(ગતાંકથી આગળ)
સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા
પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે. જે અત્યંત આસક્ત છે એમનું ધર્મજીવન હજુ આરંભાયું નથી. શ્રીઠાકુર કહે છે: ‘ખાઈ લો, પહેરી લો.’ અર્થાત્ ભોગ ભોગવી લો. પરંતુ એનાથી જીવનની અતૃપ્તિ દૂર નહિ થાય. આ રૂપરસ વગેરેનાં આકર્ષણ મનુષ્યને થોડા સમય માટે મુગ્ધ કરી શકે છે, પરંતુ એની ભીતર પોતાના પૂર્ણ સ્વરૂપને પામવાની આકાંક્ષા સૂતેલી હોય છે. તે ક્ષણિક આનંદ નહિ પરંતુ નિરવિચ્છિન્ન, અનંત, અપાર આનંદ પામવા ઇચ્છે છે. દેશકાળ નિમિત્ત દ્વારા સીમિત ન હોય એવા આનંદને મેળવ્યા વિના મનુષ્યને તૃપ્તિ મળતી નથી. એટલે જેમને સંસારમાં આસક્ત બદ્ધ જીવ કહે છે તેમને માટે પણ મુક્તિનો એક ઉપાય છે. ભગવાને એમને એક પ્રકારની અતૃપ્તિ આપી રાખી છે. સ્વામીજી એને દિવ્ય અતૃપ્તિ- Divine discontent – કહે છે. ચોતરફ આ દિવ્ય અતૃપ્તિ જ આ નિરવિચ્છિન્ન આનંદ કેવી રીતે કેળવી શકાય એની શોધ કરવા મનુષ્યને બાધ્ય કરે છે. વિલાસિતા, સુખ અને સમૃદ્ધિની વચ્ચે વચ્ચે આ અતૃપ્તિનો અસંતોષ જાગી ઊઠે છે. એવું લાગે છે કે જાણે કોઈ અભાવ એવો છે કે જે અત્યાર સુધી પૂરો થયો નથી અને જગતની ભોગ્ય વસ્તુઓમાં એ મળતો પણ નથી. ભગવાન બુદ્ધનું ઉદાહરણ આપીને કહેવાય છે કે વિપુલ રાજ-ઐશ્વર્ય તેમજ ભોગસુખની વચ્ચે પણ એમનું હૃદય એક અવ્યક્ત વેદનાથી વ્યાકુળ રહેતું. ક્રમશ: આ જ વેદનાએ પ્રગટ થઈને એમની પાસે સંસારનો ત્યાગ કરાવ્યો. તો પછી શું બધાએ સંસારનો ત્યાગ કરવાનો રહેશે? આ જ પુરાણો જૂનો પ્રશ્ન અને એ જ જૂનો જવાબ – ના. શ્રીઠાકુરે એમ કરવાનું કહ્યું પણ નથી. પરંતુ સંસારાસક્તિ અને ભગવદાસક્તિ બંને એકીસાથે રહી ન શકે – ‘દોઉ સંગ નહિં રહ સકહિં, રવિ રજની ઈક ઠામ’. દિવસ અને રાત, પ્રકાશ અને અંધકારની જેમ સંસાર પ્રત્યેની આસક્તિ અને ભગવાન પ્રત્યેનો અનુરાગ બંને ક્યારેય એકીસાથે મળી શકતા નથી. એક બીજાને દૂર કરી મૂકે છે. સંસાર પ્રત્યેની આસક્તિએ ભગવાન પ્રત્યેની આસક્તિને મ્લાન બનાવી રાખી છે. પરંતુ સાધનાના પરિણામે સંસારાસક્તિ ક્રમશ: શિથિલ બનશે અને ભગવદાનુરાગ પ્રબળ થશે. જ્યાં સુધી આવું નથી થતું ત્યાં સુધી સંસારમાં ડૂબતાં, ઊતરતાં રહેવું પડશે; અસીમ દુ:ખ સહેવાં પડશે. આઘાત પછી આઘાત પામીને, થોડા વૈરાગ્યની પ્રાપ્તિ કરીને એવું બની શકે છે કે દૃષ્ટિ અંદર તરફ વળી જાય. આ વ્યવસ્થા પણ એમણે કરી રાખી છે. સૃષ્ટિની સંરચના એવી છે કે મનુષ્ય ચિરકાળ સુધી આત્મવિસ્મૃત રહી શકતો નથી. ક્યારેક ને ક્યારેક એના મનમાં એક આકાંક્ષા જાગવાની જ. એ સંભવ છે કે એ આકાંક્ષાને તે બરાબર વ્યક્ત નહિ કરી શકતો હોય; તે બરાબર શું મેળવવા ઇચ્છે છે તે સમજતો નહિ હોય પણ કંઈક ને કંઈક તે ઇચ્છે છે અને તેને મેળવ્યા વિના તેને તૃપ્તિ મળવાની નથી. જીવને ભગવાનનું આ જ સર્વશ્રેષ્ઠ દાન છે.
