અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં વારંવાર કહ્યું છે, ‘નાહં નાહં તૂહી તૂહી. ‘સોઽહમ’્ કહેવું યોગ્ય ન ગણાય.’ સોઽહમ્ શાસ્ત્રવાક્ય છે, સિદ્ધાંત છે, તો પણ બરાબર નથી. આ વાત એમણે સાધારણ માનવની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કહી છે. અનધિકારી માટે ‘સોઽહમ્’ કેટલું અનર્થકારી છે એ વિદ્વાનમૂર્ખાેને જોઈને જ સમજી શકાય છે. શાસ્ત્ર વાંચવાથી જ શાસ્ત્રનું તાત્પર્ય સમજાતંુ નથી. એનું દૃષ્ટાંત શ્રીરામકૃષ્ણની રાજા અને ભાગવત પંડિતની આ અદ્ભુત કથામાં જોવા મળે છે : ‘પહેલાં તમે સમજો’- રાજાના આ વાક્યનું વિશ્લેષણ કરતાં કરતાં પંડિત સામે ભાગવતનો સારતત્ત્વ ઉદ્ભાસિત થયો કે એક માત્ર તેઓ જ સત્ય છે અને બાકીનું બીજું બધું મિથ્યા છે. આ સત્યની ઉપલબ્ધિ પછી તેઓ બીજીવાર રાજા પાસે ન ગયા. એનું કારણ એ હતું કે હવે એમને ધનની કોઈ આવશ્યકતા ન હતી. એમણે સત્યને જાણી લીધું હતું અને હવે એમનું સર્વસ્વ ભગવાનને સમર્પિત થઈ ગયું. એમણે કોઈ વ્યક્તિ દ્વારા રાજાને સંદેશો પાઠવ્યો કે હવે હું ભાગવતનો અર્થ સમજી ગયો છું. એ જ તત્ત્વમાં નિષ્ણાત બનીને ભગવાનનાં ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરવા માટે તેઓ ગૃહત્યાગ કરીને ચાલ્યા ગયા. આનું નામ કહેવાય સમજવું.
શાસ્ત્ર-અધ્યયન અને અર્થબોધ
શુદ્ધબુદ્ધિ વિના શાસ્ત્રોનો અર્થ હૃદયંગમ થતો નથી. નૈષા તર્કેણ મતિરાપનેયા- તર્ક દ્વારા શાસ્ત્રનો વાસ્તવિક અર્થ સમજાતો નથી, તત્ત્વલાભ થતો નથી.
ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈ :- વેદ, યજ્ઞ, દાન, ધ્યાન-અધ્યયન દ્વારા પણ તત્ત્વલાભ થતો નથી. આ વાત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કરી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં (૪.૪.૨૧)કહ્યું છે- નાનુધ્યાયાદ્ બહૂન્ શબ્દાન્ વાચો વિગ્લાપનં હિ તત્- અધિકશાસ્ત્રનું અધ્યયન મનને શુદ્ધ કરી શકતું નથી. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘શાસ્ત્ર કેવું છે, ખબર છે? જાણે કે રેતીમાં મળેલી ખાંડ.’ રેતી સિવાય ખાંડને જ મેળવવી એટલે કે શાસ્ત્રની ચર્ચા દ્વારા મૂળ તત્ત્વને અલગ કરી લેવાથી શાસ્ત્રપાઠનું ફળ મળે છે.
