માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી સંસ્કૃતિનું મંડાણ થવાનું છે. જેઓ નીતિ માટે અને ધર્મ માટે ઊંચાં મૂલ્યો ધરાવતા હતા એવા અતિ નિર્ધન અને અજ્ઞાની લોકોના સમુદાયની પીડાને સ્વામી વિવેકાનંદે એમના ભારતપરિભ્રમણ દરમ્યાન પ્રત્યક્ષ નિહાળી હતી. આ ઉપરાંત પશ્ચિમના સમૃદ્ધ દેશોના પ્રવાસ દરમ્યાન સ્વામીજીએ એ પણ નિરીક્ષણ કર્યું કે અપાર વૈભવ અને ઉચ્ચ જીવન ધોરણો હોવા છતાં એ લોકોને શાંતિ નહોતી. તેથી એમને ખાતરી થઈ કે ભૌતિક સમૃદ્ધિ વગરનો આધ્યાત્મિક આદર્શ અને આધ્યાત્મિક આદર્શ વગરની ભૌતિક સમૃદ્ધિ – એ બેમાંથી કોઈ પણ માનવજાતનું કાયમ માટે કલ્યાણ કરી શકે નહિ. આથી એમણે આ બંનેને ભેગાં કરી દીધાં અને એક મહાન આદર્શ સ્વરૂપે સાંકળી લીધા અને એ આદર્શને પૂર્વ અને પશ્ચિમ એમ બંને જગ્યાએ રજૂ કર્યો.
થોડા શબ્દોમાં સ્વામીજીએ પોતાના આદર્શને સૂત્રરૂપે આ પ્રમાણે રજૂ કર્યો: “આત્મનો મોક્ષાર્થમ્, જગત્ હિતાય ચ” “આપણે સ્વયં આપણા આત્માના મોક્ષ માટે અને જગતના કલ્યાણ માટે કાર્યશીલ રહેવું જોઈએ.”
શ્રી શ્રીમા શારદામણિદેવીના એક શિષ્ય શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ સંઘના દસમા અધ્યક્ષ હતા. ૧૮ ડિસેમ્બર, ૧૯૬૬માં મદ્રાસમાં તેમણે આપેલ આ વાર્તાલાપમાં તેમણે કાર્યને પૂજામાં પરિણત કરવાનું કૌશલ, આધુનિક શિક્ષણ પ્રણાલી વગેરે વિષયો પર અદ્ભુત પ્રકાશ ફેંક્યો છે અને રામકૃષ્ણ સંઘનાં કાર્યોની તાત્ત્વિક પૃષ્ઠભૂમિ રજૂ કરી છે.
એમણે આ આદર્શ આપણને સૌને અનુસરવા માટે આપ્યો છે. એમણે કહ્યું છે, “આપણે મૂર્તિઓ અને પ્રતીકોમાં ઈશ્વરની પૂજા કરીને પણ જો આપણે એનો સાક્ષાત્કાર કરી શક્તા હોઈએ તો પછી માનવજાતિની સેવા મારફત માનવીમાં રહેલા ઈશ્વરની પૂજા કરીને આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકીએ એ વાત તદ્દન સ્વાભાવિક છે. માનવમાત્રમાં ઈશ્વર વિદ્યમાન છે. એ વિશ્વાતીત પણ છે અને વિશ્વગત પણ છે. વિશ્વાતીત તત્ત્વ ઉપર ધ્યાન કરીને અને વિશ્વગતની સેવા કરીને આપણે સાક્ષાત્કારના માર્ગે જવા શક્તિમાન છીએ.” એ મૂળભૂત ઉપદેશ આ જ છે જેને સ્વામીજીએ સમગ્ર જગત સમક્ષ રજૂ કર્યો હતો.
