ગતાંકથી આગળ…

(શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ)

શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર

ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો પ્રસંગ છે. ડાૅક્ટરની એવી શ્રદ્ધા છે કે ઈશ્વર નિરાકાર, અનંત તથા મન-વાણીથી પર છે. તેઓ પોતે જ બુદ્ધિ માટે અગમ્ય ઈશ્વર દેહધારી બનીને, માનવ બનીને, જન્મમૃત્યુ, રોગશોકનો સ્વીકાર કરીને અવતરે છે, આ વાતની તેઓ (ડૉ. સરકાર) કલ્પના પણ કરી શકતા નથી. એમને અવતારવાદમાં શ્રદ્ધા નથી. શ્રીરામકૃષ્ણ પ્રત્યે એમની શ્રદ્ધા અગાધ હતી. પોતાના આદર્શને શ્રીરામકૃષ્ણદેવના ચારિત્ર્યમાં અત્યંત સ્વાભાવિક રીતે પ્રતિફલિત થતો જોઈને ડૉ. સરકાર એમને શ્રેષ્ઠ માનવના રૂપે ઉચ્ચતમ સન્માન આપે છે. આમ છતાં પણ એમને અવતાર માની લેવાના તેઓ વિરોધી હતા. એટલે શ્રીરામકૃષ્ણના અવતાર તત્ત્વમાં શ્રદ્ધા ધરાવતા લોકોની સાથે એમને ઘોર તર્ક અને વાદવિવાદ થતા રહેતા. શ્રીરામકૃષ્ણની વિલક્ષણતા એ હતી કે કોઈ પણ ભાવને જરાય ઠેસ પહોંચાડ્યા વિના, જેનો જેવો ભાવ હોય, એને એ ભાવમાં આગળ વધવામાં મદદ કરતા. પરંતુ ડાૅક્ટરની બધી વાતોને તેઓ વાદપ્રતિવાદ વિના સ્વીકારતા નહીં. શિષ્યોને તેઓ કહેતા, ‘તમે લોકો જ જવાબ આપો.’ વચ્ચે વચ્ચે એકાદ વાક્ય કહીને એમના ઉત્તરને થોડો વધારે સ્પષ્ટ કરતા. ડૉ. સરકાર શ્રીરામકૃષ્ણને અવતાર માને કે ન માને, એની સાથે એમને કંઇ લેવાદેવા નથી. એમનો ઉદ્દેશ્ય હતો કે ડોક્ટરને બુદ્ધિના પાંજરામાંથી મુક્ત કરવા.