એટલા માટે શાસ્ત્રોમાં આવું વિધાન છે કે ગુરુમુખ સિવાય શાસ્ત્રનું અન્વેષણ કરવાથી કોઈ લાભ ન થાય. એનું કારણ શું છે? ગુરુ જાણે છે કે કોને માટે કયું પથ્ય છે અને કયું અપથ્ય છે. તેઓ વિચાર કરીને પથ બતાવી દે તો તત્ત્વલાભ સહજ બની જાય. સ્વબુદ્ધિને ભરોસે નિરપેક્ષભાવથી શાસ્ત્રનો અર્થ જાણવાનો પ્રયત્ન કરવાથી વિભ્રાંત થઈ જવાની શક્યતા છે. એનું કારણ એ છે કે જે યંત્ર દ્વારા આપણે શાસ્ત્રનું ચિંતન કરી રહ્યા છીએ એની ભીતર એટલી મલિનતા છે કે એ તત્ત્વને પ્રગટ કરી શકતા નથી. એટલે જ શાસ્ત્રો કહે છે- આચાર્યાદ્ધ્યેવ વિદ્યા વીર્યવત્તરા ભવતિ- આચાર્ય પાસેથી મેળવેલ વિદ્યા જ વધારે શક્તિશાળી હોય છે અને બીજી વિદ્યાઓ અવિદ્યાનું કાર્ય કરે છે. જેમણે શાસ્ત્રના વાસ્તવિક મર્મની પ્રાપ્તિ કરી છે કેવળ એમના જ મુખેથી સાંભળીને શાસ્ત્રનો અર્થ સમજાય છે. એટલે એવા બ્રહ્મજ્ઞ ગુરુની આવશ્યકતા છે જે અધિકારી ભેદ સાથે શિષ્યને એનું જેના દ્વારા મંગલ થાય એ ભાવથી જ્ઞાન કે ઉપદેશ આપે છે.
એટલે શ્રીરામકૃષ્ણે પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ પ્રકારે ઉપદેશ આપ્યો છે, જે સામાન્ય દૃષ્ટિએ એક બીજાથી ભિન્ન છે. કોઈ એમ કહી શકે કે શ્રીરામકૃષ્ણે પોતાના શિષ્યોને પસંદ કરીને સારા સારા ઉપદેશ આપ્યા છે. જાણે કે માખણ કાઢીને એમને માટે રાખી લીધું અને આપણને તો કેવળ છાશ આપી દીધી. પણ વાત એવી નથી. માખણ બધાને માટે સુપાચ્ય નથી. બધાના પેટમાં બધી જાતનું ભોજન પચી ન શકે. એટલે મા ભિન્ન ભિન્ન રીતે ભોજન રાંધે છે. જેમ કે એક દિવસ મા શારદાદેવીએ બનાવેલ પાતળી રોટલી અને બીજી ચીજવસ્તુઓ ખાઈને જ્યારે નરેન્દ્રને રામકૃષ્ણ દેવે પૂછ્યું, ‘ખાવાનું કેવું થયું છે?’ ત્યારે નરેને કહ્યું, ‘રોગીનું પથ્ય ભોજન ખાધું.’ શ્રીરામકૃષ્ણે માને બોલાવીને કહ્યું, ‘અરે, નરેન્દ્ર માટે મોટી મોટી રોટલી અને ઘાટી દાળ બનાવવી. તો એને મજા આવશે.’ આ રીતે બધા ઉપદેશ સૌ માટે નથી. આ વાત શ્રીરામકૃષ્ણે વારંવાર કહી છે.
અહૈતુકી ભક્તિ
શ્રીરામકૃષ્ણ અહૈતુકી ભક્તિ વિશે વાત કરી રહ્યા છે. આ ભક્તિ નિષ્કામ અને સ્વાભાવિક છે. પ્રહ્લાદમાં આ જ ભક્તિ હતી. એમણે કહ્યું હતું, ‘હું કંઈ ઈચ્છતો નથી. કેવળ હરિનાં ચરણકમળમાં અવ્યભિચારિણી ભક્તિ ઈચ્છું છું. ભાગવતમાં કહ્યું છે(૧.૭.૧૦)-
આત્મારામાશ્ચ મુનય : નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે—।
કુર્વન્ત્યહૈતુકી ભક્તિમ્ ઈત્થમ્ભૂતગુણો હરિ :—।।
જે મુનિઓ આત્મારામ છે, જેમનું અંત :કરણ આનંદથી પરિપૂર્ણ છે, જેમનામાં કોઈ ગ્રંથિ કે વાસના નથી તેઓ પણ ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનનો ગુણ જ એવો છે કે એમની સાથે પ્રેમ કર્યા વિના તેઓ રહી જ ન શકે. કોઈ હેતુ કે વાસના નથી છતાં પણ ઈશ્વરની સાથે પ્રેમ કરે છે એટલે એમની ભક્તિને ‘અહૈતુકી ભક્તિ’ કહેવાઈ છે.
