(ગતાંકથી આગળ…)
પાપપુણ્ય અને ભોગ કર્તા
હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ? આવો પ્રશ્ન ઘણાના મનમાં ઉદ્ભવે છે, જો ઈશ્વર જ બધું કરી રહ્યા છે તો પછી મનુષ્ય દ્વારા જે કર્મ અનુચિત થાય છે તે પણ ઈશ્વર જ કરાવે છે, તો પછી એનો દંડ મારે શા માટે ભોગવવો ? જો હું સ્વતંત્ર જ નથી, કર્મનો કર્તા નથી, તો પછી મારે એનો દંડ શા માટે ભોગવવો પડે ? ભગવાન જો મારો યંત્રરૂપે ઉપયોગ કરે તો કર્મોનાં સારાંમાંઠાં ફળ મારા ઉપર ન આવે એને બદલે જે મારો ઉપયોગ કરે છે એના પર આવે છે એ ઉચિત છે.’
આ પ્રશ્નમાં વિચારની ખામી છે. પ્રથમ તો જો હું ઈશ્વર દ્વારા નિયંત્રિત થઈને કર્મ કરું છું, તો જે કર્મ કરાવે છે તે જ ફળ ભોગવશે. પરંતુ જો હું કર્તા જ નથી, તો પછી ભોક્તા કેવી રીતે બન્યો ? મેં કર્મ કર્યું નથી, છતાં પણ ફળ ભોગવી રહ્યો છું. એમાં તો વ્યાઘાત દોષ છે. ભોગ પણ એક પ્રકારનું કર્મ છે. એનો કર્તા હું કેવી રીતે બનું ? કર્મનો કર્તા ન હોવાથી ભોગનો કર્તા કેવી રીતે બને ?
એટલે જે કર્મ કરે છે, તે ભોગ પણ કરે છે. શ્રીરામકૃષ્ણ તીતીઘોડાના પૂછડામાં લાકડું લગાડેલું જોઈને કહે છે, ‘રામ, તમે પોતે જ પોતાની દુર્ગતિ કરી છે. જેણે આ લાકડું લગાડ્યું છે તે પણ તમે જ છો અને જે કષ્ટ ભોગવે છે તે પણ તમે જ છો. જે કર્તા છે તે જ ભોક્તા છે, એ સમજવું પડે; ત્યારે વૈષમ્ય દોષનો પ્રશ્ન ઊભો થતો નથી. જ્યારે એવું જ્ઞાન થાય કે ભગવાન આપણી પાસે કર્મ કરાવી રહ્યા છે અને આપણે ભોગવી રહ્યા છીએ, ત્યારે વૈષમ્ય દોષ ઉપસ્થિત થાય છે. ઠાકુરની આ વાર્તા ઘણી સુંદર છે : બ્રાહ્મણ દ્વારા ગૌહત્યાની વાર્તા. લીલા પ્રસંગમાં ઘણી વિસ્તૃત રીતે વર્ણવી છે. ઈન્દ્ર દ્વારા પ્રશંસા સાંભળીને બ્રાહ્મણ ગદ્ગદ કંઠે કહે છે, ‘આ બધું મેં કર્યું છે.’ પોતાની પ્રશંસા સાંભળીને ખુશ ન થાય એવા લોકો આ દુનિયામાં વિરલ છે. જો કે મેં કર્યું છે એટલે પ્રશંસા મારું પ્રાપ્ય છે. ઉપનિષદમાં એક કથા છે : ‘દેવતાઓએ અસુરોને જીતી લીધા એટલે એમને થોડો અહંકાર આવી ગયો. બ્રહ્મ બધાના અંતર્યામી છે. એમણે દેવતાઓના અભિમાનને ભાંગીને ભૂકો કરી નાખ્યો. દેવતાઓ સમજી ગયા કે બ્રહ્મની શક્તિથી જ એમણે વિજય પ્રાપ્ત કર્યો છે.’ આવી રીતે જ્યારે આપણે એમને (ઈશ્વરને) બધા વિષયોના કર્તા સમજીએ ત્યારે આપણામાં અભિમાન ન આવી શકે. એટલે દુ :ખ ભોગવી રહ્યા છીએ, એવી ફરિયાદ પણ આપણાથી થઈ શકશે નહીં. હું એક સામાન્ય યંત્રમાત્ર છું. મારામાં ભોક્તૃત્વ પણ નથી અને કર્તૃત્વ પણ નથી. જેણે પોતાની જાતને અકર્તા જાણી લીધો છે તેણે પોતાને અભોક્તા પણ સમજી લીધો છે. જ્યારે આપણે કહીએ છીએ કે હું કર્મ કરતો નથી અને છતાં ભોગ કરું છું, ત્યારે થોડી જવાબદારી પોતાના ઉપર લઉં છું અને થોડો ભાર એમના (ઈશ્વર) પર છોડી દઉં છું. આવી અડધી અડધી વહેંચણી ચાલે નહીં. શ્રીરામકૃષ્ણ એટલી વધારે ચર્ચામાં ન પડ્યા. એમની વાતો પરથી એવું લાગે છે કે એમને ઘણી નારાજગી થઈ રહી છે. એટલે તેઓ કહે છે, ‘તમારી તો સોની જેવી બુદ્ધિ છે !’ આ વાતથી કોઈના મનમાં આઘાત ન લાગે એટલે નરેન્દ્રનાથ એની વ્યાખ્યા કરી રહ્યા છે – સોનીની બુદ્ધિ એટલે Calculating – હિસાબી બુદ્ધિ.
