(ગતાંકથી આગળ)

અનુભૂતિ અને તત્ત્વજ્ઞાન

આ વિશે એક સુંદરમજાની વાત છે. જ્ઞાનીનો લોક વ્યવહાર કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન ઊભો થયો. જો જ્ઞાનીના જ્ઞાન દ્વારા સંસારનો લય થઈ જાય તો ત્યાર પછી તેનો વ્યવહાર કેવી રીતે ચાલે? અદ્વૈતવાદીઓએ આ વિશે અનેક ગ્રંથ લખ્યા છે; છતાં પણ એ વિષયને સમજાવી શક્યા નથી. શ્રીશંકરાચાર્ય કહે છે: ‘દૃષ્ટેન અનુપપન્નમ્‌ નામ – જે દેખાય છે તે ભલા અયૌક્તિક કેવી રીતે હોઈ શકે? એને અયૌક્તિક કહેવાનો કોઈ અર્થ નથી. યુક્તિ દુર્બળ છે, પ્રત્યક્ષ પ્રબળ છે. જ્ઞાની વ્યવહાર કરે છે એ તો જોવામાં આવે છે જ, એટલે જ એનો વ્યવહાર સંભવ છે કે નહિ એવો પ્રશ્ન જ ઊભો થતો નથી.

પ્રત્યક્ષ જ મૂળ આધાર છે. વિચાર એના પર પ્રતિષ્ઠિત છે. આ રીતે જ્ઞાન અથવા ભક્તિ એવા કોઈ પણ માધ્યમ દ્વારા જેમણે ભગવાનનું આસ્વાદન કર્યું છે અથવા એમની અનુભૂતિ કરી છે એમને યુક્તિની સહાયથી એ અનુભૂતિને પ્રતિષ્ઠિત કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તેઓ તો આ વિશે સંશયહીન બની જાય છે. પરંતુ જેમનામાં સંદેહ છે, જે પ્રતિષ્ઠિત નથી થયા એમને માટે યુક્તિની સાર્થકતા છે ખરી. વસ્તુત: પથિકો માટે યુક્તિની ઉપયોગિતા છે. પરંતુ જે લક્ષ્ય સુધી પહોંચી ગયા છે એવા લોકો જ્ઞાની હોય કે ભક્ત, એમને યુક્તિની કોઈ આવશ્કયતા નથી હોતી.

ઉત્તર ભારતમાં એક જ્ઞાની સંન્યાસી વિશે મેં સાંભળ્યું છે કે શાસ્ત્રચર્ચા કરતી વખતે ભાવવિભોર બનીને ‘સર્વમ્‌ ખલુ ઈદમ્‌ બ્રહ્મ’ તેઓ કહેતા. ‘આ બધું ભરેલું છે’ કહેતી વખતે એમની મુખાકૃતિ પર જાણે કે એક જ્યોતિ ફેલાઈ જતી. આવી હોય છે અનુભવની શક્તિ! કોઈનેય પ્રત્યક્ષ અનુભવ થતાં જ તે આવું કહી શકશે. ભક્તિ વિશે પણ આ જ વાત છે. તોતાપુરીને ભક્તિનો અનુભવ થયો ન હતો. એટલે તેમણે કહ્યું: ‘શું રોટલા ટીપે છે?’ તોતાપુરીને આ ભક્તિ વિશે અનુભવ નથી એટલે તેઓ એને સમજતા નથી, આવું વિચારીને શ્રીઠાકુર હસે છે.

શ્રીઠાકુર જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થયા છે અને ભક્તિના સારનું પણ આસ્વાદન એમણે કરી લીધું છે. એ બંને એમની સમક્ષ સુસ્પષ્ટ છે. એટલે તેઓ આટલા મોટા જ્ઞાની તોતાપુરીની અપૂર્ણતા જોઈને હસે છે. આપણે ઘડીએ ઘડીએ રંગ બદલનારા પેલા કાચંડાની વાત યાદ રાખવી પડશે. ભગવાનનાં પણ અનેક રૂપ છે. જે આ વૃક્ષ નીચે રહે છે તે જાણે છે કે આ પણ તેઓ જ છે, તે પણ તેઓ જ છે; કોણ જાણે તેઓ કેટલું બધું છે. શ્રીઠાકુર કહે છે: તેઓ સાકાર પણ છે અને નિરાકાર પણ, અને એનાથી પર પણ છે. આવું બધું તેઓ કેમ કહે છે? સાકાર, નિરાકાર વગેરે આપણા જેવા લોકોની યુક્તિ વિચારનો શબ્દપ્રયોગ માત્ર છે. ભગવાન વિશે આપણે જે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ એમને આપણે બુદ્ધિ દ્વારા સમજીને કરીએ છીએ. આપણી બુદ્ધિ ભગવાનના પૂર્ણ સ્વરૂપને સમજાવી શકતી નથી. શ્રીઠાકુરની ભાષામાં વાત કરીએ તો જેમ એક નાનું બાળક ઘરમાં કાકા-કાકીના ઝઘડામાં એમને ‘ભગવાનના સોગંદ’ કહેતા સાંભળી લે છે અને પછી તે પણ કહે છે ‘ભગવાનના સોગંદ’. પરંતુ ભગવાન શું છે તે એ જાણતો નથી, એની પાસે કોઈ અનુભવ નથી. એને માટે તો ભગવાન એક શબ્દ માત્ર છે.

જો તેઓ સાકાર છે તો નિરાકાર અને જો તે નિરાકાર હોય તો સાકાર કેવી રીતે હોઈ શકે? આ બંને તો પરસ્પર વિરોધી વાત છે. પરંતુ એક સ્થળે આ વિરોધ સમાપ્ત થઈ શકે છે અને તે સાધારણ મનુષ્યની વિચારશક્તિથી પર છે. આપણી બુદ્ધિ જ્યાં સુધી પહોંચી શકે છે ત્યાં સુધી એને લઈ જઈ શકાય છે અને તેની પણ જરાય સાર્થકતા ન હોય એવી વાત નથી. શ્રીઠાકુર કહે છે: જે ભગવાનનાં સ્વરૂપ તથા તત્ત્વને નથી જાણતા પરંતુ તેમનામાં જો ભક્તિ હોય તો વિચાર બુદ્ધિ વિના પણ ભક્તિની સહાયથી તે એ તત્ત્વનો અનુભવ કરી શકે છે.

