દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. – સં

મસ્તીથી જીવો, મસ્તી સે ભર જાઓ. હું કથાઓમાં ઘણીવાર કહું છું કે કેટલાક માણસો એવા હોય છે કે તેઓ જ્યાં જાય ત્યાં આનંદ થાય છે, અને કેટલાક માણસો, એવા હોય છે કે તેઓ જ્યાંથી જાય ત્યાં આનંદ થાય છે. તેથી આપણે જ્યાંથી જઈએ ત્યાં આનંદ થાય એવી રીતે જીવવું નથી. પ્રત્યેક વિપરિત પરિસ્થિતિમાં હસતા રહો. સાનુકૂળતા શોધતા રહો.

હું પહેલીવાર વિદેશ ગયો તો મને કહેવામાં આવ્યું કે અમે અહીં બે ‘ડબલ્યુ’નો ભરોસો નથી કરતા. મેં કહ્યું કે એ ક્યા બે? તો કહે ‘વાઈફ’ અને ‘વેધર’. મેં કહ્યું : ‘અમારે ત્યાં તો બન્ને ભરોસેમંદ છે.’

આપણા ભારતીયોનું એ હંમેશનું સદ્ભાગ્ય રહ્યું છે કે અત્યાર સુધી એ બન્ને ભરોસાપાત્ર રહ્યા છે. પોતાનો પતિ અપંગ થઈ જાય, આવારા થઈ જાય, તે ભલેને ગમે તેવો હોય પણ આર્ય નારી એના પતિને તરછોડશે નહીં.

વિધાયક દૃષ્ટિકોણ કેળવજો અને માનવજીવનને અભિશાપ ન સમજશો. આ જીવન એ તો પરમાત્માએ આપેલું વરદાન છે. પરમાત્માએ આપણને પ્રેમપૂર્વક આપેલી ભેટ છે. એ ભેટનો સ્વીકાર કરજો.

કોઈ આપણને પ્રેમપૂર્વક ફૂલમાલા આપે અને આપણે એને ફેંકી દઈએ એ સામેવાળાનું અપમાન નથી? આત્મહત્યાને આપણે ત્યાં પાપ માનવામાં આવે છે. આત્મહત્યા કરીને જીવનનો અંત લાવવો એ પરમાત્માનું અપમાન છે.

આત્મહત્યાનો અર્થ માત્ર ગળે ફાંસો ખાવો એટલો જ નથી થતો, આપણા અધ્યાત્મ ક્ષેત્રના આચાર્યો કહે છે કે માનવ શરીર પ્રાપ્ત કર્યા પછી જેણે પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કર્યો તે આત્મઘાતી છે, અને આ અર્થમાં પણ જો આપણે આત્મઘાતી થઈશું તો પરમાત્માની આપણે અવગણના કરી છે એમ મનાશે.

માનવ જન્મ શું છે? ભાગવતમાં ખૂબ સુંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે માનવ જન્મ લેવાનો લાભ શું છે? એમાં જ ઉત્તર છે કે, ‘માનવ જન્મ લેવાનો સૌથી મોટો લાભ એ છે કે અંતકાળે નારાયણની સ્મૃતિ રહે’ અને જે આવું કરતો નથી એણે આત્મહત્યા કરી છે, તે આત્મઘાતી છે.

પહેલી વાત દુર્લભ છે, તે છે મનુષ્યત્વમ્. બીજી વાત દુર્લભ બતાવી છે- તે છે. મુમુક્ષુત્વમ્. મુમુક્ષા – મુક્તિની ઈચ્છાનો મતલબ બધા જ પ્રકારના દુર્ગુણોથી, મુક્તિની અભિપ્સા. બંધન કોઈને ગમતું નથી. એક બાળકને પકડવાનો પ્રયાસ કરશો તો તે પણ તમારી પકડમાંથી મુક્ત થવા પ્રયત્ન કરશે. કેમ કે સ્વરૂપથી તો આપણે મુક્ત છીએ, એટલે કોઈ આપણને બાંધે એ આપણને પસંદ નથી. પરતંત્રતા આપણને ગમતી નથી.

જરા અટકો, જરા થોભો! અને વિચારો તો, કેટલી નાની-નાની વસ્તુઓના આપણે ગુલામ છીએ, આધીન છીએ? આવાં વ્યસનોથી, આવા દુર્ગુણોથી, આવાં દૂષણોથી મુક્ત થવું તે મુમુક્ષા છે.

તો બીજી વાત દુર્લભ મુમુક્ષુત્વમ્ કહ્યું છે. અને ત્રીજી વાત બતાવી છે તે ‘મહાપુરુષ સંશ્રયઃ’ મહાપુરુષ યાને સંતોનો સંગ અને આ ત્રણે આપણને મળી જાય તો જરા વિચારો, કેટલી ધન્યતાનો અનુભવ આપણે કરી શકીએ? એટલા માટે જીવન પ્રત્યે વિધાયક દૃષ્ટિકોણ હોવો જોઈએ. ‘બીતે હુએ કા શોક નહીં હોના ચાહિએ. જો બીત ગઈ સો બીત ગઈ.’ અને જે બાકી રહ્યું છે, જે શેષ રહ્યું છે એની ચિંતા ન કરીએ, ભવિષ્યની ચિંતા કર્યા વિના આપણે પ્રત્યેક ક્ષણ વર્તમાનમાં જીવીએ.

તમારા જીવનમાંથી નિરાશાને દૂર કરજો. આમ હું એટલા માટે કહી રહ્યો છું કે હું સમાજમાં જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ભયંકર રોગ ફેલાયલો જોવા મળે છે અને એ રોગ છે નિરાશાનો. એઈડ્ઝથી પણ ખૂબ ખતરનાક. આ રોગ છે અને તે વળી તે સંસર્ગજન્ય છે. કેટલાક માણસો સવારે ઊઠતાંની સાથે નિઃસાસા નાખે, એવા નિઃસાસા નાખે કે એની સામે ઠંડી ચા મૂકવામાં આવે તો એના નિઃશ્વાસથી ગરમ થઈ જાય!

નિરાશાથી શું ફેર પડવાનો છે? એથી હું કહું છું કે જીવન પ્રત્યે વિધાયક દૃષ્ટિકોણ હોવો જોઈએ. જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો.

(‘તત્ત્વદર્શન’ નવે’૯૪માંથી સંકલિત)

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.