અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.

બેલુર મઠમાં હું જ્યારે પહેલી વાર આવ્યો અને ત્યાં શ્રીમાતાજીનાં દર્શન માટે જતાં પહેલાં લગભગ બે મહિના રહ્યો તે ૧૯૧૬ના ઉનાળાનો સમય હતો. જ્યાં સુધી મને યાદ છે, હું જૂન માસમાં જયરામવાટી ગયો હતો. સ્વામી પ્રેમાનંદજીએ એક સદ્ગૃહસ્થ સાથે મારો પરિચય કરાવ્યો, જેઓ ત્યાં જઈ રહ્યા હતા. તેમણે શ્રીમાતાજી માટે એક પત્ર આપ્યો અને અમે બન્ને જયરામવાટી જવા નીકળ્યા. અમે હાવરા મેદાન, માર્ટીન કંપની, રેલવે સ્ટેશન ગયા અને ત્યાંથી અમે ટ્રેન પકડી અને મોડી રાતના ચંપાદંગા પહોંચ્યા. માર્ટીન કંપની રેલવે ઘણી ધીમી ગતિએ ચાલતી હતી, અરે, ટ્રામકારથી પણ ઓછી ગતિ ! એ જ ટ્રેનમાં બીજા બે યુવાનો પણ પ્રવાસ કરી રહ્યા હતા જેઓ અમને ચંપાદંગા મળ્યા. અમે બધાએ સ્ટેશન પર અધખૂલા ઓરડામાં રાત્રિ પસાર કરી અને જયરામવાટી જવા બીજે દિવસે નીકળ્યા. અમે થોડે દૂર ગયા, ત્યાં કોલકાતાનો અમારા મિત્રમાંનો એક (જે પછીથી સ્વામી સત્પ્રકાશાનંદ બન્યા અને ઘણાં વર્ષો સુધી આપણા સેન્ટ લુઈસ સેન્ટર, યુ.એસ.એ.ના અધ્યક્ષ રહ્યા) ઝાડા થતાં બિમાર પડ્યો અને તેને અને તેના મિત્રને કોલકાતા પાછા ફરવું પડ્યું હતું. અમે બે (હું અને એક ભક્ત) શ્રીમાતાજીના ઘેર જવા ફરીથી ચાલી નીકળ્યા. જ્યારે અમે આરામબાગ નદી પહોંચ્યા ત્યારે ક્યારનીય રાત થઈ ગઈ હતી એટલે અમે કામારપુકુર તરફ જવા નીકળી શક્યા નહીં. અમે તે રાત નદી કિનારે પસાર કરી. ઊનાળો હોવા છતાં રાત ઘણી શીતળ હતી. ત્યાં અમને સાથ આપવા બળદગાડાઓ સાથે તેના ચાલકો અને બીજા લોકો પણ હતા. અમે વહેલી સવારે જાગી ગયા અને કામારપુકુર જવા રવાના થયા. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાં શીબુદાને મળ્યા, તેઓ હૂકો પી રહ્યા હતા. અમારી સ્વાગત કક્ષમાં બેસવાની વ્યવસ્થા થઈ પછી અમે અંદર ગયા અને અમારા ભોજનની વ્યવસ્થા થઈ. બપોરના ભોજન પછી અમે થોડો આરામ કર્યો અને જયરામવાટી જવા નીકળ્યા. અમે જયરામવાટી પહોંચ્યા ત્યારે સાંજના ૪ કે ૪.૩૦ થયા હતા અને અમને શ્રીમાતાજીનાં દર્શન માટે લઈ જવામાં આવ્યા. અમે તેમના ઓરડાની અંદર ગયા. શ્રીમાતાજીના આજે નવા ઘરના ઓરડામાં રહ્યા જે પાછળથી ઘરની બહાર મુલાકાતીઓ માટે બેસવાનો ઓરડો બન્યો હતો. એ સમયે નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું.