ગીતાપાઠ સાંભળીને એક માણસને આંસુ વહાવતા રોતો જોઈને શ્રીચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું: ‘તમે કેમ રડો છો?’ પેલો બોલ્યો: ‘હું કંઈ સમજતો નથી, કેવળ એટલું જ જોઉં છું કે ભગવાન રથ પર બેસીને અર્જુનને ઉપદેશ આપે છે; એટલે રડું છું.’ એને ભક્તિ દ્વારા જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. આ બાજુએ પંડિતજી અનેક યુક્તિ તર્ક અને વિચારની મદદથી ગીતાની અનેક પ્રકારે વ્યાખ્યા કરે છે. પરંતુ એમને એમાંથી કંઈક પ્રાપ્ત ન થયું હોય એ સંભવ છે. વિશ્વાસ પ્રગાઢ થતાં તે સાધકને તત્ત્વ સુધી પહોંચાડી દે છે. શ્રીઠાકુર કહે છે : ‘કોઈ પૂર્વ તરફ જવા ઇચ્છે છે, તો વળી કોઈ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે, પણ કોઈને કોઈ એને રસ્તો બતાવી રહ્યું છે : આ રસ્તે નહિ, પેલે રસ્તે જાઓ. અને તે રસ્તો બદલીને પેલે રસ્તે ચાલ્યો ગયો. આમ આગ્રહ હોવો જોઈએ. મનુષ્ય જો તત્ત્વાન્વેષી હોય તો ભૂલભ્રાંતિ થવા છતાં પણ તે ધીમે ધીમે ગંતવ્યસ્થાન સુધી પહોંચી જાય છે.’ અને એવું પણ નથી કે વિચાર કરવામાં ભૂલ નથી થતી. શું નથી એવો વિચાર થાય છે, શું છે એવો નહિ. – આ રૂપે બધું ચાલે છે. જાણે કે તે શુદ્ધ ન હોય, તત્ત્વને જાણવા માટે ન હોય એવી રીતે વિચાર કરે છે. વિચાર તત્ત્વ સુધી પહોંચવામાં મદદ કરે છે એ વાત ખરી પરંતુ, એના પર પૂર્ણ રીતે આધારિત ન રહી શકાય. શ્રીઠાકુર કહે છે કે એક વ્યક્તિ ખોટે માર્ગે ચાલ્યો ગયો, ભાનજ્ઞાન થતાં જ તે સાચા માર્ગે આવી ગયો. આના પર ડોક્ટર સરકાર કહે છે: ‘એ રસ્તો ભૂલી ગયો હતો.’ તેના પ્રત્યુત્તર રૂપે શ્રીઠાકુર કહે છે : ‘હા, એવું તો બની જાય છે પણ અંતે તે મેળવી પણ લે છે.’ પહેલાં જ તેઓ કહી ચૂક્યા છે કે જ્ઞાની પણ રસ્તો ભૂલી જાય છે. અત: આ પ્રશ્ન અનુચિત છે. છતાં પણ એક વાત શ્રીઠાકુરે કહી છે: ‘ભક્ત થવું, પણ બુદ્ધુ શા માટે થવું?’ ભક્ત થતાં જ વિચાર બુદ્ધિને વિસર્જિત કરી દેવાં પડશે એવી કોઈ વાત નથી.

આત્મવિચાર

આંખો મીંચીને કે માળા ફેરવીને આપણે એમ વિચારીએ છીએ કે ભગવાન પ્રત્યે આગળ જઈ રહ્યા છીએ. પરંતુ જઈ રહ્યા છીએ કે નહિ એને શું સ્પષ્ટરૂપે જોઈએ છીએ ખરા? શ્રીઠાકુર કહે છે : ‘ધાન ખાંડતાં ખાંડતાં વચ્ચે વચ્ચે ખંડાય છે કે નહિ એ જોઈ લે છે?’ સાધનાપથમાં આત્મવિશ્લેષણની આવશ્યકતા છે. વચ્ચે જોવું પડશે કે હું બરાબર કરી રહ્યો છું કે નહિ. ‘કર્યે જાઓ, કર્યે જાઓ’ કેવળ એટલું જ કહેવામાં આવે તો એ યુક્તિસંગત નથી. ભગવાનની પ્રાપ્તિ વિશે કંઈક ધારણા રહેવી જોઈએ. એ પ્રમાણે વચ્ચે વચ્ચે વિચાર કરીને જોવું પડે કે હું આગળ વધી રહ્યો છું કે નહિ. આગળ વધવાથી લક્ષ્ય ક્રમશ: વધુ ને વધુ નજીક આવતું જશે. ગોપીઓ શ્રીકૃષ્ણને શોધી રહી છે. એક કહે છે: ચોક્કસ એ આ રસ્તે જ ગયા છે કારણ કે હું એના દેહની સુગંધ લઈ શકું છું. આ જે દેહની સુગંધ મેળવવી – કૃષ્ણગંધ પામવી – એ લક્ષ્ય તરફ આગળ વધવું ગણાય. પોતાનું વિશ્લેષણ કર્યા વિના તે બરાબર આગળ વધી રહ્યો છે કે નહિ એમ કોઈ નથી સમજી શકતો. વિચારની સાર્થકતા અહીં જ છે. વિવેક વૈરાગ્ય રહેવાથી વિચારવસ્તુ – નિર્ણયમાં સમર્થ બનશે. નહિ તો એ વિચારની કોઈ કિંમત નથી. શ્રીઠાકુર કહે છે: ‘મોટા મોટા પંડિતોમાં પણ જો હું જોઉં કે એમનામાં વિવેક-વૈરાગ્ય નથી, તો તેઓ મને ઘાસપાંદડાં જેવા લાગે છે.’

