જેવી રીતે વિવિધ પ્રકારની મિઠાઈઓમાં સાકર ઓતપ્રોત થઈને જ રહેલી હોય છે અને સાકર વિના તો મિઠાઈ બને જ નહિ, તેવી જ રીતે વિવિધ શિક્ષણવિષયોમાં જીવનમૂલ્યો ઓતપ્રોત થઈને રહ્યાં જ હોય છે અને શિક્ષણના સાચા અર્થમાં મૂલ્ય વગરનું શિક્ષણ સંભવી જ શકે નહિ પરંતુ, જ્યારે હાથ હૈયું અને હોશના ત્રિવેણીતીર્થ સમા શિક્ષણમાંથી હૈયું (સંવેદના, નિષ્ઠા, લાગણી) દૂર દૂર ખસતું ગયું, હોશ (બુદ્ધિશક્તિ)નાં નીર પણ છીછરાં થઈ ગયાં, યાંત્રિક ગોખણપટ્ટી વધી ગઈ, કેવળ હાથપગના કૌશલની યાંત્રિક્તા જ શિક્ષણમાં બાકી રહી ત્યારે બૌદ્ધિક જનોએ શિક્ષણમાં હૈયાંની અને હોશની પુન:સ્થાપનાના પ્રયત્નો આદર્યા, શિક્ષણમાં અને જીવનમાં મૂલ્યોની ચર્ચા ચોરે અને ચૌટે થવા લાગી, NCERT જેવી સંસ્થાને પણ એની આવશ્કતા સમજાઈ અને એણે મૂલ્યલક્ષી શિક્ષણનો રિપોર્ટ બહાર પાડ્યો. આ જીવનમૂલ્યો વિશે થોડો વિમર્શ કરવાનો આ લેખકનો ઉપક્રમ છે.
પહેલાં ‘મૂલ્ય’ એટલે શું? એ વાતથી શરૂ કરીએ: મૂલ્યનો સીધોસાદો કોશલભ્ય અર્થ કિંમત – ભાવ- દામ આપવાં એવો થાય છે. દામ આપીને આપણે આપણું ઇચ્છિત કશુંક ખરીદીએ છીએ. દામનો ત્યાગ કરીને- કિંમત ચૂકવીને આપણે કશુંક ઈષ્ટ ખરીદીએ છીએ. દાખલા તરીકે ધારો કે અમુક પૈસા ખર્ચીને આપણે આપણું ઈષ્ટ – મકાન ખરીદીએ છીએ. અર્થાત્ ઈષ્ટતર ઉચ્ચતર વસ્તુ મેળવવા માટે કશુંક ખમવું, ખર્ચવું, વેઠવું પડે એને મૂલ્ય કહેવાય છે. આમ ઈષ્ટતર વસ્તુ આપણી ‘સાધ્ય’ છે અને ‘મૂલ્ય’ એનું ‘સાધન’ છે.
માનવની ‘સાધ્ય’ વસ્તુઓમાં એક ચડતો ક્રમ, એક તારતમ્ય, એક ઉચ્ચાવચતા હોય છે. રોટી, કપડાં, મકાન એ મનુષ્યનાં પ્રાથમિક પાયાનાં સાધ્યો હોય છે. પણ પૂર્ણ આદર્શ માનવની ઉચ્ચતમ સાધ્ય વસ્તુ તો આત્મ સાક્ષાત્કાર – આત્મભાન જ છે. પેલાં નિમ્નતર સાધ્ય મેળવવા મનુષ્ય ‘સાધન’ તરીકે શરીરશ્રમ, કૃષિ વગેરે સાધનોનો ઉપયોગ કરે છે અને ઉચ્ચતમ સાધ્યની પ્રાપ્તિ માટે સત્ય, અહિંસા અસ્તેય સૌજન્ય, અપરિગ્રહ, સૌંદર્યભાવના, આત્મગૌરવ વગેરે સાધનો પ્રયોજે છે. ભારતમાં પેલાં પ્રાથમિક સાધ્યોનાં સાધનોને ‘ઉપકરણો’ કે ‘ઉપાદાની’ એવું નામ અપાયું છે, જ્યારે આત્મસાક્ષાત્કારના પરમસાધ્ય – ઉચ્ચતમ ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયોજાતાં સાધનોને ‘મૂલ્યો’ કે ‘જીવનમૂલ્યો’ એવું ખાસ નામ આપવામાં આવે છે. આ મૂલ્યોના પાયા ઉપર જ જ્યારે પેલાં ઉપકરણો કે ઉપાદાનોનો મહેલ ચણાય છે ત્યારે જ મનુષ્યની માનવ્ય તરફની યાત્રા શરૂ થાય છે.