ક્યારેક ક્યારેક આપણે કહીએ છીએ કે ભગવાને દુ:ખકષ્ટ દીધાં છે પરંતુ એ એમનું મહાદાન છે. સુખમય સંસારમાં ડૂબ્યા રહેવાથી શું આપણે ક્યારેય એમનું રસાસ્વાદન કરી શકીએ ખરા? ના, આ પરમાનંદથી આપણે ચિરકાળ સુધી વંચિત રહેત. સંસારમાં એટલી બધી સમસ્યાઓ છે, એટલાં દુ:ખયાતનાઓ સહન કરવાં પડે છે; એમને એ દૃષ્ટિએ જો જોઈએ તો એવું લાગશે કે અરે, એમની કેટલી દયા છે!
દિવા નિશી જતો દુ:ખ દિયેછો દિતેછો તારા;
સે તો સુધુ દયા તબ, જેનેછિ માઁ દુ:ખહરા.
હે જગદંબા! તમે જેટલાં દુ:ખ દીધાં છે અને દિવસરાત જે દુ:ખ આપી રહ્યાં છો એ બધું હવે હું સમજી ગયો છું, એ તમારી દયાનું જ ફળ છે. જો એમનાં આ દુ:ખકષ્ટોને એમની અસીમ કૃપા ગણીને સ્વીકાર કરી શકીએ તો એટલું સમજી લેવું જોઈએ કે આપણામાં ક્રમશ: પ્રભુપ્રત્યે વધુ આગળ વધવાની યોગ્યતા આવતી જાય છે. શ્રીઠાકુર પાસે આવી જ પ્રાર્થના કરવી જોઈએ કે જેવા હોઈએ તેવા અમારું મન એમના પ્રત્યે થોડું જાય જેથી સંસારની આસક્તિ ધીમે ધીમે શિથિલ થઈ જાય. ત્યાર પછી સંસારત્યાગ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અસલ વસ્તુ તેઓ જ છે. સંસાર ત્યજીને આપણે જઈશું ક્યાં? જ્યાં સુધી તેઓ આપણા હૃદયને પરિપૂર્ણ નથી કરી દેતા ત્યાં સુધી જાણે કે જવાનું કોઈ સ્થાન જ નથી. તેઓ જ એકમાત્ર એવા આશ્રય છે કે જ્યાં આ સમગ્ર દુ:ખોનો અંત આવે છે. આપણે આ દુ:ખોની વચ્ચેથી પસાર થઈને એમના પ્રત્યે આગળ વધી શકીએ, એવી પ્રાર્થના કરવાનું શ્રીઠાકુર આપણને શીખવે છે.
શ્રીઠાકુરે ‘પહેલાં મનને તૈયાર કરીને સંસારમાં પ્રવેશ કરવાનું’ તો આપણને કહી દીધું. પણ આપણામાંથી એવું કેટલા લોકો કરે છે? આપણામાંથી કેટલા લોકો ભગવાનને ચાહે છે? વિશેષ ઉદ્દેશ્યને સાથે રાખીને મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે એવી વાત નથી. ગતાનુગતિક ભાવથી જીવન ચાલે છે. નાનામાંથી મોટા થયા, પછી વિવાહ આદિ કર્યાં, સંસારમાં કામકાજ કર્યાં અને મરી ગયા. વંશપરંપરાથી આ રીતે બધું ચાલતું રહ્યું છે. જીવનના ઉદ્દેશ્ય વિશે કેટલા લોકો જાગ્રત રહે છે? જીવન જાણે કે એક ઉદ્દેશ્યહીન યાત્રા છે, આવી યાત્રાની કોઈ સાર્થકતા નથી. એટલે જ આપણે રખડતાં-રવડતાં મરીએ છીએ. જે લોકો ગતાનુગતિક ભાવથી જીવન વિતાવી રહ્યાં છે એમને વિશે શ્રીઠાકુર અહીં કહેતા નથી. અહીં તો તેઓ એવા સાધકોની વાત કરે છે કે જે પ્રભુને પ્રાપ્ત કરવાના હેતુથી સંસારમાં પડે છે. એટલે તેઓ કહે છે કે મનને તૈયાર કરીને જવાથી ગૃહસ્થાશ્રમ પ્રતિકૂળ બનતો નથી. થોડા ભયની વાત પણ એમણે કહી – કાજળની કોટડીમાં રહેવાથી થોડોઘણો ડાઘ તો લાગવાનો જ. પણ એમ પણ કહ્યું કે એ ડાઘથી કોઈ ક્ષતિ થતી નથી. જેમને તેઓ સૌની સમક્ષ ઉદાહરણ રૂપે પ્રસ્તુત કરવાના હોય તેઓ ચમેલીના ફૂલની જેમ નિર્મળ – ડાઘ વિનાના બને એમ ઇચ્છે છે. પરમ લક્ષ્યને સ્થિર કરવા તેઓ પૂર્ણ રીતે ચમેલીની જેમ જ આગમાંથી છટકીને બહાર પડેલા પોંકના કણનું ઉદાહરણ આપે છે. એટલે કે મનથી જ સંસારનો ત્યાગ કરવો એ યથેષ્ટ નથી. બહારનો ત્યાગ પણ જરૂરી છે. આ ત્યાગમય જીવનની આવશ્યકતા છે.
