વૈજ્ઞાનિક અને દાર્શનિક દૃષ્ટિએ બ્રહ્મ અને શક્તિ અભેદ

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આ જ ગુહ્ય તત્ત્વને સહજ, સરળ ભાષામાં કહે છે, ‘બ્રહ્મ અને શક્તિ અભેદ, જેમ અગ્નિ અને તેની દાહિકા શક્તિ. આદ્યાશક્તિ લીલામયી સૃષ્ટિ – સ્થિતિ – પ્રલય કરે છે. જે બ્રહ્મ તે જ આદ્યાશક્તિ, જ્યારે નિષ્ક્રિય છે ત્યારે તે બ્રહ્મ અને જ્યારે સક્રિય ત્યારે તે પ્રકૃતિ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને માં કહે છે :

सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम्।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्॥

(ગીતા ૯.૭)

અર્થાત્‌ ‘હે કુંતીપુત્ર, કલ્પક્ષયમાં જ્યારે પ્રલય થાય છે ત્યારે સર્વભૂતો મારી ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. ફરીથી કલ્પારંભમાં જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે, ત્યારે હું જ સર્વભૂતોને સ્થૂળ, સૂક્ષ્મ વગેરે ભેદોથી ઉત્પન્ન કરું છું.’ વિષ્ણુપુરાણ અને વાયુપુરાણના મત અનુસાર મનુથી કલ્પનો પ્રારંભ થયો છે. આ કલ્પમાં બ્રહ્માંડની સૃષ્ટિ થઈ લગભગ પંદરસો કરોડ વર્ષ પહેલા (૧૫૦૦ કરોડ). હવે પ્રશ્ન એ થાય છે કે તો સૃષ્ટિ પૂર્વે શું હતું? વેદ, ઉપનિષદના સમયથી આજ સુધી આ પ્રશ્ન ગંભીર રૂપથી પ્રાજ્ઞ મનને આંદોલિત કરતો રહ્યો છે. વર્તમાનકાળના કોસ્મોલોજિસ્ટસ (Cosmologists) કહે છે કે સૃષ્ટિની પહેલાં કોઈનું પણ અસ્તિત્વ ન હતું, જેમ કે આકાશ અથવા કાળનું પણ અસ્તિત્વ ન હતું. ઋગ્વેદ અને ઉપનિષદોમાં પણ આ જ મતની પુષ્ટિ કરવામાં આવી છે. જેવી રીતે ઘડાની ઉત્પત્તિની પહેલા માત્ર માટીનો પિંડ જ હોય છે એ જ રીતે વ્યક્ત થતાં પહેલાં સમગ્ર જગત ક્રિયા કારણ હિરણ્યગર્ભમાં અવસ્થિત હોય છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં સંશોધનરત વિખ્યાત જ્યોતિષવિદ્‌ સર ફ્રેડરિક હાઉલેએ (Sir frederick hoyle) ગણિતની સહાયથી પ્રમાણિત કર્યું છે કે પ્રાક્‌ સૃષ્ટિ પર્વમાં એક વિશ્વવ્યાપી ચેતનાનું અસ્તિત્વ હતું. આ વૈશ્વિક ચેતના શું છે? વેદ, ઉપનિષદ આ વિશ્વવ્યાપી ચેતનાને હિરણ્યગર્ભ – મહાપુરુષ કહે છે. તે એક, અદ્વિતીય, અખંડ, નિત્યમુક્ત પરમપુરુષ છે. તે એક સાથે, ક્ષર અને અક્ષર, સત્‌ તથા અસત્‌, કૂટસ્થ અર્થાત્‌ ચેતન દ્રષ્ટા છે. એક ભયંકર વિસ્ફોટના માધ્યમથી પંદરસો કરોડ વર્ષ પૂર્વે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી.

પાશ્ચાત્ય વિજ્ઞાનના મત પ્રમાણે આને જ (Big bang theory) (બીગ બેંગ થિયરી) કહે છે. બીગ બેંગથી જ આકાશની ઉત્પત્તિ થઈ અને આ જ આકાશ (Space) પૂર્ણ થયું શક્તિના (Energy) માધ્યમથી. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન (Einstein) આ શક્તિના ઘનીભૂત રૂપને કહે છે mass. આઈન્સ્ટાઈનના મત પ્રમાણે energy અને mass પરસ્પર પરિપૂરક છે. E=mc2 અહીં ‘E’ છે energy અને m-mass છે. આઈન્સ્ટાઈનની આ વૈજ્ઞાનિક વ્યાખ્યાને દાર્શનિક મતમાં (તત્ત્વજ્ઞાન – philosophy) પરિવર્તિત કરીએ તો આ સિદ્ધાંત સામે આવે છે કે ‘શક્તિ’ જ સૃષ્ટિનું કારણ છે.

