જીવનનું આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે. પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે. તે શેને માટે દોડધામ કરે છે તેનો જ એને ખ્યાલ રહેતો નથી. તે પૈસા પાછળ દોટ મૂકે છે, તે સમૃદ્ધિ પાછળ દોટ મૂકે છે. પણ આખરે આ બધું શા માટે? જો આપણે લાંબો વિચાર કરીશું તો જણાશે કે માનવી ઊંડે ઊંડે શાંતિ ઈચ્છતો હોય છે અને તેને માટે જાતજાતના પ્રયત્ન કરતો હોય છે. થાય છે એવું કે શાંતિની ખોજ કરતાં કરતાં તે અશાંતિનો ભોગ થઈ પડે છે. અશાંતિ એવો ભરડો લઈ લે છે કે પછી તેમાંથી છૂટવાનું મુશ્કેલ બને છે.

આજે દરેકને જીવનમાં મોટી સિદ્ધિ મેળવવી છે. થોડા દિવસોમાં જ માલ-મિલકતવાળા થઈ જવું છે. તેથી માણસ પોતાની શક્તિ બહારની મહત્ત્વાકાંક્ષા રાખે છે. પોતાનાથી પહોંચાય નહીં તેવું ઊંચું ધ્યેય રાખે છે. પણ તે ધ્યેયને પહોંચી શકાતું નથી અને છેવટે નિરાશા આવે છે.

આરબ દેશની દંતકથા છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તેવું અહીં જાણવા મળે છે. એક શહેરમાં ધૂતારો આવ્યો. તેણે કહ્યું કે : ‘મારી પાસે અઢળક ધન છે અને જે વેપારીને જોઈતું હોય તેને હું આપવા તૈયાર છું. તે પણ વગર વ્યાજે.’ આ જાણીને એક લોભિયા વેપારીને વિચાર આવ્યો કે ‘લાવ ને આ ધનવાન પાસેથી પૈસા લઉં અને હજુ મારા વેપારને વધુ સમૃદ્ધ કરું. વળી પાછો તે વગર વ્યાજે પૈસા આપે છે આવી તક જતી ન કરાય.’ તે પહોંચ્યો પેલા કહેવાતા ધનવાન પાસે. તેણે કહ્યું : ‘ભાઈ, મેં સાંભળ્યું છે કે તમે વેપારીઓને વેપાર કરવા પૈસા આપો છો. સાચી વાત છે?’ ‘હા, સાચી વાત છે તમારે પૈસા જોઈએ છે તો લઈ જાઓ. મારી પાસે વધારાના જ છે. વળી વ્યાજ પણ નથી આપવાનું. વર્ષ પછી આપી દેજો.’

‘પણ કેટલા પૈસા આપો છે?’

‘જુઓ, તેમાં કોઈ મર્યાદા નથી તમે એક બે-ત્રણ એમ સતત બોલતા જાઓ. જો હજાર સુધી બોલશો તો હજાર રૂપિયા મળશે અને જો દોઢ હજાર સુધી બોલશો તો દોઢ હજાર. અટક્યા સિવાય બોલવાનું છે, જેટલું વધુ બોલશો તેટલું તમારા ફાયદામાં.’

‘ઓહો, આ તો તમારી મજાની શરત છે. મને એ કબૂલ મંજૂર છે.’

‘પણ જો બોલતાં વચ્ચે અટકી જશો તો જેટલી સંખ્યાએ અટક્યા હશો તેટલા રૂપિયા અમને સામેથી આપવા પડશે. જો ઓછી સંખ્યા બોલશો અને વચ્ચે અટકો નહીં તો કોઈ પ્રશ્ન નથી. અમે એટલા પૈસા આપવા બંધાયેલા છીએ.’

વેપારીએ વિચાર કર્યો કે ‘આવી શરત તો કાંઈ શરત કહેવાય? હજાર-બે હજાર સુધી તો વગર અટક્યે બોલાશે…અને જો એવું લાગશે તો થોડું બોલીને અટકી જઈશું.’

પણ ધૂતારાએ આ શરત માનવીનો સ્વભાવ જાણીને જ મૂકી હતી. તેમાંય કેટલાક વેપારીઓ કેવા લોભી હોય છે, તેની એને ખબર હતી. આપણા વેપારીએ કહ્યું. કે ‘ચાલો, હું બોલવા માંડું, તમે પૈસા આપશો ને?’