‘ઉપકરણો’ કરતાં મૂલ્યોની વિશેષતા એ છે કે ‘મૂલ્યો’ આંતરિક આહ્વાનરૂપ છે. જીવનના ખાસ ધ્યેયની પ્રાપ્તિ માટે એ આપણને પ્રેરે છે. એટલે કે મૂલ્યો કશાક મૂલ્યવાનનો ઉત્તમનો નિર્દેશ કરે છે, અને મૂલ્યો જ પેલાં બાહ્ય ઉપકરણોની અંત:સ્થ ગંગોત્રીનું કામ કરે છે. એવાં મૂલ્યો જ જીવનના પરમલક્ષ્યનાં સાધનો છે.
એટલે આ સાધનરૂપ મૂલ્યો પોતે જ કઈ જીવનના પરમલક્ષ્યરૂપ નથી. મહત્ત્વનું તો સાધ્ય છે, સાધન તો એનું માત્ર બાહ્ય પ્રતીક જ છે.
આ આપણો ભારતીય અભિગમ છે. પશ્ચિમની સંસ્કૃતિની મૂલ્યોની વિભાવના કરતાં આ આપણો પાયાનો ભેદ છે. પશ્ચિમના થોડાક રહસ્યવાદીઓને બાદ કરતાં લગભગ બધા જ ચિંતકો સૌજન્ય, સત્ય અને સૌંદર્યભાવના જેવાં જીવનમૂલ્યોને છેવટનાં મૂલ્યો – સાધ્ય જ ગણે છે. પણ આપણી ભારતીય દૃષ્ટિ એ છેવટનાં – સ્થાયી મૂલ્યો તો છેવટના – અંતિમ સાધ્યનો માત્ર નિર્દેશ જ કરે છે. વાસ્વતમાં પશ્ચિમના તત્ત્વજ્ઞોએ એ સ્થાયી મૂલ્યોને પાર કરીને પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરવાની તસ્દી લીધી જ નથી. એ પરમસત્તા, સભાનતા અને આનંદની અનુભૂતિની વાત માત્ર ભારતમાં ઉપનિષદોના ઋષિઓએ જ કરી છે.
આ મૂલ્યોને ગીતાએ ‘જ્ઞાન’ એવું મહિમાવંતું નામ આપ્યું છે. (ગીતા – ૧૩: ૭-૧૧). આ જ્ઞાનનો અર્થ મનની એક વિશિષ્ટ ઘડાયેલી સ્થિતિ એવો થાય છે. એવી મન:સ્થિતિમાં જ પાયાનાં પરમધ્યેયસાધક વૈશ્વિક મૂલ્યો અને નૈતિક વલણો સહજ રીતે ઊગી શકે છે કે જે પરમધ્યેય તરફ માનવને યાત્રા કરાવે છે.
આ મૂલ્યો સમગ્ર-અખંડ માનવજીવનને વ્યાપીને રહેલાં છે, ફાવે તેવા સ્થળ-કાળ-સંજોગોમાં એના મનસ્વી ત્યાગ કે સ્વીકાર કરી શકાતા નથી. જીવનનાં બધાં જ ક્ષેત્રો- સામાજિક, આર્થિક, કૌટુંબિક વગેરે બધાં ક્ષેત્રો મણકાઓની પેઠે મૂલ્યસૂત્રમાં પરોવાયેલાં છે. એનાથી અલગ થયે તે તે ક્ષેત્રનાં કાર્યોનું કશું મહત્ત્વ નથી. આ મૂલ્યોને જ ભારતની સાંસ્કૃતિક પરિભાષામાં ‘ધર્મ’ એવું નામ અપાયું છે. આમ, ભારતમાં ‘ધર્મ’ શબ્દનો અર્થ સમગ્ર જીવન વ્યાપી, સર્વ સ્વીકૃત અને વિશ્વવ્યાપી છે. પશ્ચિમનો વિશિષ્ટ પંથનો સંકુચિત અર્થ અહીં નથી. આ બંને અર્થોની ગેરસમજણથી મોટો ઊહાપોહ ઊભો થયો છે અને સ્થાપિત હિતોએ એનો વારંવાર લાભ લીધા કર્યો છે.
