જીવનનો ઉદ્દેશ્ય શું છે?

શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય, ઉદ્દેશ નહિ. શંભુ મલ્લિક કહે કે હવે એવો આશીર્વાદ આપો કે જે રૂપિયા છે તેનો સદુપયોગ થાય; ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી, રસ્તો, ઘાટ બંધાવવા, કૂવા ખોદાવવા એ બધાંમાં ખર્ચાય. મેં કહ્યું કે એ બધાં કર્મો અનાસક્ત થઈને કરી શકાય તો સારું. પણ એ બહુ કઠણ. અને બીજું ગમે તે થાય, પણ આટલું યાદ રાખવું કે તમારા માનવ જન્મનો ઉદ્દેશ છે ઈશ્વર-પ્રાપ્તિ, ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી બંધાવવી એ નહિ.

સુખદુ:ખની વાત નીકળી છે. ઈશ્વરે આટલું બધું દુ:ખ શા માટે કર્યું છે? વગેરે.

શ્રીરામકૃષ્ણ- ઈશ્વરનું કાર્ય શું સમજી શકાય, કે એ કયા હેતુથી શું કરે છે? એ સર્જન, પાલન, સંહાર બધુંય કરે છે. એ શા માટે સંહાર કરે છે એ આપણે સમજી શકીએ? હું તો કહું કે મા, મારે એ સમજવાનીયે જરૂર નથી, તમારા ચરણ-કમલમાં ભક્તિ આપો. માણસના જીવનનો ઉદ્દેશ આ ભક્તિપ્રાપ્તિ. બીજું બધું મા જાણે. આંબાવાડિયામાં કેરીઓ ખાવા આવ્યા છીએ, તે તેમાં કેટલાં ઝાડ, કેટલા હજાર ડાળીઓ, કેટલા કરોડ પાંદડાં, એ બધો હિસાબ બેઠાં બેઠાં ગણવાની મારે શી જરૂર! હું તો કેરી ખાઉં, ઝાડ પાંદડાંની ગણતરીની મારે જરૂર નહિ.

સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ?

બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું, સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન કયાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડા પડયાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું. પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.’

‘મન છે દૂધના જેવું. એ મનને જો સંસાર-જળમાં રાખો તો દૂધ-પાણી ભળીને એક થઈ જાય. એટલા માટે એકાંતમાં દૂધનું દહીં જમાવીને માખણ કાઢવું જોઈએ. જ્યારે એકાંતમાં સાધના કરીને મનરૂપી દૂધમાંથી જ્ઞાન-ભક્તિ રૂપી માખણ કાઢવામાં આવે ત્યારે એ માખણને અનાયાસે સંસાર જળમાં રાખી શકાય. એ માખણ કયારેય જળની સાથે ભળી જાય નહિ, સંસાર જળની ઉપર નિર્લેપ રહીને તરે.’

‘હાથે તેલ ચોપડીને ફણસ ચીરીએ તો ફણસનું દૂધ હાથે ચોંટે નહિ. ‘એન ઘેર ડાહીનો ઘોડો’ રમતી વખતે જો ડોશીને અડકી જાઓ તો પકડાવાની બીક નહિ. એક વાર પારસમણિને અડકીને સોનું બની જાઓ. સોનું થઈ ગયા પછી હજાર વરસ સુધી જમીનમાં દટાઈ રહો ને, તોય જમીનમાંથી નીકળો એટલે એનું એ સોનું જ રહેશે.’

સર્કસ પૂરું થયું. ઠાકુર ભક્તો સાથે ઊતરી આવીને મેદાનમાં ગાડીની પાસે આવ્યા. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘જોયું ને, છોકરી કેવી એક પગે ઘોડા ઉપર ઊભી હતી, અને ઘોડો જોસથી દોડયે જાય છે! કેટલું કઠણ! કેટલાય દિવસ સુધી અભ્યાસ કર્યો હશે ત્યારે એમ કરી શકતી હશે ને! જરાક ગાફેલ રહે તો હાથ-પગ ભાંગી જાય, વખતે મોત પણ આવે. સંસાર કરવોય એવો કઠણ. ખૂબ સાધન-ભજનકરીને કોઈ કોઈ ઈશ્વરકૃપાથી સંસાર ચલાવી શક્યા છે. મોટાભાગના લોકો કરી શકે નહિ. સંસાર ચલાવવા જતાં ઊલટા વધુ બદ્ધ થઈ જાય, ઊલટા ડૂબે, મોતની વેદના થાય.’

‘જીવો જાણે કે અનાજના દાણા; ઘંટીની અંદર પડયા છે; પિસાઈ જવાના. પરંતુ જે કેટલાક દાણા વચલા ખીલડાને વળગી રહે, તેઓ પિસાઈ જાય નહિ. એટલા માટે ખીલડાના એટલે કે ઈશ્વરના શરણાગત થવું જોઈએ. ઈશ્વરને સ્મરો, એનું નામ લો, ત્યારે મુક્ત થવાય. નહિતર કાળ-રૂપી ઘંટીમાં પિસાઈ જવાના.’

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.