રામકૃષ્ણ સંઘમાં આપણે આ જ આદર્શને અનુસરવાનો અને તેને આપણી પોતાની રીતે કાર્યાન્વિત ક૨વાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે હું રામકૃષ્ણ સંઘની વાત કરું છું ત્યારે માત્ર આ મઠવાસીઓની સંસ્થા પૂરતી જ વાત નથી કરતો પરંતુ એમાં શ્રીરામકૃષ્ણ પ્રત્યેની સેવાની ભાવનાથી થતી સંઘની પ્રવૃત્તિઓમાં જે સહયોગ આપે છે તે તમામ ભક્તો અને શુભચિંતક મિત્રોનો પણ સમાવેશ કરું છું. શ્રીરામકૃષ્ણ, મઠવાસી ભ્રાતૃસંઘ તથા જનસાધારણમાં સમાવિષ્ટ એવા ભક્તો – આ ત્રણેયને રામકૃષ્ણ સંઘમાં સમષ્ટિગત વ્યક્તિત્વમાં એકત્રિત કરવામાં આવ્યા છે. સ્વામીજીએ દર્શાવેલ આદર્શને આ સંઘે અપનાવ્યો છે અને આ દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં તથા વિદેશમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સંઘ પોતાની પ્રવૃત્તિઓ કરે છે.
આપે એ યાદ રાખવું ઘટે કે આપણા સમાજોપયોગી તમામ કાર્યોને આ આદર્શે આધ્યાત્મિકતા બક્ષી છે અને એ કાર્યોને ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યાં છે. અને તે છે આધ્યાત્મિક કક્ષા. એ આદર્શ આપણાં સાધારણ કાર્યોને પણ એવી આધ્યાત્મિક સાધનામાં પરિવર્તિત કર્યાં છે જે ઈશ્વ૨સાક્ષાત્કાર માટેની ક્ષમતા ધરાવે છે. આપણાં રોજબરોજનાં કાર્યોમાં અને ખાસ કરીને આપણાં માનવસેવાનાં કાર્યોમાં આ દૃષ્ટિ ભૂલાવી ના જોઈએ. સ્ટીલના ઉત્પાદન માટેના કારખાનામાં મુખ્ય ઉદ્દેશ તો સ્ટીલનું ઉત્પાદન કરવાનો જ હોય છે, પરંતુ સ્ટીલનું ઉત્પાદન થતું હોય એ પ્રક્રિયા દરમ્યાન જુદાં જુદાં આડ ઉત્પાદનો પણ થતાં હોય છે. આ આડ ઉત્પાદનો માટે સારું નફાકારક બજાર પણ હોય છે છતાં પણ કારખાનાનો મુખ્ય ઉદ્દેશ તો સ્ટીલનું ઉત્પાદન કરવાનો જ હોય છે, આડ ઉત્પાદનો કરવાનો નહિ. એ જ પ્રમાણે આપણો ઉદ્દેશ માનવની સેવા દ્વારા માનવમાં રહેલા પ્રભુની પૂજા કરી એનો સાક્ષાત્કાર કરવાનો હોવો જોઈએ. એ જ આપણો મુખ્ય ઉદ્દેશ છે. એને લીધે સમાજનું કલ્યાણ થાય એ પણ મહત્ત્વનું અને જરૂરી છે. પરંતુ તે તો આડ ઉત્પાદન જેવું છે. માનવસમાજની સેવા માટે આપણે જે કાર્યો કરીએ એ માત્ર પરોપકારની પ્રવૃત્તિ તરીકે જ કરવાનાં નથી. ના, એમ નહિ જ. એ તો ઈશ્વરની વિશ્વવ્યાપકતાનું જે એક પાસું છે એની જ પૂજા છે. જો આપણે આ આધ્યાત્મિક દૃષ્ટિ ગુમાવી દઈશું તો આપણું કાર્ય નિષ્ફળ જશે. આપણો મુખ્ય ઉદ્દેશ તો માનવસમાજની સેવા દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો જ હોવો જોઈએ. પરંતુ સેવાની આ પ્રક્રિયા દરમ્યાન, આપણી સાધનાને લીધે જ આપણે આપોઆપ સમાજનું કાંઈક ભલું જ કરીએ છીએ. આપણે સૌ એક યા બીજી રીતે જેમાં સંકળાયેલાં છીએ એવાં આપણાં કાર્યોની પાછળ મુખ્ય ઉદ્દેશ તો ઈશ્વર સાક્ષાત્કારનો જ હોવો જોઈએ, માત્ર માનવસમાજ માટે કાંઈક સારું કરવાનો અથવા તો જેને પ્રચલિત ભાષામાં સમાજસેવા કહેવામાં આવે છે એ ના હોવો જોઈએ.