ઈશ્વર વૈચિત્ર્યમય છે

શ્રીઠાકુર ડોક્ટર સરકારને કહે છે: ‘પરંતુ એની ધારણા કરવી ઘણી કઠિન છે. જે નિરાકાર છે તેઓ વળી સાકાર કેવી રીતે બની શકે? આ સંદેહ મનમાં જાગે છે અને જો એ સાકાર હોય તો તેઓ અનેક રૂપ કેમ છે?’ ડોક્ટર સરકાર વચ્ચે વચ્ચે ટિપ્પણી કરે છે, એમાંથી જે સાર ગર્ભિત થાય છે શ્રીઠાકુર એના પર થોડીઘણી ચર્ચા કરે છે અને બાકીની છોડી દે છે. ઉપસંહાર રૂપે શ્રીઠાકુર કહે છે: ‘ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના આ બધી વાતો સમજમાં આવતી નથી. સાધકને તેઓ અનેક ભાવમાં અને અનેક રૂપે દર્શન દે છે.’ શ્રીઠાકુરે નાંદમાં ભરેલા રંગની ઘણી મજાની ઉપમા આપી છે. એક વ્યક્તિ પાસે એક મોટું વાસણ ભરીને રંગ હતો. જેને જે રંગ જોઈએ તે એક જ વાસણમાં ડૂબાડીને તેનું કપડું એ રંગમાં રંગી નાખતો. અર્થાત્‌ ભગવાન પોતાના ભક્તો પર અનેક રૂપે કૃપા વરસાવે છે, જે રૂપે જે ચાહે એ રૂપે. કોઈ અરૂપ ચાહે તો તે પણ તેને આપે છે. એમનું આ વૈચિત્ર્ય બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, આ વૈચિત્ર્ય અનુભવગમ્ય છે. જેણે એમને એક જ રૂપે નહિ પરંતુ વિવિધ રૂપે અનુભવ્યા છે તેઓ જ આ વાત કહી શકે છે. શ્રીઠાકુરે કાચંડાનું દૃષ્ટાંત આપીને સમજાવ્યું કે ભગવાનનાં સર્વ રૂપોનો અનુભવ ન થતાં તે અપૂર્ણ રહી જાય છે. તોતાપુરી વિશે તેઓ કહે છે: ‘એમને બ્રહ્માનુભૂતિ થઈ છે, નિર્વિકલ્પ સમાધિ પણ થઈ છે, પરંતુ ભક્તોના આસ્વાદ્ય ભગવાનનાં વિવિધ રૂપો વિશે તેઓ સાવ અજ્ઞ હતા. શ્રીઠાકુરના સાંનિધ્યમાં આવીને એમની આ અપૂર્ણતા દૂર થઈ. આ અપૂર્ણતા ભક્તજ્ઞાની નિરપેક્ષ અને સ્વાભાવિક છે. ભક્ત કહે છે કે જ્ઞાનીની દૃષ્ટિએ ભગવાનમાં વૈચિત્ર્ય નથી કારણ કે તેઓ દૂરથી એમને નિહાળે છે. ચૈતન્યચરિતામૃતમાં આવે છે: દૂરથી સૂર્ય એક ગોળા જેવો દેખાય છે પરંતુ સૂર્યલોકવાસી તેમાં વિવિધ પ્રકારની વસ્તુઓ જુએ છે. જ્ઞાની પણ કહે છે કે જ્ઞાનીની દૃષ્ટિ અપૂર્ણ છે, મનુષ્યની બુદ્ધિની અપૂર્ણતાને લીધે ભૂલ પણ થાય છે.

શ્રીઠાકુર કહે છે કે તમે જો કોઈ એક જ રૂપનું આસ્વાદન કરીને સંતોષ અનુભવો તો તમારે માટે એ જ યથેષ્ટ છે. પરંતુ બીજાના સિદ્ધાંત પર ટીકા ટિપ્પણી કરતાં પહેલાં તેને તેની પરીક્ષા કરી લેવી આવશ્યક છે. તેઓ વારંવાર કહે છે: પોતાના મત પ્રત્યે નિષ્ઠાવાન રહો અને બીજાના મત પ્રત્યે શ્રદ્ધાવાન બનો; નહિ તો પોતાની અજ્ઞતાનો સ્વીકાર કરી લો. બીજાની વ્યર્થ આલોચના કરવી ઉચિત નથી.

શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ સતત ભગવત્‌-ચર્ચા કરી રહ્યા છે. સાકાર-નિરાકારના દ્વંદ્વને લઈને વાતો કરતાં શ્રીઠાકુર ગંભીર તત્ત્વ સુધી પહોંચી ગયા છે. તેઓ કહે છે : ‘બ્રહ્મ જ સત્ય છે અને સંસાર મિથ્યા છે. – આ વિચાર પછી સમાધિભાવ આવતા રૂપ આદિ કંઈ પણ રહી જતું નથી.’ અર્થાત્‌ સાકાર ત્યારે નિરાકાર સુધી પહોંચી જાય છે. વિચાર પછી સમાધિ થાય છે- આ વિષે યોગીઓ અને જ્ઞાનીઓ વચ્ચે ઘણો મતભેદ છે. સુષુપ્તિ કે મૂર્છિત અવસ્થામાં જેવું થાય છે એવું જ સમાધિ અવસ્થામાં પણ મનુષ્ય માટે કોઈ બાહ્ય વ્યવહાર રહેતો નથી, શરીર-મન નિષ્ક્રિય થઈ જાય છે. જ્યારે વિચાર દ્વારા જગતના મિથ્યાપણાનો નિશ્ચય થઈ જાય છે. તેમજ એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે એ જ્ઞાનબોધ સ્થિર થઈ જાય છે ત્યારે જ્ઞાનીને માટે પરમલક્ષ્યપ્રાપ્તિ થઈ જાય છે. બ્રહ્મ સિવાય બાકીનું બધું મિથ્યા છે, આ તત્ત્વને નિશ્ચિતરૂપે સમજી લેવું એ જ જ્ઞાનીનું પરમ લક્ષ્ય છે. બ્રહ્મને કોઈ નવા રૂપે સમજવાની આવશ્યકતા હવે રહેતી નથી કારણ કે, બ્રહ્મ જ તો મનુષ્યની વાસ્તવિક સત્તા છે. બ્રહ્મની ઉપર જ જે આવરણ પડ્યું છે. તેને મિથ્યા સમજી લેવાથી જ્ઞાનીનું કાર્ય પૂરું થયું; પરંતુ આ જ્ઞાનના પરિણામે સમાધિ થશે જ, અર્થાત્‌ તેનાં દેહ, મન, ઇન્દ્રિયો વગેરે કાર્યવિરત બની જશે એવું નિશ્ચિત નથી.