રાજા જનક
રાજા જનકનું દૃષ્ટાંત ઘણું પ્રચલિત છે. શ્રીઠાકુર કહે છે: કહેવા માત્રથી જ શું કોઈ જનક રાજા થઈ જાય છે ખરા? તેઓ વિદેહ જનક બની ગયા હતા. વિદેહ અર્થાત્ દેહબોધરહિત અવસ્થા. જે દેહબોધથી રહિત છે તે ભલે સંસારની ભીતર રહે કે બહાર એને માટે એ બંને સરખું છે. એનું કારણ એ છે કે કેવળ એનું શરીર જ સંસારમાં રહે છે. જે ‘હું દેહ નથી’ એ જ્ઞાનમાં સ્થિત-સ્થિર રહે છે, એને માટે સંસારમાં રહેવું અને સંસારનો ત્યાગ કરવો બંને સરખાં છે. પરંતુ જ્યાં સુધી ‘હું’નું અવલંબન રહે છે ત્યાં સુધી દેહબોધ પણ એમને એમ રહે છે. દેહબોધ રહેવાને કારણે શું ગ્રાહ્ય છે અને શું ત્યજવા જેવું છે એવું વિચારવાની આવશ્યકતા રહે છે. આમ ન હોય તો એવા વિચારની જરૂર રહેતી નથી.
રાજા જનકના વિશે સંન્યાસીઓનો એક મત સાંભળ્યો છે. તેઓ કહે છે કે રાજા જનક ગૃહસ્થોના આદર્શ હોઈ શકે છે પણ ત્યાગીઓના નહિ. વિદેહી બનીને પણ પ્રારબ્ધને કારણે સંસારમાં રહેવું પડ્યું. એ લોકો કહે છે કે રાજા જનક સંસારમાં રહી શકે છે, પણ શા માટે રહે છે? એમને સંસારમાં રહેવાની આવશ્યકતા નથી. આ વિધિનું વિધાન હતું કે ગૃહસ્થ લોકો તેમને આદર્શ રૂપે મેળવી શકે; એટલે તેઓ સંસારમાં રહ્યા. આચાર્ય શંકરે ગીતાની વ્યાખ્યા કરતા એમને વિશે આમ કહ્યું છે: ‘કર્મણૈવ સંસિદ્ધિમાસ્થિતા જનકાદય:’ અર્થાત્ જનકે કર્મ દ્વારા સંસિદ્ધિ કે મુક્તિ મેળવી હતી. એમણે કર્મ દ્વારા મુક્તિ મેળવવાની બે પ્રકારની વ્યાખ્યા કરી છે. કર્મ દ્વારા જનક આદિએ મુક્તિ મેળવી છે તેઓ સાધક હતા કે સિદ્ધ? સાધક રહ્યા હોય તો નિષ્કામભાવે કર્મ કરતાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે કે પછી ‘કર્મણાસહ’-કર્મને એક કરણ કે ઉપાય રૂપે સ્વીકારવામાં આવ્યું છે. કર્મ એમને મુક્તિ પથમાં બાધક બનતું નથી. અહીં રાજા જનક મુક્ત નથી એમ પણ કહી શકાય છે. મુક્ત બનીને પણ એમણે કર્મસહ નિવાસ કર્યો છે, દૈવનિર્દિષ્ટ બનીને તેઓ એની ભીતર રહ્યા હોય. દૃષ્ટાંત રૂપે કહી શકાય કે નાગ મહાશયે જ્યારે શ્રીઠાકુર સમક્ષ સંસારત્યાગની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીઠાકુરે કહ્યું: ‘ના, સંસારનો ત્યાગ ન કરો’, ગૃહસ્થો માટે આ દૃષ્ટાંત રૂપ બનશે. બધા ભગવત્પ્રાપ્તિ માટે નીકળી પડે તો ગૃહસ્થોના મનમાં દુર્બળતા આવશે અને તેઓ વિચારશે કે એમને માટે કોઈ રસ્તો નથી. શાસ્ત્ર બધા માટે પથપ્રદર્શન કરે છે.
સાધના કરીને મુક્ત થઈ ગયા પછી સંસારમાં પ્રવેશ કરવાની ઇચ્છા કેમ કરીને થાય? ખરેખર કોઈનેય પણ એવી ઇચ્છા ન થાય; પરંતુ સંભવ છે કે કોઈ દૈવપ્રેરિત બનીને જનકની જેમ સંસારમાં પ્રવેશ કરે. સંસારની ભીતર કે બહારના – બંને પ્રકારના લોકો – જ્ઞાનીના રૂપે સરખા છે. આ વિશે શાસ્ત્ર કહે છે: ‘સ બ્રાહ્મણ: કેન સ્યાત્ તેન ઈદૃશ એવ’. બ્રહ્મજ્ઞ પુરુષ કેવી રીતે રહે? ગમે તે રીતે રહે તેઓ બ્રહ્મજ્ઞ જ રહેશે. જ્યારે એમણે જાણી લીધું કે હું દેહ, ઈંદ્રિય, મન, બુદ્ધિ, કંઈ પણ નથી ત્યારે તેમનામાં દેહ પ્રત્યે ‘હું’ બુદ્ધિ કેમ ઉપજે? શ્રીઠાકુરે આગળ જે બે પ્રકારના પોંકના કણની વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે તેઓ જાણે કે એવો સંકેત કરે છે કે પેલી પ્રફૂલ્લ ચમેલીની જેમ બેદાગ બને.’