શક્તિની ઉત્પત્તિ થઈ છે બ્રહ્મથી અને બ્રહ્મની ઉત્પત્તિ શક્તિથી. આ શક્તિને આપણે પરમા-પ્રકૃતિ કહીએ છીએ. સૃષ્ટિ – સ્થિતિ – પ્રલયનું કારણ છે શક્તિ. વિજ્ઞાનની દૃષ્ટિથી શક્તિનું ઘનીભૂત રૂપ થયું છે mass. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને જગતથી શરૂ કરીને વિશ્વ ચરાચરની દૃશ્ય અને અદૃશ્ય બધું જ આ massના અંશ છે. આથી આપણે આ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે energy અર્થાત્‌ શક્તિથી જ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. ચૈતન્યથી શક્તિનો પ્રકાશ થયો. આને જ આપણે ચિત્ત-શક્તિ અથવા જીવનની ચેતન-શક્તિ કહીએ છીએ.

કાલીનું સ્વરૂપ :

મહાકાલીનાં ચરણતળે દેવાધિદેવ શંકર નિષ્ક્રિય થઈને પડયા છે. આ બ્રહ્મથી આવિર્ભૂત આદિશક્તિ (primeval energy) અથવા બ્રહ્મશક્તિ રૂપી સગુણ- બ્રહ્મને જ વેદ- પુરાણ – તંત્રમાં કાલી કહ્યું છે. તંત્રની શિવ-શક્તિ, વૈષ્ણવોનાં રાધા-કૃષ્ણ, સાંખ્યનાં પુરુષ – પ્રકૃતિ અને cosmologist ની consciousness અથવા Primeval energy બધું એક જ છે. જે દૂર ઘણું દૂર છે જેને કોઈ પકડી નથી શકતું, કોઈ માપી નથી શકતું તે છે કાળ અથવા જીેચબી. કાળ શબ્દથી ‘કાલી’ની ઉત્પત્તિ થઈ. મહાકાલની સાથે જે રમણ કરે છે તે જ છે કાલી. તંત્ર શાસ્ત્રમાં મા નાં જે અનંત રૂપોનું વર્ણન છે તે અનંત રૂપોની અંદર એક રૂપ છે કાલી. દશમહાવિદ્યાની સર્વપ્રથમ વિદ્યા છે કાલી. અત્યંત રહસ્યમય નામ છે કાલી.

‘कलनात् सर्वभूतानाम्‌ महाकाल प्रकीर्तितः’

અર્થાત્‌ જે સર્વભૂતોને ગળી જાય છે તે છે કાલ. (મહાનિર્વાણ તંત્ર ૪.૩૦) અને

महाकालस्य कालनात् त्वमाद्य कालिका परा॥
कालसंकलनात् काली सर्वेषादिरूपिणी।
कालत्वादादिभूतत्वदाध्याकली गीयते॥

(महानिर्वाण तंत्र, ४-३१-३२)

અર્થાત્‌ કાળને જે ગળી જાય છે, ખંડિત કરે છે, વિખંડિત કરે છે, વિભાજિત કરે છે અને નિયંત્રિત કરે છે અને પ્રત્યેક જીવની સમય સીમા નિર્ધારિત કરે છે તે જ છે આદ્યાકાલી. તમે મહાકાળને ગળી જાવ છો તેથી આદિભૂતા સનાતની. ‘तव रुपम्‌ महाकालो जगतसंहारकारक:।’ કાલીતંત્ર-૧૧-૨૭. જગતનો સંહાર કરનાર મહાકાલ પણ તમારું જ એક રૂપ છે.

‘कालनियंत्रणात्‌ काली तत्त्वज्ञान प्रदायिनी।’

 (કાલીતંત્ર ૧૧-૧૮)

તમે જ કાલની નિયંત્રી છો, તત્ત્વજ્ઞાનદાયિની કાલી છો.