સ્વામીજીનો સંદેશ મૂળભૂત રીતે આધ્યાત્મિક સંદેશ હતો અને એ કદી પણ આપણી દૃષ્ટિની બહાર જવો ના જોઈએ. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ સામાજિક કલ્યાણનાં કાર્યો નથી પરંતુ આપણે મનુષ્યમાં રહેલા ઈશ્વરની પૂજા કરીએ છીએ. અને સ્વામીજીએ પણ આપણને એમ જ ક૨વાનું કહ્યું હતું. જો આપણે એ ઉચ્ચ આધ્યાત્મિક આદર્શને ગુમાવી દઈશું તો આપણી બધી જ પ્રવૃત્તિઓ ફક્ત સામાન્ય સામાજિક કલ્યાણનાં કાર્યો તરીકે જ રહીને અધઃપતન નોતરશે. એનાથી કોઈ સ્થાયી કલ્યાણ સાધી શકાશે નહિ. આપણે જાણીએ છીએ કે પશ્ચિમના સાધનસંપન્ન દેશોમાં એવી લોકોપકારક સંસ્થાઓ હોય છે જે સમાજસેવાનાં કામોને વરેલી હોય છે. એ સંસ્થાઓ દ૨ વર્ષે કરોડો અને અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં તેમનાં કાર્યોમાં આધ્યાત્મિક આદર્શની અનુપસ્થિતિને કારણે તેઓ તેમના સામાજિક પ્રશ્નોને સંપૂર્ણપણે હલ કરી શકેલ નથી. અને તેથી જ આપણાં કાર્યોમાં રહેલા આધ્યાત્મિક્તાના આદર્શને આપણે કદીય આપણી દૃષ્ટિ મર્યાદા બહાર રાખવો જોઈએ નહિ.
આ એક જ એવી બાબત છે કે જે આપણાં કાર્યોને આધ્યાત્મિક સાધનામાં પરિવર્તિત કરે છે. સંઘનું કાર્ય દરેકે દરેકે ક્ષેત્રમાં ફેલાઈ રહ્યું છે અને આપણા દેશના તમામ પ્રદેશોમાં તથા દેશની બહાર પણ વિસ્તરી રહ્યું છે. આપણે આપણા આધ્યાત્મિક આદર્શને ભૂલીએ નહિ અને આપણું કાર્ય માત્ર “સામાજિક કાર્ય” ના બની જાય એની આપણે હંમેશાં તકેદારી રાખવી પડશે. આ પ્રકારની આપત્તિને આપણે નિવારવી પડશે. બીજાઓને પણ આ આદર્શનો બોધ આપવા આપણે પ્રયત્ન કરવો પડશે કારણ કે જો સમાજનું પુનર્નિર્માણ ક૨વું હશે તો માનવવ્યક્તિમાં નવજીવનનો સંચાર કરવો પડશે. સ્વામીજીએ આપણને જે આ આદર્શ આપ્યો છે તે દરેક વ્યક્તિને પોતાના આધ્યાત્મિકતાના આદર્શને અકબંધ રાખવામાં મદદરૂપ બનશે અને સાથે સાથે એની પોતાની ભૌતિક જરૂરિયાતોને પહોંચી વળવાની આપણે આશા રાખી શકીશું. આપણા ઉપર એક મહાન જવાબદારીનો ભાર આવી પડેલો છે. આપણે આ આદર્શને આપણા જીવનમાં ચરિતાર્થ ક૨વાનો છે એટલું જ નહિ પરંતુ બીજાઓને પણ તેમ કરવા માટે પ્રોત્સાહિત કરવાના છે તથા આપણા મિત્રો, આપણાં સ્નેહી, સગાં સંબંધીઓ તથા જે કોઈને મળવાનો આપણને અવસ૨ મળતો હોય તે સૌના ધ્યાન ઉપર લાવવાનો છે. આપણે જે કાર્ય કરવાનું છે તે આ જ છે.
