(ગતાંકથી આગળ)

તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ

એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ છે તેનો પશુભાવ છે. પશુ એટલે જીવ અર્થાત્‌ જેના મનમાં જીવભાવ કે જૈવપ્રકૃતિ અત્યંત પ્રબળ હોય છે એને માટે આ વિધાન છે કે તે વિષયો કે ભોગની વસ્તુઓથી દૂર રહે, ભોગ્ય વસ્તુઓથી બચીને રહે જેથી તેના મનને વિષય આકર્ષિત ન કરે. ત્યાર પછી આવે છે વીરભાવ, અર્થાત્‌ મન ઉપર જેનું થોડું ઘણું નિયંત્રણ છે. એને માટે એવું વિધાન છે કે મન વિષયો પ્રત્યે ન વળે એવી ચેષ્ટા વિષયોની વચ્ચે રહીને પણ કરે. આ સંઘર્ષમાં જ એની કસોટી છે. ત્યાર પછી આવે છે દિવ્યભાવ. જેના મનમાંથી અશુભ સંસ્કાર દૂર થઈ ગયા છે, એ દિવ્ય સ્વરૂપ બની જાય છે. એને માટે ભોગ્યવસ્તુઓની વચ્ચે રહેવાથી કે ન રહેવાથી આદર્શમાં કોઈ હાનિ થતી નથી; એનું કારણ એ છે કે એનું મન હવે એવા સૂરે બંધાઈ ગયું છે કે તે ભોગ્ય વસ્તુઓની તરફ જતું જ નથી. તે ભલે ગમે ત્યાં રહે પણ એને માટે બધું સમાન છે. હવે આ ત્રણમાંથી એકને માટે જે અનુકૂળ છે, તે બીજાને માટે અનુકૂળ છે જ નહીં, પરંતુ તે ત્યાજ્ય છે. એને ન સમજી શકવાને કારણે જ પશુભાવમાં રહેલ સાધક વીરભાવનું અનુકરણ કરતાં કરતાં માત્ર પોતાનો જ સર્વનાશ નથી કરતો, પરંતુ જગતનું પણ અકલ્યાણ કરે છે. વળી એવું પણ નથી કે વીરભાવનો સાધક સદા ભોગ્ય વસ્તુઓથી ઘેરાયેલો રહે છે. તેને વિષયોની વચ્ચે રહેતાં રહેતાં પણ એવો પ્રયત્ન કરવો પડે છે કે જેનાથી તે વિષયોથી સ્વતંત્ર રહે છે, કારણ કે સંસારથી દૂર ભાગી જવા માટે કોઈ જગ્યા નથી.

