સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી દયાનંદજી એ વખતે ત્યાંના વ્યવસ્થાપક હતા. હું અદ્વૈત આશ્રમમાં તાજેતરમાં જ જોડાયો હતો. ત્યારે અદ્વૈત આશ્રમ વેલિંગ્ટન સ્ક્વેર (હાલમાં રાજા સુબોધ મલ્લિક સ્ક્વેર) ની પૂર્વ તરફ 4 નંબરની લેનમાં હતો. મારે ત્યારે એક ગૂમડાની ચિકિત્સા માટે સેવા પ્રતિષ્ઠાન જવાનું થયું હતું. અત્યારે ત્યાં જે હોસ્પિટલનું વિશાળ ભવન છે, તે સ્થળે એક નાનું ધાબાવાળું મકાન હતું. મને જણાવવામાં આવ્યું કે અસ્ત્રોપચાર કરવો પડશે. સ્વામી ગહનાનંદજીએ બધી જ વ્યવસ્થા કરી દીધી. તેમને ઘણી વાર અદ્વૈત આશ્રમમાં આવવાનું થતું. અમને તેમના સત્સંગનો લાભ મળતો. મારી દૃષ્ટિએ તેઓ એક અસાધારણ કર્મયોગી, પ્રખર યથાર્થવાદી, ખૂબ જ સ્નેહાળ, સહાનુભૂતિ સંપન્ન અને કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવામાં દક્ષ સાધુ હતા. જે પણ કોઈ તેમની પાસે સહાયતા માટે જતું, તેને ક્યારેય નિરાશ થવું પડતું નહીં.
ગહનાનંદજી ટ્રસ્ટી થયા પછી દયાનંદજીની સાથે ગાડીમાં ટ્રસ્ટી મિટિંગમાં ભાગ લેવા માટે જતા. એ વખતે અદ્વૈત આશ્રમમાં કોઈ વાહન હતું નહીં. તેઓ હંમેશાં મિટિંગમાં જતી વખતે અદ્વૈત આશ્રમથી ગંભીરાનંદજીને લઈ જતા અને વળતી વેળાએ પાછા આશ્રમમાં પહોંચાડી દેતા, જો સંજોગોવશાત્ આ ક્રમમાં કોઈ ત્રુટિ આવતી તો પછી ગંભીરાનંદજી બસમાં જતા.
ગહનાનંદજી અથક કર્મયોગી હતા. તેમના જ માર્ગદર્શન અને જવાબદારી હેઠળ અત્યારનું હૉસ્પિટલનું વિશાળ ભવન તૈયાર થયું છે. મને બરાબર યાદ છે, ભવનના ઉદ્ઘાટન સમારોહમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત પધાર્યાં હતાં. સાધુઓની ચિકિત્સા માટે પ્રેમાનંદ વોર્ડ નક્કી કરવામાં આવ્યો. એ પહેલાં સાધુઓ જનરલ વોર્ડમાં બીજા દર્દીઓની સાથે જ રહેતા હતા. પરવર્તીકાળમાં સ્નાતકોત્તર વિભાગના ઉદ્ઘાટનમાં મહારાજે મને ‘સેવા’ વિષે વક્તવ્ય આપવા કહ્યું હતું.
1970ના જૂન-જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિને લીધે પૂર્વ કોલકાતાનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્ય કરવામાં આવ્યું, મને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. અમે સ્થાનીય વ્યવસાયધારી દ્વારા મોકલવામાં આવેલ ટ્રકમાં બેલુર વિદ્યામંદિરના તળાવમાંથી એક નૌકા લઈ આવ્યા. ખીચડી વહેંચવા માટે અમે કેટલાંક મોટાં મોટાં ડ્રમ પણ લાવ્યા. આ ડ્રમ બેલુર મઠના શ્રીરામકૃષ્ણ મંદિરની નીચે આવેલા ગોદામમાં ખાસ કરીને રાહત કાર્યાર્થે રાખવામાં આવતાં. આ નૌકાને ઝૂંપડપટ્ટીમાં વસતા પૂરગ્રસ્ત લોકોની સેવામાં લગાવવામાં આવી. સંકટમાં સપડાયેલા મોટા ભાગના લોકોએ પાસે આવેલા વિદ્યાલયમાં આશરો લીધો હતો. તેમને ભોજન-સામગ્રીની અતિ-આવશ્યકતા હતી. મેં આ રાહતકાર્યમાં મદદ માટે ગહનાનંદજીનો સંપર્ક સાધ્યો. તેમણે ખબર-અંતર લેતાં પૂછ્યું, ‘આ વિદ્યાલયમાં આશરે કેટલા લોકો છે?’ મેં કહ્યું, ‘મહારાજ, આખો વિસ્તાર જ પાણીથી ભરાઈ ગયો છે. મોટે ભાગે ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોએ જ આશરો લીધો છે, લગભગ ત્રણસો-ચારસો લોકો તો હશે જ.’ સાંભળીને તેમણે કહ્યું, ‘બરાબર બે વાગે ટ્રક અને ડ્રમ લઈને સેવા પ્રતિષ્ઠાન ચાલ્યા આવો, ખીચડી તૈયાર થઈ જશે.’