ભારતના ઘણા ભાગોમાં આપણી શૈક્ષણિક સંસ્થાઓ છે. (કેટલીક બહાર પણ છે.) શિક્ષણનો ઉદ્દેશ શો છે, તેની સ્પષ્ટ પરિસંકલ્પના આપણને હોય એ અનિવાર્યપણે આવશ્યક છે. વર્તમાનમાં, આપણા દેશમાં જે શિક્ષણ- પદ્ધતિ અમલમાં છે તેની સમક્ષ લગભગ કોઈ પણ ઉદ્દેશ હોય એમ જણાતું નથી. જે આપણા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે માત્ર વિદ્યાકીય જ્ઞાન જ હોય છે. એ માત્ર વ્યવસાયલક્ષી હોય છે, મૂલ્યલક્ષી નથી. આપણી શિક્ષણનીતિના ઘડવૈયાઓ નવી નવી યોજનાઓના વારંવાર અખતરા કર્યા કરતા હોય છે, પરંતુ એમની એક પણ યોજનામાં શિક્ષણ માટે જ મૂળભૂત પાયાની વસ્તુ છે એવા આધ્યાત્મિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવતો નથી. અને તેથી જ આપણી શિક્ષણપદ્ધતિ આજે સદંતર અસ્તવ્યસ્ત છે, એમાં જરાયે આશ્ચર્ય પામવા જેવું નથી. શાળાઓમાં અને મહાવિદ્યાલયોમાં (કૉલેજોમાં) વિદ્યાર્થીઓની અશિસ્ત વિષે બધા જ ફરિયાદો કરે છે. આપણા દેશમાં અપાતા શિક્ષણમાં અધ્યાત્મનો પાયો જ નથી એના પરિણામે જ આજની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી જોવા મળે છે.
આપ સૌને આપણાં શાસ્ત્રોની એક વાત વિદિત હશે જ કે જેમણે ઈહલોક માટેની વિદ્યાઓની તમામ શાખાઓમાં પ્રભુત્વ મેળવ્યું હતું એવા નારદજીને પણ શાંતિ નહોતી. આથી તેઓ એક સંત પાસે ગયા અને એમને પોતાની આ કઠણાઈની વાત કરી. એ સંતે નારદજીને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું અને એનાથી નારદજી શાંતિથી ભર્યા ભર્યા થઈ ગયા. એટલે આધ્યાત્મિક જ્ઞાન આપણા શિક્ષણ માટેની પાયાની જરૂરિયાત છે. આપણા જીવનના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ માત્ર આધ્યાત્મિક્તા દ્વારા જ શક્ય છે. જો આધ્યાત્મિક્તાનો પાયો જ ના હોય તો શિક્ષણની યથાર્થ ઉપલબ્ધિ મેળવવી શક્ય નથી.
