અંતે તેમણે કહ્યું: ‘બેટા, હું કંઈ જાણતો નથી. છતાં પણ હું જગન્માતાને વિનંતી કરીશ અને એને જે ગમશે તે તેઓ કરશે.’ થોડા દિવસો પછી મથુરબાબુએ ખરેખર સમાધિભાવનો અનુભવ કર્યો અને તેઓ પાગલ જેવા બની ગયા. તેઓ શ્રીઠાકુર પાસે ગયા. શ્રીઠાકુરના ચરણોનો સ્પર્શ કરીને કહ્યું: ‘ક્ષમા કરજો, ઠાકુર! તમે આપેલ આ સમાધિભાવને મહેરબાની કરીને પાછો લઈ લો.’ આધ્યાત્મિક જીવનમાં આ વાત યાદ રાખવી અત્યંત મહત્ત્વની છે કે જો તમે કર્મ કરીને ખરી કમાઈ ન કરો તો ભલે (એ સમાધિભાવ) તમારા પર આરોપવામાં આવે તો પણ તમે એને ધારણ કરી શકતા નથી. અનુભૂતિની આવી ઉચ્ચતર અવસ્થાની પ્રાપ્તિ તો માત્ર સુદીર્ઘકાળની અને અવિરત સાધનાથી જ મળે છે.
કૃષ્ણકિશોર
હવે શ્રીરામકૃષ્ણ કૃષ્ણકિશોરની વાત કરે છે. તે પોતાના વિશે કહેતા કે તે ‘આકાશની જેમ સર્વત્ર વ્યાપેલ ચૈતન્ય છે’, અથવા ‘આકાશની જેમ અસંલગ્ન છે.’ તે આમ કહે છે કારણ કે તેણે વેદાંતનો અભ્યાસ કર્યો છે. ધૂમાડો આકાશમાં જાય છે પણ આકાશને ધુમાડિયું ન બનાવી શકે. પરંતુ એક દિવસે કૃષ્ણકિશોર પાસે શ્રીઠાકુર ગયા. તેને ચિંતામગ્ન અવસ્થામાં જોયા કારણ કે મહેસૂલ વસુલ કરનાર અધિકારીએ જો તે કરવેરા ન ભરે તો તેના પીત્તળનાં ઘડા, ગોળી, પ્યાલા-રકાબી અને બીજાં વાસણો લઈ જશે. શ્રીઠાકુરે મશ્કરીના સૂરે કહ્યું: ‘પણ તમારે એની ચિંતા કરવાની શી જરૂર છે? ભલે તમારા ગોળી-વાસણ વગેરે લઈ જાય. અરે, ભલેને એ તમારા દેહને પણ પકડીને લઈ જાય, એની તમારા પર કેવી રીતે અસર પડવાની? કારણ કે તમારી પ્રકૃતિ તો ‘ખ’-આકાશની છે!’
અહીં કોઈને એવું પણ લાગે કે કોઈ મહાન મુશ્કેલીમાં આવેલા માણસની શ્રીઠાકુર આવી ઠેકડી પણ ઉડાડતા. પણ અહીં તે કોઈ સામાન્ય માનવની ઠેકડી કરતા ન હતા. કૃષ્ણકિશોર એક વેદાંતવિદ્ હતા તેથી શ્રીઠાકુરના કહેવાનો અર્થ બરાબર સમજી શક્યા હોવા જોઈએ. શ્રીઠાકુર તો કૃષ્ણકિશોરનાં વાણી અને કર્મવચ્ચે રહેલા ભેદ તરફ એનું ધ્યાન ખેંચવા માગતા હતા. કૃષ્ણકિશોર એવો દાવો કરતા હતા કે તેઓ આકાશની જેમ સર્વવ્યાપી છે. પરંતુ અનાસક્તિની ગહનતાની અને ‘ખ’-આકાશની જેમ સર્વવ્યાપી હોવાની અનુભૂતિ કરવા માટે આ આદર્શમાં ઓગળી જવું જોઈએ એનો એને જરાય ખ્યાલ ન હતો. કૃષ્ણકિશોર દંભી ન હતા પરંતુ પોતાના જીવનમાં સત્યને ઉતારવા માટેની પોતાની અક્ષમતાથી તેઓ અજાણ હતા. પોતે આકાશની જેમ સર્વવ્યાપી છે એટલું કહેવું એ જ પૂરતું કે બરાબર નથી, પરંતુ તેણે એ પ્રમાણે આચરણ પણ કરી બતાવવું જોઈએ. તમે આકાશ જેવા સર્વવ્યાપી છો એવો દાવો અને બરાબર એ જ વખતે ભૌતિક પદાર્થો વિશે ચિંતા કે વિચાર કરવો એ બંને પરસ્પર વિરોધી છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતા (૨.૧૧)માં કહ્યું છે:
