મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને સૈન્યનું સંચાલન કરવાની વિનંતી કરી. કર્ણ અસ્ત્રશસ્ત્રના અનુસંધાનમાં તેમજ સૈન્ય સંચાલનમાં કુંતિપુત્ર અર્જુનથી જરાય ઊતરતો ન હતો. પણ એકવાત એના મનમાં ખટકતી હતી. તેઓ વિચારતા હતા કે જો કુંતિનંદન પાસે ગાંડીવ ધનુષ્ય છે તો મારી પાસે પણ એવું જ શ્રેષ્ઠ ધનુષ્ય છે જેનાથી હું ગાંડીવમાંથી છોડેલાં બાણોને પાછાં વાળી શકું. જો અર્જુનની પાસે દિવ્યાસ્ત્ર છે તો મારી પાસે પણ ઇન્દ્રે આપેલી શક્તિ છે. એના પ્રયોગથી હું અર્જુનને યમલોકમાં પણ પહોંચાડી શકું છું. અર્જુનના કપિધ્વજ રથની તુલનામાં મારો રથ વધારે શ્રેષ્ઠ છે. પરંતુ અર્જુનના રથના સારથિ સ્વયં કૃષ્ણ છે. એમના અનુપમ સારથિપણાને લીધે અર્જુનની સાથે યુદ્ધ કરવું મને ઘણું કપરું અને કઠિન લાગે છે. જો હું કૃષ્ણ જેવો કુશળ સારથિ મેળવી શકું તો મહાભારતના યુદ્ધમાં મારો વિજય નિશ્ચિત છે.
આખી કૌરવ સેનામાં મદ્રરાજ શલ્યના સારથિપણાના કૌશલ્ય અને એની ગૌરવ ગાથા એ સમયે ગવાતી. કૌરવ પણ જાણતા હતા કે રથ ચલાવવાની કળામાં જો કોઈ વ્યક્તિ કૃષ્ણની બરાબરી કરી શકે તેમ હોય તો તે છે મદ્રનરેશ શલ્ય. પરંતુ કર્ણના મનમાં શંકા ઊઠી કે શું મદ્રરાજ શલ્ય મારા સારથિ બનશે ખરા? બીજી જ ક્ષણે એમના અહંકારે એને જવાબ આપ્યો: ‘શલ્ય મહારાજ દુર્યોધન તરફથી યુદ્ધ કરવા આવ્યા છે. એટલે તેઓ મહારાજ દુર્યોધનની આજ્ઞા પાળશે જ. હું મહારાજ દુર્યોધનને વિનંતી કરીશ કે શલ્યને મારા સારથિ બનવાની આજ્ઞા આપે.’ દુર્યોધને શલ્યને કર્ણના રથનું સંચાલન કરવાની વિનંતી કરી. શલ્યે રોષ વ્યક્ત તો કર્યો પણ યુદ્ધના નિયમોનું પાલન કરવાને લીધે એમણે કર્ણના સારથિ બનવાનું સ્વીકારી લીધું. આમ તો શલ્યે કર્ણના રથ સંચાલનની જવાબદારી લઈ લીધી છતાં પણ એમના મનમાં કર્ણ પ્રત્યે શ્રદ્ધા અને સ્નેહ ન હતાં. એમની શ્રદ્ધા અને પ્રીતિ તો હતાં ભગવાન વાસુદેવ તથા અર્જુનના પ્રત્યે જ.
