શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન કરતા, રાત્રે આશ્રમમાં પાછા આવીને કંઈક ફળમૂળ ખાતા. જોવું, સાંભળવું, અડકવું વગેરે બધા વિષયોમાંથી મનને અળગું કરી રાખતા; ત્યારે જ આત્મામાં બ્રહ્મનો અનુભવ કરતા.

‘કલિયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર; દેહ- બુદ્ધિ જાય નહિ. એવી અવસ્થામાં સોહમ્‌ (હું એ ઈશ્વર) એમ કહેવું ઠીક નહિ. બધુંય કર્યે જઈએ છીએ, અને છતાં હું બ્રહ્મ એમ બોલવું એ બરાબર નહિ. જેઓ વિષયત્યાગ કરી શકે નહિ, જેમની ‘અહંબુદ્ધિ’ કોઈ રીતે જાય નહિ, તેમને માટે ‘હું દાસ’, ‘હું ભક્ત’ એ અભિમાન સારું. ભક્તિમાર્ગે રહેવાથી પણ ઈશ્વરને પામી શકાય.

‘જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને વિષયબુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ બ્રહ્મને જાણી શકે; જેવી રીતે સીડીના પગથિયાં છોડી છોડીને અગાસીએ પહોંચી શકાય. પરંતુ જે વિજ્ઞાની, જે વિષયરૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે તે એથીયે કંઈક વધુ અનુભવ કરે. તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે, એ જ ઈંટ, ચૂનો, રેતીથી પગથિયાં પણ બનેલાં છે. ‘નેતિ નેતિ’ કરી કરીને જેનો બ્રહ્મ તરીકે અનુભવ થયો છે, તે જ જીવજગત થયેલ છે. વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તેજ સગુણ.

‘અગાસી ઉપર માણસ બહુ વખત રહી શકે નહિ. પાછા ઊતરી આવે. જેઓએ સમાધિસ્થ થઈને બ્રહ્મદર્શન કર્યું છે તેઓ પણ ઊતરી આવીને જુએ કે એ ઈશ્વર જ જીવજગત થઈ રહ્યો છે. સા, રે, ગ, મ, પ, ધ નિ. નિ-સૂરે વધુ વખત રહી શકાય નહિ. અહં જાય નહિ; એટલે પછી જુએ કે ઈશ્વર જ હું, તે જ જીવ, જગત, બધુંય થઈ રહેલ છે. એનું જ નામ વિજ્ઞાન. જ્ઞાનીનો માર્ગ પણ એક માર્ગ, જ્ઞાનમિશ્ર ભક્તિનો માર્ગ પણ એક માર્ગ, તેમ જ વળી ભક્તિનો માર્ગ પણ એક માર્ગ. જ્ઞાનયોગ પણ ખરો, ભક્તિયોગ પણ ખરો. બધા માર્ગમાંથી ઈશ્વર પાસે જઈ શકાય. ઈશ્વર જયાં સુધી અહં રાખી દે, ત્યાં સુધી ભક્તિમાર્ગ જ સહેલો.

‘વિજ્ઞાની જુએ કે બ્રહ્મ અટળ, નિષ્ક્રિય, સુમેરુવત. આ જગત સંસાર, ઈશ્વરના સત્ત્વ, રજ, તમ, એ ત્રણ ગુણોથી થયો છે. એ પોતે અલિપ્ત. વિજ્ઞાની જુએ કે જે બ્રહ્મ, તે જ ભગવાન; જે ગુણાતીત, તે જ ષડૈશ્વર્યપૂર્ણ ભગવાન. આ જીવ, જગત, મન, બુદ્ધિ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ બધું તેમનું ઐશ્વર્ય. (હસીને) જે શેઠને ઘરબાર હોય નહિ અથવા વેચાઈ ગયાં હોય એ શેઠ પછી શેઠ શેનો? (સૌનું હાસ્ય.) ઈશ્વર ષડૈશ્વર્યપૂર્ણ. તેને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ? (સૌનું હાસ્ય.)

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.