અશોચ્યાન્ અન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ।
ગતાસૂન્ અગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પંડિતા: ॥
‘હે અર્જુન! જેનો શોક ન કરવો જોઈએ એવાનો તું શોક કરે છે. અને તું વળી આવા શાણપણના શબ્દો બોલે છે. પંડિત મરેલાનો કે જીવતાનો શોક કરતો નથી.’ તમે શાણા માણસના જેવી વાત કરો છો અને મૂર્ખની જેમ વર્તો છો. જેમણે ખરેખર સત્યની અનુભૂતિ કરી લીધી છે તે બીજાનો શોક કરતો નથી. ભલે કોઈ કૃષ્ણકિશોરનાં વાણી અને વર્તન વચ્ચેના ભેદને જોઈને એના વિશે નબળું વિચારે પરંતુ શ્રીઠાકુરે આ પહેલાં એની અદ્ભુત શ્રદ્ધા વિશે પણ વાત કરી છે: ‘કૃષ્ણકિશોરમાં કેટલી અદ્ભુત શ્રદ્ધા! એક વખત વૃંદાવનમાં તેને તરસ લાગી અને તે કૂવા પાસે ગયો. તેની નજીક તેણે એક માણસને ઊભેલો જોયો. પોતાના માટે કૂવામાંથી થોડું પાણી સીંચવા માટે કહેતાં તે માણસે કહ્યું: ‘સાહેબ, હું તો હલકીજાતિનો છું. તમે તો બ્રાહ્મણ છો. હું તમને કૂવામાંથી પાણી કેવી રીતે કાઢી દઉં?’ કૃષ્ણ કિશોરે કહ્યું: ‘શિવનું નામ બોલે. એમના નામનું સ્મરણ તમને પવિત્ર બનાવી દેશે.’ પેલા નીચવર્ણના માણસે એમણે કહ્યું તે પ્રમાણે કર્યું અને પોતે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોવા છતાં પણ કૃષ્ણકિશોરે એ પાણી પીધું. કેવી અદ્ભુત શ્રદ્ધા!’ શ્રીઠાકુરે કૃષ્ણકિશોરના સદ્ગુણોની વાત કરી કે જેથી લોકો એના વિશે હલકું કે નબળું ન વિચારે. શ્રીઠાકુરે કૃષ્ણકિશોરના સંતો પ્રત્યેના ઊંડા આદરભાવની વાત પણ કરી છે. કૃષ્ણકિશોરે વિચાર્યું કે જે દેહ અવિરતપણે ઈશ્વરનું જ ચિંતનમનન કરે છે અને જેણે ઈશ્વર માટે સર્વકંઈનો ત્યાગ કર્યો છે તે દેહ કોઈ સામાન્ય દેહ નથી. આ દેહ તો ચૈતન્યમય છે. શ્રીઠાકુરે કૃષ્ણકિશોરના સ્વભાવની કચાશની વાત પણ કરી છે. કૃષ્ણકિશોર એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ હતા અને એટલે જ શ્રીઠાકુરે યજ્ઞોપવીતનો ત્યાગ કર્યો એ એને ન ગમ્યું. એ દિવસોમાં પોતાની અવસ્થાની વાત કરતાં શ્રીઠાકુરે કહ્યું: ‘…મારા જુના સ્વરૂપનું કોઈ ચિહ્ન ન રહેવું જોઈએ. હું આ દુનિયા માટેની ચેતના વિસરી ગયો. હું મારા કપડાંયે મારા દેહ ઉપર બરાબર રાખી ન શકતો તો પછી યજ્ઞોપવીતની તો શું વાત કરવી!’ જ્યારે એમની જેમ કોઈ પણ વ્યક્તિ પ્રભુપ્રેમના નશામાં લીન થઈ જાય ત્યારે તે ઔપચારિક ધર્મવિધિઓ કે અભ્યાસ કરી શકતો નથી. જ્યાં સુધી આવો પ્રભુપ્રેમનો ભાવ ન આવે ત્યાં સુધી ક્રિયાકર્મ કે ઔપચારિક ધર્મવિધિઓ રહે છે.