આ મૂલ્યાત્મક ધર્મ ફક્ત જાણવા – માનવાનો જ વિષય નથી. પણ આંતરબાહ્ય જીવનમાં ઓતપ્રોત કરવાનો વિષય છે. કારણ કે એ વિનાનું વ્યક્તિ અને સમાજનું જીવન ખંડિત અને વેરવિખેર જ થઈ જાય.
આ પાયાનાં – સ્થાયી મૂલ્યો દેશ-કાળ-સંપ્રદાય-જાતિ વગેરેના કોઈપણ જાતના ભેદભાવ વિના સૌ કોઈના જીવનને સાર્થક સત્યપૂત અને શ્રેયસ્કર બનાવે છે. કોઈપણ માણસના મનનું ઘડતર, એનો ઉછેર ભલે ગમે તેવી શારીરિક, સામાજિક આર્થિક પરિસ્થિતિમાં થયેલ હોય એના જીવનનાં પાયાનાં મૂલ્યો તો લગભગ એકસરખાં જ હોય છે. જો ફેર હોય તો એણે કરેલ ‘મૂલ્ય’ના અર્થ બાબતે જ હોય છે અને તેથી એની પસંદગીનું પ્રમાણ કે એનો ક્રમ અલગ હોઈ શકે, પણ એનો આદર્શ અને એનું સત્ત્વ તો એક જ હોય છે.
આ શાશ્વત મૂલ્યો ઉપનિષદના આચાર્યોપદેશમાં, ગીતાના ૧૩/૭-૧૧માં, મહાત્મા ગાંધીના અગિયાર વ્રતોમાં, મનુસ્મૃતિમાં, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં, ભગવાન બુદ્ધ-મહાવીરના પંચશીલમાં, રામાયણ-મહાભારતમાં આપણા સંવિધાનના આમુખમાં અને વિશ્વના મહાત્મા મનીષીઓનાં કથન-કવનમાં દર્શાવ્યાં છે, જે સર્વ કલ્યાણવાંછુઓને એકસરખી રીતે સંગૃહણીય થયાં છે. સંખ્યાની દૃષ્ટિએ એ મૂલ્યોમાં ઓછાવત્તાપણું કે અલગપણું અવશ્ય છે, પણ એક વાત તો ચોક્કસ જ છે કે એ મૂલ્યો સ્થાયી છે, લગભગ સરખેસરખાં છે, અને ‘પ્રેયસ્’ કરતાં ‘શ્રેયસ્’ તરફ જ દોરી જનારાં છે. સંખ્યાભેદ કે પ્રાથમિકતા તો મનુષ્યની રસ, રુચિ, વલણ કક્ષા અને યુગપ્રભાવ પર આધાર રાખે છે. આ સ્થાયી મૂલ્યો આમ તો સર્વકાલીન છે, એની પ્રસ્તુતતા પુરાણી થતી નથી. સવાલ માત્ર પસંદગીની પ્રાથમિકતાનો રહે છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ વગેરે આવાં મૂલ્યો છે.
આ મૂલ્યોની પ્રવર્તમાન માંગને લક્ષમાં રાખીને કેન્દ્રની નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન, રિસર્ચ ઍેન્ડ ટ્રેઈનીંગ (NCERT) સંસ્થાએ પેલાં પુરાણાં જીવનમૂલ્યોમાંથી જ ઊગેલાં દસેક આનુષંગિક મૂલ્યોની તારવણી કરી છે : એ તરફ પણ એક નજર નાખી લઈએ- એ દસ મૂલ્યો આ પ્રમાણે છે : (૧) આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી; (૨) લોકશાહી જીવનપદ્ધતિ, (૩) સામાજિક સમાનતા, (૪) વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, (૫) સર્વધર્મસમભાવ, (૬) પર્યાવરણ સુરક્ષા, (૭) સ્ત્રીપુરુષ સમાનતા, (૮) સામાજિક સંવાદિતા, (૯) પરિશ્રમ અને (૧૦) કુટુંબકલ્યાણ બનતી જતી ઘટનાઓ સાથે પાયાનાં મૂલ્યોની એકવાક્યતા સાધવાનું જ એ પરિણામ છે.