સમાધિ કહેતાં જ સામાન્ય રીતે આપણા મનમાં યોગી કે ભક્તની ભાવસમાધિની વાત ઉદ્‌ભવે છે. ભાવસમાધિમાં ભક્ત જ્યારે પોતાના મનને ભગવાનમાં લીન કરી દે છે ત્યારે તેના બાહ્ય ક્રિયાકલાપ બંધ થઈ જાય છે. યોગીના મત પ્રમાણે ચિત્તને વૃત્તિશૂન્ય કરવું એ જ યોગ છે અને ચિત્ત વૃત્તિશૂન્ય થઈ જાય એટલે દેહ તેમજ ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય છે; કારણ કે મનના સંયોગ વિના એ કામ કરી શકતી નથી. યોગીજનો આને સમાધિ કહે છે. ‘સમાધિ’ શબ્દનો અર્થ છે સમ્યક્‌રૂપે આધાન કે સ્થાપના.

યોગી, જ્ઞાની તેમજ ભક્તની સમાધિ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે, એ ત્રણેય એક નથી. યોગી દ્વારા ચિત્તને વૃત્તિશૂન્ય કરી લેવાથી વૃત્તિનું કાર્ય ‘હું અને મારું’નો બોધ ઉદ્‌ભવતો જ નથી. ‘અહં મમ’ની વૃત્તિઓ શાંત થઈ જતા, શરીર વગેરેને પરિચાલિત કરનારું કોઈ રહેતું નથી. આ છે યોગીઓની સમાધિ.

ભક્ત ભગવાનમાં મનને લગાડતાં લગાડતાં એ ધ્યેય વસ્તુમાં જ એટલા તલ્લીન બની જાય છે કે, દેહ-ઇન્દ્રિયાદિ તરફ એમનું મન જતું નથી. એટલે દેહ-ઇન્દ્રિયાદિ પણ નિશ્ચલ થઈ જાય છે, આ છે ભક્તોની સમાધિ. ઉપર્યુક્ત અને આ સમાધિમાં ભેદ એ છે કે યોગી મનને વૃત્તિશૂન્ય કરે છે અને ભક્ત પોતાના મનનાં ઉપાસ્યમાં મનને લીન કરી દે છે. વળી, જ્ઞાની, ભક્ત અને યોગીની સમાધિમાં પણ ભિન્ન ભિન્ન સ્તર હોય છે.

ભક્ત અને યોગીની સમાધિની પૃથ્થકતા આપણે સ્પષ્ટ રીતે જોઈ અને જ્ઞાનીની સમાધિનું શું? જ્ઞાનીની સમાધિ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિતિ. જ્ઞાનીની સમાધિમાં દેહ, ઇન્દ્રિયાદિનો ‘હું મારા’ નો ભાવ રહેતો નથી. હવે આ ‘હું મારા’નું જ્ઞાન કે બોધ ન રહેવાથી દેહ, ઇન્દ્રિયાદિ કાર્ય કરશે કે નહીં? એના ઉત્તરમાં જ્ઞાનયોગીઓ કહે છે- એ કાર્ય કરે પણ ખરી અને ન પણ કરે. જો એ કાર્ય કરે તો એ સમજવું જોઈએ કે પૂર્વકર્મોનું ફળ છે. અહીં જેને પ્રારબ્ધ કહેવાય છે એ એના કર્મોનો હેતુ છે. એનું કારણ એ છે કે ‘હું’ નામની વસ્તુ ત્યાં રહેતી જ નથી અને રહે તો પણ એનો એક આભાસ માત્ર જ રહે છે. આ આભાસ પૂર્વાભ્યાસના ફળસ્વરૂપે આવે છે. પરંતુ એ કર્મમાં તેની કર્તવ્યબુદ્ધિ રહેતી નથી. બધું થાય છે, પણ અહંબોધ રહેતો નથી. ગીતામાં ભગવાને એને વિશેષરૂપે વર્ણવ્યું છે. हत्वापि स इमाॅंल्लोकान्‌ न हन्ति न निबध्यते।

આ કર્મ કરવા છતાં પણ ન કરવું, એ જ્ઞાનીની અવસ્થા છે, ‘देहस्‍थोऽपि न देहस्‍थ:’ દેહમાં રહીને પણ દેહમાં નથી. અર્થાત્‌ દેહના વ્યાપાર કે પ્રવૃત્તિઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે આ જ્ઞાની છે તેમજ આ જ દેહમાં એમણે જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી છે. પરંતુ ‘દેહમાં નથી’ નો અર્થ આ છે – ‘આ મારો દેહ છે’ એવું મમત્વભર્યું અભિમાન એમનામાં નથી. એમણે જાણી લીધું છે કે આ બધું મિથ્યા છે. મિથ્યાત્વનો આ નિશ્ચય એ જ્ઞાનનું પરિણામ છે. આને જ આપણે ‘બ્રહ્મસાક્ષાત્કાર’ કહીએ છીએ. પરંતુ આ શબ્દમાં પણ એક ખામી છે. જગતની બીજી વસ્તુઓને આપણે જે પ્રકારે જોઈએ એ જ રીતે બ્રહ્મને જોવાને સામાન્ય અર્થમાં ‘બ્રહ્મસાક્ષાત્કાર’ કહીએ છીએ. પરંતુ આ બરાબર નથી. ‘બ્રહ્મસાક્ષાત્કાર’નો અર્થ એ થયો કે ‘બ્રહ્મ’ને ઇન્દ્રિયગોચર કરવો. નેત્ર બધી જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ છે એટલે કે કહેવાનો અર્થ કેવળ નેત્ર જ નહીં પણ બધી ઇન્દ્રિયો છે. એના દ્વારા જે અનુભવ થાય છે, એને સાક્ષાત્કાર કહે છે પરંતુ બ્રહ્મ તો ઘટપટ જેવા કોઈ બાહ્ય વસ્તુ નથી કે જેને ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાય. અત: અહીં ‘બ્રહ્મસાક્ષાત્કાર’નો અર્થ એ લેવો પડશે કે, બ્રહ્મની ઉપલબ્ધિ કરવા માટે વચ્ચે કોઈ માધ્યમ કે ઉપાધિ નથી. જ્યારે આપણે નેત્ર દ્વારા કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે તે વસ્તુની સાથે નેત્રોનો સ્પર્શ થાય છે અને એ જ સ્પર્શ મનમાં વૃત્તિ ઉત્પન્ન કરે છે. વળી મનની વૃત્તિઓ આત્મજ્યોતિમાં ઉદ્‌ભાસિત થવાથી વસ્તુનો અનુભવ થાય છે. દાર્શનિકોના મત પ્રમાણે આ રીતે વસ્તુનો અનુભવ થાય છે. એટલે વસ્તુ સાક્ષાત્કાર કરવા માટે ઇન્દ્રિય મન ઉપરાંત પણ એમનો સહકારી કારણ, યથાપ્રકાશ, શારીરિક સ્વસ્થતા વગેરેની જરૂર પડે છે. આ સહકારી કારણો વિના વસ્તુનું જ્ઞાન કે બોધ થતાં નથી.

