૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન છે. સાત સાપનો હાર બનાવી એ પોતાના ગળામાં ધારણ કરી શકે. (જ્ઞાની પણ એ રીતે સંસારના ભયથી મુક્ત રહી શકે છે.)
૮૯. એક વાર એક મારવાડી ભક્ત શ્રીરામકૃષ્ણ પાસે ગયો અને, કેટલાક હજાર રૂપિયાની ભેટ તેમને આપવાની રજા માગી. પરંતુ, આ સદ્ભાવભરી વિનંતીને ઠાકુરે કડક શબ્દોમાં ઠુકરાવી દીધી. એમણે કહ્યું, ‘તમારા પૈસા સાથે મારે કશી લેવાદેવા નથી. હું એ રાખું તો મારું મન એમાં જ ભમ્યા કરે.’ એટલે એ ગૃહસ્થે એ રકમ ઠાકુરના કોઈ સંબંધીને નામે વ્યાજે મૂકવા સૂચન કર્યું, જેથી એ રકમનો ઉપયોગ ઠાકુરની સેવા માટે થાય. ઠાકુર કહે, ‘એ છેતરપીંડી થશે. વળી, મારા મનમાં સતત એમ રહે કે મારા પૈસા મેં ફલાણા પાસે રાખ્યા છે.’
પણ મારવાડીનો આગ્રહ ચાલુ રહ્યો. શ્રીરામકૃષ્ણના જ એ વચનનો એણે આધાર આપ્યો: ‘મન તેલ જેવું હોય તો, કામકાંચનના સાગર પર એ તરે.’
આ સાંભળી ઠાકુરે ઉત્તર વાળ્યો: ‘એ સાચું જ છે પણ, તેલનું ટીપું પાણી પર લાંબો સમય રહે તો એ સડવા લાગે. એ જ રીતે, ‘કામકાંચન’ના સમુદ્ર ઉપર મન વધારે વખત તરતું રહે તો એના લાંબા સમયના સંપર્કથી મનમાં સડો પેસે અને એમાંથી દુર્ગંધ ઊઠે.’
૯૦. કાંચન પાછળની દોટ ઈશ્વરના માર્ગમાંથી સાધકને દૂર લઈ જાય છે તે વિશે વાત કરતાં એક શિષ્યને ઠાકુરે કહ્યું: ‘સંસારી તરીકે તેં પગારવાળી નોકરી લીધી છે. પણ તું આ કામ તારી મા માટે કરે છે. નહીં તો હું કહેત, ‘ધિક્કાર છે, ધિક્કાર છે તને!’ એમણે આ શબ્દો ઘણી વાર ઉચ્ચાર્યા અને પછી કહ્યું: ‘માત્ર ઈશ્વરની જ સેવા કર.’
૯૧. પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધ:પતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું: ‘એનો ચહેરો ઝાંખો થઈ ગયો છે, જાણે એના પર કાળી શાહી છંટાઈ ગઈ છે. આ બધું ઑફિસના કામને કારણે છે. એણે હિસાબ લખવાના હોય છે ને એવી બીજી સેંકડો બાબતો કરવાની હોય છે.’
[હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]
Your Content Goes Here




