શ્રીરામકૃષ્ણ મઠ નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી રંગનાથાનંદજીના પ્રશ્નોત્તરીના કાર્યક્રમના ‘જિજ્ઞાસા ઔર બોધ’નામે પ્રસિદ્ધ થયેલા હિંદી પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
૧૯૮૨માં શ્રીરામકૃષ્ણ મઠના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજીની ત્રણ સપ્તાહ સુધી પોતાની વાર્ષિક વ્યાખ્યાનયાત્રા દરમિયાન વિવેકાનંદ સોસાયટી-શિકાગોના અધ્યક્ષ સ્વામી ભાષ્યાનંદના અનુરોધથી ૯૦ મિનિટનું એક પ્રશ્નોત્તર-સત્ર યોજાયું હતું. એ પ્રશ્નોત્તરીની નોંધ અહીં રજૂ કરીએ છીએ.
એક મહિલા : પોતાના કર્તવ્યનું પાલન, પછી ભલે એ સાવ સાધારણ કર્તવ્ય કેમ ન હોય એ કોઈ પણ બીજા કાર્ય કરતાં મહાન છે. પોતાના કર્તવ્ય પાલન માટે મરવું એ જીવન છે અને બીજાના કાર્યમાં મરવું એ મૃત્યુ છે. મને આ વાત પર હંમેશાં આશ્ચર્ય થાય છે કે શું પશ્ચિમની કોઈ વ્યક્તિ વાસ્તવિક રીતે હિંદુ બની શકે ખરી? શું વેદાંત દર્શન પ્રમાણે પશ્ચિમની કોઈ વ્યક્તિનું હિંદુધર્મમાં ધર્માંતરણ સંભવ છે?
સ્વામી રંગનાથાનંદજી : પ્રશ્ન માટે ધન્યવાદ. આ પ્રશ્નના ઉત્તર બે દૃષ્ટિકોણથી આપી શકાય. આ હજારો વર્ષોમાં સામાન્યત : હિંદુધર્મમાં બહુ ઓછા પ્રમાણમાં અથવા નહિવત્ ધર્માંતરણ થયું છે. ‘હિંદુધર્મ’ શબ્દનું અસ્તિત્વ પણ ૧૭મી સદીના મોગલકાળ સુધી હતું નહીં. એને સનાતનધર્મ કે શાશ્વતધર્મના રૂપે ગણવામાં આવતો હતો. દક્ષિણપૂર્વએશિયાના દેશો અને અન્ય દેશોમાં લોકો કેવળ ‘અમે હિંદુ છીએ’ એમ કહે છે. અને તેઓ હિંદુ સાંસ્કૃતિક, આધ્યાત્મિક વિધિઓને અપનાવી લે છે. આ રીતે કોઈપણ જાતની સક્રિય ગતિવિધિ કે બળપૂર્વક ધર્માંતરણનો પ્રયાસ કર્યા વિના હિંદુધર્મનો પ્રચાર પ્રસાર થતો રહ્યો છે. આજે ભારતમાં ઘણી હિંદુ પ્રતિનિધિ સંસ્થાઓ છે, જે ગેરહિંદુઓનું ધર્માંતરણ કરે છે કે જે હિંદુધર્મમાં આવવા ઈચ્છે છે. અમે બધા ધર્મોને સત્ય માનીએ છીએ. તથા કોઈપણ ધર્મ આપને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે, એટલા માટે રામકૃષ્ણ સંઘ આ કાર્ય કરતું નથી. પરંતુ જે કોઈ કહે કે ‘હું હિંદુ છું’ તો અમે એનો સ્વીકાર કરીએ છીએ અને એમની સાથે હિંદુઓની જેમ વહેવાર કરીએ છીએ. એવા લોકો માટે કોઈ બેપ્ટિઝમ (દીક્ષા) જેવાં અનુષ્ઠાનનું આયોજન નથી. તેઓ કેવળ એટલું કહે છે કે ‘અમે હિંદુધર્મને ચાહીએ છીએ અને એનું પાલન કરીએ છીએ.’ એ સિવાય બીજું કંઈ નહીં. રામકૃષ્ણસંઘ આ વિશે આટલું જ કરે છે, પણ કેટલીક હિંદુ સંસ્થાઓ છે જે આવા લોકોને ધર્માંતરણ કરાવે છે. આવા લોકો અનેક આકર્ષણો વિશેષ કરીને આર્થિક પ્રલોભનોને કારણે હિંદુધર્મની બહાર ચાલ્યા ગયા અને વિશેષ કરીને ઇસાઇ ધર્મમતોમાં સામેલ થઈ ગયા હતા, પરંતુ હવે વળી પાછા એ લોકો હિંદુધર્મમાં પાછા ફરવા માંગે છે. એટલે હિંદુધર્મ આ વિશે પોતાની નીતિ એટલે બદલી રહ્યો છે કે જેથી આજકાલ એના પર અનેક પ્રચારક ધર્મો દ્વારા એવું અતિક્રમણ થઈ રહ્યું છે કે જે ભારતીય ઉપમહાદ્વીપમાં સમન્વયના ભાવ માટે અનર્થકારી પરિણામવાળું બનીને ક્રિયાશીલ છે. એટલા માટે ભૂતકાળમાં હિંદુધર્મની બહાર ચાલ્યા ગયેલા લોકોના ધર્માંતરણ માટે નવાં આંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ આ બધું સમજાવીને થઈ રહ્યું છે અને અનેક લોકો કોઈપણ જાતના આર્થિક પ્રલોભન વિના પાછા હિંદુધર્મમાં આવી રહ્યા છે.
હિંદુધર્માંતરણની આજની આ સ્થિતિ છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની જાતને હિંદુ કહે તો અમે એનો સ્વીકાર કરીએ છીએ. રામકૃષ્ણસંઘ વિશે આ જ વાત સત્ય છે. વાસ્તવિક રીતે ‘હિંદુ’ શબ્દનો કોઈ અર્થ નથી. વિશેષત : એટલા માટે કે એ શબ્દ હિંદુઓ દ્વારા અસ્તિત્વમાં નથી આવ્યો. વળી કોઈ હિંદુધર્મગ્રંથોમાં તેનો ઉલ્લેખ નથી. આ શબ્દ સંજોગવશાત્ અસ્તિત્વમાં આવ્યો છે. સૌથી પહેલાં તો એ કેવળ એક વિશેષ ક્ષેત્રનું નામ હતું. જે લોકો સિંધુ નદીની પૂર્વે વસ્યા હતા એમને ફારસવાસીઓએ (પર્શ્યનોએ) હિંદુ કહ્યા. હું જ્યારે સ્પેન ગયો હતો ત્યારે ત્યાંના લોકોએ કહ્યું, ‘ઇન્ડિયન’ શબ્દનો પ્રયોગ ન કરતા. કારણ કે અમારા માટે ઇન્ડિયન શબ્દનો અર્થ છે રેડઇન્ડિયન. તમે પોતે પોતાને હિંદુ કહો; અમે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી આ બધાંને હિંદુના રૂપે સમજીએ છીએ. લગભગ ૧૦૦ વર્ષ પહેલાંના સમય સુધી આ દેશ મુસલમાન શાસકો દ્વારા પણ હિંદુસ્તાનના નામે ઓળખાતો હતો. એનું કારણ એ છે કે હિંદુ શબ્દ એક વિશેષ ક્ષેત્ર સાથે સંબંધ સંદર્ભ ધરાવે છે. હિંદુઓએ પોતે પોતાના ધર્મને હિંદુ ધર્મ કે અન્ય કોઈ નામ આપ્યું નથી. પરંતુ એને સનાતન ધર્મ યા શાશ્વતધર્મ કહ્યો હતો. એમાં એક સામાન્ય આધ્યાત્મિકતાના માધ્યમથી ઘણા ધર્મોની સંઘાત્મકતા છે.
