(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. – સં.)
ભગવદ્ ગીતા તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનના દરેક પાસા માટે વ્યવહારુ માર્ગદર્શક છે. કાયદાના ક્ષેત્રમાં, જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, ત્યાં ગીતાજીના સિદ્ધાંતો એક પ્રકાશસ્તંભ સમાન બની શકે છે. હવે કઈ રીતે ગીતાના સિદ્ધાંતો કાનૂની વ્યવસાયમાં ઉપયોગી છે, તે જોઈએ.
ગીતાજીના શ્લોકો સ્વધર્મ, બુદ્ધિમત્તા, નૈતિકતા, પ્રામાણિકતા, અનાસક્તિ, સેવા અને શરણાગતિ પર ભાર મૂકે છે. એક વકીલ તરીકે, મુખ્ય ફરજ અસીલોનાં હિતોનું રક્ષણ કરવાની છે, જે સ્વધર્મ છે. પરંતુ વિવેકબુદ્ધિ વાપરીને, અંતરાત્માના અવાજને અનુસરીને કેસ લેવાનો હોય છે. ગીતાજીમાં કહે છે, વિવેકબુદ્ધિ એટલે સત્ત્વગુણમાં રહેલી, સ્થિત થયેલી બુદ્ધિ. કેસનો અભ્યાસ કરતાં ખોટું જણાય તો અસીલને પેપર્સ પાછાં આપી દેવાં જોઈએ. અસીલને હકારાત્મક અને નકારાત્મક પાસાનો ખ્યાલ પ્રામાણિકતાથી આપવો જોઈએ અને નૈતિકતાથી પૂરા દિલથી મહેનત કરવી જોઈએ.
ગીતાજીના બીજા અધ્યાયના શ્લોક ૪૮ અને ૫૦ મહત્ત્વના છે.
કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને તજી
યશાયશ સમ માની, સમતા તે જ યોગ છે. (૪૮)
બુદ્ધિ યોગી અહીં છોડે, પાપ અને પુણ્ય બેઉયે
માટે થાય યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે. (૫૦)
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, જે સમતા આપણને તમામ પરિસ્થિતિને શાંતિથી સ્વીકારવા માટે સક્ષમ બનાવે છે, તેને ‘યોગ’ અથવા પરમ તત્ત્વ સાથેનું જોડાણ કહે છે. જ્યારે સમતાથી-યોગથી કર્મ કરીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે માત્ર પ્રયત્ન જ આપણા હાથમાં છે, પરિણામ નહીં. કેસ લડતી વખતે, તૈયાર કરતી વખતે, બધાં જ પાસાંનો અભ્યાસ કરી, બધી કલમો તથા તેના ઉપર જાહેર થયેલા ઠરાવો, પરિપત્રો તથા અન્ય સુસંગત જજમેન્ટ્સ વગેરે ખંતપૂર્વક સમજીને પૂરી ક્ષમતાથી કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવો, દલીલો કરવી જોઈએ.
પરિણામ આપણી અપેક્ષા પ્રમાણે ન હોય તોપણ તે શાંતિથી સ્વીકારવું જોઈએ. તેને ભગવાનની પ્રસાદી તરીકે સ્વીકારવું જોઈએ. આ રીતે આપણે માન-અપમાન તથા સફળતા-નિષ્ફળતા તરફ નિરાસક્ત થતા જઈએ છીએ. આમ, આસક્તિ રહિત જે કામ કરીએ તેને જ ‘યોગ: કર્મસુ કૌશલમ્’ કહેલ છે. જ્યારે પૂરી નિષ્ઠા અને ખંતથી કામ કરીને, પરિણામ ઈશ્વરને સોંપીને હળવા થઈ જઈએ, તેને જ ‘કર્મયોગ’ કહેવાય છે. આમ, આ રીતે ગીતાજીના સિદ્ધાંતોને કાનૂની વ્યવસાયમાં લાગુ પાડીને કર્મયોગી બની શકાય છે.
ગીતાજીના સિદ્ધાંતો નૈતિકતા પર ખૂબ જ ભાર મૂકે છે, તો પ્રશ્ન એ થાય કે શું નૈતિકતા સાથે વકીલાત થઈ શકે? તો હા, પૂજ્ય ગાંધીજી તેનું સર્વોત્તમ ઉદાહરણ છે. જોહાનિસબર્ગમાં એક કેસ લડતી વખતે ગાંધીજીને ખ્યાલ આવ્યો કે તેમના અસીલે તેમને ગેરમાર્ગે દોર્યા છે. એટલે એ અસીલને ઠપકો આપીને તે કેસ રદ કરવા તેમણે કોર્ટને વિનંતી કરી. રુસ્તમજી ગાંધીજીના સારા મિત્ર હતા. તેઓ દાણચોરીના ધંધામાં સંડોવાયેલા હતા. પરંતુ ગાંધીજીએ તેમનો કેસ લડવાને બદલે તેમને સમજાવ્યા કે પોતે ભૂલ સ્વીકારી લે. અને ગાંધીજીએ તેમને દંડ ભરાવીને બચાવી લીધા. ગાંધીજી કોઈ પણ કેસ લડતાં પહેલાં સમાધાનના પ્રયાસો કરતા. આવાં તો અસંખ્ય ઉદાહરણો છે, જેમાં નૈતિકતા અને પ્રામાણિકતા સાથે આ કાનૂની વ્યવસાય થઈ શકે છે. જો ગીતાજીના સિદ્ધાંતો વાંચીને આ વ્યવસાય કરીએ તો ગાંધીજી કહેતા કે સત્ય સાથે સમાધાન કર્યા સિવાય પણ કાયદાની પ્રેક્ટિસ અશક્ય નથી.
ગીતાજીમાં આસક્તિ રહિત કર્મ, સ્વાર્થ વિનાના કરેલા કર્મને સેવા કહેલી છે. કાયદાના વ્યવસાયમાં સમાજની સેવા ખૂબ સારી રીતે થઈ શકે છે. ગરીબ લોકો કે જેઓ વકીલોની ફીઝ ન આપી શકતા હોય તેમને યોગ્ય સલાહ આપી, મહેનતાણું લીધા વગર કામ કરી આપી સેવા કરી શકાય છે. એટલું જ નહીં, પરંતુ જેટલી મહેનત કરવાની હોય તેટલી જ ફીઝ લેવામાં આવે તે પણ સમાજની સેવા જ છે.
આમ, સતત અનિશ્ચિતતાઓથી ભરેલા આ વ્યવસાયમાં જ્યારે શું કરવું તે ખ્યાલ ન આવતો હોય ત્યારે ગીતાજીના ૧૮મા અધ્યાયનો ૬૬મો શ્લોક ખૂબ જ ઉપયોગી થાય છે.
છોડીને સઘળાં કર્મો, મારું જ શરણું ધર,
હું તને સર્વ પાપોથી છોડાવીશ, નચિંત થા.
આમ, વિચારોનાં વાદળોથી ઘેરાઈ જઈએ ત્યારે ઈશ્વરનું શરણું લઈ, જે કામ આવે તેને વિવેકબુદ્ધિ વાપરી સ્વીકારીને, પૂરા હૃદય-મનથી મહેનત કરીને, પ્રયત્ન કરીને, દલીલો કરીને છેલ્લે બધું જ ઈશ્વરનાં ચરણકમળમાં સમર્પિત કરીને ગીતાજીના સિદ્ધાંતોને કાનૂની વ્યવસાયમાં લાગુ પાડી આપણે આધ્યાત્મિક પ્રગતિ પણ કરી શકીએ છીએ.
Your Content Goes Here