અહીં એક વાત સ્પષ્ટ કરી દેવાની ખાસ જરૂર છે. ઘણી વખત વ્યાવહારિક મૂલ્ય કે શિષ્ટાચારને પારમાર્થિક મૂલ્ય તરીકે ખપાવવાની ઘણા લોકો ભૂલ કરી બેસે છે. પારમાર્થિક મૂલ્યો તો મનનો એક સ્થિતિવિશેષ છે, જ્યારે વ્યાવહારિક મૂલ્યો શિષ્ટાચાર કે સદાચાર તો બાહ્ય છે, આંતરિક મનોભાવની અભિવ્યક્તિ એનાથી કરવાનું શક્ય બને છે ખરું, છતાં ઘણી વખત એ સત્ત્વહીન ઔપચારિક્તામાં કેવળ અભિનયમાં પણ સરી પડવાનો સંભવ છે એવું બને છે ખરું કે કોઈ બનેલી કે બનતી ઘટનાની પાશ્વભૂમિમાં કોઈ પાયાનું મૂલ્ય નવે વેશે રહીને એ ઘટનાને મૂલ્યના ઓપવાળી બનાવી દેતું હોય! વ્યાવહારિક રિવાજો અને આચારોમાં આવું કોઈકવાર નજરે પડે છે પણ એ આચારો પ્રમાણમાં પરિવર્તનશીલ હોય છે. પાયાનાં મૂલ્યોની આનુષંગિક નીપજ વ્યાવહારિક મૂલ્ય હોઈ શકે છે.
વળી, એ સપાટી પરનાં વ્યાવહારિક મૂલ્યો પણ જીવનને શોભા આપે છે. જેમ કોઈ વૃક્ષ પત્ર-પુષ્પ-ફળથી શોભે છે. તેવી રીતે આ વ્યાવહારિક મૂલ્યો જીવનને જરૂર શોભાવે છે. જેમ દરવરસે વૃક્ષમાં પત્ર-પુષ્પ-ફૂલ-ફળો વસંતમાં આવે છે અને પાનખરમાં ખરી જઈને બીજે વરસે પણ પોતાનો એવો જ ક્રમ જાળવી રાખે છે તેમ સમયે સમયે દેશ-કાળ-પાત્ર-અપાત્રમાં આવાં મૂલ્યો પરિવર્તિત થયા કરે છે.
આનો અર્થ એ થયો કે પાયાનાં – પારમાર્થિક મૂલ્યો ત્રિકાલાબાધિત છે, જ્યારે વ્યાવહારિક મૂલ્યોમાં એક દેશનું મૂલ્ય બીજા દેશમાં મૂલ્ય ન પણ ગણાતું હોય, આજનું મૂલ્ય કાલે મૂલ્ય ન પણ ગણાતું હોય, એકને માટેનું મૂલ્ય બીજા માટે મૂલ્ય ન પણ હોય. આવી બધી મર્યાદા પેલાં પાયાનાં સત્ય, અહિંસા અસ્તેય વગેરેને નડતી નથી. વૃક્ષનાં પત્ર-ફૂલ-ફળ ભલે પ્રતિવર્ષ પરિવર્તિત થતાં રહે પણ એનું મૂળ તો સાબૂત જ – એક જ – ત્રણે ઋતુમાં અડિખમ હોય છે ને! જો એ મૂળમાં ઘા પડે – જો પાયાનાં પારમાર્થિક મૂલ્યોમાં ઘા પડે તો તો જીવનવૃક્ષ ધ્વસ્ત જ થઈ જાય! ગમે તે દેશ-કાળ-પાત્ર-અપાત્રમાં આ પંચશીલની પારમાર્થિકતા જ જીવનની સંજીવની છે.
આપણાં શાસ્ત્રોમાં આ મૂલ્યોના બે પ્રકારો કહ્યા છે : એક છે ‘અભ્યુદય’ અને બીજો છે ‘નિ:શ્રેયસ્’. એ અનુક્રમે વ્યાવહારિક અને પારમાર્થિક શબ્દોના જ અનુવાદ છે. પહેલા પ્રકારને ‘પ્રેયસ્’ કહે છે અને બીજા પ્રકારને ‘શ્રેયસ્’ કહે છે. ઉપર આ બંનેનો ભેદ-લાક્ષણિકતા – બતાવેલ છે. પહેલો પ્રકાર પ્રાસંગિક છે, બીજો શાશ્વત છે. જ્યારે કોઈ પ્રસંગે પ્રાસંગિક અને શાશ્વત મૂલ્યોમાંથી પસંદગી કરવાની હોય, ત્યારે પારમાર્થિક મૂલ્યને જ પ્રથમ પસંદગી આપવી જોઈએ એવો સામાન્ય ખ્યાલ છે. કારણ કે જેવી રીતે વૃક્ષનું સમગ્ર પોષકત્વ મૂળ ઉપર જ આધારિત છે, તેવી જ રીતે શાશ્વત મૂલ્યો પર જ વ્યાવહારિક મૂલ્યો આધારિત છે.