આસક્તિ – નાશ

હવે આપણે ફરીથી પાછલા પ્રસંગ પર આવીએ. એવું જોવા મળે છે કે જ્યાં સુધી હું પોતાને જ એક વ્યક્તિના રૂપે, એક જીવના રૂપે કલ્પના કરું છું ત્યાં સુધી મારા માટે આ સંસારની જાળમાંથી છટકવાનો કોઈ ઉપાય નથી. એટલે મનને તૈયાર કરવું પડશે, મનની દૃષ્ટિને ફરી પાછી કેળવવી પડશે, ઉપનિષદની ભાષામાં કહીએ તો ‘આવૃત્તચક્ષુ’ બનવું પડશે. શ્રીઠાકુર પણ આવું જ કહે છે. મનને વિષયો તરફથી વાળીને આત્માભિમુખી કરો, તેની દિશા બદલી નાખો તો જ બચવાનું થશે. સંસારનો ત્યાગ કરવાથી જ આપણે નિશ્ચિંત બની જઈશું, મન અંતર્મુખી બની જશે એ ધારણા ખોટી છે. જ્યારે વિષયાસક્તિ દૂર થશે ત્યારે જ આપણું મન અંતર્મુખી બનશે. જો વિષયાસક્તિ રહી જશે તો સંસારની ભીતર તો શત્રુતા ઊભી કરશે જ, પરંતુ સંસારની બહાર પણ તેની શત્રુતા વધુ પ્રબળ બની જશે. એટલા માટે શ્રીઠાકુર વારંવાર સાવધાન કરે છે : ‘સંસારમાં રહેવાથી કેમ નહીં થાય? અને વળી સંસારને છોડીને જશો ક્યાં?’ વળી આગળ કહે છે : ‘એક મુન્શી જેલમાં ગયા, સજા પૂરી થયા પછી જેલમાંથી છૂટીને શું એ છમછમ કરીને નાચતો ફરશે કે મુન્શીગીરી કરશે?’ સંસારી વ્યક્તિ જો જીવન્મુક્ત બની જાય તો તે ઇચ્છે તો અનાયાસ સંસારમાં રહી શકે છે. જેને જ્ઞાનલાભ થયો છે એને માટે અહીં અને ત્યાં એવું નથી, એને માટે બધું સરખું છે. જે સર્વત્ર બ્રહ્મદર્શન કરે છે તે ભલે પછી ગમે ત્યાં રહે પણ તેને કોઈ હાનિ થતી નથી. પૂર્વસંસ્કારવશ વર્તન કરવાથી પણ કોઈ વિષય કે કર્મ તેમને ફરીથી બાંધી શકતાં નથી, કારણ કે એ પરમતત્ત્વને જાણી લેવાથી વિષયરસથી તેની સંપૂર્ણરૂપે નિવૃત્તિ આવી જાય છે. – ‘રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્‌વા નિવર્તતે’। શ્રીઠાકુર અહીં એક દૃષ્ટાંત આપીને કહે છે : ‘જ્યાં સુધી દેડકાની પૂંછડી ખરી નથી જતી ત્યાં સુધી તેને પાણીમાં જ રહેવું પડે છે. તે જમીન ઉપર ઊછળીકૂદી શકતો નથી. જ્યારે એની પૂંછડી ખરી જાય છે ત્યારે તે ઊછળીને જમીન ઉપર આવે છે. ત્યારે એ જમીન પર પણ રહે છે અને પાણીમાં ય રહે છે. એવી જ રીતે જ્યાં સુધી મનુષ્યની અવિદ્યારૂપી પૂંછડી ખરી જતી નથી ત્યાં સુધી તે સંસારજળમાં જ પડ્યો રહે છે. અવિદ્યાની પૂંછડી ખરી ગયા પછી, જ્ઞાનપ્રાપ્તિ પછી મુક્ત બનીને તે હરીફરી શકે છે અને ઇચ્છા થયે સંસારમાં પણ રહી શકે છે.’ જ્યાં સુધી તે પેલા પરમતત્ત્વને જાણી નહીં લે ત્યાં સુધી તે ગમે ત્યાં રહે પણ તેને સંઘર્ષ કરતાં રહેવું પડશે. એટલા માટે શ્રીઠાકુરે કહ્યું છે : ‘તમે કિલ્લાની અંદરથી યુદ્ધ કરો છો એમાં કોઈ દોષ નથી, અને યુદ્ધ કરતાં કરતાં જો બેચાર વાર હારી જાવ તો પણ એમાં દોષ નથી, કારણ કે ફરીથી ઊઠીને દુશ્મનને ભીડવી શકશો.’ પરંતુ જો સંસારત્યાગ કર્યા પછી હારી ગયા તો ક્યાંયના ય નહીં રહો. એનું કારણ એ છે કે તમે એક એવા આદર્શને પકડી રાખવાનો પ્રયત્ન કરી બેઠા છો કે જેની ભીતર કોઈ સમાધાન સંભવ નથી. એ ત્યાગના આદર્શને અધ:પતિત કરવાથી તમારું પણ અમંગળ થશે અને સમાજનું પણ થશે. એટલે આ દિશામાં ઘણી સાવધાનીપૂર્વક આગળ વધવું પડે છે.