‘सृष्टैरादौ त्वमेकासीत्‌ तमोरूपम अगोचरम्‌।’

 (મહા નિર્વાણ તંત્ર ૪-૨૫)

અર્થાત્‌ સૃષ્ટિ પૂર્વે તમોરૂપમાં એકમાત્ર તમે જ વિદ્યમાન રહો છો. ત્યારે તમારું રૂપ વાક્યમનાતીત હોય છે. અર્થાત્‌ મહાપ્રલયના સમયે બધું જ ધ્વંસ થઈને કાલ શક્તિ કાલીમાં લીન થઈ જાય છે. ત્યારે એક માત્ર તમોમયી આદ્યાશક્તિ મહાકાલી વિદ્યમાન રહે છે.

ખરેખર આ એક ખૂબ રહસ્યમય વાત છે, જે સ્વામી નિંદા સાંભળીને અગ્નિમાં દેહ પ્રજ્વલિત કરે છે તે જ ફરીથી શિવજીને સ્વામી રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર પંચતપા કરે છે, વળી તે જ શિવજીની છાતી પર પગ દઈને નાચવા લાગે છે. કાળને કોળિયો બનાવીને તે જ શક્તિ મહાપ્રલયના સમયે મહાકાળને પણ ઉદરમાં સમાવી લ્યે છે. અર્થાત્‌ મહાકાલ ત્યારે મહા પ્રકૃતિરૂપ મહાકાલીમાં એકભૂત થઈ જાય છે. કાલી કેવળ સતી અથવા પાર્વતીના રૂપમાં શિવજીના અર્ધાંગિની નથી પરંતુ તે તો શિવજીના નિયંત્રી અને પરિચાલિકા પણ છે.

‘सैव माया प्रकृितर्या संमोहयति शंकरम्‌।’

(મહાનિર્વાણ તંત્ર ૪-૨૭)

શિવજી મહામાયાની માયામાં મોહગ્રસ્ત થઈ જાય છે. તેથી જ દેવાધિદેવ મહાદેવ તેમની મહાશક્તિને પરમ શ્રદ્ધાવશ પોતાના હૃદયમાં ધારણ કરીને તેમની (કાલી) તરફ જોતા નિષ્ક્રિય શબ-વત્‌ પડયા છે. તંત્રશાસ્ત્રના મત પ્રમાણે માઁ કાલી, ‘कलयति प्रक्षिपति, नाशयति जगत इति, काली महती सर्वसंहन्‍त्री चासौ सा चेती।’ (મહાનિર્વાણ તંત્ર ૪-૨૮) અર્થાત્‌ જે જગતનો નાશ કરે છે સર્વનો સંહાર કરે છે તે જ કાલી છે. ભગવાન શ્રી રામકૃષ્ણદેવ સાધક કવિ રામપ્રસાદનું એક બહુ પ્રચલિત ભજન ગાઈને કાલીતત્ત્વ ભક્તોને સમજાવતા હતા.

‘કે જાને રે કાલી કેમોન, ષડ્‌દર્શને ના પાય દર્શન,
મહાકાલ જેનેછેન કાલીર મર્મ અન્ય કેવા જાને તેમોન.’

અર્થાત્‌ ‘કાલીને કોણ જાણી શકે છે? ષડ્‌દર્શન પણ તેમનું વર્ણન કરી શકતા નથી. પછી કહે છે એક માત્ર મહાકાલ જ કાલીના મર્મ ને જાણે છે બીજો કોઈ જાણી શકતું નથી.’ ઠાકુરે એક વાર બ્રહ્મવાદી કેશવચંદ્ર સેનને કાલી તત્ત્વ સમજાવતાં કહ્યું હતું. ‘કાલી, આદ્યાશક્તિ, લીલામયી, સૃષ્ટિ – સ્થિતિ – પ્રલય કારિણી, કાલી જ બ્રહ્મ અને બ્રહ્મ જ કાલી.’ ઠાકુર કાલિકાપુરાણની વાતને પોતની સહજ સરલ ભાષામાં સમજાવતાં કરે છે, ‘સૃષ્ટિ – સ્થિતિ – પ્રલય આ જ કાળનો નિયમ છે, પ્રલય પછી ફરી પાછી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. સૃષ્ટિના સર્જનમાં એક વિરાટ – પુરુષની ‘સર્જન – ઇચ્છા’ વિદ્યમાન રહે છે. આ વિરાટ પુરુષ કોણ છે? તે જ છે બ્રહ્મ, જ્ઞાનસ્વરૂપ, આનંદ સ્વરૂપ. પરંતુ બ્રહ્મ એકલું શું કરી શકે છે? તેમની ઇચ્છા છે, હું એકમાંથી અનેક બનીશ. પરંતુ બીજ કયાં છે? બીજ સ્ત્રી શક્તિ પાસે છે. આથી બ્રહ્મ ત્રિગુણાત્મિકા પ્રકૃતિના માધ્યમથી માયાની રમત રમે છે.’