ઘણી વખત સમાનકક્ષાનાં બે વ્યાવહારિક મૂલ્યો ટકરાવવાના પ્રસંગો જોવા મળે છે. ત્યારે ક્યા મૂલ્યને પસંદગી આપવી? ‘गहना कर्मणो गतिः’ એમ કહીને શાસ્ત્રોએ આ પસંદગીની મૂંઝવણ વ્યક્ત કરી છે બે વચ્ચેનું તારતમ્ય- લાઘવ – ગૌરવ તારવવું ઘણું કઠિન થઈ પડે છે. મૂલ્યો ટકરાય નહિ ત્યારે તો જીવન સરળતાથી ચાલે પણ વિષમ સંસારમાં સર્વકાલે સર્વત્ર તો એવું બનતું નથી. અવારનવાર બે સમકક્ષી વ્યાવહારિક મૂલ્યો ટકરાયા જ કરે છે. માતૃપ્રેમ અને પિતૃ આજ્ઞાનાં બે મૂલ્યો પરશુરામના જીવનમાં ટકરાયાં, એ જ બે મૂલ્યો પેલા ચિરકારીના જીવનમાં પણ ટકરાયાં, સ્વજનવધ અને ક્ષાત્રધર્મનાં બે મૂલ્યો અર્જુનના જીવનમાં ટકરાયાં; ભ્રાતૃવધ અને પોતાની પ્રતિજ્ઞાના બે મૂલ્યો અર્જુનના જીવનમાં ટકરાયાં આવા વ્યાવહારિક મૂલ્યોના ટકરાવનાં તો આપણાં પુરાણો અને મહાકાવ્યોમાં અનેકાનેક ઉદાહરણો મળે છે. આવે વખતે જે જે વ્યક્તિ ઉપર જે જે ધર્મસંકટ ઉકેલવાની જવાબદારી આવી, તે તે વ્યક્તિએ પોતાની સૂઝબૂઝ અને દેશકાલજન્ય પરિસ્થિતિ તેમજ પોતાના સ્વભાવને અનુકૂળ નિર્ણયો લીધા છે.
અહીં એક વાત ખૂબ જ મહત્ત્વની છે. તે એ કે ઉપરની તે તે વ્યક્તિએ પોતાના કાર્યને કોઈનું કોઈક મૂલ્ય – વ્યાવહારિક મૂલ્ય આપ્યું તો છે જ. ભલે એ એમની ક્રિયા આજે વર્તમાનમાં આપણને અયોગ્ય જણાતી હોય પણ તે તે વ્યક્તિની તે તે ક્રિયામાં કેવળ વ્યક્તિનિષ્ઠ સહજવૃત્તિજન્ય પશુપ્રવૃત્તિ તો આપણને સ્વપ્નમાં પણ દેખાશે નહિ. કારણ કે એ દરેકે પોતાના કાર્ય માટે આપણી સમક્ષ એક નિ:સ્વાર્થ જીવનમૂલ્ય તો ધર્યું જ છે. વ્યાવહારિક મૂલ્યો દેશકાલાદિ સાપેક્ષ પરિવર્તનશીલ છે અને એટલે આપણે એ પસંદ કરતા નથી, એ વાત જુદી જ છે.
ઉપરનો આ નિયમ – આંતરિક બુદ્ધિ અને દેશકાલાદિ વિચાર- તો બધાં જ વ્યાવહારિક મૂલ્યોમાં – શૌર્ય, ધૈર્ય, દયા, શીલ, મૈત્રી, સમતા- બધામાં જ લાગુ પાડવો જોઈએ. દેશાચાર અને કુલાચારનો પણ એ જ માપદંડ છે. ગાંધીજી કહેતા : રિવાજના કૂવામાં તરવું જોઈએ, પણ એમાં ડૂબી ન જવાય.’