ઔપચારિક અભ્યાસ-ધર્મવિધિઓ અને આદર્શ
એક વખત શ્રીરામકૃષ્ણને સમાધિભાવ આવવાની તૈયારીમાં હતો. આ જોઈને તેમની નજીક બેઠેલા એક સાધુપુરુષે કહ્યું: ‘અરે! આ શું? પેલા તમારું આસન નિશ્ચિત કરો અને પછી સમાધિ માટે પ્રયત્ન કરો.’ બીજા શબ્દોમાં કહીએ તો યોગપથની પ્રણાલીનું તમારે બરાબર અનુસરણ કરવું જોઈએ – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. આ બધાં સોપાનોમાંથી પસાર થઈને જ કોઈ પણ વ્યક્તિ સમાધિભાવ અનુભવી શકે. પેલા સાધુપુરુષે આવી (શ્રીઠાકુર જેવી) સ્વાભાવિક સમાધિ ક્યારેય જોઈ ન હતી. તેણે સમાધિ વિશે અને યોગનાં આ વિવિધ સોપાનો વિશે વાંચ્યું હતું. એટલે જ તેનાથી બોલાઈ જવાયું – ‘પહેલાં આસન નિશ્ચિત કરો’. જો કોઈ પણ વ્યક્તિ આવી સરળ અને સ્વાભાવિક રીતની સમાધિનો અનુભવ કરે તો તેને આસન વગેરે સોપાનોનું પાલન કરવું આવશ્યક નથી. આસન અને બીજાં સોપાનો તો સાધન માત્ર છે. આપણે તો સાધનને સાધ્ય ગણવાના વલણ ધરાવીએ છીએ. આપણે બાહ્ય શુચિતા જાળવીને ભીતરની શુચિતા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ ઘણી વખત આપણી બાહ્ય શુચિતા માટેના મનના સ્થાયી ભાવને કારણે અંદરની શુચિતા કે પવિત્રતા પ્રાપ્તિનો હેતુ માર્યો જાય છે. આપણે એવા લોકોના સંપર્કમાં આવીએ છીએ કે તેમણે પોતાની બાહ્ય શુચિતાની અતિવળગણને કારણે તેઓ પોતાના ધ્યેય તરફ આગળ વધ્યા હોય; રખેને કંઈક તેમને અપવિત્ર કે અશુદ્ધ બનાવે તેવા ભયથી તેઓ હંમેશાં જાગ્રત પણ રહે છે; પરંતુ આવા લોકો આ બાહ્ય શુચિતાનું લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે એ વિશે સાવ અજાણ હોય છે અને તેઓ આ બાહ્ય શુચિતાને જ સાધ્ય માનીને તેઓ પોતાના ધ્યેય (ઈશ્વરપ્રાપ્તિ) સુધી પહોંચવાની ઉન્નતિ કરી શકતા નથી. એમને માટે તો આ વિધિવિધાનો કે ક્રિયાકર્મોનું પાલન કરવું એ એમના જીવનને પવિત્ર બનાવવા માટે છે. આ જ કારણે શ્રીઠાકુરે હંમેશાં દરેકને આદર્શની યાદ અપાવી છે. જો કોઈ પણ વ્યક્તિ હવિષ્યાન્ન લઈને પોતાના મનને ઈશ્વર પર સ્થિર