આત્મા સ્વત : પ્રિય છે. બધા પોતાના આત્માને ચાહે છે. એનું કોઈ કારણ નથી. બીજી વસ્તુઓ સાથે પ્રેમ કરવાનું કારણ એ છે કે એ બધી આત્મા માટે ઉપયોગી છે, એની આવશ્યકતાઓ પૂર્ણ કરે છે. છતાં પણ જે વિના કારણે, સ્વભાવથી જ, વસ્તુ ધર્મથી જ પ્રિય છે તે આ આત્મા છે. એટલે તે સ્વત : પ્રિય છે. એને પ્રેમ કર્યા વિના રહી ન શકાય. આત્માને આ દૃષ્ટિએ જોઈને ભક્તિ કરવાથી એમાં કોઈ હેતુ રહેતો નથી. કેનોપનિષદમાં (૧.૨) કહ્યું છે-
શ્રોત્રસ્ય શ્રોત્રં મનસો મનો યદ્
વાચો હ વાચં સ ઉ પ્રાણસ્ય પ્રાણ :—।
એની પાછળ જ્ે વિદ્યમાન છે એને લોકો સ્વભાવત : પ્રેમ કરશે.
ગીતામાં (૭.૧૬) ભગવાને ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે-
ચતુર્વિધા ભજન્તે માં જના : સુકૃતિનોઽર્જુન—।
આર્તાે જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ—।।
પીડિત, તત્ત્વજિજ્ઞાસુ, ભોગાભિલાષી તથા જ્ઞાની આ ચાર પ્રકારના ભક્તો ભગવાનનું ભજન કરે છે. એમાં જે જ્ઞાની છે તે ભગવાનના સ્વરૂપને જાણીને એને ચાહે છે; ભગવાન કહે છે કે તેઓ મારા આત્મા છે એટલે તેઓ શ્રેષ્ઠ છે. ઉદારા : સર્વ અવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્- એ બધા મહાન છે, ભગવાનના પથ પર ચાલે છે પરંતુ જ્ઞાની લોકો મારો આત્મા છે, મારું સ્વરૂપ છે. સ્વરૂપ છે એટલે એમના પ્રેમની પાછળ કોઈ હેતુ રહેતો નથી.
પરંતુ ગીતામાં આર્ત અને અર્થાર્થી ભક્તોની નિંદા નથી કરી. તેઓ પણ મહાન છે કારણ કે દુ :ખી થઈને હાહાકાર મચાવવા કરતાં ભગવાનના શરણે જવું કે પ્રયોજન સિદ્ધિ માટે શઠતાને સ્થાને ભગવાનનું શરણું સાધવું શ્રેયસ્કર છે. શુદ્ધ ભક્તિનું દૃષ્ટાંત અતિવિરલ છે. વાસનાશૂન્ય બન્યા વિના એની પ્રાપ્તિ થતી નથી. ભગવાન સમક્ષ પોતાની કોઈ કામના પ્રગટ કરવી નિંદનીય નથી. છતાં પણ એનાથી પણ વધારે સારું એ છે કે એમને કેવળ પ્રેમ જ કરવો. જે રાજરાજેશ્વર છે એમની પાસેથી તુચ્છ વસ્તુઓ માગવી એ બુદ્ધિહીનતાનું પરિચાયક છે. શ્રીરામકૃષ્ણની ભાષામાં એ તો જાણે કોઈ રાજા પાસેથી દૂધી કે કોળું માગવા સમાન છે. એને ચાહવા જઈએ એટલે બધું છોડવું પડે. એટલે કે કામનાશૂન્ય થયા વિના અહૈતુકી ભક્તિ આવતી નથી. આમ છતાં પણ સાધારણરૂપે ભક્તિ કરતાં કરતાં કામનાઓ ઘટતી જાય છે, અંત :કરણ શુદ્ધ થઈ જાય છે અને જેમ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘આંખના પાણીથી સોયનો કીચડ ધોવાઈ જવાથી ચુંબકના આકર્ષણનું જ્ઞાન થાય છે.’ તેવી રીતે મનશુદ્ધ થયા પછી ભગવાન પ્રત્યે જે અદમ્ય આકર્ષણનું જ્ઞાન થાય છે એ જ અહૈતુકી ભક્તિ છે. ધન, યશ વગેરેના ઉદ્દેશરૂપે કે ચાલાકી-પૂર્વક નહીં કે એને પ્રેમ કરો કે જેથી એ બધું જ આપી દેશે. કેવળ એમને માટે જ એમને ચાહવા આ જ સાધકની ભક્તિની પરાકાષ્ઠા છે.