 આપણો માર્ગ ક્યો છે? અહીં એ પ્રશ્ન ઊભો થઈ શકે. એનો ઉત્તર શાસ્ત્રોએ દીધો છે તેમજ જે સાધુ છે, દિવ્યદૃષ્ટિસંપન્ન છે, એમણે પણ કહ્યું છે : ‘જુઓ, જો તમારી ભીતર પ્રબળ વૈરાગ્ય હોય- ‘પ્રબલ’ કે ‘તીવ્ર’ આ વિશેષણો અહીં વિશેષરૂપે ધ્યાનમાં લેવા જેવાં છે- તો તમે સંસારત્યાગ કરીને જઈ શકો છો. પરંતુ જો તમારી ભીતર વૈરાગ્યની તીવ્રતા ન હોય તો તમારા માટે જ્યાં છો ત્યાં જ રહેવું બરાબર છે. ત્યાં જ રહીને સાધના કરવી ઉચિત છે. જો અનધિકારી વ્યક્તિ સંસારના આદર્શને ગ્રહણ કરે તો તેને માટે એ આદર્શને અક્ષુણ્ણ બનાવી રાખવો સંભવ નહીં બને; અને આદર્શ જેટલી માત્રામાં નાશ પામશે એટલા જ પરિમાણમાં સમષ્ટિગત ભાવથી મલિન બનશે અને એ જગત માટે કલ્યાણકારી નહીં હોય. એટલા માટે બૌદ્ધ ધર્મના વિશેષ અનુરાગી હોવા છતાં સ્વામીજીએ કહ્યું છે : ‘વગર વિચાર્યે સંન્યાસધર્મનો પ્રચાર કરીને બુદ્ધદેવે સમાજનું એક મોટું અકલ્યાણ કર્યું છે.’