તંત્રશાસ્ત્રમાં કહ્યું છે, ‘महात्‌श्वासौ काल: कालाग्निरुद्र: संहारक: महाकाल: तस्‍येयं स्‍त्री महाकाली।’ (कुलार्नव तंत्र) અર્થાત્‌ સર્વ સંહારકારી મહાકાલની પત્ની છે મહાકાલી. ‘मृत्युर्जिह्वा महामारी जगतसंहारकारिणी महारात्री: महानिद्रा महाकाली अतितामसी।’ અર્થાત્‌ આજ મહાકાલી, મહામાયાની તામસી શક્તિથી મહાપ્રલયના સમયે સમગ્ર બ્રહ્માંડનો સંહાર કરે છે. પ્રશ્ન એ થાય કે અરૂપા બ્રહ્મસ્વરૂપિણી, અનંતશક્તિમયી, આદ્યાશક્તિ શા માટે રૂપ ધારણ કરે છે? તંત્ર શાસ્ત્ર કહે છે, ‘સાધારણ જીવ મહાકાલીના અરૂપ તત્ત્વને સમજી નથી શકતા તેથી જ માઁ કૃપાવશ થઈને રૂપ ધારણ કરે છે.

‘अरूपम्‌ भावनागम्यं परं ब्रह्म कुलेश्वरी।
अरुपम्‌ रूपिणी कृत्वा कर्मकांडरता: नरा:॥
(कुलार्नव तंत्र)

સાધકોની સાધનામાં સહાયતા કરવા માટે કૃપાવશ થઈને માઁ રૂપ ધારણ કરે છે. ભગવતી ગીતામાં માઁ હિમાલયને કહે છે.

अनभिज्ञाय रूपन्तु स्थूलम्‌ पर्वतपुंगव।
अगम्यं सूक्ष्मरूपं मे यदृष्ट्‌वा मोक्षभाग भवेत्॥
तस्मात्‌ स्‍थूले हि मे रूपं मुमुक्षुः पूर्वमाश्रयेत्॥

(૪-૧૬,૧૭)

અર્થાત્‌ મારા સ્થૂળ રૂપચિંતન અને કલ્પના વગર મારા સૂક્ષ્મ રૂપને કોઈ સમજી નથી શકતું અને સૂક્ષ્મ રૂપના અનુભવથી જ જીવની મુક્તિ છે. આથી મુમુક્ષુ સાધક મારા સ્થૂળ રૂપનો આશ્રય લઈને સાધના કરશે. ત્યારે હિમાલયે માઁ ને પૂછયું, ‘હે માઁ, સંસારમાં તમારા સ્થૂળ રૂપ અનેક છે તેમાં કયા રૂપમાં તમે ત્વરિત પ્રસન્ન થાવ છો?’ માઁ ભગવતી હિમાલયને જવાબ આપે છે, ‘शक्त्यात्मकम्‌ हि मे रूपम्‌ अनायासेन मुक्तिदम। समाश्रय महाराज ततो मोक्षमवाप्स्यसि।’ (૪-૨૯)  મારી શક્તિરુપિણી મૂર્તિ સાધકને શીઘ્ર્રાતિશીઘ્ર્ર મુક્તિ પ્રદાન કરે છે આથી તમે મારી શક્તિમૂર્તિની ઉપાસના કરો.