શ્રીરામકૃષ્ણમાં સર્વભાવોની પરાકાષ્ઠા
શ્રીરામકૃષ્ણ ડાૅક્ટર સરકારને પોતાની માંદગીને ઠીક કરી દેવા માટે કહે છે કે જેથી તેઓ ભગવાનનાં નામ ગુણ કરી શકે. એના ઉત્તરમાં ડાૅક્ટર એમને જ્યારે ધ્યાન કરવા માટે કહે છે ત્યારે શ્રીરામકૃષ્ણ કહે છે, ‘હું એકપથીઓ શા માટે બનું?’ શ્રીરામકૃષ્ણના એક જ પથ પર ન ચાલવાનું કારણ હતું- વિવિધ પ્રકારે ઈશ્વરનું આસ્વાદન કરવાની ઇચ્છા. બધાં રૂપોમાં એમને જોવા, બધા ભાવોમાં એમનો અનુભવ કરવો, આ છે સાધકની સાધનાની પરાકાષ્ઠા. ઉપનિષદમાં કહ્યું છે- સર્વકામ : સર્વરસ : સર્વગંધ : જ્યાં ક્યાંય જે કાંઈ પણ જોઉં છું બધું તેઓ જ છે. જેનું આસ્વાદન કરું છું એમાં એમનું જ આસ્વાદન કરું છું. એટલે શરાબી જેવાં દૃશ્યો જોઈને મનુષ્યના મનમાં જે ખરાબ ભાવો ઉદ્ભવે છે એને જોઈને શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ થઇ જતા. આ જ એમની વિશિષ્ટતા છે. સાધનાની પરાકાષ્ઠા સુધી પહોંચીને મન એટલું શુદ્ધ થઈ જાય છે કે એ બધા ભાવોમાં ઈશ્વરનું આસ્વાદન કરી શકે છે.
આ જ સર્વભાવની પરાકાષ્ઠા જગતને દર્શાવવા શ્રીરામકૃષ્ણે દેહ ધારણ કર્યો છે. તે આ યુગના અવતાર છે, તેઓ આ યુગના બધા માટે છે. તેમનું જીવન બધા ભાવોના સર્વ પ્રકારના લોકો માટે છે. એમના જીવનનું પ્રત્યેક ઉદાહરણ કોઈને કોઈ માટે ઉપયોગી છે. જેમનું જીવન લોકકલ્યાણ માટે હોય તેઓ એકપથિયા બને તો કેમ ચાલે? એમણે અનેક પ્રકારે ભગવાનનું આસ્વાદન કરીને જગત સમક્ષ દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે. એ જોઈને મનુષ્ય પોતાના લક્ષ્ય વિશે જાણકારી પ્રાપ્ત કરીને એ તરફ આગળ વધવાની પ્રેરણા મેળવી શકે છે. જો એ ન દેખાય તો વિશ્વાસપૂર્વક એ માર્ગમાં આગળ વધવું આપણા માટે સંભવ ન બને. (ક્રમશ 🙂
Your Content Goes Here