સંન્યાસ અને ગૃહસ્થાશ્રમ

મૂળ વાત એ છે કે વ્યક્તિ કોઈપણ આદર્શનો સ્વીકાર ભલે ન કરે, એ બધા ઈશ્વરના માર્ગ પર ચાલી રહ્યા છે. કેટલીકવાર એવું જોવા મળે છે કે ગૃહસ્થોમાં પણ એવા અનેક લોકો છે કે જે મહાન ત્યાગી પણ છે. વળી ત્યાગમય જીવનનું અવલંબન કરવાવાળામાં કેટલાક એવા પણ છે કે જે પૂરી નિષ્ઠા સાથે એ માર્ગ ઉપર ચાલી શકતા નથી. એટલા માટે સ્વાભાવિક રૂપે એક પ્રશ્ન ઊભો થાય છે : તો પછી સંન્યાસીને વિશેષ સન્માન કેમ આપવામાં આવે છે? આનું કારણ એ છે કે સંન્યાસીએ પોતાને માટે એક મહાન આદર્શ પસંદ કર્યો છે. બીજી બાજુ સંસારી વ્યક્તિ સામાન્યતયા પરંપરાગત જીવન વીતાવે છે, એણે સ્વેચ્છાએ કોઈ વિશેષ પથનું ચયન નથી કર્યું- જ્યાં એનો જન્મ થયો ત્યાં જ મોટો થયો અને ત્યાં જ હજી સુધી ટકી રહ્યો છે. આ તો થઈ એક બહિરંગ દૃષ્ટિ. પરંતુ સંસારી વ્યક્તિ જો સંસારને એક આશ્રમ સમજે અને પોતાને એક આશ્રમી માનીને ચાલે તો પરંપરાની એ વાત દૂર થઈ જાય છે. આપણાં શાસ્ત્રોમાં પણ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચારેય આશ્રમોને સમાન આદર અપાયો છે. એમ પણ કહેવાયું છે કે અનાશ્રમી એટલે કે જેણે કોઈ પણ આશ્રમનું અવલંબન નથી લીધું, તેનું જીવન વ્યર્થ છે. આ વિશે કહી શકાય છે કે આ ચારમાંથી એક કે એકથી વધારે આશ્રમનું અવલંબન બધાયે કરવું પડે છે, એટલે વ્યર્થતાનો પ્રશ્ન ક્યાંથી ઊભો થાય? તો એનો પણ ઉત્તર એ છે કે પારંપરિકતાથી મુક્ત બનીને આશ્રમ વિશેષને અનુરૂપ બધાં કર્તવ્યોની સાર્થકતા સંપાદન કરતાં કરતાં ભગવાનને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરવી એવું જ લગભગ બધા આશ્રમીનું જીવન હોય છે. એમાં બ્રહ્મચર્ય આશ્રમ બધા આશ્રમો માટે એક બુનિયાદરૂપ છે. એમાં વ્યક્તિ પછીના આશ્રમોમાંથી કોઈ એકનું અવલંબન કરવા માટે પોતાને તૈયાર કરે છે. બ્રહ્મચર્ય પછી એ ઇચ્છે તો ક્રમશ: ત્રણેય આશ્રમોનું અવલંબન કરી શકે છે. પરંતુ જો કોઈના મનમાં પહેલેથી જ તીવ્ર વૈરાગ્ય જન્મે તો બધાં કર્તવ્યોને દૂર હટાવીને તત્કાલ ભગવાન માટે નીકળી પડે છે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ : ‘યદહરેવ વિરજેત્‌ તદહરેવ પ્રવ્રજેત્‌ । પણ એ વૈરાગ્ય તીવ્ર વૈરાગ્ય હોવો જોઈએ. અહીં કોઈ પલાયનવૃત્તિ (escapism) ચાલી ન શકે. વૈરાગ્યમાં એવી તીવ્રતા હોય કે સંસાર એક અંધકૂપ જણાય, જેમાં પડવું એટલે મૃત્યુ છે એવું લાગે.

વૈરાગ્ય સહજ અને અનુકૂળ ત્યારે બને છે જ્યારે  ઈશ્વર સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં મનને લગાડીને એનો અપવ્યય નહીં કરું, આવી મન:સ્થિતિ તીવ્ર બની જાય. પરંતુ જ્યાં સુધી વૈરાગ્ય આટલું તીવ્ર રૂપ ધારણ ન કરે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમની સહાયની જરૂર રહે છે. સંસારને ‘ધર્મના સંસાર’માં બદલી નાખવાથી એ સાધનાને જ અનુકૂળ બની જાય છે. એટલા માટે શ્રીઠાકુર બંને આદર્શોનો પ્રચાર કરે છે. બંનેનો ઉદ્દેશ્ય એક છે – ભગવાનને મેળવવા. પરંતુ અધિકારભેદે માર્ગ બે છે. જો સંસારમાં રહીને પણ કોઈ માણસ નાગમહાશયની જેમ સંસારી બની શકે તો તેને માટે આ સંસારમાં રહેવામાં કોઈ દોષ છે જ ક્યાં? અને જો કોઈ સ્વામીજીની જેમ કે યથાર્થ ત્યાગી સાધુની જેમ સંન્યાસી બને તો સંસારનું એમને માટે પ્રયોજન શું 

છે? એટલે જેને માટે જે અનુકૂળ છે તેને માટે શ્રીઠાકુરે એવો જ ઉપદેશ આપ્યો છે. એમણે ક્યાંક સમાધાન કર્યું છે કે સંસારીઓને ખોટી સાંત્વના આપી છે એમ વિચારવું ખોટું છે.