પરંતુ બ્રહ્મસાક્ષાત્કાર કેવી રીતે થાય છે. એ અવસ્થામાં બ્રહ્મનો અબાધ રૂપે અનુભવ થાય છે. એટલે કે કોઈ અંતરાલ કે વ્યવધાનના માધ્યમથી તે અનુભવ થાય છે એવી વાત નથી. આ સ્વસ્વરૂપની અનુભૂતિ છે, શ્રીઠાકુર એને ‘બોધમાં બોધ થવો’ કહેતા. આ જ બ્રહ્માનુભૂતિ છે, આ અનુભૂતિ થતાં જ્ઞાનીઓને સમાધિ થાય છે. એમાં દેહ નિષ્ક્રિય બને એ આવશ્યક નથી. જો દેહ કામ કરતો રહે અને જ્ઞાની એમાં પોતાના અહંને લિપ્ત ન કરે તો તે સમાધિસ્થ જ છે. આ અવસ્થામાં એમનું અભિમાન રહેતું નથી; પરંતુ દેહ, ઇન્દ્રિયાદિની ક્રિયા ચાલતી રહી શકે છે. આ જ્ઞાનીની સમાધિ છે.

અને ભક્તની સમાધિ? ભક્ત જે વસ્તુમાં મનને કેન્દ્રિભૂત કરે છે, મન જ્યારે એને છોડીને બીજી કોઈ વસ્તુ તરફ જતું નથી, ત્યારે એ ભાવને ભક્તની સમાધિ કહે છે. એના ત્રણ વિભાગ છે : બાહ્ય, અર્ધબાહ્ય અને અંતર્દશા. જ્યારે મન ઈશ્વરાભિમુખ થાય છે તેમજ વ્યવહાર પણ એના દ્વારા નિયંત્રિત થાય છે. ત્યારે એ બાહ્ય દશા કહેવાય છે. વળી જ્યારે બાહ્ય વ્યવહારનો લોપ થઈ જાય છે. આમ છતાં પણ બાહ્યસંજ્ઞા પૂરે પૂરી લુપ્ત થતી નથી એવી અવસ્થાને અર્ધબાહ્ય દશા કહે છે. આ દશામાં મનનો અધિકાંશ ભાગ ભીતર જ ખેંચાયેલો રહે છે, થોડો થોડો બહાર હોવાનો આભાસ માત્ર મળે છે. એનાથી પણ દૂર અંતર્દશામાં બધો વ્યવહાર બંધ થઈ જાય છે. આ દશાની સાથે સમાધિને ઘણો ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં પણ યોગીની સમાધિથી એ ભિન્ન છે. એનું કારણ એ છે કે ભક્ત નિર્ગુણ નિરાકારની નહીં, પરંતુ સગુણ ઈશ્વરની ઉપાસના કરે છે; અથવા નિર્ગુણની ઉપાસના કરે તો પણ, પોતાની જાતને પૂર્ણ રીતે લીન કરી દેવાના ઉદ્દેશ્ય સાથે એ કરતો નથી.

ભક્ત અને ઈશ્વર

શ્રીઠાકુરે અહીં જે કહ્યું છે કે, સમાધિ અર્થાત્‌ સમ્યક્‌ રૂપે ઈશ્વરમાં સ્થિતિ થવાથી રૂપ આદિ ઊડી જાય છે. અર્થાત્‌ એમના વિષે મિથ્યાપણાનો નિશ્ચય થઈ જાય છે, ઈશ્વરનો વ્યક્તિરૂપે બોધ નથી થતો- આ એક ગહન દાર્શનિક વાત છે. ભક્ત ભગવાનને વ્યક્તિરૂપે જ વિચારે છે અને જુએ છે. વ્યક્તિત્વનો અર્થ છે એ વસ્તુની એક એવી વિશેષતા કે જે તેને બીજી વસ્તુઓથી અલગ પાડી દે છે. એની ચારે બાજુએ જાણે કે એક ઘેરો બનાવી દે છે. જ્યાં સુધી આપણે ઈશ્વરને પૃથક્‌ રૂપે જોઈએ છીએ. ત્યાં સુધી આપણે માટે એમનું આ ઘેરાયેલું વ્યક્તિત્વ જ રહે છે. પરંતુ જ્યારે ઈશ્વર સિવાય બીજો કોઈ જ્ઞાન કે બીજો કોઈ બોધ રહેતો નથી ત્યારે ઈશ્વરનું વ્યક્તિત્વ પણ રહેતું નથી. ઈશ્વરને ઇશિતા કે નિયંતા કહે છે. જગન્નિયન્તાના રૂપે તેઓ વ્યક્તિ છે કારણ કે, જેનું તેઓ નિયંત્રણ કરે છે તેનાથી તેઓ પૃથક્‌ છે. પરંતુ જો જગતનું અસ્તિત્વ જ લોપ થઈ જાય તો પછી તેઓ શેનું નિયંત્રણ કરશે? ત્યારે એમનું ઐશ્વર્ય ક્યાં રહેવાનું? અત: ત્યારે તે ઈશ્વર રહેતા નથી, ત્યારે એમને વ્યક્તિ કહી ન શકાય.