જ્યારે અમને શ્રીમાતાજી પાસે લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ તેમના જૂના ઘરમાં બેઠાં હતાં. ત્યાં બીજા કોઈ ન હતા, સંભવત : એ કારણ હશે કે અંદર પુરુષો આવ્યા છે એટલે મહિલાવર્ગ ત્યાંથી નીકળી ગયેલ હશે. શ્રીમાતાજી ઓસરીમાં બેસીને રાતના ભોજન માટે શાકભાજી સમારી રહ્યાં હતાં. એક સજ્જને તેમને સ્વામી પ્રેમાનંદના પત્ર વિશે વાત કરી. તેમણે એક બ્રહ્મચારીને પત્ર વાંચવા કહ્યું. તે તેમની પાસે વાંચી સંભળાવવામાં આવ્યો. પછી તેમણે કહ્યું, ‘બરાબર છે, તેઓની દીક્ષા આવતી કાલે થશે.’ અને અમે અમારા ઓરડામાં પાછા આવ્યા.

બીજા દિવસે અમે દીક્ષા માટે તૈયાર હતા. શ્રીમાતાજીએ શ્રીઠાકુરની સવારની તેમની પૂજાવિધિ કર્યા પછી તેમણે અમને એક પછી એક બોલાવ્યા અને અમને અમારી દીક્ષા મળી. સામાન્ય રીતે ઠાકુરની પૂજા થઈ ગયા પછી જ તેઓ દીક્ષા આપતાં પણ એવો ખાસ કોઈ નિયમ ન હતો. તેઓ કોઈ પણ અવસ્થામાં દીક્ષા આપતાં. એ યાદ રાખવું રહ્યું કે તેમણે વિષ્ણુપુર રેલવે સ્ટેશન પર એક મજૂરને દીક્ષા આપી હતી. જ્યારે ઉદ્‌બોધન નિવાસસ્થાને એક દિવસ એક પારસી યુવાન તેમનાં દર્શન માટે આવ્યો અને તેઓ ગંભીર બિમાર હોવા છતાં તેને દીક્ષા મળી. એ સમયે કોઈને પણ શ્રીમાને મળવા દેવામાં આવતા નહીં. કારણ કે તેઓ ગંભીર બિમારીમાં હતાં. આ યુવાન માણસ પગથિયાં પર બેઠો હતો અને શ્રીમાને ઉપર મળવા જવા દેવામાં આવ્યો ન હતો પણ આ યુવાન છોકરો આવ્યો છે તેની જાણ શ્રીમાને કોઈ પણ રીતે થઈ અને કોઈને તેને પોતાની પાસે લઈ આવવા કહ્યું. તેને શ્રીમાએ દીક્ષા આપી અને પછી નીચે મોકલી આપ્યો. જ્યારે આ અંગે સ્વામી સારદાનંદને જાણ થઈ ત્યારે તેમણે કહ્યું, ‘જો માની ઇચ્છા પારસી શિષ્ય માટે હોય તો મારે શું કહેવાનું હોય ?’ આ યુવાન વ્યક્તિ મુંબઈના ખૂબ જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા, શ્રી સોહરાબ મોદી સિવાય કોઈ ન હતી. આ રીતે છેલ્લે સુધી તેઓ કોઈને પણ કોઈ પણ સમયે દીક્ષા આપવામાં ખચકાતાં નહીં.

(પૂજ્ય મહારાજે રામકૃષ્ણ મિશન, નવી દિલ્હી ખાતે ૧૪ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ આપેલ પ્રવચન અને ‘શ્રી સારદા દેવી : સુખદ્ આશ્ચર્ય’ જેનું સંકલન અને ચકાસણી સ્વામી બુધાનંદ અને સ્વામી હર્ષાનંદ દ્વારા થયાં છે : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૪ પૃષ્ઠ ૩૭-૩૯ના આધારે)

Total Views: 404

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.