રથ પર સવાર થયા પછી કર્ણ શલ્યની સાથે પોતાની વીરતા અને રણકૌશલની પ્રશંસા કરવા લાગ્યો. સાથે ને સાથે પાંડવોનાં બળપરાક્રમની નિંદા કરીને તેમને તુચ્છ અને નિમ્ન કક્ષાના બતાવવા લાગ્યો. કર્ણને પોતાની જ પ્રશંસા કરતો જોઈને શલ્યને ક્રોધ આવ્યો. એમણે કર્ણને સંભળાવ્યું પણ ખરું અને એની ક્ષુદ્રતા બતાવવા માટે એક આખ્યાનકથા કહી. એ કથા આ છે :
સમુદ્રતટ પર એક સાધનસંપન્ન વૈશ્ય પરિવાર રહેતો હતો. એને નાના નાના પુત્ર હતા. બાળકો ઘણાં વિનોદી અને નટખટ હતાં. બાળકો પોતાના ભવનના ઉદ્યાનમાં બેસીને ભોજન કરતાં. ત્યાં એક કાગડો પણ આવ્યા કરતો હતો. કુતૂહલથી બાળકો એ કાગડાને પોતાનું એંઠું ખવડાવતાં. આને લીધે એક બાજુ પેલાં બાળકોને મજા આવતી અને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એંઠું ખાઈ ખાઈને કાગડો પણ તાજોમાજો થઈ ગયો. પુષ્ટ તો થયો પણ એને અભિમાનેય આવી ગયું. બીજાં પક્ષીઓની તે હાંસી ઉડાવતો અને એમની સામે પોતાનાં બળ અને વિભિન્ન ઉડ્ડયનની પ્રશંસા પણ કર્યા કરતો. એકવાર માનસરોવરમાંથી કેટલાક હંસો અહીં આવી ચડ્યા. હંસોને આવતા જોઈને બીજાં બધાં પક્ષીઓ એમને મળવા ગયાં અને એમનો આદર-સત્કાર પણ કર્યો. દરરોજ એંઠું ખાનાર કાગડાને આ જોઈને ઘણી અદેખાઈ થઈ. તે પોતાના સાથીઓને લઈને હંસ પાસે ગયો અને પોતાના નીચ સ્વભાવ પ્રમાણે એમની મશ્કરી કરવા લાગ્યો. એણે વ્યંગ કરતાં એક હંસને કહ્યું: ‘ભાઈ, તમે તો બસ, એક જ પ્રકારનું ઉડ્ડયન જાણો છો. સીધે સીધા ઊડીને એક સ્થાનથી બીજે સ્થાને જાઓ છો. મારા તરફ જુઓ. હું સો પ્રકારની ઊડવાની રીત જાણું છું.’ આમ કહીને કાગડો તો ઉપરથી નીચે, નીચેથી ઉપર, આગળ પાછળ કેટલીયે રીતે ઉડવા લાગ્યો. કાગડાની ઉડવાની આ કળાબાજી જોઈને બીજા સાથી કાગડા પણ ખુશ ખુશ થઈ ગયા અને હંસોની મશ્કરી કરવા લાગ્યા.
એંઠું ખાનાર કાગડાએ એક હંસને પડકાર કરતાં કહ્યું: ‘ભાઈ, તમે તો માનસરોવરના હંસ છો. ચાલો, મારી સાથે ઊડવાની શરત લગાવો. મને ખાતરી છે કે તમે મને જીતી શકવાના નથી. હું ઉડવાની સો રીત જાણું છું. મારી વિચિત્ર ઉડવાની રીતથી આશ્ચર્યચકિત કરીને હું તમને હરાવી જ દેવાનો.’ સાંભળીને હંસે હસતાં હસતાં કહ્યું: ‘કાગડાભાઈ, જો તમે પડકાર ફેંકતા હો તો ચાલો, હું શરત લગાવવા તૈયાર છું. પણ હું તો એક જ રીત જાણું છું અને એ રીત બધાં પક્ષીઓ જાણે છે. હું તો એ જ રીતે ઊડીશ. તમે તમારી ઇચ્છા પ્રમાણે ગમે તે રીતે ઊડી શકો છો.’ હંસની વાત સાંભળીને બધા કાગડા હસવા લાગ્યા. સાથે ને સાથે વ્યંગ કટાક્ષ કરીને ઠેકડી પણ કરવા લાગ્યા.
એક નિર્ધારિત સ્થાનથી કાગડાભાઈ અને હંસ ઊડ્યા. હંસ તો પોતાની સૌમ્ય અને ધીમી ગતિએ ઊડવા લાગ્યો પરંતુ અભિમાની કાગડાભાઈ ઉપર નીચે, જમણી ડાબી, ઊલટી સીધી એમ કેટકેટલી રીતે ઉડવા લાગ્યા અને હંસને પોતાની ઉડવાની કળાબાજી બતાવવા લાગ્યા. કાગડાની કળાબાજી જોઈને એના બીજા સાથીઓ ખુશ ખુશ થઈ ગયા અને ‘ક્રાંઉં, ક્રાંઉં’ના કર્કશ અવાજે પેલા હંસોની મશ્કરીયે કરવા લાગ્યા.