તેઓ ખૂબ મિતભાષી. નર્સિંગ ટ્રેનિંગ સ્કૂલની 30 વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલના રસોઈઘરમાં ખીચડી બનાવવા માટે નિયુક્ત કરવામાં આવી. લગભલ 3.00 વાગે ખીચડી તૈયાર થઈ ગઈ. સ્કૂલમાં આશરો લઈ રહેલા ક્ષુધાર્ત લોકો પાસે આ ગરમાગરમ ખીચડી પહોંચાડી દેવામાં આવી. ક્ષુધાર્ત લોકોને ખવડાવવાનો એક અનેરો સંતોષ હતો. આ એક અપૂર્વ અનુભૂતિ હતી. મારા જીવનનું આ પ્રથમ રાહતકાર્ય હતું.
દામોદર વેલી કોર્પોરેશન તરફથી વસતીમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કેટલાક શક્તિશાળી ઇલેક્ટ્રિક પંપની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પંપ ચલાવવા માટે 440 વોટ વિદ્યુતની જરૂર પડતી. દરમિયાન અચાનક એક પંપ બંધ પડી ગયો અને અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીરરૂપે ઈજા-ગ્રસ્ત થઈ ગઈ. મેં જોયું તો બીજા કર્મચારીઓ તેને ધાબળામાં વીંટીને બહાર રસ્તા પર લઈ ગયા. ત્યાં તેને સુવડાવીને માલીશ કરવા લાગ્યા. તેની સ્થિતિ ગંભીર જણાઈ આવતી હતી. સૈન્યવાહિનીનું એક દળ તે વખતે ત્યાં પહેરો ભરી રહ્યું હતું. તેમના અધિકારી પાસે જઈને મેં મરણાસન્ન કર્મચારીની વાત કરી. તેને હૉસ્પિટલ પહોંચાડવા માટે અનુરોધ કર્યો. ભગવાધારી સાધુને જોઈને તેમણે તરત જ એક જીપની વ્યવસ્થા કરી અને શિયાલદાહ પાસે આવેલ નીલરતન હૉસ્પિટલમાં આ વ્યક્તિને પહોંચાડી દીધી. મને ખૂબ સંતોષ થયો. એટલામાં જ સ્કૂલના આશ્રયે રહેલા લોકોમાંથી એક વ્યક્તિએ આવીને સમાચાર આપ્યા કે સ્કૂલમાં એક ગર્ભવતી મહિલાને પ્રસવ-વેદના શરૂ થઈ ગઈ છે. તેણે મને મદદ કરવા કહ્યું. મેં ફોન કરીને ગહનાનંદજીનો સંપર્ક સાધવા કોશિશ કરી, પરંતુ કોઈ મિટિંગમાં હોવાને લીધે તેમની સાથે વાત ન થઈ શકી. સ્થાનીય કેટલાક લોકો એ મહિલાને નીલરતન સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા. સાંજે જ્યારે મહારાજ સાથે આ ઘટનાની વાત થઈ તો તે મહિલાને સેવા પ્રતિષ્ઠાન ન પહોંચાડવા માટે મને ખૂબ વઢવા લાગ્યા. મેં કહ્યું, ‘મહારાજ, હૉસ્પિટલમાં ઘણી વખતે બેડ ખાલી હોતો નથી, એટલે તમારી અનુમતિ વિના એ મહિલાને સેવા પ્રતિષ્ઠાન મોકલી નહીં.’ આ ગર્ભવતી મહિલાને અમે કોઈ રીતે મદદ કરી શક્યા નહીં, એ વાતનો તેમને ખૂબ ખેદ થયો.

Your Content Goes Here