આચાર્ય અને આદર્શ
આ બંને અવસ્થાઓના જ્ઞાનમાં કોઈ ભેદ નથી હોતો છતાં પણ આચાર્ય બનવા માટે નિર્મળ-બેદાગ બનવું જોઈએ. એક અન્ય સ્થળે ઉદાહરણ આપતાં શ્રીઠાકુર કહે છે : વૈદજીના ઘરમાં ગોળના અનેક ઘડા ભર્યા હતા. એક માણસ ચિકિત્સા માટે આવ્યો. એમણે એને કોઈ બીજે દિવસે આવવાનું કહ્યું. એ પ્રમાણે બીજે દિવસે એ આવ્યો ત્યારે વૈદજીએ કહ્યું: ‘ગોળ ન ખાતા.’ એક બીજો જે વૈદજીના ઘરે આ બંને દિવસ હાજર હતો તેણે પૂછ્યું: ‘આવી સૂચના તો પહેલે દિવસે જ આપી શકતા હતા તો પછી આ બીચારાને આટલો આંટો કાં ખવરાવ્યો?’ વૈદજીએ કહ્યું: ‘એ દિવસે મારા ઘરમાં ગોળના ઘડા હતા. એને ના પાડત તો એ વિચારત કે પોતે તો ગોળ ખાય છે અને મને ખાવાની ના પાડે છે. એવું તે કંઈ ચાલે!’ જે આચાર્ય બનશે એમને ભીતર અને બાહ્ય બધુ ત્યજવું પડશે. જે કેવળ મુક્તિ ઇચ્છે છે તેને માટે કેવળ મનથી ત્યાગ કરવો એ જ યથેષ્ટ છે. પરંતુ જે બહાર અને ભીતર બંને રીતે ત્યાગ કરે છે તે શું આચાર્ય બનવા માટે જ કરે છે? ના, એવું નથી. મનુષ્યના અંતરમાં સંસ્કારવશ સ્વત: એવી જ પ્રેરણા થાય છે. ગૃહસ્થોને શ્રીઠાકુર કહે છે: મનથી ત્યાગ કરવાથી જ થઈ જશે. બધાનો ત્યાગ કરવાનું કહેવાથી બૌદ્ધ ધર્મ જેવી હાલત થશે. બૌદ્ધ ધર્મમાં બધાને ત્યાગી બનાવવાના પ્રયાસમાં મૂળ આદર્શ વિકૃત થઈ ગયો, અવનત થઈ ગયો. સૌ કોઈના સંસ્કાર એટલા બધા પ્રબળ નથી હોતા કે તેઓ સંસાર છોડીને ચાલ્યા જાય. એટલે શ્રીઠાકુર ગૃહસ્થોને કહે છે: વિચારપૂર્વક સંયમ સાથે ભોગ કરો. કોઈ વળી કહે કે વિચારપૂર્વક ભોગ કરવાની કઈ આવશ્યકતા છે? તો એમને તેઓ કહે છે: હા, શી આવશ્યકતા છે એમ ન કહો. આ કારણે એમના ઉપદેશ બાહ્ય રીતે પરસ્પર વિરોધી લાગે છે.
‘મા, વિવાહ કરી લઉં?’ એમ શ્રીમા શારદાદેવીને જ્યારે કોઈ પૂછતું ત્યારે કહેતાં: ‘જરૂર કરો, બેટા. આ સંસારમાં તો બધાં જોડાયેલાં જ છે. વિવાહ ન કરવાથી જ ઈશ્વર મળી જવાના?’ અને કોઈ આમ કહેતું: ‘મા, મને આ સંસારમાં ડૂબવાની ઇચ્છા થતી નથી.’ ત્યારે શ્રીમા કહેતાં: ‘વાત તો સાચી છે. ભલા સંસારમાં છે ય શું!’ ઉપરછલ્લી રીતે લાગે કે આ બંને પરસ્પર વિરોધી વાત છે, પણ એવું નથી. જેના પેટમાં જેવું ભોજન પચે એને માટે શ્રીમા એવી જ વ્યવસ્થા કરી દેતાં. શાસ્ત્ર પણ શ્રીમાની જેમ જ કલ્યાણકારી છે. જેને જે અનુકૂળ લાગે તેણે તે જ પસંદ કરવાનું રહેશે.