સ્વાભાવિક રૂપે જ મનમાં આ પ્રશ્ન ઊભો થાય કે તો પછી એ છે શું? ઈશ્વરનાં લક્ષણો એમના પર પ્રયુક્ત ન થવાથી આપણે એમનું કેવી રીતે વર્ણન કરીએ? આપણે તો તેઓ સર્વાત્મા છે, સર્વેશ્વર છે, સર્વત્ર તેઓ જ ઓતપ્રોત છે, બધાંને તેઓ ચલાવી રહ્યા છે, વગેરે રૂપોમાં એમનું વર્ણન કરીએ છીએ. આ બધું નિવૃત્ત થતાંની સાથે જ, આપણે એમને કેવી રીતે સમજીશું? કઈ રીતે એમનું વર્ણન કરીશું? શ્રીઠાકુર એનો જવાબ આપે છે : ‘તેઓ શું છે, એ મુખે ન કહી શકાય. અને કહે પણ કોણ? જેઓ કહેવાના છે તેઓ જ રહ્યા નથી.’ શ્રીઠાકુરના ‘મીઠાની પુતળી દ્વારા સમુદ્ર માપવા’નું સુંદર દૃષ્ટાંત અહીં ઘણું સાર્થકરૂપે જોડી શકાય. સમુદ્ર લવણમય છે, મીઠાનું પૂતળું પણ એ જ છે- તત્ત્વત: બંને એક જ પ્રકારના હોવા છતાં પણ બંને અલગ અલગ છે. એક સ્થળે તે તરલ તેમજ ફેલાયેલું છે અને બીજી જગ્યાએ ઘનરૂપમાં છે. આ રૂપવિશિષ્ટ વ્યક્તિ અરૂપ સમુદ્રના આયતન વિષે શોધખોળ કરે છે. સમુદ્રની ભીતર જઈને ગળી ગયું, હવે એનું અલગ અસ્તિત્વ રહ્યું નહીં. તો હવે કોણ બતાવશે કે સમુદ્ર કેટલો ઊંડો છે, કેટલો લાંબો છે, કેટલો પહોળો છે? આપણે લોકો આપણા સીમિત વ્યક્તિત્વ દ્વારા આપણા સૃષ્ટા તેમજ નિયંતાના તત્ત્વનું અનુસંધાન કરી રહ્યા છે. એ વિશે સત્ય સુધી પહોંચવા મથી રહ્યા છીએ. આ પથ પર ચાલતાં ચાલતાં આપણા પોતાના સ્વરૂપની ધારણામાં પણ પરિવર્તન થતું જાય છે, આમ થતાં થતાં આપણે એવી અવસ્થાએ પહોંચીએ છીએ કે જ્યાં ‘હું’ રહેતું નથી, ગળી જાય છે. ત્યારે બ્રહ્મની ચર્ચા ભલા કરે કોણ?

આ વાત ઘણી ગંભીરતાપૂર્વક વિચારવાની છે. આપણે બ્રહ્મ થઈ જઈએ છીએ. ‘ब्रह्मविद्‌ ब्रह्मौव भवति’- બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાન દ્વારા બ્રહ્મ જ બની જાય છે. ‘ભવતિ’ કે ‘થઈ જાય છે’ ઉક્તિનો અર્થ શું બ્રહ્મમાં પરિણીત થવું એ છે? ના, એવી વાત નથી. સ્વસ્વરૂપે તો બ્રહ્મ જ હતા, પરંતુ તેણે સ્વયંને એનાથી એક અલગ વ્યક્તિ સમજીને એનાથી ભિન્ન એવા એક ઈશ્વરનું ચિંતન કર્યું. આ ચિંતન કરતાં કરતાં તેનું મન શુદ્ધ થઈ જાય છે, વ્યક્તિત્વમાં પરિવર્તન થતું રહે છે અને સાથે ને સાથે તેની ઈશ્વર વિશેની ધારણા પણ બદલતી જાય છે. ક્રમશ: એક એવી અવસ્થા આવે છે કે જ્યારે તેના પોતાના વ્યક્તિત્વનો લોપ થઈ જાય છે. ત્યારે તે પોતાના ઈશ્વરનું પૃથ્થક્‌ રૂપે ચિંતન કરી શક્તો નથી. એટલે તે ઈશ્વર સ્વરૂપ બની જાય છે, જે હતું તે જ રહી ગયું, એની ભીતર કોઈ પરિવર્તન ન આવ્યું કેવળ જે આવરણને કારણે તે પોતાને ઈશ્વરથી ભિન્ન સમજતો હતો તે આવરણ દૂર થઈ ગયું અને એની સાથે જ પૃથકતાની ભ્રાંતિ પણ દૂર થઈ ગઈ. હવે ઈશ્વરના સ્વરૂપનો નિર્ણય કોણ કરે, એટલે જ બ્રહ્મ શું છે? એ કોઈ કહી શક્તું નથી. જે કહેવાનો છે તે રહેતો નથી. બ્રહ્મમાં કહેવા જેવાં લક્ષણ હોત તો તેઓ વ્યક્તિ બની જાત. આપણે કેટલાંક એવાં લક્ષણો દ્વારા કોઈ એકને વ્યક્તિ કહીએ છીએ, જે એને બીજાથી અલગ કરે છે. પરંતુ જ્યારે તેનાં બધાં લક્ષણ અને ગુણ તેનાથી દૂર થઈ ગયા ત્યારે બીજાથી અલગ કરવા યોગ્ય કોઈ ઉપાધિ એમાં રહેતી નથી. એ વખતે એનું ક્યાં શબ્દોમાં વર્ણન કરીશું?