હિંદુધર્મનો મૂળ સ્વભાવ આ જ રહ્યો છે કે જેના દ્વારા વિશ્વના બધા ધર્મોને વેદાંતે આપેલી એકતાના સૂત્રોમાં પરોવી શકાય. એનાથી એમના દ્વારા પ્રત્યેકની સ્વતંત્રતા જળવાઈ રહે છે. યુગોથી ભારતની આ જ ધારણા રહી છે. પરંતુ ભારતના દલિત વર્ગના લોકોના ધર્માંતરણ માટે બધા ઉપાયો અપનાવવાવાળા અને પોતાના રાજનૈતિક આધારને સુદૃઢ કરવા ધર્માંતરણ કરનારા અત્યંત ઉગ્ર પ્રચારક ધર્મોના દબાવમાં આ આધુનિક ભારતને કેટલાંક આંદોલનનો પ્રારંભ કરવો પડ્યો. આ આંદોલનો લોકોને ફરીથી હિંદુધર્મમાં લાવવાના પ્રયોજનથી શરૂ થયાં. એનું કારણ એ હતું કે હિંદુધર્મમાં અત્યાર સુધી કેવળ બહાર જવાનો જ માર્ગ હતો, અંદર આવવાનો નહીં. આધુનિક કાળમાં આ સ્થિતિ ભયંકર લાગી. આ પરિવર્તન ભારતનું સ્વરૂપ જ બદલી નાખશે.
હિંદુધર્મ સ્વતંત્રતાનો પક્ષધર છે. પ્રત્યેક સમુદાયને અતિઅધિક સ્વતંત્રતા આપવાનો પક્ષધર. ધારો કે ધર્માંતર કરવાવાળા ધર્મોમાંથી કોઈ એક પ્રચારકધર્મ ભારતમાં શક્તિશાળી અને બધા પર છવાઈ જાય અને પ્રચલિત બની જાય તો તે પ્રાચીન ભારત સમાપ્ત થઈ જશે, એ વાતાવરણ નષ્ટ થઈ જશે કારણ કે આવી વાત બીજા કોઈ ધર્મમાં જોવા મળતી નથી. એવો દૃષ્ટિકોણ બીજા કોઈ દેશમાં પણ નથી; આવી સ્વીકૃતિ, આવી સહિષ્ણુતા અને પ્રત્યેક ધર્મ પ્રત્યે આવો આદરનો ભાવ તથા ભારતમાં એ જ પ્રગતિશીલ હિંદુ દૃષ્ટિકોણ નષ્ટ થઈ જાય અને એ પ્રાચીન ભારત પણ સમાપ્ત થઈ જાય.
વળી કોઈ એવું નહીં ઈચ્છે કે જો એવું થાય છે તો એને કારણે આ જગત વધુ દીન બની જશે. અન્ય કોઈ ધર્મ એનું અનોખું સ્થાન નહીં લઈ શકે. એટલે જે લોકો બહાર ચાલ્યા ગયા હતા એમને પાછા લાવવા માટે નવાં હિંદુ આંદોલનો વિકસી રહ્યાં છે. પરંતુ આ બધું કેવળ આગ્રહના શાંતિપૂર્ણ ઉપાય દ્વારા કે સમજાવીને થઈ રહ્યું છે કે ‘ત્રણ પેઢી પૂર્વે તમે બધા હિંદુ હતા. જો એ તમને સારું લાગતું હોય તો તમે એમાં ફરીથી આવી શકો છો.’ મને અનેક લોકો કહે છે કે તેઓ આ પ્રકારનાં કાર્યો કરી રહ્યા છે. ભારતમાં હિંદુધર્મ પ્રત્યે ધર્માંતરણ વિશે અત્યારે આ જ થઈ રહ્યું છે.
Your Content Goes Here