મનમાં દ્વન્દ્વ ન રાખવો જોઈએ, અન્યથા દુ:ખ ક્યારેય દૂર નહિ થાય. શ્રીઠાકુરની ભાષામાં જળસાપે દેડકો પકડ્યો એના જેવી ગતિ થાય. સંસારને દિલથી પકડી પણ નથી શકતા અને એને છોડી પણ નથી શકતા. શાસ્ત્ર આ પ્રકારની દ્વિધામાં રહેવાનો ઉપદેશ નથી આપતાં. એટલે શાસ્ત્રમાં અધિકારી ભેદની વાત વિશેષ રૂપે કહેવામાં આવી છે. જે શંકરાચાર્ય આટલી વૈરાગ્યપૂર્ણ વાતો કહે છે તે જ ‘સંન્યાસનું સ્વરૂપ કેવું હશે’ એ વિશે તેઓ કહે છે કોઈ સંન્યાસ માગે તો કેવું જોઈએ – ભાઈ એ ઘણો કષ્ટકર પથ છે, એના પર ન જાઓ તો સારું. સંસારમાં રહો ત્યાં પણ ભગવાન મળશે. છતાં પણ કોઈ હઠ કરીને કહે તો કહેવું કે ‘બદ્રિકાશ્રમ જઈ આવો.’ ભીક્ષા માગીને, પગે ચાલીને ત્યાંથી પાછા ફરવામાં એ દિવસોમાં લગભગ એકાદવર્ષ થઈ જતું. ત્યાર પછી પણ જો એ સંન્યાસ લેવા ઇચ્છે, એનો વૈરાગ્યભાવ પ્રબળ હોય, એ આદર્શચ્યુત ન થયો હોય તો અન્ય પ્રકારે પણ એની ઉપયુક્તતા પર વિચાર કરીને તેને સંન્યાસ આપવો. એનો અર્થ એ છે કે અધિકારી રૂપે વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો. ‘અધિકારિણમાશાસ્તે ફલસિદ્ધિર્વિશેષત:’ – અધિકારી જ સિદ્ધિલાભ મેળવી શકે છે, અનધિકારી નહિ. શાસ્ત્રમાં કહે છે કે આ પથ ઘણો કઠિન છે – ‘ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગંપથસ્તત્ કવયો વદન્તિ’ -આ પથ તો ધારદાર અસ્ત્રા જેવો છે. ચાલતાં ચાલતાં પગ છેદાઈ જવાના.
પરંતુ કેવળ ત્યાગીઓનો જ માર્ગ શા માટે? સંસારીઓનો પથ પણ કંઈ ફૂલની પથારી જેવો નથી. શ્રીઠાકુર કહે છે: આ વીરોનું કામ છે. આટલી જવાબદારી વહન કરતાં કરતાં પણ મનને ભગવાનમાં સ્થિર રાખવું એ શું કોઈ સરળ વાત છે? તેઓ કહે છે: સર્વત્યાગી જો ઈશ્વરનું ચિંતન ન કરે તો તેને ધિક્કાર છે. જે લોકો સંસારનો બોજો ઉઠાવીને ભગવાન પ્રત્યે આગળ વધી રહ્યા છે તેમની તેઓ પ્રશંસા કરે છે: એમનું અહોભાગ્ય છે. આ વીરતાનો ભાવ લઈને શ્રદ્ધાપૂર્વક સંસારમાં પ્રવેશ કરવો પડશે. આ પથ પર ચાલતાં ચાલતાં એવો દૃઢ વિશ્વાસ રાખવો પડશે કે આ જ પથે લક્ષ્ય સુધી પહોંચી શકીશું. જેમ ચંદ્રમાં રહેલ કલંક એના સૌંદર્યને નુકશાન કરી શકતું નથી તેવી જ રીતે જ્ઞાની બન્યા પછી સંસારમાં રહેવાથી જ્ઞાનમાં કોઈ વિઘ્ન આવતું નથી.
ત્યાર પછી તેઓ કહે છે : ‘પૂર્ણ જ્ઞાન થયા પછી પાંચ વર્ષના બાળકના જેવો સ્વભાવ થઈ જાય છે. ત્યારે સ્ત્રી અને પુરુષમાં ભેદબુદ્ધિ રહેતી નથી.’ રાજા જનકની સભામાં એક ભૈરવી આવી તો એમણે પોતાનું માથું નમાવી દીધું. એ જોઈને ભૈરવીએ કહ્યું: જનક રાજામાં હજી પણ સ્ત્રીપુરુષની ભેદબુદ્ધિ છે.
શુકદેવ અને શ્રીરામકૃષ્ણ
આ અભેદનું દૃષ્ટાંત છે – આજન્મ સંન્યાસી, સર્વત્યાગી શુકદેવ. તેઓ માતાના ગર્ભમાંથી બહાર નીકળીને માયાના રાજ્યમાં પ્રવેશવા ઇચ્છતા ન હતા. ભગવાને ક્ષણ માટે માયાને ખેંચી લીધી ત્યારે ભૂમિ પર પડતાં જ તેમણે ચાલવાનું શરૂ કર્યું. મમત્વબુદ્ધિવાળા પિતા પોતાના મમત્વહીન પુત્રને સંસારમાં ખેંચી લાવવા માટે એમની પાછળ પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં નગ્નાવસ્થામાં સ્નાન કરતી અપ્સરાઓ યુવાન શુકદેવને જોઈને લજ્જિત ન બની, પણ વૃદ્ધ વ્યાસદેવને જોઈને તેઓ પોતાના શરીરને ઢાંકીને લજ્જા-સંકોચભાવે ઊભી રહી. વિસ્મિત બનીને વ્યાસદેવે એનું કારણ પૂછતાં અપ્સરાઓએ કહ્યું: ‘જ્ઞાની અને વૃદ્ધ હોવા છતાં આપનામાં સ્ત્રીપુરુષ વચ્ચેના ભેદનું જ્ઞાન છે. શુકદેવ આ ભેદજ્ઞાન રહિત છે. એટલે એમને જોઈને અમને શરમ ન ઊપજી.