આવા ધર્મસંકટ – મૂલ્યસંકટના સમયે દેશ-કાળ-પાત્ર-અપાત્ર પરિસ્થિતિની પરવા કર્યા વગર, મૂલ્ય તરફ નજર નાખ્યા વગર જ કેવળ વ્યક્તિગત લાભ માટે ખોટા સ્વબચાવની દલીલો દ્વારા અનુકૂલન પ્રયુક્તિ આપણાથી ન યોજાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું ઘટે, નહિતર તો એ આત્મપ્રતારણા જ થશે.
મૂલ્યોની ટક્કર વખતે દેશકાલાદિના વિચાર ઉપરાંત બેય મૂલ્યોના તારતમ્યની – ગૌરવલાઘવની વિચારણા પણ કરવી જોઈએ. મૂલ્યોમાં પણ ચડતો-ઉતરતો ક્રમ હોય છે. બે મૂલ્યોમાં જે વધુ ચડિયાતું મૂલ્ય હોય તેને પસંદ કરવું જોઈએ. પણ આ તારતમ્ય નક્કી કરવા માટે શેની મદદ લેવી જોઈએ? જવાબ આમ આપી શકાય કે જે મૂલ્યનો પરિઘ મોટો હોય, વ્યાપ વધુ હોય, બહુજનને સ્પર્શતો હોય, સમાજધારણમાં સહાયક થતો હોય, સર્વજન નહિ તોયે બહુજન સ્વીકૃત હોય, જે મૂલ્ય આપણને વ્યાવહારિક સ્તર પરથી ઊર્ધ્વ આધ્યાત્મ તરફ લઈ જવામાં ટેકો આપતું હોય, તે મૂલ્યને પહેલી પસંદગી આપવી. આ ઊર્ધ્વગામિતા મૂલ્યપસંદગીની ગુરુચાવી છે… સ્વજનપ્રેમ અને ક્ષાત્રધર્મનાં બે મૂલ્યોની ટક્કર જ્યારે અર્જુનના જીવનમાં થઈ, ત્યારે શ્રીકૃષ્ણે આ ફૂટપટ્ટીથી જ બંને મૂલ્યોને માપીને અર્જુનને ક્ષાત્રધર્મની પસંદગી કરાવી હતી. અલબત્ત, એમાં મનોવિજ્ઞાન અને બીજું ઘણું પણ ભળ્યું હતું.
એક વાત અહીં ધ્યાન રાખવા યોગ્ય છે. તે એ કે સમયે સમયે ઊભાં થતાં, કે પરિવર્તન પામતાં આ વ્યાવહારિક મૂલ્યો પૂર્વોક્ત સત્ય-અહિંસાદિ સ્થાયી અને અંત:સ્થ મૂલ્યો પર આઘાત કરે એવાં ન હોવાં જોઈએ. જેટલે અંશે આ મૂલ્યો એ સ્થાયી મૂલ્યોને અનુકૂળ હશે એટલે અંશે એની આવરદા વધશે. આ વ્યાવહારિક મૂલ્યોને આપણે ‘યુગધર્મ’ એવું નામ આપી શકીએ.
બે યુગધર્મોની ટક્કર અને કોઈ યુગધર્મ સાથે શાશ્વતધર્મની ટક્કર વખતે શો નિર્ણય લેવો, એની વાત આપણે કરી ગયા. છતાં એની બધી સમસ્યાઓને ઉકેલવાનો દાવો કોઈએ કર્યો નથી ઊલટું કૃષ્ણ ભગવાન પણ કહી ઊઠે છે કે : ‘किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः’– ‘શું કરવું ને શું ન કરવું એ બાબતમાં મનીષીઓ પણ મુંઝાયેલા હોય છે અને છતાં કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતોની તો જરૂર છે જ કારણ કે વિકસિત મૂલ્યોનો સમુચ્ચય એટલે જ માનવ્ય – માણસાઈ કહેવાય ‘धर्मो हि तेषामधिको विशेषः’ – એમ કહ્યું છે. મનુષ્યેતર પ્રાણીઓમાં મૂલ્યો હોતાં નથી.