આપણો દેશ ધર્મનિરપેક્ષ છે. અને કમનસીબે આપણા દેશમાં ધર્મનિરપેક્ષતાના વિચારને નકારાત્મક રીતે અભિવ્યક્ત કરવામાં આવે છે. ધર્મનિરપેક્ષ દેશનો અર્થ એવો નથી કે એવા દેશમાં કોઈ ધર્મ જ ના હોય, એનો અર્થ માત્ર એટલો જ કે કોઈ પણ ધર્મને રાષ્ટ્રધર્મ તરીકે માન્ય કરવામાં આવતો નથી. એનો અર્થ એવો જ થાય કે દેશનો કોઈ પણ નાગરિક ગમે તે ધર્મ પાળતો હોય પરંતુ એ બાબતને લક્ષમાં લીધા સિવાય બધા નાગરિકોની સાથે આ દેશ એકસરખો વ્યવહા૨ ક૨શે. આ દેશ દરેક વ્યક્તિને એ આ દેશનો નાગરિક છે એ રીતે જ ઓળખશે, એ આ કે તે ધર્મને અનુસરે છે એ રીતે નહિ. પરંતુ આજે તો ભારતમાં કોઈ પણ ધર્મ જ નહિ એવો ધર્મનિરપેક્ષતાનો અર્થ થઈ ગયો છે. આવા ખોટા અર્થઘટનને કારણે આપણા સંઘની કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ ધાર્મિક પાઠો આપવાનું મુશ્કેલ બન્યું છે. આ મુશ્કેલીને પા૨ ક૨વા માટે આપણે જેને શિક્ષણેતર પ્રવૃત્તિઓ કહીએ છીએ એવી પ્રવૃત્તિઓનો સહારો લઈએ છીએ અને કોઈ પણ રીતે આપણાં બાળકો ભારતના મહાન સાંસ્કૃતિક અને નૈતિક આદર્શોથી વાકેફ થાય એવો માર્ગ શોધીએ છીએ અને તેઓનું ચારિત્ર્ય ઘડવામાં તેમને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ.
આપણા સંઘ દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજ સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે. પરંતુ થોડા સમય માટે પણ ધ્યાન કરવાનું જ્યાં સુધી આપણે એમને શીખવીએ નહિ ત્યાં સુધી માત્ર પ્રાર્થનાના ગાનનું કોઈ મહત્ત્વ રહેવાનું નથી. માત્ર થોડી ક્ષણો માટે પણ આ પ્રકારનું ધ્યાન ખૂબ જ આવશ્યક છે. પશ્ચિમના મહાન ચિંતકોને પણ હવે એમ લાગવા માંડ્યું છે કે વિદ્યાર્થીઓ માટે કોઈક પ્રકારનું ધ્યાન હોવું જોઈએ. આપણા એક મહાન શિક્ષણકાર અને વિચારકે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે કે આપણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે રોજ ઓછામાં ઓછી પંદર અથવા વીસ મિનિટ માટે પણ ધ્યાનને એક ફરજિયાત પ્રવૃત્તિ તરીકે અપનાવવી જોઈએ. ધ્યાન મનને વિશુદ્ધ કરે છે. અને મનને એક પ્રકારની તાલીમ પણ આપે છે. પ્રાચીન ભારતમાં વિદ્યાર્થીઓમાં ધ્યાન એ તો સર્વસામાન્ય અભ્યાસપ્રવૃત્તિ હતી. સાથે સાથે એમને કડક નૈતિક આચારસંહિતાનું દૃઢ પાલન પણ કરવાનું હતું. એને લીધે વિદ્યાર્થીઓ જે જ્ઞાન મેળવતા હતા તે માટે તેમનાં મન સારી રીતે સજ્જ થતાં હતાં. આપણે ધ્યાનને એક સાધના તરીકે અપનાવવાની ભલામણ ભલે ન કરીએ પરંતુ આ દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને આપણે ઓછામાં ઓછું એટલું તો કરીએ કે તેમના અભ્યાસમાં તેમને વધારે કુશળતા પ્રાપ્ત થાય તે માટે આપણે આપણા વિદ્યાર્થીઓને ધ્યાનનો અભ્યાસ ક૨વા માટે તથા નૈતિક જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરીએ. તેમના વિષયો વધારે સ૨ળતાથી શીખવવામાં આ વસ્તુ તેમને સહાયરૂપ નીવડશે. જો ઓછામાં ઓછું આપણે એટલું કરીએ કે આ બધા ફાયદાઓ વિદ્યાર્થીઓના મનમાં ઠસાવીએ અને તેમને નૈતિક જીવન જીવવામાં તથા રોજ થોડીક ક્ષણો ધ્યાનનો અભ્યાસ કરવામાં સહાયભૂત થઈએ એમ કરીશું તો એમનું ખૂબ કલ્યાણ થશે.