પૌરાણિક કથાઓના અંતરાલમાં રહેલાં તત્ત્વોનું એક આધુનિકતમ દૃષ્ટાંત છે, સ્વયં શ્રીરામકૃષ્ણ. એમનાં સ્ત્રીભક્તોએ કહ્યું છે: એમને જોઈને ક્યારેય પણ એવું નથી લાગ્યું કે તેઓ પુરુષ છે. જેવી રીતે પુરુષભક્ત શ્રીઠાકુરને પોતાના ‘હું’થી અનુભવતા હતા, ભક્તમહિલાઓ પણ એવો જ અનુભવ કરતાં. પૂર્ણ રૂપે દેહબુદ્ધિરહિત પાંચ વર્ષના બાળકને જોઈને શું કોઈને લજ્જાશરમ આવી શકે ખરાં? શ્રીઠાકુર કહે છે: ‘કેટલાક લોકો જ્ઞાનલાભ પછી લોકોપદેશ માટે કાર્ય કરે છે, જેમ કે જનક અને નારદ વગેરે.’ તેઓ સંસારમાં સ્વાર્થબુદ્ધિએ નહિ પરંતુ લોકોપદેશ-લોકકેળવણી માટે રહ્યા. પરમાનંદ રૂપ અમૃતનું આસ્વાદન કરીને પોતે જ તૃપ્ત ન થયા પરંતુ જગતને પણ એનો અંશ પાવા માટે એમણે આધ્યાત્મિક ઐશ્વર્ય તથા જ્ઞાનનો ભંડાર ખોલી નાખ્યો હતો.
જ્ઞાન અને ભક્તિ
જે ભક્ત સગુણ ઈશ્વરની ઉપાસના કરે છે તેઓ ઈશ્વરની જેવી પ્રાર્થના કરે છે તે પ્રમાણે પ્રભુ ફળ આપે છે. એમનો સગુણભાવ માન્યા વિના આ બધી વાતોની કલ્પના પણ કરી ન શકાય. જે નિગુર્ણ છે, એમની સામે ભક્તિ, ભક્ત વગેરે જેવું કંઈ રહેતું નથી એટલે બ્રાહ્મસમાજ સગુણ નિરાકાર બ્રહ્મમાં વિશ્વાસ રાખે છે. ડો. સરકાર પણ આવા જ ભાવવાળા હતા. એટલે એમનામાં જ્ઞાનમિશ્ર ભક્તિ હતી, એમાં વિચારને સ્થાન છે. એમણે વિશેષ રૂપે વિજ્ઞાનનું અધ્યયન કરેલું છે. અત: એમનો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. કંઈ જાણવું હોય તો તેને નીરખી-પરખીને, જોઈને લે છે. શ્રીઠાકુરની સાથે એમના વાર્તાલાપમાં આ જ ભાવ વ્યક્ત થાય છે. ભક્તિભાવની ઠેકડી ઉડાડતાં તેઓ કહે છે: ‘જ્ઞાન થવાથી મનુષ્ય અવાક્ બને છે, આંખો મીંચાઈ જાય છે અને આંસું વહેવા લાગે છે. ત્યારે ભક્તિની આવશ્યકતા રહે છે.’ જ્ઞાનમાં મનુષ્ય અવાક્ બની જાય છે કારણ કે ત્યારે ભગવાનની ગહનતા અને એમના અનંત ભાવવૈચિત્ર્યનો બોધ થાય છે અથવા જ્ઞાન મનબુદ્ધિને હરાવી દે છે અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકતા નથી, ભગવાનના સ્વરૂપનો વિચાર કરીને અવાક્ બની જાય છે. ત્યાર પછી તેમણે હસતાં હસતાં કહ્યું: ‘આંખો મીંચાઈ જાય છે, આંસું વહેવા લાગે છે.’ ભક્તિનાં આ લક્ષણ એમાં પ્રગટી ઊઠે છે. એટલે જ કહે છે – ત્યારે ભક્તિની આવશ્યકતા હોય છે. અર્થાત્ પહેલાં જ્ઞાન અને ત્યાર પછી ભક્તિનાં લક્ષણ વ્યક્ત થાય છે.