ઈશ્વરને સામાન્ય જવાબદારી દેવી
શ્રીરામકૃષ્ણ કહે છે કે આટલા ફાલતુ વિચાર કરવાથી શું લાભ ? તેઓ કહે છે, ‘આટલા બધા હિસાબ સાથે તમારે શું મતલબ ? તમે કેરી ખાવા આવ્યા છો, તો કેરી ખાઓ. તમને આ સંસારમાં ઈશ્વરપ્રાપ્તિની સાધના કરવા માટે જન્મ મળ્યો છે. ઈશ્વરમાં ગમે તે રીતે ભક્તિ થાય તેને માટે પ્રયત્ન કરો. તમારે આવી નકામી વાતો સાથે શું લેવા દેવા?… અડધા-પા પ્યાલા શરાબથી જો તમને નશો થાય છે, તો પછી દારૂવાળાની દુકાનમાં કેટલા મણ દારૂ છે એનો હિસાબ કરીને શું કરશો ? એટલે અભિપ્રાય એ છે કે તમારા માટે જેટલું જરૂરી છે એટલું લઈને એમાં ડૂબી જાઓ. સાધના માટે દુર્લભ માનવજીવન મેળવીને ભક્તિ કેવી રીતે થાય, શરણાગતિ કેવી મળે એને માટે પ્રયત્ન કરવો યોગ્ય રહેશે. શ્રદ્ધા, ભક્તિ, શરણાગતિનો ભાવ ન રહે તો આવા વિચાર આવે છે. આપણે લોકો પોતાના વિચારનો માપદંડ લઈને એને માપીજોખીને જાણે કે આપણે એમના ન્યાયાધીશ હોઈએ તેમ એમનાં દોષ કે ખામીઓ પર વિચાર કરવા લાગીએ છીએ. આપણે પોતાની અકિંચનતાને ન જાણીને ભગવાન પર વિચાર કરવા જઈએ છીએ. એટલે શ્રીરામકૃષ્ણ વિશેષરૂપે કહે છે કે વધારે જાણવાની આવશ્યકતા નથી. થોડી બુદ્ધિ રહેવાથી તમે એમનું ભજન કરી શકો છો.
વિચાર તરફ વધારે ગયા વિના તેઓ કહે છે, ‘ઈશ્વરને સામાન્ય જવાબદારી શા માટે નથી દેતા ? એમના ઉપર પોતાનો બધો ભાર નાખી દો.’ સારા માણસને જો કોઈ પોતાનો ભાર સોંપી દે તો તે ક્યારેય અન્યાય કરી શકે ખરો ? તેઓ (ઈશ્વર) પાપનો દંડ દેશે કે નહીં એ વાત તેઓ જ જાણે. આપણું કર્તવ્ય તો પોતાના જીવનને સાર્થક કરવામાં જ છે.
વિચારના પરિણામે માનવ જે ભ્રાંતિવાળા તારણ પર પહોંચે છે, એ વિશે તેઓ કહે છે, ‘‘તમે કોલકાતાવાળા બસ આ એક જ રાગ આલાપતા રહો છો – ‘ઈશ્વરમાં પક્ષપાત છે, કારણ કે એકને એમણે સુખી રાખ્યા છે અને બીજાને દુ :ખમાં’ – તમે લોકો એ જ કહેતા રહો છો ને ? આ મૂર્ખાઓ પોતે જેવા છે, એવા જ ઈશ્વરની ભીતર પણ જુએ છે.’’ વસ્તુત : ઈશ્વરને આપણે લોકો પોતાની પ્રતિકૃતિના રૂપે જોઈએ છીએ, પોતાનાં ચરિત્ર પ્રમાણે જ એમની કલ્પના કરીએ છીએ. બાઈબલમાં આવું કહ્યું છે, ‘God made man after his own image – ભગવાને મનુષ્યને પોતાની પ્રતિકૃતિના રૂપે બનાવ્યો છે’. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘Man made God after his own image મનુષ્યે પોતાની પ્રતિકૃતિને અનુરૂપ ભગવાનની કલ્પના કરી છે.’ આપણને ઐશ્વર્ય જોઈએ છે, એટલે એમને ઐશ્વર્યવાન કહીએ છીએ. સાથે ને સાથે આશા કરીએ છીએ કે તેઓ આપણને ઐશ્વર્ય આપશે. શ્રીરામકૃષ્ણ કહે છે :
‘આ (ગળાનો) રોગ થવાથી શું લાભ થયો તે ખબર છે ? આ રોગને જોઈને ઘણા લોકો ભાગી જશે.’ શા માટે ભાગી જશે ? એ વિચારીને કે તેઓ પોતે જ આવો રોગ ભોગવે છે તો પછી આપણું શું ભલું કરી શકવાના ? (ક્રમશ 🙂
Your Content Goes Here