નથી કરી શકતી તો આવું હવિષ્યાન્ન પણ નિરર્થક સમજવું. કોઈ પણ વ્યક્તિ પોતાના ભોજન માટે ગમે તેટલો ચુસ્ત ભલે ને હોય કે ભલે એ ગમે તેટલાં તિલક-ટપકાં કરતો હોય, ખરેખર એનું કોઈ મહત્ત્વ નથી. ઈશ્વરપથમાં આ બધું નકામું છે. કદાચ આવી વ્યક્તિ દંભી ન પણ હોય પણ આવી બધી વસ્તુઓને એટલું બધું મહત્ત્વ આપે છે કે એ બધાં એમને માટે પોતાના જીવનનું ધ્યેય બની જાય છે. આવી કહેવાતા શુચિતાના અભ્યાસો માનસિક પવિત્રતા કે નિર્મળતા લાવી શકતા નથી. એવું પણ બને કે આ બધા થોડીઘણી સહાય પણ કરે ખરા પણ ક્યારેક તો તેઓ બધાં (સાધનામાં) વિઘ્નરૂપ બને છે. અહીં આપણા દેશમાં આપણે ‘સ્પર્શદોષ’નો ખોટો ખ્યાલ ધરાવીએ છીએ. દક્ષિણભારતમાં તો ‘દૃષ્ટિદોષ’ પણ અપવિત્ર બનાવી દે છે! જિજ્ઞાસુને ઈશ્વરપથે ઊર્ધ્વગામી બનાવવાને બદલે આવી મન:સ્થિતિથી તેનું અધ:પતન થાય છે. આ જ વાત શ્રીઠાકુરે શીખવી છે.
દોષદર્શન
પોતાની આધ્યાત્મિક સાધનાના દિવસોની વાતનું વર્ણન કરતાં શ્રીઠાકુર એક બીજું દૃષ્ટાંત આપે છે. આવી ભાવાવસ્થામાં તેઓ પોતાના મનની વાત દરેકને કહેતા. જ્યારે જતીન્દ્ર ટાગોરે યુધિષ્ઠિરના નરક દર્શનનું દૃષ્ટાંત આપ્યું ત્યારે શ્રીઠાકુરે એનાથી ત્રાસીને કહ્યું: ‘તમે તો કેવા માણસ છો? યુધિષ્ઠિરના જીવનના બધા પ્રસંગોમાંથી તમને માત્ર એમના નરકદર્શનનો પ્રસંગ જ યાદ છે! તમે એમની સત્યનિષ્ઠાને, એમની સહિષ્ણુતાને, એમની શાંતિ અને સ્થિરતાને, એમના વિવેકને, એમની નિરાસક્તિને અને ઈશ્વર પરની એની ભાવભક્તિને તો યાદ નથી કરતા!’ શ્રીઠાકુરે આપણને હંમેશાં એ યાદ કરાવ્યું છે કે બીજાનાં સદ્ગુણોનું ચિંતન કોઈ પણ માણસના મનને સદ્ગુણો તરફ વાળે છે અને તેનું અધ:પતન થતાં રોકે છે. આપણે પોતાને વધુ ચડિયાતા, મહાન કે ગુરુતાવાળા બનાવવા માટે બીજાના દોષની ચર્ચા કરીએ છીએ. બીજાની આવી ટીકા કરીને આપણામાં આવા દોષ નથી એવું આપણે બતાવવા માગીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આત્મપ્રશંસા કરીએ છીએ. એટલે જ શ્રીઠાકુરે આપણને ચેતવ્યા છે.
