મૂળ મહારાષ્ટ્રના, કોંકણના, એવા કાકાસાહેબ કાલેલકરને મહાત્મા ગાંધીજીએ‘સવાઈ ગુજરાતી’એવું બિરુદ આપેલું કેમકે, ગુજરાતમાં વસવું હોય તો ગુજરાતી શીખી લેવું જોઇએ એમ તરુણ કાલેલકરને ગાંધીજીએ કહેલું. ગાંધીજી સાથે સંધાઇ ગયા પછી અને આશ્રમવાસી થયા પછી કાકાસાહેબે આ શીખ એવી ઝીલી કે પોતાની અસલ ભાષા મરાઠી તેમજ કોંકણીમાં નહીં પણ ગુજરાતીમાં એમણે કરેલું વિવિધ વિષયી પરનું ગદ્ય લખાણ પંદર ગ્રંથોમાં, દશ હજાર જેટલા પૃષ્ઠોમાં સંગૃહીત થયું છે. ચિન્તક, પ્રવાસી, નિબંધલેખક, ચરિત્રલેખક, પ્રકૃતિ સૌંદર્યના ઉદ્ગાતા, રાષ્ટ્રધર્મી કેળવણીકાર અને ધર્મતત્ત્વના પરામર્શક એમ વિવિધ સ્વરૂપે તેમણે ગુજરાતની ચેતનાને સમૃદ્ધ કરી છે. પણ એમની પોતાની ચેતનાને કોણે-કોણે સમૃદ્ધ કરી, પોતાની ચેતનાનું ઘડતર કોણે-કોણે કર્યું તેનો ખ્યાલ ચરિત્ર સંકીર્તન નામના પોતાના ગ્રંથમાં તેમણે આપ્યો છે. ‘દીવે દીવો પ્રગટે’ એ કહેવતનો મર્મ ત્યારે સાકાર થાય છે.

કાકાસાહેબની ચેતનાના માળી એક નહિ, અનેક છે. લોકમાન્ય તિલક, રાનડે, ગોખલે અને છેલ્લે મહાત્મા ગાંધી એ તો ખરા જ. પોતાની મૌલિકતા શેમાં એવો એક પડકારરૂપ પ્રશ્ન જ્યારે એમને પુછાયેલો ત્યારે એમણે લાક્ષણિક ઉત્તર વાળેલો“ગાંધીજીને શોધવામાં મારી સઘળી મૌલિકતા મેં ખર્ચી નાખી છે.” તાત્પર્ય કે એમના સમગ્ર સવિતમાં ગાંધીજી વ્યાપી ગયા હતા.

પણ ગાંધીજી સાથે જોડાયા તે પહેલાં કાકાસાહેબની મનોભૂમિ કંઈ કોરી પાટી ન હતી. અનેક વિભૂતિઓના આંકા તેની ઉપર પડતા જ રહ્યા હતા. હજી જયારે મહાત્મા ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા ન હતા તે કાળે કાકાસાહેબ એક તરવરિયા જુવાન હતા. તેમના અનેક સમકાલીનો અને તેઓ પોતે ત્યારે જેમના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા તે હતા સ્વામી વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને નૂતન ભારતના ઘડવૈયા. પૂરાં ચાળીસ વર્ષ પણ જેમણે આ અવનિતલ ઉપર વિતાવેલાં નહીં એવા સ્વામી વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણ પરમહંસની ધર્મભાવનાને ભારતભરમાં જનહીં દુનિયાભરમાં પ્રસરાવવાનું યુગકાર્ય કર્યું હતું. હિંદુ ધર્મના કેન્દ્રીય તત્ત્વને તેમણે પોતાના જીવનકાર્યમાં એવી રીતે મૂર્ત કર્યું હતું કે વિદેશવાસીઓ પણ તેથી પ્રભાવિત થયેલા. તરુણ કાલેલકરની તીવ્ર સંવેદના પછી બાકાત શી રીતે રહી જાય? કાકાસાહેબ નોંધે છે કે,

‘હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે અમારા હૃદય ઉપર સ્વામી વિવેકાનંદે કેવી જાદુ જેવી અસર કરી હતી એના સ્મરણથી આજે પણ ગદ્ગદ થાઉં છું. અમારા નાનપણમાં શ્રદ્ધા અને બુદ્ધિવાદ વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. પશ્ચિમની સંસ્કૃતિને પ્રાધાન્ય આપનાર ‘સુધારક’ અને પશ્ચિમનો આંધળો વિરોધ કરી જૂનો કાળ ફરી જીવતો કરવાની વૃથા પ્રયત્ન કરનારા સનાતની ‘ઉદ્ધારકો’ વચ્ચે દારુણ સંઘર્ષ ચાલ્યો હતો. આ સંઘર્ષ ખાસ તો બંગાળમાં અને મહારાષ્ટ્રમાં વધુ તીવ્રતાથી ચાલ્યો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ઝઘડો તો હતો જ. તે સિવાય બ્રાહ્મસમાજ, આર્યસમાજ અને થિયોસોફી પોતપોતાની રીતે ધર્મજાગૃતિનું કામ કરતા હતા. આ બધી પ્રવૃત્તિઓમાંથી ભવિષ્યકાળ માટેનાં પોષક તત્ત્વો એકત્ર કરીને અદ્વૈતનું સમયકાર્ય સ્વામી વિવેકાનંદે ચલાવ્યું. સ્વામીજીનું અદ્વૈત માત્ર દાર્શનિક અદ્વૈત ન હતું. એમણે ‘સર્વસમન્વયકારી અદ્વૈતનો દાર્શનિક અને સામાજિક પુરસ્કાર’ કર્યો. એમના હિન્દુ ધર્મને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિશે પણ આદર હતો જ.”