શ્રીઠાકુર પણ તેની સાથે વિનોદ કરતા. કહે છે : ‘ભક્તિ સ્ત્રી છે એટલે અંત:પુર સુધી તેની પહોંચ છે. જ્ઞાન બહિર્દ્વાર સુધી જઈ શકે છે.’ બહિર્દ્વાર એટલે જ્યાં સુધી વિચારની સીમા છે ત્યાં સુધી જ્ઞાન જઈ શકે. હૃદયના અંત:પુરમાં જ્ઞાનને નહિ કેવળ ભક્તિને જ પ્રવેશ મળે છે. વિચારને પાર કરીને જ્યાં પહોંચી શકાય છે, ભક્તિ ત્યાં અબાધ રૂપે વિચરણ કરે છે. ભક્ત ભગવાનનું આસ્વાદન કરી શકે છે એમ ભક્તિવાદમાં કહેવાય છે. જ્ઞાની તો કેવળ તેના બાહ્ય આચરણ પર જ વિચાર કરે છે. તેમનું રસાસ્વાદન કરી શકતો નથી. ચૈતન્ય ચરિતાવલીમાં વિનોદ કરતાં કહેવામાં આવ્યું છે કે ભક્તકોકિલા પ્રેમરૂપી આમ્રમુકુલનું ભક્ષણ કરે છે અને જ્ઞાનીકાક કડવા લીમડાની લીંબોળી ખાય છે; એટલે એના સ્વાદમાં મીઠાશ નથી. આ ભક્તની દૃષ્ટિએ જ્ઞાનીનો ઉપહાસ છે અને વળી જ્ઞાનની દૃષ્ટિએ ભક્તનો ઉપહાસ પણ કરવામાં આવ્યો છે. હાથે તાળી વગાડીને શ્રીઠાકુરને ભગવન્નામ કરતા જોઈને તોતાપુરી કહે છે: ‘એલા, શું રોટલા ટીપે છે?’ કારણ કે ત્યારે એમને એ રસનું આસ્વાદન થયું ન હતું. વળી જ્ઞાનનું પણ જે માહાત્મ્ય છે તથા તેના દ્વારા પણ ભગવાનનું જે રસાસ્વાદન કરી શકાય છે તેનો ભક્ત અનુભવ કરી શકતો નથી. અનુભવ ન કરી શકવા પાછળ પણ એક યુક્તિ છે. જ્ઞાની કહે છે: ‘હું બ્રહ્મ છું.’ જે બ્રહ્મ છે તે વળી ભગવાનનું કઈ રીતે આસ્વાદન કરે? રામપ્રસાદના ભજનમાં એક પંક્તિ છે: ‘મા, હું સાકર બનવા નથી ચાહતો, હું સાકર ખાવાનું પસંદ કરું છું.’ ભક્તિ દ્વારા એમનું આસ્વાદન થાય છે. જ્ઞાનમાં જ્ઞાનીનું ભગવાનની સાથેનું કોઈ પાર્થક્ય નથી રહેતું. ત્યાં ‘તમે’ અને ‘હું’નો ભેદ નથી રહેતો. આસ્વાદન માટે બંનેનું હોવું આવશ્યક છે. જ્ઞાની ભક્તનો પરિહાસ કરતાં કહે છે: ‘ભક્ત કંઈ સમજતો નથી. કેવળ આંખોમાં આંસું ભરીને રોયે રાખે છે.’ સ્વામી વિવેકાનંદ પણ કેટલીયેવાર આવો પરિહાસ કરતા; પણ એમની બે-એક વાતોને જોતાં એમને સમજી શકાતા નથી. એમના બાહ્ય વ્યક્તિત્વ પર જ્ઞાનનું આવરણ હતું પણ અંત:કરણ તો ભક્તિમય હતું. તેઓ પોતે પણ કંઈ ઓછું નથી રડ્યા; પરંતુ હાસપરિહાસમાં તેઓ કહે છે: માત્ર રોવાનું અને રોવાનું જ! શાસ્ત્ર અધ્યયન, વેદવેદાંતની ચર્ચા કરવી પડશે, ન્યાયશાસ્ત્રની સહાયતા લેવી પડશે ત્યારે તો ભગવાનનાં તત્ત્વ વિશે કંઈક જાણશો, એવું તો નથી થતું, બસ રોવાનું જ ચાલે છે. આ બધો બાળકસમૂહ છે.
પથનું અનુસરણ કર્યા વિના જ એના પર ટિપ્પણી કરે તો એ જ એનો ભ્રમ છે. કોઈ જ્ઞાનના પથનું અનુસરણ કર્યા પછી એના પર અભિપ્રાય આપે તો એ સ્વીકાર્ય બને છે. તેવી જ રીતે ભક્તિની ચરમ અવસ્થાએ પહોંચીને કોઈ ભક્તિ વિશે વ્યંગકટાક્ષ કરે તો તેનું મૂલ્ય છે; એક બીજાના માર્ગને જાણ્યા વિના જ એના વિશે અભિપ્રાય વ્યક્ત કરવો એ કેવળ મૂલ્યહીન પરિહાસમાં જ પરિણમે છે. જ્ઞાનભક્તિ વિશે શ્રીઠાકુર પરિહાસપૂર્વક બોલ્યા પછી ડોક્ટરે વ્યંગ કરતાં કહ્યું: ‘પરંતુ, અંત:પુરમાં દરેક સ્ત્રીને ઘુસવા દેતા નથી.’ અર્થાત્ ભક્તિના અતિરેકમાં ભગવાનને વિશે કોરી કલ્પના કરીને આંખોમાંથી આંસું વહાવવાથી જ કંઈ થતું નથી. જરા વિચાર કરીને જુઓ. જે લોકો આ રીતે ભક્તિનો અતિરેક પ્રદર્શિત કરે છે, સ્વામીજી એમની ઠેકડી કરે છે. પરંતુ મૂળ વાત એ છે કે આપણે જેટલી ભક્તિ કરવી છે એના વિશે જો આપણને કંઈ જ્ઞાન ન હોય તો પછી ભક્તિ કરીશું કેવી રીતે? શ્રીઠાકુર કહે છે: ‘હું જ્ઞાન નથી ઇચ્છતો. હું શુદ્ધ ભક્તિ ચાહું છું. આ કેવી વાત છે? જેની ભક્તિ કરવાની છે એને જાણ્યા વિના એ કેવી રીતે થશે?’