એક દિવસ આવી એક ભાવાવસ્થામાં એમણે ઈશ્વરનું નામ સ્મરણ કરતા અને સાથે ને સાથે ભૌતિક વસ્તુઓનું ચિંતન કરતા જય મુખર્જીના ગાલ પર એક તમાચો મારી દીધો. એક બીજા દિવસે રાણી રાસમણિ પ્રત્યે પણ એમણે આવું જ વર્તન દાખવ્યું. એમનો હેતુ લોકોને પોતાના આધ્યાત્મિક પથની ઉન્નતિમાં આગળ વધવામાં સહાય કરવાનો હતો અને જય મુખર્જી અને રાણી રાસમણિને લાફો મારવા માટે એમને દુ:ખ પણ થયું હતું. આવી ટેવમાંથી મુક્તિ મેળવવા તેઓ હંમેશાં આતુર રહેતા. તેમણે કહ્યું: ‘ઘણા આરતભાવે થોડા સમય સુધી જગન્માતાને પ્રાર્થના કર્યા પછી હું એ ટેવને દૂર કરી શક્યો.’ તેમણે ભક્તજનોને સાધના કરવા પ્રેર્યા હતા; પરંતુ કોઈ ઉપદેશક કે જવાબદારીભર્યું કાર્ય કરનાર વ્યક્તિ રૂપે વર્તવાનું એમને પસંદ ન હતું. આવું ઈશુખ્રિસ્તના જીવનમાં પણ બન્યું હતું. એક વખત તેઓ મંદિરમાં ગયા અને ત્યાં નાણાના વેપારીઓ પોતાના સિક્કાઓના ઢગલા કરીને લાંબી કતારમાં ઊભા હતા. તેમણે તો મંદિરને જાહેર બજાર બનાવી દીધું. આ જોઈને ઈશુ ખૂબ ત્રાસી ગયા, તેમણે જાડી દોરીમાંથી ચાબૂક બનાવ્યો અને બધા નાણાવટીઓને મંદિરમાંથી બહાર કાઢી મૂકવા માટે ખૂબ ફટકાર્યા. અત્યંત ક્રોધે ભરાઈને ઈશુએ કહ્યું: ‘આમ લખાયું છે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે પરંતુ તમે તો એને ચોરોની ગુફા બનાવી દીધી!’ પરંતુ તેઓ હંમેશાં આવા (ક્રોધમાં) ન રહેતા. એક બીજા પ્રસંગે એક કુચારિત્ર્યવાળી છોકરીને સજા થવાની હતી. એ વખતના એ દેશના કાયદા પ્રમાણે તેને પથ્થર મારી મારીને મારી નાખવાની હતી. જ્યારે ઈશુએ આવા ન્યાયની વાત સાંભળી ત્યારે તેમણે કહ્યું: ‘જે નિષ્પાપ હોય તે આના પર પ્રથમ પથરો ફેંકે.’ પુરુષો તો અવાક્ બની ગયા. પોતે ક્યારેય પાપ કર્યું નથી અવું કહેનાર એમનામાંથી કોઈ ન હતો. એક પછી એક તેઓ બધા ત્યાંથી ચાલ્યા ગયા. લોકોને ઉપદેશ આપવા માટે મહાન આત્માઓ ક્યારેક વિજપ્રપાત જેવા ભયંકર તો ક્યારેક ફૂલ જેવા કોમળ પણ બને છે.
પોતાની સાધનાની વિવિધ અવસ્થાની વાત કરતાં શ્રીઠાકુર કહે છે: ‘જ્યારે કોઈ પણ વ્યક્તિ મનની આવી ભાવાવસ્થામાં આવે છે ત્યારે પ્રભુ સિવાય બીજી કોઈ વાતનો આનંદ એને આવતો નથી. જ્યારે લોકોને આ દુન્યવી બાબતોની વાતો કરતાં સાંભળતો ત્યારે હું રડી પડતો.’ કાશીમાં તેઓ દિવ્યચૈતન્યભાવમાં જ રહેતા અને સર્વત્ર ભગવાન વિશ્વનાથનાં દર્શન કરતા. ત્યાં પણ એમને આ નશ્વર દુનિયાની ચર્ચા સતત સાંભળવી પડતી અને એમને ઘણું દુ:ખ થતું. કાશીયાત્રામાં મથુરબાબુ એમની સાથે હતા. ત્યાં મથુરબાબુના ઘરમાં બીજા લોકો આ દુન્યવી વાતો કરતા હતા. આનાથી શ્રીઠાકુરને ઘણું દુ:ખ થયું અને વિલાપ કરતાં તેમણે જગન્માતાને કહ્યું: ‘હે મા, તું મને ક્યાં લાવી છો?’ દક્ષિણેશ્વરમાં આવી પરિસ્થિતિને તેઓ નિવારી શક્યા હોત પરંતુ આ લોકોના બેઠકખંડમાં તેમને માટે બીજી કોઈ પસંદગી ન હતી. એટલે જ તેઓ વિલાપ કરતા હતા.
Your Content Goes Here