‘પણ વચ્ચે નહીં અટકવાની શરત ખબર છે ને? જો કબૂલ હોય તો બોલવા માંડો……’

‘શરત કબૂલ છે.’ એમ કહીને લોભી વેપારી બોલવા માંડ્યો. એક…બે…ત્રણ…આમ સતત ત્રણસો સુધી બોલ્યો. પછી જીભ થાકી, તોય જેમ તેમ કરી પાંચસો સુધી બોલ્યો. મન કહેવા માંડ્યું કે ‘હવે વધુ બોલાશે નહીં. લોભ રહેવા દે. પાંચસો રૂપિયા લઈ લે.’પણ લોભને થોભ નહીં. ‘બસ પાંચસો રૂપરડી જ મળે? હજુ વધુ બોલું, વધુ પૈસા લઉં.’ આવા લોભમાં જ જીભ લોચા વાળવા માંડી. વેપારી અચાનક બોલતાં અટકી ગયો. મોંએ ફીણ આવ્યાં. છસ્સો સુધી બોલાયું હતું.’ ધૂતારો બોલ્યો : ‘શેઠ તમને તો મોંએ ફીણ આવ્યાં. તમે બોલતાં અટકી ગયા. હજુયે ધીમું ધીમું બબડો છો. પણ એ ન ચાલે.’

‘પણ..… હું છસ્સો સુધી બોલ્યો. લાવો તેટલા રૂપિયા.’

‘રૂપિયા મારે નહીં તમારે આપવાના. શરત પ્રમાણે તમે હારી ગયા. બોલતાં અટકી ગયા. છસ્સો રૂપિયા મૂકી દો નહીં તો તમારી આબરૂ જશે. તમારી લાખ રૂપિયાની શાખ ઉ૫૨ પાણી ફરી વળશે.’

શેઠ શરમીંદા બની ગયા. પોતે છેતરાયા છે તેનો ખ્યાલ આવી ગયો. બીજો એ પણ ખ્યાલ આવ્યો કે પોતે લોભી છે. તેનું આ ફળ મળ્યું છે. આગળ વિચાર કરતાં એ પણ સમજાયું કે શક્તિ કરતાં વધુ આશા રાખી. શક્તિ પ્રમાણે જો ઓછી સંખ્યા બોલ્યો હોત તો તેટલી રકમ મળી જાત.

પણ ધૂતારો માણસોના મનને જાણતો હતો. માણસો શક્તિ કરતાં વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. મનોવિજ્ઞાનના આ સિદ્ધાંતના આધારે તે લોકો પાસેથી કમાયો હતો, તેણે ગુમાવ્યું નહોતું, પણ પ્રાપ્ત કર્યું હતું.

માણસની અહીં ભૂલ થાય છે. તે પોતાની મર્યાદા સમજી શકતો નથી. પોતાની શક્તિ કરતાં વધુ કામ ઉપાડી લે છે અને અશાંતિનાં બીજ રોપે છે. તેમાંથી કાંટાવાળું ઝાડ ઉત્પન્ન થાય છે. જે એને કનડે છે. શાંતિ મેળવવાનો માર્ગ પોતાની મર્યાદા સમજવાનો છે અને એ રીતે કાર્ય કરવાનો છે. જો એ રીતે માણસ કામ કરે તો કોઈ દિવસ દુઃખી ન થાય. સુખની પાછળ દોટ મૂકવાથી તે પ્રાપ્ત નહીં થાય. પણ તેના તરફ શાંતિથી ચાલીને જવાથી તે મળશે. દરરોજ પોતાને માફક આવે તેટલું, પૂરેપૂરા દિલથી કામ કરવું જોઈએ. મનના વિચારોને કામ તરફ વાળી, લાભ લેવો જોઈએ. લોભી વિચારોને તાબે ન થવું જોઈએ, ગગન વિહારી વિચારોને કાબૂમાં રાખવા જોઈએ. માત્ર વાસ્તવિક વિચારોને સ્વીકારી, કામની યોજના બનાવવી જોઈએ. તો અવશ્ય સફળતા મળશે. જીવનમાં સુખશાંતિ પછી સ્વપ્ન નહીં રહે, પણ નક્કર વાસ્તવિકતામાં ફેરવાઈ જશે

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.