અહીં સુધી આપણે વ્યાવહારિક મૂલ્યોની સ્થલકાલ સાપેક્ષ એના તારતમ્યની, એના ટકાઉપણાની, એનાં પસંદગીનાં ધોરણો વગેરેની વાત કરી. હવે એ મૂલ્યોના પ્રમાણમાં જે સ્થાયી મૂલ્યો ગણાય છે એની વાત કરીશું. આ સ્થાયી મૂલ્યો, વ્યાવહારિક મૂલ્યો કરતાં ઘણું જ લાંબુ – હજ્જારો વરસ જીવનારાં, અને આખી માનવજાતને વ્યાપીને રહેલાં હોય છે. વૃક્ષના પત્ર-ફૂલ-ફળાદિ કરતાં એના આધાર સમાં એનાં થડ અને મૂળ વધુ મજબૂત અને ટકાઉ હોય છે. તેવી જ રીતે આ સ્થાયી મૂલ્યો સંસ્કૃતિવૃક્ષનાં થડ-મૂળ જ છે. છતાં પણ એ મૂલ્યોમાં પણ તારતમ્ય-ગૌરવલાઘવ છે જ. થડ કરતાં મૂળ વધારે સ્થાયી છે, તેવું જ અહીં છે. પણ સમગ્ર જગતની પેઠે એની અમરતા પણ – એનું સ્થાયિત્વ પણ કાલસાપેક્ષ જ છે કારણ કે કાલ તો સર્વભક્ષી છે. એટલું ચોક્કસ કે વ્યાવહારિક મૂલ્યોની અપેક્ષાએ આ મૂલ્યો હજારો વરસ બલકે સંસ્કૃતિ રહે ત્યાં સુધી અમર રહેવાનાં.
મનુષ્યનો સામાન્ય વ્યવહાર તો તે તે કાળમાં અને સમાજમાં સ્વીકારાતાં વ્યાવહારિક મૂલ્યોથી ચાલ્યા કરે છે. પણ પોતાની સંસ્કૃતિએ પ્રસ્થાપિત કરેલાં સ્થાયી મૂલ્યો સાથે જ્યારે વ્યાવહારિક મૂલ્ય ટકરાય છે, ત્યારે ભારે વિષમ પરિસ્થિતિ સર્જાય છે. દા.ત. અહિંસા, ક્ષમા, શાંતિ, દયા વગેરેને આપણી સંસ્કૃતિએ સ્થાયી મૂલ્યો ગણ્યાં છે પણ કોઈ આતતાયી સામો આવે તો? પોતાનો એનાથી જીવ જતો હોય તો? આત્મરક્ષણાર્થે આજ્ઞા છે કે हन्यादेवातताचितम् – એવા આતતાયીને ખતમ જ કરી નાખવો. યજ્ઞમાં થતી હિંસાને પણ માન્યતા અપાઈ છે! આવા અપવાદો શાસ્ત્રોએ બતાવ્યા છે ખરા! આ અપવાદોને પૂર્વમીમાંસકોએ ‘પરિસંખ્યાવિધિ’ એવું નામ આપ્યું છે… ‘અસ્તેય’ (ચોરી ન કરવી) અને ‘અપરિગ્રહ’ પણ આવાં જ સ્થાયી મૂલ્યો આપણી ત્યાગપ્રધાન સંસ્કૃતિએ ગણાવ્યાં છે. પણ દુષ્કાળ વખતે, જીવ બચાવવા માટે આ મૂલ્યોમાં પણ અપવાદ રાખવો શાસ્ત્ર માન્ય છે.
સ્થાયી મૂલ્યોના આ અપવાદો ‘आपद्द धस्म’ તરીકે ગણાયા છે એનું અપવાદપણું સ્વીકાર્ય છે. પણ મૂલ્યોના એ આદર્શમાં કશો ફેરફાર નથી. વળી આપત્તિ વખતે થયેલા આવા અપવાદોનું પ્રાયશ્ચિત પણ કરવું પડે છે. બે વ્યાવહારિક મૂલ્યોમાંથી એકની પસંદગી વખતે એવું કરવું પડતું નથી. વળી કોઈ પણ બાહ્ય ક્રિયાનું, ક્રિયા તરીકે નહિ, પણ એની પાછળના હેતુથી જ એનું મૂલ્ય અંકાય છે એ નિયમ બંને પ્રકારનાં મૂલ્યોને લાગુ પડે છે જ.