શ્રીરામકૃષ્ણનાં પ્રત્યેક કાર્ય પાછળ જે ઉદ્દેશ્ય તથા નિહિત ગૂઢ રહસ્ય રહેતાં તે એમના વ્યવહારને સાધારણ દૃષ્ટિએ જોઈએ તો સમજાય નહીં એવું હતું. સૂક્ષ્મ દૃષ્ટિવાળા લોકોની નજરે તે થોડું ઘણું પકડાતું હતું. અથવા તેઓ પોતે જ્યારે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા ત્યારે એનો ખ્યાલ આવતો. રાતના ત્રણ વાગ્યાથી ડાૅક્ટરનું ‘પરમહંસ’ ચિંતન શરૂ થઈ ગયું અને આ ચિંતન સવારના આઠ વાગ્યા સુધી ચાલતું રહે છે, એ સાંભળીને શ્રીરામકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘તે અંગ્રેજી ભણ્યા ગણ્યા છે. એટલે એમ ન કહી શકાય કે તમે મારું ચિંતન કરો. પરંતુ એ સારું છે કે તે પોતે જ કરી રહ્યા છે.’ આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ શા માટે હસે છે? તેઓ એટલા માટે હસે છે કે મહામાયા એમની ભીતરથી ચારે તરફ જે પ્રબળ આકર્ષણ પ્રસારિત કરી છે, તેને તેઓ જોઈ રહ્યા છે અને હસે છે. પોતાનો વ્યક્તિત્વબોધ કે કર્તવ્યબોધ એમનામાં નથી. તેઓ જાણે છે કે, ‘હું જગન્માતાના હાથનું યંત્ર છું;’ એ યંત્ર દ્વારા તેઓ મહામાયાનો ખેલ જુએ છે અને હસે છે. આ રીતે મા જગદંબા ડાૅક્ટર દ્વારા શ્રીરામકૃષ્ણનું ચિંતન કરાવી રહ્યા છે. ડાૅક્ટર એમને અવતાર માને કે ન માને એનાથી એમનું કંઈ જવાનું અને મળવાનું પણ નથી. શ્રીરામકૃષ્ણને રોગીના રૂપે જોવા આવીને ડાૅક્ટર એમના ફંદામાં ફસાઈ ગયા. આ વિશ્વવ્યાપી જાળમાંથી નીકળવું એમને માટે કઠિન છે. વિચારે છે કે એનાંથી એને આર્થિક નુકશાન થાય છે, કર્તવ્યમાં ઊણપ આવે છે. આમ છતાં પણ તેઓ એવા અદમ્ય આકર્ષણમાં પડ્યા છે કે એનાથી પોતાને મુક્ત કરી શકતા નથી. ધીરે ધીરે તેઓ શ્રીરામકૃષ્ણનો ભાવ સ્વીકારતા જાય છે.

હવે ડાૅક્ટર કહે છે, ‘ઈશ્વરમાં બધા ગુણ (સત્ત્વ, રજસ્, તમસ્) છે.’ પછી રોગીને તપાસવા આવે છે પણ રોગની ચર્ચા વધારે થતી નથી. શ્રીરામકૃષ્ણને તેઓ કહે છે, ‘તમારા માટે વાતચીત કરવી સારી નથી. વધારે વાતો ન કરતા, માત્ર મારી સાથે બોલજો.’ આના પરથી એટલું સમજી શકાય છે કે શ્રીરામકૃષ્ણ સાથે એમનો એક ઘનિષ્ઠ આંતરિક સંબંધ સ્થાપિત થઈ ગયો છે. આ ઘનિષ્ઠતાને કારણે પોતાના મનના દૃઢ સંસ્કારો સાથે વિરોધ ઉત્પન્ન થતાં તેઓ એનો પણ પ્રતિવાદ કરે છે.

માસ્ટર મહાશય ડાૅક્ટરને શ્રીરામકૃષ્ણના અનારોગ્યનું દરરોજે દરરોજ વિવરણ આપતા હતા. વાત વાતમાં શ્રીમહિમા ચક્રવર્તીની વાત નીકળી. એક દિવસ પહેલાં ડાૅક્ટર જ્યારે શ્રીરામકૃષ્ણને જોવા ગયા ત્યારે મહિમા ચક્રવર્તીએ કહ્યું, ‘ડાૅક્ટરનો અહંકાર વધારવા આપે આ રોગ ધારણ કર્યો છે.’ મહિમાનો એવો અભિપ્રાય હતો કે શ્રીરામકૃષ્ણે કર્મ દ્વારા વશીભૂત થઈને નહીં પરંતુ સ્વેચ્છાએ રોગ સ્વીકારી લીધો છે. ઇચ્છા થાય તો તેઓ તેનો પરિત્યાગ પણ કરી શકે છે. હવે ડાૅક્ટરે વિચાર્યું- કોઈ અલૌકિક ઉપાય દ્વારા કદાચ શ્રીરામકૃષ્ણ પોતાના રોગને દૂર કરી શકે, જે તેમની સમજની બહારની વાત છે. મહિમાચરણની વાત સાંભળીને આઘાત લાગ્યો એટલે તેઓ કહે છે કે આ માણસમાં કેટલો તમોગુણ છે! ડાૅક્ટર મિત્રોને કહે છે, ‘રોગ દુ :સાધ્ય અવશ્ય છે, પરંતુ આ બધા લોકો પૂર્વવત્ ડીવોટી-ભક્તની જેમ સેવા કરે છે.’ અહીં એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે ડાૅક્ટર ભક્તોને ભક્ત નથી કહેતા. એને બદલે તેઓ ભક્તને સમાન કહે છે. તેઓ પોતાના જ ભાવમાં મક્કમ છે કે શ્રીરામકૃષ્ણ અવતાર નથી, મનુષ્ય છે અને માનવને વળી ભક્ત કેવો? પરંતુ ડાૅક્ટર ભક્તોની સેવાની પ્રશંસા કરે છે અને એમની સેવાથી પ્રેરિત થઈને એમણે શ્રીરામકૃષ્ણ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે તથા સેવાની જવાબદારી પણ સ્વીકારી છે.