સ્પર્ધામાં ઉતરેલ હંસ મંથર ગતિએ મહાસાગર તરફ ઊડતો હતો. કાગડો પણ પોતાની કલાબાજી કરતો કરતો હંસની સામે ને સામે ઉડતો હતો. થોડીવારમાં કાગડાને થાક લાગવા માંડ્યો. એણે ચારે બાજુએ નજર દોડાવી પણ ચારેય તરફ અગાધ સાગર! ક્યાંયે આશરાનું નામનિશાન નહિ. અગાધ જળરાશિને જોઈને કાગડાની હિંમત ઊડી ગઈ. એના ઉડવાને લીધે એ પહેલેથી જ થાકી ગયો હતો અને હંસની પાછળ રહી ગયો. હવે પાણીથી વધારે ઉપર રહેવું કાગડાભાઈ માટે કઠિન બની ગયું. સમુદ્રનાં ઉછળતાં મોજાં હવે એને સ્પર્શવા લાગ્યાં. થોડીવાર પછી એની ચાંચ પણ જળને અડવા લાગી. હવે તો એને સાક્ષાત્ મૃત્યુદેવનાં દર્શન થવા લાગ્યાં.
કાગડાના આવવાનો અવાજ ન સાંભળીને હંસે પાછું વળીને જોયું. કાગડાની દશા જોઈને એ હસ્યો અને કાગડાને કહ્યું: ‘કાગડાભાઈ, આ નવી ઉડવાની રીત કઈ છે? એ વિશે તો તમે મને વાત જ કરી ન હતી.’ હંસની વાત સાંભળીને કાગડાએ રડમશ અવાજે કહ્યું: ‘ભાઈ, હંસ, હું ખરેખર ધુતારો અને અજ્ઞાની છું. વૈશ્યપુત્રોનું એંઠું ખાઈ ખાઈને હું પોતાની જાતને મહાન શક્તિશાળી માનવા માંડ્યો છું. હું મારી વાસ્તવિકતાને ભૂલી ગયો. હંસભાઈ, હું હવે હારી ગયો. મારા પ્રાણ સંકટમાં છે. હું તમારી શરણે છું. મહેરબાની કરીને મારા પ્રાણને બચાવી લો.’
જ્યારે હંસે કાગડાની આ દયનીય દશા જોઈ અને એની વાત સાંભળી ત્યારે તેને એના પર દયા આવી. હંસે પોતાના પંજાથી કાગડાને ઉપાડી લીધો અને પોતાની પીઠ પર બેસાડીને એને સાગરના કિનારે મૂકી દીધો.
આ આખ્યાન દ્વારા શલ્યે કર્ણને એ બતાવ્યું કે અહંકારનું ભયંકર પરિણામ કેવું હોય છે. સાથે ને સાથે આત્મપ્રશંસાને કારણે અહંકારી વ્યક્તિ અંતે પોતાની દુર્ગતિ પોતે જ સાધી લે છે. મનુષ્યે આત્મવિશ્વાસી બનવું જોઈએ પણ અભિમાની નહિ. કર્ણને અભિમાનના સાપે દંશ દીધો હતો. આત્મવિશ્વાસ અને અભિમાન વચ્ચે ઘણું સૂક્ષ્મ અંતર છે. આત્મવિશ્વાસમાં વ્યક્તિને પોતાની યોગ્યતા અને ક્ષમતાનું સાચું જ્ઞાન રહે છે. અભિમાનમાં એને બીજાના દોષ અને દુર્ગુણો વધારે દેખાય છે. અભિમાની વ્યક્તિ સદૈવ પોતાની યોગ્યતા અને શક્તિને વધારી વધારીને તથા બીજાની યોગ્યતા અને શક્તિને ઘટાડી ઘટાડીને બતાવે છે. અભિમાની આત્મપ્રશંસક, પરનિંદક હોય છે. આત્મ વિશ્વાસુ વ્યક્તિ સદૈવ સમતા અને યોગ્યતાનું સાચું મૂલ્યાંકન કરે છે. બીજાની યોગ્યતા અને ક્ષમતાને પણ ઉચિત રીતે આંકી લે છે. પોતાની ક્ષમતાનું યથાર્થ જ્ઞાન અને બીજાની યોગ્યતાનું સાચું અનુમાન વ્યક્તિને જીવનસંગ્રામમાં વિજયી અને યશસ્વી બનાવે છે.
Your Content Goes Here