હવે આપણે કન્યા કેળવણી વિશે વિચારીએ. ૧૯૪૭માં ભારતને મળેલ સ્વતંત્રતા બાદ, આજે કન્યાઓ માટે વિશાળ પડકાર ઊભો છે અને આ પડકારને તેઓએ બરાબર ઝીલવાનો છે. આપણા રાષ્ટ્રીય જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ભાગ લઈને ભારતના નવનિર્માણના કાર્યમાં એમણે સહભાગી થવાનું છે. એટલા માટે જ્ઞાન સંપાદન કરવું એ એમને માટે ફરજિયાત છે. વળી આપણા દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આપણી કન્યાઓ બોદ્ધિક વ્યવસાય માટેનું તથા ટેકનિકલ શાખાઓનું શિક્ષણ પ્રાપ્ત કરે એ એમને માટે અનિવાર્યપણે આવશ્યક છે, જેથી તેઓ પણ આપણા યુવાનોની માફક કુટુંબના કમાતા સભ્ય બની શકે. પરંતુ આધુનિક શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં, પુરાતન યુગોથી એમણે જે મહાન વારસો પ્રાપ્ત કરેલો છે એને એમણે ગુમાવી દેવો જોઈએ નહિ. એ પણ અતિ આવશ્યક છે કે એ વારસાને એઓ અકબંધ જાળવી રાખે અને સાથે સાથે બીજો વિદ્યાભ્યાસ પણ ચાલુ રાખે. આ બંનેનો સહયોગ અને સમન્વય કરતાં એમણે શીખવું પડશે. આ સમન્વયમાંથી જ ભવિષ્યની આદર્શ સ્ત્રીઓનો ઉદ્ગમ થશે.
એક સમયે જ્યારે પશ્ચિમની કેળવણીએ આપણા પુરુષોને આમ તેમ ફંગોળાતા કરી મૂક્યા હતા અને તેમના મૂળ સ્થાનેથી તેમને દૂર હડસેલી દીધા હતા ત્યારે ભારતની સ્ત્રીઓ જ પ્રાચીન આદર્શોને મક્કમપણે વળગી રહી હતી. અત્યારે ભારતમાં આપણે જે કોઈ નૈતિક, ધાર્મિક અને સાંસ્કૃતિક આદર્શો નિહાળીએ છીએ તે મોટે ભાગે આપણી સ્ત્રીઓને જ આભારી છે. જો આ મહાન પરંપરાને તેઓ ખોઈ બેસે તો એમને માટે જ નહિ પરંતુ આપણા આ મહાન રાષ્ટ્ર માટે તથા સમગ્ર વિશ્વ માટે પણ એ દુર્ભાગ્યકારી પુરવાર થશે. ઉચ્ચ જીવન માટેનો આ બધો ખજાનો જે આપણે જાળવી રાખ્યો છે એની આધુનિક વિશ્વને અત્યાધિક આવશ્યકતા છે. આથી આ મહાન વારસાને જાળવી રાખવો એ સ્ત્રીઓની મહત્ત્વપૂર્ણ જવાબદારી થઈ પડે છે.
