સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ.

આપણે બધાં સીતાનાં બાળકો છીએ

સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા અવિચળ એવી ‘મા’ છે; ‘જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી હે મા! અમે તને વંદન કરીએ છીએ.’ તે ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં સમાનરૂપે અવસ્થિત છે.’

ઠાકુરના દેહાંત પછી એમના શિષ્યો માટે રહેવા અને ખાવા માટે માએ પ્રાર્થના કરી હતી.

વિશ્વના બધા ધર્મોમાં ઈશ્વરને પુલ્લિંગ રૂપે જ સંબોધ્યા છે. એક માત્ર હિંદુ ધર્મમાં જ સગુણ બ્રહ્મને પુલ્લિંગ રૂપે અને માતૃરૂપે પણ સંબોધવામાં આવ્યા છે. જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા વિશે આપણા પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદના ‘દેવી સૂક્તમ્’ માં લખાયું છે:

मया सो अन्नमत्ति यो विपश्यति
य: प्राणिति य ईं शृणोत्युक्तम्‌।
अमन्तवो मां त उप क्षियन्ति
श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि।।

‘પ્રાણીઓમાં જે જીવની શક્તિ (પ્રાણ) છે, દર્શન ક્ષમતા છે જ્ઞાન-શ્રવણ સામર્થ્ય છે, અન્નભોગ કરવાનું સામર્થ્ય છે એ બધુંય મારી (હું) વાગ્દેવીના સહયોગથી જ પ્રાપ્ત થાય છે. જે મારા સામર્થ્યને જાણતા નથી, તેઓ નષ્ટ થઈ જાય છે. હે બુદ્ધિમાન મિત્રો! આપ ધ્યાન આપો, જે કંઈ પણ મારા દ્વારા કહેવાઈ રહ્યું છે, એ શ્રદ્ધાનો વિષય છે.’

અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણે પોતે ઈશ્વરની કાલીરૂપે આરાધના કરી હતી. આધ્યાત્મિક સાધનાના સર્વોચ્ચ શિખર નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા ફર્યા બાદ શ્રીરામકૃષ્ણ બાળકભાવે અવસ્થાન કરતા હતા: ઈશ્વર મા અને તેઓ તેના સંતાન.

પૃથ્વી પર જગતજનનીના પ્રતિનિધિ સ્વરૂપ એવી નારીઓનો જન્મ થયો છે કે જેમના ચરિત્રે ઇતિહાસના પાનાઓને ઉજ્જ્વળ કરી મૂક્યાં છે, માનવ સભ્યતાને પરિપોષિત કરી છે, અને અનેક મહાપુરુષોની પાછળ ઊભા રહી એમને ટેકો આપ્યો છે.

 

શ્રીરામકૃષ્ણે શ્રીમા શારદાદેવીની પ્રથમ દક્ષિણેશ્વર મુલાકાત સમયે ષોડશીરૂપે પૂજા કરી હતી અને પોતાની સાધનાનું સમગ્ર ફળ શ્રીમાનાં શ્રીચરણોમાં અર્પણ કર્યું હતું.

નોબત (દક્ષિણેશ્વર કાલી મંદિરમાં શ્રીમાનો ઓરડો) માં નિવાસ કરવા સમયે શ્રીમાએ એક દિવસ ઠાકુરનાં ચરણ દબાવતાં દબાવતાં પૂછેલું કે, ‘‘તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો?’’ જવાબમાં ઠાકુરે કહ્યું કે, ‘‘જે મા મંદિરમાં બિરાજે છે, તેમણે જ આ શરીરને જન્મ આપેલો છે અને આજકાલ નોબતમાં વસી રહેલાં છે અને તેઓ જ અત્યારે મારી પદસેવા કરી રહેલાં છે! સાક્ષાત્ આનંદમયીના સ્વરૂપ તરીકે તમને હંમેશાં ખરેખર જોઉં છું!’’

ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં શ્રીમા પોતાનાં સંતાનોની સમાન કાળજી રાખતાં. શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ બોધગયાના એક મઠની સમૃદ્ધિ જોઈને તેઓનું હૃદય ભટકતા ફરતા અને ભિક્ષા કરતા પોતાના સંન્યાસી શિષ્યો માટે રોઈ પડ્યું હતું અને ઠાકુર પાસે તેઓએ સંન્યાસીઓના રહેવા માટે એક મઠ અને ભોજન માટે અન્નની પ્રાર્થના કરી હતી.

શ્રીરામકૃષ્ણદેવના શિષ્યોમાં શ્રીમાનો મહિમા પરખનાર પહેલા હતા સ્વામી વિવેકાનંદ. એક વ્યાખ્યાનમાં તેઓ કહે છે:

‘ભૂતકાળનું દુનિયાનું સાહિત્ય બધું ફેંદી વળો અને હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે ભવિષ્યની દુનિયાનું સાહિત્ય પણ ફેંદીને ખલાસ કરવું પડશે. સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે, પરંતુ સીતા તો એક જ થઈ છે!

‘સાચી ભારતીય નારીનો આદર્શ એ સીતા છે; એક સંપૂર્ણ નારીત્વના સર્વ ભારતીય આદર્શાે સીતાના એ એક જીવનમાંથી વિકસ્યા છે અને આર્યાવર્તની ભૂમિના ચારે ખૂણામાં દરેક નરનારી અને બાળકથી સન્માનિત એ સીતા હજારો વરસથી એમની એમ પૂજાતી આવી છે. ખુદ પવિત્રતા કરતાં વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ, આ મહિમામંડિત સીતા સદાસર્વદા ટકી રહેવાની છે.

‘એક શબ્દ સરખોય ઉચ્ચાર્યા સિવાય કષ્ટમય જીવન વિતાવનારી, સદા પવિત્ર અને સદાચારિત્ર્યશીલ પત્ની, લોકોનો આદર્શ, દેવતાઓનો આદર્શ, એ મહાન સીતા, આપણી રાષ્ટ્રદેવતા સીતા, હંમેશને માટે ટકી રહેવી જ જોઈએ. આપણામાંનો દરેકેદરેક માણસ એનાથી એટલો બધો પરિચિત છે કે વધુ વિવરણ કરવાની આવશ્યકતા રહેતી નથી.

‘ભલે આપણાં પુરાણો બધાં અલોપ થઈ જાય, આપણા વેદો સુધ્ધાં ભલે અદૃશ્ય થાય અને આપણી સંસ્કૃત ભાષા પણ સદાને માટે ભલે ગાયબ થઈ જાય, પરંતુ જ્યાં સુધી પાંચ પણ હિંદુઓ આ ભૂમિ પર જીવતા હશે, ભલે હલકામાં હલકી બોલી તેઓ બોલતા હશે, ત્યાં સુધી સીતાની કહાણી રહેવાની જ છે.

‘મારા આ શબ્દો તમે નોંધી રાખજો. સીતા આપણી પ્રજાના પ્રાણ સાથે સમરસ થઈ ગઈ છે. એકેએક હિંદુ સ્ત્રીપુરુષના લોહીમાં એ પ્રવેશી ગઈ છે. આપણે બધાં સીતાનાં બાળકો છીએ. આપણી સ્ત્રીઓને આધુનિક બનાવવાનો કોઈ પણ પ્રયત્ન, સ્ત્રીઓને સીતાના આદર્શથી દૂર લઈ જવાનો પ્રયાસ કરવા માંડતાં તરત જ નિષ્ફળ નીવડે છે, એ આપણે રોજ જોઈએ છીએ. ભારતની નારીઓએ સીતાને પગલે ચાલીને આગળ વધવાનું છે અને વિકાસ સાધવાનો છે; પ્રગતિનો એ એક જ માર્ગ છે.’

એક દિવસ શ્રીમા બેલુર મઠની મુલાકાતે આવ્યાં હતાં. ઠાકુરના સંન્યાસી શિષ્ય સારદાપ્રસન્ન (સ્વામી વિજ્ઞાનાનંદ) શ્રીમાને ઊભા ઊભા જ પ્રણામ કરી પાછા ફરતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘અરે પેશન (સારદાપ્રસન્નનું હુલામણું નામ), સાષ્ટાંગ પ્રણામ કર.’

Total Views: 744

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.