‘બ્રહ્મ’ શબ્દ-અગોચર છે

એટલે શ્રીઠાકુરે વારંવાર કહ્યું, શાસ્ત્રોએ પણ લખ્યું છે : ‘अशब्दमस्‍पर्शमरुपमव्ययं तथाऽरसं नित्‍यमगनगन्धवच्चयत्‌-’ અર્થાત્‌ બ્રહ્મનાં લક્ષણ ‘અ’ અ પ્રત્યય લગાડીને બતાવ્યાં છે. તેઓ આ નથી, તેઓ તે નથી; તેઓ ઇન્દ્રિય, મન, બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય એવો કોઈ વિષય નથી. તો પછી તેઓ છે શું? તેઓ જે કંઈ પણ છે મુખ કે વાણીથી કહેવામાં અસમર્થ બનીને કહેવાય છે કે, તેઓ આ બધા ગ્રાહ્ય વિષયોનો આધાર છે. વળી ગ્રાહ્ય વિષયોને જો ભ્રમ કહેવાય તો એ બધા ભ્રમનું અધિષ્ઠાન થયા. આ રીતે ભ્રમનું એક અધિષ્ઠાન સ્વીકાર્યા વિના ભ્રમને સ્વીકારી ન શકાય. જેમ સાપ એક ભ્રમ છે; એ ભ્રમ ક્યાં થાય છે? દોરડીમાં અત: દોરડી અધિષ્ઠાન છે. જેના પર સાપ આરોપિત થાય છે. એવી રીતે આ જગતરૂપી ભ્રમનું અધિષ્ઠાન શું છે? આપણે એક શબ્દ કહીએ છીએ- ‘બ્રહ્મ’, જેનો અર્થ છે વ્યાપક, બૃહત્‌, અર્થાત્‌ આપણે જ્યાં જ્યાં ભ્રમ જોઈએ છીએ ત્યાં ત્યાં અધિષ્ઠાન એક વસ્તુ છે. અર્થાત્‌ સમસ્ત ભ્રમમાં તેઓ વ્યાપક રૂપે વિદ્યમાન છે – આ જ એમની વ્યાપક્તા છે. પણ આ નિરપેક્ષ વ્યાપક્તા નથી, ભ્રમની સાપેક્ષતામાંની વ્યાપક્તા છે. અત: વ્યાપક્તા પણ એના પર આરોપિત છે. એ જે વસ્તુ પર આરોપિત થાય છે, જ્ઞાની એ જ વસ્તુને જાણે છે. એનું તાત્પર્ય શું? એનું તાત્પર્ય એ કે તેઓ અન્ય બધી વસ્તુઓને આરોપિત રૂપમાં જાણે છે. અધિષ્ઠાનને નવી રીતે જાણવું પડતું નથી. અધિષ્ઠાનના જ્ઞાન વિના ક્યારેય આરોપિત વસ્તુનું જ્ઞાન, દોરડીના જ્ઞાન વિના ક્યારેય સાપનું જ્ઞાન થતું નથી. જે દોરડીને નથી જોતો, તે સાપને પણ નથી જોતો. ભ્રમ એમ આપણે ત્યારે જ કહીએ છીએ કે જ્યારે કોઈ દોરડીના રૂપે દોરડીને જોતો નથી, સાપના રૂપે જુએ છે. બ્રહ્મના રૂપે નહીં પણ જગતના રૂપે જુએ છે. જેમ સાપને દોરડીમાં અને જગતને ભ્રમમાં લય કરી દેવામાં આવે ત્યારે જે વસ્તુ રહી જાય છે, તેને ‘બ્રહ્મ’ કહેવા છતાં પણ તે આ બ્રહ્મ શબ્દનો વાચક બની જતો નથી. અન્ય વસ્તુઓની સત્તાનો અનુભવ કરીને એની ભીતર તેઓ બ્રહ્મ રૂપે અધિષ્ઠિત છે, એ કારણે એને વ્યાપક કે બ્રહ્મ કહે છે. શાસ્ત્રોમાં ‘સચ્ચિદાનંદ’ વગેરે બ્રહ્મવાચક શબ્દોની આ રીતે વ્યાખ્યા થઈ છે. અત: ‘બ્રહ્મ’ શબ્દથી અગોચર છે. એટલે શ્રીઠાકુર કહે છે ‘તે બ્રહ્મ શું છે એ મુખે ન કહી શકાય.’

કેવળ બોધરૂપે એમનું જ્ઞાન થાય છે

અહીં એક બીજી વાત પણ છે જો તેઓ સર્વવ્યક્તિત્વરહિત હોય; ઇન્દ્રિય, મન, બુદ્ધિથી અગોચર હોય; તો પછી આપણે એ વસ્તુનો સ્વીકાર જ કેમ કરીએ. એ વસ્તુનો શું કોઈએ અનુભવ કર્યો છે ખરો? કોઈએ નથી કર્યો? એટલે એમના હોવાનું પ્રમાણ નથી. શ્રીઠાકુર એનો ઉત્તર આપે છે ‘ત્યારે કેવળ બોધરૂપે એમનું જ્ઞાન થાય છે.’ જ્યારે બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે ત્યારે તેઓ એ શુદ્ધ બુદ્ધિના સ્વરૂપના રૂપે પ્રતીત થાય છે, વિષયના રૂપે નહીં. બુદ્ધિ એ સમયે બ્રહ્મસ્વરૂપતાનો અનુભવ કરી લે છે. મલિનતા રહેવા છતાં પણ બુદ્ધિ એમનાથી ભિન્ન થઈ જાય છે, વાસ્તવિક સ્વરૂપને વ્યક્ત કરી શક્તી નથી. જેમ કાચના ઉપર રંગ લગાડીને જોવાથી બધી વસ્તુઓ રંગીન દેખાય છે બરાબર એ જ રીતે બુદ્ધિના ઉપર પ્રલેપ લગાડીને આપણે આ જગતના ઘટપટાદિ તથા પોતાના ‘હું’ સુધીના સૌને રંગીન જોઈએ છે. પરંતુ પ્રલેપને બરાબર ધોઈને સાફ કરી દેવાથી જે બુદ્ધિ બચી જાય છે તે શુદ્ધ બુદ્ધિ છે; અને બોધરૂપે જ્ઞાન થવાનો અભિપ્રાય આ છે- એ શુદ્ધ બુદ્ધિમાં વસ્તુનું અભિન્ન રૂપે સ્વયં પ્રકાશ અવસ્થામાં રહેવું. એને કોઈ જુએ છે એવું કહી ન શકાય. તેઓ સ્વયં પ્રકાશ, સ્વમહિમામાં પ્રતિષ્ઠિત રહે છે. જેમ એક વસ્તુ કોઈ અન્ય વસ્તુ દ્વારા પ્રકાશિત થાય છે બ્રહ્મ એવી જ રીતે કોઈ અન્ય વસ્તુથી પ્રકાશિત થતાં નથી, સ્વયં જ સ્વયંને પ્રકાશિત કરે છે. અહીં કર્તૃ-કર્મનો વિરોધ નથી થતો કારણ કે તેનો પ્રકાશ વિષયરૂપ નથી, એ નિર્વિષયરૂપ છે.

અહીં વેદાંતના ગૂઢ તત્ત્વને શ્રીઠાકુર સહજ ભાષામાં કહે છે : ‘ત્યારે કેવળ બોધરૂપે જ એમનું જ્ઞાન થાય છે.’ મનબુદ્ધિ સીમિત છે, એના દ્વારા જે પકડમાં આવશે તે પણ સીમિત જ હશે. માછલી પકડવાની જાળમાં કઈ સમુદ્રને પકડી શકાય ખરો? જાળ સમુદ્રના એક અંશમાં પડી રહે છે, અને સમુદ્ર જેમ છે એમ જ રહી જાય છે. બ્રહ્મ અસીમ છે, અત: એમને આ મનબુદ્ધિરૂપી યંત્ર દ્વારા ક્યારેય પકડી ન શકાય. છતાં પણ મનબુદ્ધિની સહાય વિના એમને જાણવાનો પ્રયાસ પણ આપણે ભલા કેવી રીતે કરીએ? તો પછી શું આપણે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે જે આપણી મનબુદ્ધિથી અતીત છે, એમને જાણવાનું કોઈ ઉપાય જ નથી શું?