જ્યારે આપણે સમૂહમાં કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે સંઘર્ષો તો અનિવાર્ય છે. કેટલીક વાર આ સંઘર્ષો વિસંવાદિતા ઊભી કરે છે. કોઈક વખતે કામ પોતે જ કંટાળાજનક અને ગધ્ધાવૈતરું બની જાય છે. શ્રીરામકૃષ્ણના એક શ્રેષ્ઠ શિષ્ય સ્વામી શ્રી તુરીયાનંદજી કહેતા કે, “ઢોરોને સામાન્ય રીતે ઘાસના ટુકડાઓ ખાવામાં જ આનંદ નથી આવતો. પરંતુ જો એમાં થોડા ખોળનું મિશ્રણ કરવામાં આવે તો તેમને આ ઘાસ સ્વાદિષ્ટ લાગે છે. એવી જ રીતે આપણા ઘાસના ટુકડા જેવા કાર્યમાં પ્રેમના ખોળનું મિશ્રણ કરવું જોઈએ. જો આપણને ઈશ્વરમાં અથવા તો શ્રીરામકૃષ્ણમાં દૃઢ પ્રેમ હશે તો કેટલીક વાર જ્યારે પણ કામમાં ઘર્ષણ ઊભું થશે ત્યારે તે આપણે જલદી ભૂલી જઈશું અને એની અસર વધુ લાંબી ચાલશે નહિ. અને સાથે સાથે આપણને કામનો કંટાળો પણ નહિ આવે. આદર્શ માટેનો પ્રેમ, શ્રીરામકૃષ્ણ માટેનો પ્રેમ આવી બધી જ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવવામાં સહાયરૂપ થશે. આપણામાં એકબીજા પ્રત્યે વધુ અશુભ ભાવનાઓ અથવા વિસંવાદિતા ઊભી કર્યા સિવાય જે કાર્ય કરતા હોઈએ તે કાર્ય સારી રીતે કરતા રહેવામાં આપણને એ મદદરૂપ બનશે. આપણે પોતે પણ શાંત રહી શકીશું અને બીજાઓ સાથે પણ શાંતિ અને સુમેળ સાધી શકીશું. આથી જે ખૂબ આવશ્યક બાબત છે તે છે શ્રીરામકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, સંઘ પ્રત્યે પ્રેમ અને આ માત્ર આ જ આપણા કાર્યમાં સમતુલા રાખવામાં આપણને સહાયક નીવડશે. અન્યથા સંઘર્ષો અનિવાર્ય છે. એક મહાન ખ્રિસ્તી સંતે કહ્યું છે કે સમૂહ જીવનમાં શાંતિથી રહેવું એ જ એમની મોટામાં મોટી તપસ્યા હતી. આથી આપણે જે સમાજના અંશરૂપ હોઈએ એ સમાજ સાથે સુમેળભરી રીતે રહેતા શીખવું જ જોઈએ. બીજાઓની ઊણપો પ્રત્યે આપણે ઉદાર બનવું જોઈએ. એમની નબળાઈઓને જ દૃષ્ટિમાં રાખીને એમને વિશે વિચારવું એ અન્યાયી છે. આપણે જે લોકો સાથે કામ કરતા હોઈએ એમના અસરકારક ગુણો ઉપ૨ જ તથા એમનાં ઉત્તમ પાસાંઓ પ્રત્યેજ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણાં કાર્યો કરવામાં એ વૃત્તિ હંમેશાં આપણને ઉપયોગી નીવડશે.
શ્રીશ્રીમા શારદાદેવીની આ ઉક્તિ બહુ જાણીતી છે, ‘‘બેટા! જો તારે શાંતિ જોઈતી હોય તો કોઈના પણ દોષો જોઈશ નહિ. તારા પોતાના જ દોષો તરફ દૃષ્ટિ કર. સમગ્ર વિશ્વને તારું પોતાનું બનાવી દેવાનું તું શીખી લે.” આ બોધનો અભ્યાસ પણ આપણા જીવનમાં ચાલુ રહે એ પ્રકા૨ની સાધના આપણા કામની સાથે સાથે જ જતી રહેવી જોઈએ. આપણે હંમેશાં એ બાબત માટે જાગ્રત રહેવું જોઈએ કે આપણે બીજા કોઈની સાથે બિલકુલ અથડામણમાં ના ઊતરીએ. કેટલાક એવા પ્રકારના લોકો હોય છે જે હંમેશાં સ્વામીપણું ચલાવતા હોય છે અને બીજાઓ ઉપર પોતાનો અધિકાર જમાવતા હોય છે. શ્રીરામકૃષ્ણના એક શિષ્ય કહેતા કે, “મુખ્ય મુદ્દો એ જ છે કે કામ થવું જોઈએ. એ કામ કોણ કરે છે એ મહત્ત્વનું નથી. જો કોઈ વિશિષ્ટ પ્રકારનું કામ તમને સોંપવામાં આવ્યું હોય અને બીજો કોઈ એ કામ ક૨વા માટે આતુર હોય અને આપણા કામમાં દખલ કર્યા કરતો હોય તો તમે એક તરફ ખસી જાઓ અને એ કામ કરવાની એને તક આપો.” જો આપણે આ પ્રકારની મનોવૃત્તિ રાખીશું તો આપણી ઉપેક્ષા કરવામાં આવે છે અથવા તો આપણા અધિકાર પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે એવી લાગણી જ આપણને થશે નહિ, ને એવું બીજુ કશું જ આપણને થશે નહિ. મૂળભૂત મુદ્દો જ એ છે કે અહીં આપણે શ્રીરામકૃષ્ણની સેવા કરવા આવ્યા છીએ, આપણા ક્ષુદ્ર અહંકારને પોષવા માટે નહિ. આ પ્રકારે આપણા કામમાં આવતાં ઘર્ષણોને ઘટાડી શકાશે, સંઘનું કાર્ય વધારે સરળતાપૂર્વક ચાલી શકશે તથા આપણે સૌ આઘ્યાત્મિક વિકાસ સાધી શકીશું.