શક્તિમૂર્તિનું સ્વરૂપ કેવું છે? તંત્રશાસ્ત્ર અનુસાર, ‘सर्वासाम्‌ सिद्धविद्यानाम्‌ प्रकृतिर्दशणा प्रिये’ અર્થાત્‌ બધી વિદ્યાઓમાં દક્ષિણાકાલી જ બધી વિદ્યાની પ્રકૃતિ અથવા કારણ છે. દક્ષિણાકાલી આદિરૂપા સાક્ષાત્‌ કૈવલ્યદાયિની છે. બીજી મહાવિદ્યાઓ આ જ મહાકાલીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. યોગિની તંત્રમાં ભગવાન શિવ કહે છે,

‘महामहाब्रह्मविद्या विद्येयम् कालिका माता।
यामासाद्य च निर्वाणमुक्तिमेति नराधम:॥
अस्‍या उचासकाश्चैव ब्रह्मा-विष्णु-शिवादय:॥
(द्वितीय पटल)

અર્થાત્‌ મા કાલી મહામાયા બ્રહ્મવિદ્યા સ્વરુપિણી છે. કાલી ઉપાસનાથી મહા પાપી – તાપી પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કાલી રૂપની જ ઉપાસના કરે છે.

कालिका मोक्षदा देवी कलौ शीघ्र फलप्रदा।
(कुष्जीका तंत्र)

માઁ કાલી શીઘ્ર્રાતિશીઘ્ર્ર સાધકોને ફળ પ્રદાન કરે છે. અને કલિયુગમાં એકમાત્ર કાલી જ સદા જાગ્રત છે. ભગવાન શિવ કહે છે,‘श्री आद्या कालिका मंत्रा: सिद्धमंत्रा: सुसिद्धिदा:। सदा सर्वयुगे देवि कालिकाले विशेषत:।’(महा निर्वाण तंत्र ७-८६) સર્વકાળમાં આદ્યાકાલી સિદ્ધ મંત્ર છે. બીજા મંત્રોની જેમ સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા નથી.

દેવી ભાગવતની પ્રસિદ્ધ વાત છે શિવ-હીન દક્ષયજ્ઞ. આ યજ્ઞમાં ભાગ લેવા માટે શિવપત્ની સતીએ શિવજી પાસેથી અનુમતિ માગી હતી. પરંતુ સતી, શિવ-હીન યજ્ઞનું પરિણામ જાણતાં હતાં કે આગળ ઉપર શું થવાનું છે, પરંતુ કાળની ગતિ ન રોકતાં તેઓ પિતૃ-ગૃહે જવા માટે જિદ કરવા લાગ્યાં. જ્યારે શિવજી તો પણ રાજી ન થયા ત્યારે દેવી સતીએ પોતાની શક્તિની અસીમ લીલા શિવજીને બતાવી. ભગવાન શિવ જ્યારે ભયભીત થઈને ભાગવા લાગ્યા ત્યારે દેવી સતી દસ દિશાઓમાં દશ મહાવિદ્યાના રૂપમાં શિવજી સામે પ્રગટ થયાં. આ દશ મૂર્તિ દશ મહાવિદ્યાના નામથી સંસારમાં સુપ્રસિદ્ધ છે :-

कालि तारा महाविद्या षोडशी भुवनेश्वरी भैरवी छिन्नमस्‍ता च विद्या धुमावती तथा। बगला सिद्धविद्या च मातंगी कमलात्मिका एते दश महाविद्या सिद्धविद्या प्रकीर्तिता॥ (चामुंडा तंत्र, ४.२२-२३)

દશ મહાવિદ્યાની પ્રથમ વિદ્યા છે કાલી. આને દક્ષિણા કાલી અથવા શ્યામા કાલી પણ કહે છે. જનશ્રુતિ પ્રમાણે બંગદેશના એક તાંત્રિક સાધક શ્રીકૃષ્ણાનંદ – આગમ વાગીશે કાલીમૂર્તિ ના આ પ્રચલિત રૂપની કલ્પના કરીને પૂજા કરી હતી. ત્યારથી આ કાલ્પનિક મૂર્તિ દક્ષિણા કાલી અથવા શ્યામાકાલીના નામથી પ્રસિદ્ધ છે.