ભારતના ઋષિમુનિઓએ સર્વ મૂલ્યોમાં સત્યને સર્વોત્તમ મૂલ્ય તરીકે સ્થાપ્યું છે. ભારતની રાજમુદ્રામાં ‘सत्यमेव जयते’નું અંકન એનો જ પુરસ્કાર કરે છે. સત્યના આ સનાતન મૂલ્યને પણ ક્યારેક વિષમતાનાં વાદળો ઢાંકી દે છે. ગુંડાના હાથમાંથી નિરપરાધીના જીવનરક્ષણ અર્થે કે આત્મરક્ષણ માટે અસત્યનો આશરો લેવો પડે છે એવે વખતે સત્ય અને પરજીવનરક્ષણ કે સ્વજીવન રક્ષણનાં બે મૂલ્યો ટકરાય છે. ત્યાં જીવનરક્ષણનું મૂલ્ય ચડે છે અને जीवन्नरोभद्रशतानि पश्येत्નું નિર્ધારણ થાય છે – અહીં વિવેકબુદ્ધિની ભારે કપરી કસોટી થાય છે. અંતરાત્માનો અવાજ જ અહીં પ્રમાણભૂત બને છે એ અવાજ સ્પષ્ટ સાચુકલો અને સ્વાર્થગંધહીન હોવો જોઈએ. યુધિષ્ઠિર જેવા આજીવન સત્યોપાસક પણ ધર્મસંકટમાં સપડાય છે. તેમના સત્યવચનના મૂલ્ય સાથે હજારો નિ:સ્વાર્થી સહાયક – સ્વજનોના જીવનરક્ષણનું મૂલ્ય ટકરાય છે અને તેઓ અસત્યથી યે અધમ અર્ધસત્ય બોલી બેસે છે! એની અનિવાર્ય સજા તો એમણે રથની નિમ્નગતિ અને નરકદર્શનના રૂપમાં ભોગવવી જ પડે છે!
ઘણી વખત મૂલ્યહીન સાધનથી મૂલ્યરક્ષણ થતું દેખાય છે. ઝેર ઝેરને મારે એવું દેખાય છે. સાધનની શુદ્ધિના પરમ હિમાયતી મહાત્મા ગાંધીને એ સાવ અસ્વીકાર્ય છે પણ આનંદશંકર ધ્રુવ જેવા ચિંતકો એને ઈશ્વરની અદ્ભુત પાયોદ્ભાવક શક્તિ તરીકે ગણે છે.
મૂલ્યોના સ્થાયિત્વની કસોટીનો સ્વામી વિવેકાનંદે આપેલો માનદંડ જુઓ: ‘आत्मनो मोक्षार्थं जगत् हिताय च।’ અહીં કેવળ ભૌતિક સુખને નિવારવા ‘હિત’ (કલ્યાણ) શબ્દ કેવો અર્થવાહી છે! વળી સ્વામીજીએ આ બંનેને સમાંતરે મૂકીને બંનેના અદ્વૈતની કેવી સુંદર વ્યંજના ખડી કરી છે! અને સાથોસાથ એ પણ સૂચન કર્યું છે કે મોક્ષ (આત્મકલ્યાણ)ના ભોગે બહુજનહિત ન થાય!
આધ્યાત્મિક પૂર્ણતાની પ્રાપ્તિ વગર કોઈ માનવ આવાં સ્થાયી મૂલ્યો અને એના માનદંડો સ્થાપી ન શકે અને આ આધ્યાત્મિક પૂર્ણતા એટલે સર્વ જગતને પોતામાં જોવાની અને પોતાને સર્વ જગતમાં જોવાની દૃષ્ટિ મેળવવી. આવી દૃષ્ટિ પ્રાપ્ત કરનાર ઉપનિષદોના – ઋષિમુનિઓ, અવતારો, યુગપુરુષો કૃષ્ણ, જનક, વ્યાસ આદિ બધા આવા હતા. વ્યાવહારિક મૂલ્યોની સ્થાપનાની વાત મનુ, યાજ્ઞવલ્ક્ય પરાશરાદિને ફાળે જાય છે.
પ્રત્યેક વ્યક્તિ અંતરાત્માની પ્રેરણાથી પોતાના મનને પરિષ્કૃત કરીને મૂલ્યનિષ્ઠ બનાવે અને તે અનુસાર પોતાનું વર્તન-પરિવર્તન સાધે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ‘મુજ જીવનપંથ ઉજાળ!’ અને – હે પ્રભુ!
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા;
તું હીણો હું છું તો તુજ દરશના દાન દઈ જા!
Your Content Goes Here