કાકાસાહેબ કાલેલકરે પોતાને નાસ્તિકતામાંથી ઉગરનાર સ્વામી વિવેકાનંદ હતા એમ પણ જણાવ્યું છે, ઈશ્વર વિશેનો અવિશ્વાસ જાહેરપણે વ્યક્ત કરવાના પોતાના દિવસોમાં સ્વામી વિવેકાનંદનાં લખાણોએ પોતામાં ઈશ્વરશ્રદ્વા પ્રેરી એવી તેમણે એકરાર કર્યો છે. કાકાસાહેબ રામકૃષ્ણ દેવ, વિવેકાનંદ અને ભગિની નિવેદિતાનો વારંવાર એક ત્રિમૂર્તિ રૂપે ઉલ્લેખ કરે છે, ‘શ્રીરામકૃષ્ણ દેવે આપણને વૈદાન્તના અધ્યાત્મનો મર્મ આપ્યો. સ્વામી વિવેકાનંદે આ અધ્યાત્મનો વિનિયોગ માનવસેવા માટે કરી બતાવ્યો. ભગિની નિવેદિતાએ એનું સમાજશાસ્ત્ર આપણને આપ્યું.”

કાકાસાહેબ સ્વામી વિવેકાનંદના પ્રત્યક્ષ સમાગમમાં આવ્યા હોય એમ લાગતું નથી. પણ સ્વામીજીનાં લખાણો દ્વારા તેઓ સ્વામીજીના હાર્દને પામ્યા છે. પોતાની સમગ્ર ચેતના જે વિચારોને સ્વાભાવિક અનુમોદન આપે તેવા વિચારો સ્વામી વિવેકાનંદે પોતાના કાળમાં વહાવ્યા હતા. એમણે હિન્દુ ધર્મને બાઝેલાં જાળાં સાફ કરવામાં બાકી રાખી ન હતી.“કિચન રિલિજન”માંથી એને છોડવીને આખી દુનિયા મંત્રમુગ્ધ થાય, ભગિની નિવેદિતા જેવાં વિદેશી વિદુષી સન્નારી પોતાનું જીવન નિછાવર કરવા પ્રેરાય એવી જે પ્રાણશક્તિ હિંદુધર્મની છે તે સ્વામી વિવેકાનંદે પશ્ચિમી જગત આગળ તાદેશ કરી હતી તેથી ભારતે પશ્ચિમને કશુંક નક્ક૨ આપવાનું છે એ ભાવ ત્યાં જાગ્યો. પોતાનાં વચનો અને કાર્યોથી આધુનિક ભારતની દિશાને મરડનાર સ્વામીજી કેવળ ભારતના જ યુગપુરુષ નથી પણ આખી દુનિયાના યુગપુરુષ છે એમ કાકાસાહેબે સ્થાપ્યું છે.

સ્વામી વિવેકાનંદને કાકાસાહેબ લોકમાન્ય ટિળક કરતાં પણ અદકેરા ગણે છે. ટિળકને તેઓ man of the hour તરીકે પ્રસંગપુરુષ તરીકે ઓળખાવે છે, જ્યારે સ્વામીજીને તેઓ man of the age, યુગપુરુષ તરીકે અભિવંદે છે. કવિવર રવીન્દ્રનાથે શાન્તિનિકેતનમાં બ્રહ્મચર્યાશ્રમ સ્થાપ્યો, શ્રી અરવિંદે પોંડિચેરીમાં આશ્રમ સ્થાપ્યો અને મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમ સ્થાપ્યો તેની પાછળની પ્રેરણા સ્વામી વિવેકાનંદની હતી એમ કહીને આ આશ્રમો તે સામાજિક જીવનનાં પ્રયોગાલયો હતાં એમ કાકાસાહેબ જણાવે છે. જો સ્વામીજી ઝાઝું જીવ્યા હોત તો એમણે જગોજગ વેદાન્ત વિશ્વવિદ્યાલયો સ્થાપ્યાં હોત એવી પણ કલ્પના તેમણે કરી છે.