દેવી ઘનઘોરવર્ણા, આલુલાયિત કેશ, ત્રિનયના, દિગમ્બરી, કંઠમાં પચાસ શ્વેત – પીત – રક્ત અને કૃષ્ણ વર્ણની મુંડમાલા પહેરી છે. કમરમાં પીતવર્ણની નરહસ્ત- વેષ્ટિત કમરબંધની છે. (કંદોરો છે). દેવી ચતુર્ભુજા છે, ડાબા બે હાથમાં શોણિત ખડ્‌ગ અને નરમુઁડ અને જમણા બે હાથમાં અભય અને વરમુદ્રા છે, માઁનું દક્ષિણ ચરણ સબરૂપે સૂતેલા ઉર્ધ્વમુખી મહાદેવના હૃદય ઉપર સ્થાપિત છે અને ડાબું ચરણ પાછળની તરફ છે. દેવી કરાલવદના અને લોલજિહ્‌વા છે. અને એના મુખની બંને બાજુ રક્તધારા વહી રહી છે. બંને કાનમાં બે મૃતશિશુના કર્ણભૂષણ છે. દેવીનું મુખમંડળ ભયંકર તથા કરુણાનું અદ્‌ભુત સંમિશ્રણ છે. દેવીની ચારે તરફ શિવાવાહિની (શિયાળ) ઉચ્ચ સ્વરે દેવીની જયધ્વનિ કરી રહ્યા છે. દેવી દક્ષિણાકાલીની આ મૂર્તિ ખૂબ પ્રચલિત છે. દક્ષિણા કાલીના સાધક ચતુવર્ગ ફળની ઇચ્છા રાખે છે. વિદ્વાન લોકો દક્ષિણા કાલીના બીજા પણ કેટલાક અર્થ કરે છે. એક મત પ્રમાણે દક્ષિણ દિશા યમ અર્થાત્‌ મૃત્યુનું દ્વાર છે. અર્થાત્‌ યમ દક્ષિણ દ્વારના અધિપતિ છે. યમરાજ આ જ કાલીના ડરથી દક્ષિણ દ્વાર છોડીને ભાગે છે. જે કોઈ ભક્ત દક્ષિણાકાલીની આરાધના કરે છે તે સદાને માટે મૃત્યુભયથી મુક્ત થાય છે. મહાનિર્વાણ તંત્રમાં આ વિષય પર સવિસ્તર વર્ણન છે. દેવી બધા ભક્તોને ફળ સિદ્ધિરૂપી દક્ષિણા પ્રદાન કરે છે તેથી તેમનું નામ થયું દક્ષિણા કાલી. દક્ષિણા કાલી સિવાય બીજાં પણ કેટલાંય રૂપોમાં મા કાલી પૂજિતા છે.

नित्यैव सा जगन्मूर्तिस्तया सर्वमिदं ततम्।  तथापि तत् समुत्पत्तिर्बहुधाश्रयताम्‌ मम॥(मार्कंडेय पुराण) અર્થાત્‌ મહામાયા સદાવર્તમાન, જગતભાવિની, જગન્મયી, સર્વભૂતા, સર્વરૂપિણી હોવા છતાં પણ વિભિન્ન વિગ્રહ ધારણ કરીને નવા નવા કાર્ય સિદ્ધ કરવા માટે આવિર્ભુતા થાય છે. દશ મહાવિદ્યા સ્વરૂપે આવિર્ભુતા થતાં પૂર્વે પણ માઁ એ અન્ય રૂપ ધારણ કરીને લીલા કરી હતી.

માર્કંડેય પુરાણમાં આના વિશે વિસ્તૃત વર્ણન છે. તત્ત્વત: દેવી કાલાતીત અને ઉત્પત્તિ રહિત છે. દેવી, निमित्तमात्रम्‌तद्‌ ब्रह्म सर्व कारण-कारणम्‌॥(महानिर्वाण तंत्र ४-२६)અર્થાત્‌ દેવી સર્વ કારણનું પણ કારણ છે. ‘वर्तते सर्वभूतस्‍य शक्ति:।’ સર્વભૂતોની શક્તિના રૂપમાં વિદ્યમાન છે. આ સિવાય પણ ‘देवानाम कार्य सिद्धर्थम्‌ भूतानाम्‌ दु:खनाशय नानारूप धरे देवी नाना शक्ति समन्विता। आविउवति कार्यार्थम्‌ स्वेच्छया परमेश्वरी।’(मार्कंडेय पुराण) અર્થાત્‌ દેવતા અને મનુષ્ય બધાંનાં દુ:ખ દૂર કરવા માટે મા સ્વેચ્છાએ વિભિન્ન રૂપ ધારણ કરે છે. આમ તો માઁ અનંતરૂપિણી છે.

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.