વાત ઘણી યુક્તિયુક્ત અને સહજ બોધવાળી છે. જેમની ભક્તિ કરવાની છે એમને વિશે થોડુંઘણું જાણ્યા વિના ભક્તિ થાય કેવી રીતે? અત: એમને જાણવા પડશે. ભક્તિશાસ્ત્રમાં કહ્યું છે કે સાધ્યસાધન તત્ત્વને જાણો. એટલે ભક્તિશાસ્ત્રમાં સ્વાધ્યાયપાઠ અને વિચાર વગેરે છે. વસ્તુત: આપણે મનુષ્ય છીએ, વિચારબુદ્ધિ તરફનું ઢળતું વલણ એ આપણો જન્મજાત સ્વભાવ છે. ભક્તિ થવા છતાં પણ આ પથ બરાબર છે કે નહિ એ તો વિચાર દ્વારા જ નિશ્ચિત કરવો પડે. અંતર્જ્ઞાનનો તરાપો લગાડ્યા વિના ભક્તિ ટકી ન શકે. એક આશ્ચર્યની વાત એ છે કે ભક્તિપ્રધાન બંગાળમાં ન્યાયશાસ્ત્ર સર્વાધિક ઉન્નત અને પ્રભાવશાળી બન્યું છે. છતાં પણ પ્રાચીન ન્યાયનો જન્મ મિથિલામાં થયો હતો અને નવ્યન્યાયના રૂપે તે નવદ્વીપમાં જ પરિપૂર્ણતા પામ્યો. આ તર્કજાળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ગ્રંથિઓમાં અસાધારણ પંડિતનું માથું પણ ભમી જાય. ન્યાયશાસ્ત્રના પંડિત વેદાંતી નહિ પણ ભક્ત હતા. ન્યાયની સહાયથી એમણે વેદાંતનું ખંડન કર્યું. વળી વેદાંતીઓએ પણ એમનું ખંડન કર્યું છે. આ રીતે એક વિશાળ દર્શનશાસ્ત્ર તૈયાર થયું છે. જે લોકો આ બધામાં પોતાની શક્તિને નિરર્થક ન વેડફી નાખીને તત્ત્વનું આસ્વાદન કરવા ઇચ્છતા હોય તેઓ ભક્ત હોય કે જ્ઞાની એમણે આટલો બધો વિચાર કરવાની આવશ્યકતા નથી. શ્રીઠાકુરે કહ્યું છે: ‘સ્વયંને મારવા માટે એક નેયણી જ પૂરતી છે અને બીજાની સાથે યુદ્ધ કરવાનું હોય તો ઢાલ તલવારની આવશ્યકતા રહે છે.’
પોતાના સિદ્ધાંતમાં નિષ્ઠા
મૂળ વાત છે કે આપણે જે સિદ્ધાંતનું અનુસરણ કરવાનું છે તેના પર દૃઢ શ્રદ્ધા હોવી જરૂરી છે. આ શ્રદ્ધાવિશ્વાસ કોઈને માટે સ્વાભાવિક હોય છે અને કેટલાક હજારવાર વિચાર કરે તો પણ આ શ્રદ્ધા-વિશ્વાસ દૃઢ નથી કરી શકતા. એ વિચાર આપણી ધર્મપ્રવૃત્તિની ગંભીરતા પર આધારિત છે. શુદ્ધ મન હોય તો ‘તમે બ્રહ્મ છો’ આ ગુરુવાક્ય સાંભળતાં જ તત્કાળ ‘હું બ્રહ્મ છું’ એવો અનુભવ થવાનો. વિચારીને જોવું નહિ પડે પણ એક જ વાતમાં જ્ઞાન થઈ જાય. વેદાંતી કહે છે કે ભાષા સમજનારને ‘તમે બ્રહ્મ છો’ આવું એક વાક્ય સાંભળીને જ જ્ઞાન થઈ જશે. આ ગુરુવાક્ય સહજ છે, પરંતુ આ સહજવાક્યને સમજવા હજારો ગ્રંથોની રચના કરી છે. છતાં એની મીમાંસા થઈ શકતી નથી. એનું કારણ એ છે કે શ્રદ્ધાવિશ્વાસ આટલી સરળતાથી થતાં નથી. આ શ્રદ્ધાને દૃઢ કરવા જ્ઞાની પોતાની વિચારધારાને અને ભક્ત પોતાના ભક્તિશાસ્ત્રને આગળ ને આગળ વધારતા જાય છે. જે રસાસ્વાદન કરવા ઇચ્છે છે તેઓ આટલા યુક્તિવિચારની અંદર ઊતરતા નથી. આપણે આ જગતને પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ છતાં પણ દાર્શનિક કહે છે કે એનું અસ્તિત્વ નથી. તો આપણે હવે શું થશે, ક્યાં રહીશું એવું વિચારીએ છીએ ખરા? ત્યારે તો આપણે ઠેકડી કરતાં કહીએ છીએ કે આ કલ્પનાની દુનિયામાં છે. બરાબર એવી જ રીતે ભગવાનના અસ્તિત્વમાં જે લોકો દૃઢ વિશ્વાસુ છે એમને માટે આટલી યુક્તિઓની આવશ્યકતા નથી. એમણે અનુભવ કર્યો છે અને એમનું આસ્વાદન કર્યું છે.
(ક્રમશ:)
Your Content Goes Here