ધર્મસુધારણા નહીં પણ ધર્મજાગૃતિ એ સ્વામી વિવેકાનંદનું મિશન હતું. દેશને અભિનવ સંન્યાસીઓની, પરિવ્રાજકોની જરૂર છે એમ પણ સ્વામીજી માનતા હતા. પોતાના સંન્યાસથી તેમણે સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ પ્રગટ કર્યું હતું. વિવેકાનંદનો આ વિશેષ કાકાસાહેબને ખૂબ સ્પર્શી ગયેલો. તેઓ કહે છેઃ

“અધ્યાત્મ વગ૨ ધર્મ નિષ્પ્રાણ થાય છે એમ સ્વામી વિવેકાનંદે ઓળખ્યું. એમણે એમ પણ જોયું કે ગુફામાં બેસીને અધ્યાત્મનું ચિંતન ક૨વાથી ૫૨લોકની સાધના થઇ શકતી હોય કદાચ. પણ ધર્મજાગૃતિનું કામ જો ક૨વું હોય તો તે લોકોસાથે – દીન હીન, પતિત અને પરિત્યક્ત દરિદ્રનારાયણો સાથે એકરૂપ થઈને જ, તેમની સેવા કરીને જ કરી શકાય.”

આપણે એ પણ સ્મરણમાં રાખીએ કે‘દરિદ્રનારાયણ’શબ્દ પણ સ્વામી વિવેકાનંદની જ નવાજેશ છે. તેજસ્વી પુરુષાર્થ, રાજનૈતિક અસ્મિતા, ભૌતિક જ્ઞાનોપાસના અને સામાજિક સુધારા ઉપર મધ્યકાલીન કે અર્વાચીન સંતોએ ભા૨ મૂક્યો ન હતો. સંન્યાસધર્મ પણ વિધવાધર્મ જેવો ઓશિયાળો બની ગયો હતો. તેવી ઘડીએ સ્વામી વિવેકાનંદે ધર્મનો જીવન સાથે યોગ કરી બતાવ્યો તેથી કાકાસાહેબ ખૂબ પ્રભાવિત થયા હતા.

કાકાસાહેબનો પોતાનો જીવનમર્મ‘સમન્વય’શબ્દથી પ્રગટ થાય છે. સ્વામી વિવેકાનંદે સમન્વયશીલ અદ્વૈત પ્રબોધીને દેશની આત્મગ્લાનિ દૂર કરી આત્મપરિચયની સાધના ઉ૫૨ ભાર મૂક્યો અને આત્મવિશ્વાસ, સ્વાભિમાન, નિર્ભયતા, ત્યાગ, વૈરાગ્ય, અને નિઃસ્વાર્થ સેવાનો આદર્શ પ્રબોધ્યો તેથી કાકાસાહેબ ખૂબ પ્રભાવિત થયા હતા. ‘દેશભક્ત સંત’ એ શીર્ષક સ્વામીજી વિશેના એમના એક લેખનો આરંભ જ તેઓ નમઃ ૫૨મ ઋષિભ્યઃ એવી વંદનાથી કહે છે તે સૂચક છે.

“સ્વરાજ્ય-ઋષિ લોકમાન્ય” એ લોકમાન્ય ટિળક વિશેના એક બીજા લેખનો આરંભ જ તેઓ સ્વામી વિવેકાનંદને અંજલિ આપવાથી કરે છે. એ લેખનો પ્રસ્તુત ભાગ ટાંકી આ લેખ પૂરો કરીશ.

“સ્વામી વિવેકાનંદે આપણા દેશમાં ભારે મોટી ધાર્મિક જાગૃતિ પેદા કરી. આ દુનિયા એ કેવળ માયાનો ધસારો છે, માયાથી પાથરેલી જાળ છે, તેમાંથી જેમતેમ કરીને છૂટવું જોઇએ, અને મોક્ષનો રસ્તો પકડવો જોઇએ, એટલો જ જેનો અર્થ ક૨વામાં આવતો હતો, તે વેદાન્તને જોરે ઇહલોકનું જીવન તેજસ્વી, જોમવાળું, સેવાસમર્થ અને શાન્તિદાયક કેવી રીતે બનાવવું એ આપણને તેમણે બતાવ્યું, અને વેદાન્ત એ જ હિન્દુસ્તાનનો અને દુનિયાનો શુદ્ધ ધર્મ થઇ શકે તેવો છે એની જગતને ખાતરી કરાવી આપી. સ્વામી વિવેકાનંદનું આ કાર્ય કદી પણ વાસી થાય તેવું નથી, દિવસે દિવસે તે વધતું જ જવાનું છે…

“આ વેદાન્ત ધર્મની આજના જમાનાને અનુરૂપ થાય એવી રજૂઆત ક૨વાનું કામ વિવેકાનંદે કર્યું તેથી સ્વામી વિવેકાનંદ આ જમાનાના યુગપુરુષ ગણાય છે.”

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.