મેં જે મુદ્દો અગાઉ કહેલો છે તેનું જ હું પુનરાવર્તન કરું. આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષા અને ધ્યાનની ભૂમિકા વગરનું જે કોઈ ફક્ત કામ જ હશે, તે તો બીજું કશું નહિ કરી શકે, પરંતુ વિનાશ જ નોતરશે. એ તો માત્ર આપણા અહંકા૨ને બળવત્તર બનાવવામાં જ મદદ કરશે અને આપણને આ દુનિયા સાથે વધારે ને વધારે બંધનમાં જ નાખશે. આપણે સજાગ થઈ જવું જોઈએ. આપણે ખરેખર જે કરી રહ્યા છીએ એના ઉપર નિયંત્રણ રાખવા માટે આપણે વિવેકબુદ્ધિવાળી મનોવૃત્તિનો વિકાસ સાધવો જોઈએ. સ્વામી બ્રહ્માનંદજી અમને કહ્યા કરતા કે, “દ૨રોજ તમે દિવસ પૂરો થયે જ્યારે સૂવા જાઓ ત્યારે તમારા આખા દિવસના કામનું નિરીક્ષણ કરો. તમે યાદ કરો કે તમે શું શું કર્યું? ક્યા ક્યા કામની તમે અવગણના કરી? તમે બીજા લોકોને કેટલી મદદ કરી? ખરેખરા અર્થમાં કેટલી સેવા તમે કરી? તમારું કેટલું કાર્ય અહંકાર પ્રેરિત હતું? અને પ્રભુ માટે તમે કેટલો સમય આપ્યો? આ પ્રકારે તમારા આખા દિવસનાં કાર્યોનું વિશ્લેષણ કરો અને આગલે દિવસે તમારા કામમાં જે ક્ષતિઓ તમને જણાઈ હતી તેને બીજે દિવસે દૂ૨ ક૨વાનો પ્રયત્ન કરો.” આ જ પ્રકારની શિખામણ એમણે અનેક પ્રસંગો વખતે અમને આપી હતી.
ભારતમાં વિવિધ ભાગોમાં અને વિદેશમાં ફેલાયેલી આપણા સંઘની સંસ્થાઓમાં કાર્ય કરતા સાથી કાર્યકરો પ્રસંગોપાત્ત એકઠા મળે અને વિચારોની આપ લે કરે તો તે ઉત્તમ કાર્ય થશે. જે પ્રશ્નોનો આપણે છૂટક છૂટક રીતે ઉકેલ લાવીએ છીએ તે તમામનો સમગ્ર સંગઠનના સ્તરે ઉકેલ લાવી શકાશે અને એ આપણા બધા માટે ઉપયોગી સિદ્ધ થશે. મને આશા છે કે આને તમે વ્યવહારમાં મૂકશો અને આવાં સંમેલનો યોજાતાં રહેશે અને એમાં આપ સૌ એકબીજાને મળી શકશો, આપના પ્રશ્નોની ચર્ચા કરી શકશો, વિચારોની આપ લે કરી શકશો અને ભવિષ્ય માટેનું આયોજન કરી શકશો.
ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ
Your Content Goes Here