શ્રીરામકૃષ્ણ ઉપદેશોની વિવિધતા

ભાવગ્રાહી શ્રીઠાકુર કોઈના ભાવને નષ્ટ કરવાના વિરોધી હતા. એટલા માટે જ્યારે એમણે પોતાના સંન્યાસી શિષ્યોને ઉપદેશ આપ્યો ત્યારે બીજો કોઈ એને સાંભળી ન લે એ રીતે અત્યંત સાવધાનીપૂર્વક એ ઉપદેશ આપ્યો. શું આ સાવધાની પક્ષપાતપૂર્ણ છે? ના, એવી વાત નથી. તેઓ જાણતા હતા કે એ લોકો સંસારના આશ્રય લીધા વિના જ આગળ વધી શકે તેમ છે. એટલે સંસાર વિશે એમના મનમાં જો સામાન્ય દુર્બળતા પણ બચીને રહી ગઈ હોય તેને દૂર કરવા માટે એમની સામે એક બાજુ સંસારનું એક બિભત્સ અને ભયંકર ચિત્ર રજૂ કરી દેતા. અને બીજી બાજુ ત્યાગમય જીવન માટે જીવંત વાણીમાં ત્યાગનો ઉપદેશ કે સંદેશ આપતા. પરંતુ જેમને માટે સાધના કરવા ગૃહસ્થ જીવન જ અનુકૂળ છે, એમના મનમાં આ તીવ્ર વૈરાગના આદર્શને સાંભળીને ક્યાંક સંશય ઉત્પન્ન ન થાય એ પ્રકારની સાવધાની પણ શ્રીઠાકુર રાખતા. એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે પોતાના ‘આશ્રમ’ પ્રત્યે શ્રદ્ધા ન રહેવાથી વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતો નથી. એટલા માટે સંસારી વ્યક્તિએ હંમેશાં ધ્યાન રાખવું પડશે કે સંસાર કોઈ તુચ્છ વસ્તુ નથી; એ ભગવાનની તરફ જવાનો એક માર્ગ છે, એક ઉપાય છે. અનેક સંસારી લોકોના મનમાં સંસારી હોવાને કારણે એક હીનભાવના રહે છે, આ વાત ઠીક નથી. આ શ્રીઠાકુરનો આદર્શ નથી. ‘સંસરતિ ઇતિ સંસાર’ જે જન્મમૃત્યુની વચ્ચેથી જઈ રહ્યો છે, પસાર થઈ રહ્યો છે તે સંસારી છે, આ દૃષ્ટિએ જોવાથી કોણ સંસારી નથી? એટલા માટે શ્રીઠાકુર બધાને કહે છે: ‘આગળ વધો, જે જ્યાં છે ત્યાંથી જ ભગવાનને પ્રાપ્ત કરવા માટે આગળ વધતા રહે.’