સર્વભાવમય શ્રીરામકૃષ્ણ

શ્રીઠાકુર કહે છે : એવું કેમ છે? કારણ કે મનબુદ્ધિ એમને જાણવાનો પ્રયત્ન કરતાં કરતાં શુદ્ધ થતાં રહે છે. મીઠાનું પૂતળું સમુદ્રને માપવાની ચેષ્ઠા કરતાં કરતાં ધીમે ધીમે ગળતું જાય છે. એવી જ રીતે ધીરે ધીરે તેની ત્યાં જ પરમ શુદ્ધિ થતી રહે છે, ત્યારે એનું પહેલાંનું સીમિત અસ્તિત્વ કે જેને કારણે તે બાહ્ય વ્યક્તિના રૂપે પ્રતિભાત થઈ રહ્યું હતું, જેને પરિણામે તે પોતાને બ્રહ્મથી પૃથક્‌ અનુભવ કરતું હતું તે અસ્તિત્વ ક્રમશ: લુપ્ત થઈ ગયું. તે ક્યાં ગયું? વાસ્તવિક સ્વરૂપમાં જ લીન થઈ ગયું. આ રીતે સીમિત મન જ્યારે બધી જ સીમાઓનું ઉલ્લંઘન કરીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. ત્યારે તેને ‘બોધના રૂપે એમનું જ્ઞાન થવું’ કહે છે.

શ્રીઠાકુર આ વાતને એક બીજા પ્રકારે પણ સમજાવવાનો પ્રયાસ કરે છે : ‘મેં સાંભળ્યું છે કે, બરાબર ઉત્તરમાં ને દક્ષિણમાં સમુદ્ર છે. ત્યાં એટલી ઠંડક રહે છે કે પાણી પર બરફની શિલા બની જાય છે. ત્યાં જહાજ પણ નથી ચાલતાં ત્યાં જઈને અટકી જાય છે.’ ઠંડીનો અર્થ છે ભક્તિ; પાણી શું છે? બ્રહ્મસમુદ્ર. ભક્તિની ઠંડીથી જામીને બરફ થઈ ગયો છે. ક્યાંક ક્યાંક પાણી જામીને બરફ થઈ જાય છે. જળમાં આકાર નથી, પરંતુ બરફને આકાર છે. શ્રીઠાકુર કહે છે : આ બરફની વચ્ચે જહાજ નથી ચાલતાં, અટકી જાય છે. અર્થાત્‌ ભક્ત માટે ભગવાન સગુણ અને સાકાર છે. 

ડોક્ટર સરકાર એનો ઊલટો અર્થ કાઢીને કહે છે : ‘ભક્તિના માર્ગમાં માણસ અટકી જાય છે.’ અર્થાત્‌ એની પ્રગતિ થતી નથી. શ્રીઠાકુર તરત કહે છે : ‘હા, એવું થાય છે ખરું પરંતુ એનાથી હાનિ થતી નથી. એ સચ્ચિદાનંદ- સાગરનું પાણી જ બરફના આકારે જમા થાય છે.’ જહાજ જે બરફમાં અટકી જાય છે એ બરફ છે શું? સમુદ્ર જ પોતાની એક અવસ્થામાં બરફમાં પરિણત થયો છે એટલે અટકવા છતાં પણ બ્રહ્મ સિવાય એ બીજે ક્યાં અટકશે? વળી તેઓ કહે છે કે : ‘જો વધુ વિચાર કરવા ઇચ્છો- જો બ્રહ્મ સત્ય છે અને સંસાર મિથ્યા -આ વિચાર કરવા ઇચ્છો તો એમાં કાંઈ નુકસાન નથી.’ જો બરફમાં અટકી જવાનો તમને પસંદ ન હોય તો વિચાર કરો. વિચાર જ્ઞાનસૂર્ય છે, તેનાથી બરફ પીગળી જશે. પીગળી જવાથી પણ શું તે નાશ પામી ગયો છે ખરો? ના, જે બરફના રૂપે હતો તે જ સમુદ્રના રૂપે રહી ગયો, બંને એક જ વસ્તુ તો છે.

ભક્તે જે ભગવાનને સગુણ સાકારના રૂપે મેળવ્યા છે, જ્ઞાની એને નિર્ગુણ નિરાકાર કહે છે. વસ્તુ એક જ છે- બંને એને બે રૂપે અનુભવ કરી રહ્યા છે. આમાંથી ક્યું સાચું છે? શ્રીઠાકુરના મત પ્રમાણે બંને સાચા છે. જ્ઞાની કહેશે જેમાં પરિવર્તન થાય છે તે વળી સત્ય કેવી રીતે હશે- તમારું જ તો આ દૃષ્ટાંત છે ‘દરેક પરિવર્તનશીલ વસ્તુ અનિત્ય છે,’ સંસારની સીમિત વસ્તુઓ પર એ બરાબર બેસે છે પરંતુ જો ભગવાન સંસારની ભીતર સીમિત નથી, એમને માટે શું આ દૃષ્ટાંત ચાલી શકે ખરું? અત: પોતાના આ દૃષ્ટાંતથી તમે અમારા ભગવાનને મિથ્યા ન કહી શકો. મેં અનુભવ કર્યો છે એ રસમાં હું ડૂબ્યો છું. શ્રીઠાકુર, ભક્ત અને જ્ઞાની એવા દરેક ભાવના લોકો પ્રત્યે સહાનુભૂતિ સંપન્ન છે. ખાટું, મીઠું, ચટપટું, રસાદાર એ બધાનું રસાસ્વાદન કરે છે. તેઓ કહે છે : એમને સાકાર રૂપે જોઈશ, બધી રીતે આસ્વાદન કરીશ. શ્રીરામકૃષ્ણના દૃષ્ટિકોણની આ વિશિષ્ટતા છે.

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.