અવતાર અને નરલીલા

અવતાર જ્યારે આવે છે ત્યારે બધાને એક જ પ્રકારથી નહીં પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારે આકર્ષે છે. ભક્તોની સાથે એમનો સંબંધ જાતજાતનો રહે છે. ડાૅક્ટરની સાથે પણ શ્રીરામકૃષ્ણનો સંબંધ એક વિશેષ પ્રકારનો બની ગયો. વળી ગિરીશબાબુ સાથે એમનો અલગ સંબંધ હતો.

ભક્તો સાથે વ્યવહારના આ વૈચિત્ર્યને જેમણે જોયું નથી તે એને સમજશે નહીં. ગિરીશબાબુએ કુત્સિત ભાષામાં એમને (ઠાકુરને) ગાળ પણ આપી હતી. એ સાંભળીને શ્રીરામકૃષ્ણ હસ્યા. કાશીપુરમાં માંદા હોવા છતાં પણ એમણે ગિરીશબાબુ માટે ખાવાની ચીજવસ્તુઓ મગાવી દીધી. ચાલવાનીય શક્તિ નથી છતાં પણ ગમે તેમ કરીને પાણીના ઘડા સુધી જઈને એમને માટે પાણી પણ લઈ આવ્યા. આટલી બધી મમતા હતી એમનામાં! ગિરીશબાબુ શ્રીરામકૃષ્ણને અનેક ગાળ દે છે અને કહે છે, ‘જે દીધું છે એ જ મળશે. વિષ આપ્યું હશે તો વિષ જ મળશે.’

શ્રીરામકૃષ્ણ થિયેટરમાં ગયા હતા ત્યાં ગિરીશબાબુએ નશામાં આવીને એમને માટે અપશબ્દો કહ્યા હતા અને તેઓ હસીને ચાલ્યા ગયા. ભિન્ન ભિન્ન ભક્તો સાથે શ્રીરામકૃષ્ણનો સંબંધ અલગ અલગ રહેતો. પોતાને એમણે કોણ જાણે કેટલા પ્રકારે વ્યક્ત કર્યા હતા! આ વિશિષ્ટતા દ્વારા એમની ભગવદ્તા પ્રગટ થાય છે. બધા પથ એમને જ્ઞાત છે, બધા પથે જવાનું સામર્થ્ય પણ એમનામાં છે એટલે પ્રત્યેક વ્યક્તિને તેઓ કહેતા- એકલો આવજે.

એનું કારણ એ છે કે પાંચ લોકોની વચ્ચે એને બરાબર ઉપયોગી હોય એવી વાત કહી ન શકાય. તેઓ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ માટે એક એક માર્ગરૂપે સ્વીકાર્યા છે. છતાં પણ પોતાના શિષ્યોને એમણે કહ્યું- આ બધા અભદ્ર પથ છે. તમારા લોકો માટે એ પથ નથી. (ક્રમશ 🙂

Total Views: 400

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.