ત્યાગી અને ગૃહસ્થ પ્રત્યે અનેક ઉપદેશોમાં જો કે કેટલોક વિરોધાભાસ જોવા મળે છે છતાંય એ બંને સત્ય છે. એવી રીતે એક બીજા સ્થાને એમની ઉક્તિ સ્વવિરોધી પ્રતીત થાય છે. તે એ છે કે જ્યારે શ્રીઠાકુર પરમતત્ત્વ વિશે ઉપદેશ આપે છે ત્યારે અલગ અલગ સ્થાને અલગ અલગ રીતે એ કહે છે. ક્યારેક ક્યાંક કહે છે : ‘તેઓ એક છે, અદ્વિતીય છે, મનવાણીથી અગોચર છે.’ ક્યારેક કહે છે, ‘તેઓ કેવા છે એ જાણો છો? જેમ કે મીણનું ફૂલ, મીણનું ફળ અને મીણનો બગીચો.’ વળી ક્યારેક કહે છે: ‘નાહં – નાહં, તુહુઁ – તુહુઁ’. ક્યારેક વળી આમ કહે છે : ‘હું જ તે છું.’ વસ્તુત: આપણને શાસ્ત્રોમાં પણ આ પ્રકારની ઘણી પરસ્પર વિરોધી ઉક્તિઓ જોવા મળે છે. પરંતુ જો એના અંતરંગમાં પેસીને વિચાર કરીએ તો સ્પષ્ટ દેખાશે કે વાસ્તવમાં એમની વચ્ચે કોઈ વિરોધ નથી. આ જે વિભિન્ન ઉપદેશ છે, તે બધા સત્ય છે; કારણ કે પરમાર્થ પથ પર ચાલતાં ચાલતાં સાધકને આ વિભિન્ન અનુભૂતિઓની વચ્ચેથી પસાર થવું પડે છે. શ્રીઠાકુરે સ્વયં બધા પ્રકારની સાધનાઓનું અવલંબન લીધું હતું. જે ભાવ આપણને પરસ્પર વિરોધી લાગે છે, એ બધાની ઉપલબ્ધિ એમણે પોતાના જીવનમાં કરી હતી. એટલે જેને માટે જે ભાવ ગ્રહણ કરવાનું એમણે સહજ માન્યું તેને માટે એવો જ ઉપદેશ આપ્યો. શ્રીઠાકુર એક જ આધારમાં દ્વૈતવાદી, અદ્વૈતવાદી તથા વિશિષ્ટાદ્વૈતવાદી છે. તેઓ માને છે કે આ બધા સત્ય છે તથા એમાંનો પ્રત્યેક કોઈને કોઈ માટે ઉપયોેગી છે. In my Father’s house there are many mansions (St. John, 14.2) અર્થાત્‌ મારા પિતાની હવેલીમાં ઘણાં ભવન છે. શ્રીઠાકુર આ બધાં ભાવોમાંથી પસાર થઈ ચૂક્યા છે અને જેને માટે જે ભાવ સહજ છે, તેને એ જ ભાવનો નિર્દેશ કર્યો છે. એટલા માટે એમને ભિન્ન ભિન્ન સમયે જુદી જુદી વ્યક્તિઓ માટે અલગ અલગ ઉપદેશ આપવા પડ્યા છે અને આ બધા ઉપદેશોનું સંકલન ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ છે. આ જ કારણ છે કે આપણને વચ્ચે વચ્ચે સંદેહ થાય છે કે એમના ઉપદેશ તો સ્વવિરોધી છે. આપણને તો ત્યાં સુધી જોવા મળે છે કે જે માર્ગ સમાજ માટે ઘૃણાસ્પદ છે એનો ઉલ્લેખ પણ શ્રીઠાકુરે કર્યો છે અને કહ્યું છે કે એ પણ ભગવાનને પામવાનો એક માર્ગ છે. અને માત્ર આવું કહ્યું જ નથી પરંતુ સ્વયં આંશિક રૂપે તેનું અનુશીલન પણ કર્યું છે. સાથે ને સાથે એમણે ભક્તોને સાવધાન કરતાં કહ્યું છે કે તે ઘણો ગંદો રસ્તો છે, જો વધારે લોકો એ માર્ગનું અવલંબન કરશે તો એનાથી સમાજને હાનિ થશે. આ રીતે એ સત્ય છે કે એમણે એ પથની નિંદા કરી છે, પરંતુ એ પણ સત્ય છે કે એ પથનું અનુસરણ કરીને જેણે ભગવાન પાસે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે તેને તેમણે સન્માન પણ આપ્યું છે. આ રીતે અનેક પરસ્પર વિરોધી સંપ્રદાયોનાં આચાર-અનુષ્ઠાનનું પાલન કરીને તથા અનેક પરસ્પર વિરોધી મતવાદોને સાથે રાખીને અંતે તો શ્રીઠાકુર બધાની સત્યતાની પ્રાપ્તિ કરવામાં સમર્થ નિવડ્યા છે. આ જ કારણે એમના ઉપદેશોમાં આટલી બધી વિવિધતા છે.

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.